Gujaratilexicon

છરા હજી પણ છે શરીરમાં, વેદના હજી પણ છે જીવનમાં… ત્રીજી વરસી – અમદાવાદ બ્લાસ્ટ

July 26 2011
Gujaratilexicon

૨૬ જુલાઈ ૨૦૦૮નો એ ગોઝારો દિવસ અમદાવાદના નગરજનો ક્યારેય નહીં ભૂલી શકે. સાંજ પડતાં જ એક પછી એક વિસ્તારમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ શરૃ થયા હતા. આ કરુણાંતિકાની પરાકાષ્ટા તો એ હતી કે લોહીતરસ્યા નરાધમોએ હોસ્પિટલ જેવા પવિત્ર સ્થળે પણ વિસ્ફોટ કરી દર્દથી કણસતા દર્દીઓ ડોકટરોના જીવ લીધા હતા. ‘માનવતા’ શબ્દના લીરેલીરાં ઉડાડીને હેવાનોએ સિવિલ હોસ્પિટલમાં કરેલા બ્લાસ્ટમાં ૨૫થી વધુના ફુરચે ફુરચે ઊડી ગયા હતા, જેમાં માસૂમ બાળકો પણ હતાં.

જ્યાં જુઓ ત્યાં આક્રંદ, મરણચીસો , ધુમાડા, લોહીના છૂટતા ફુવારા અને અહીંતહીં ઊડી ગયેલા ક્ષતવિક્ષત અંગોના ટુકડાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા. આ દારુણ ઘટના દરમ્યાન સંતોષ લેવો હોય તો એ વાતનો લઈ શકાય કે આવી સ્થિતિમાં પણ એક માણસ બીજા માણસની મદદે દોડયો હતો. છતાં કેટલાકને વસવસો છે કે તેઓ હજી પણ વધુ મદદ કરી શક્યા હોત. ત્રણ વર્ષ પહેલાં ૨૬મીએ ટ્રોમા વોર્ડમાં જ્યાં લોહીની નદી વહી હતી ત્યાં આજે 26મી જુલાઈ 2011 ના રોજ વાતાવરણ સ્વસ્થ છે.  હા, ફક્ત ફરક એટલો છે કે વરસાદના કારણે લોહીની જગ્યાએ ક્યાંક પાણી વહેતું જોવા મળે છે. આ દર્દનાક દિવસની યાદ આજે પણ તાજી છે.

દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કુટુંબીજનોને પોતાના સ્વજનની ખોટ સાલે છે. કેટલાંકના ઘરના મોભી મૃત્યુ પામતાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. કેટલાક અપંગ થઈ જતાં જીવન દુષ્કર બન્યું છે. પ્રારંભમાં મળેલી સહાય અને મદદે દોડતી આવેલી સંસ્થાઓનું આશ્વાસન ઓસરવા માંડયું છે. નરી કઠોર વાસ્તવિકતા સામે આવીને ઊભી છે. અમદાવાદ પોતાના બાહોશ અને સાહસી સ્વભાવના કારણે ફરી પાછું તેના સ્વભાવે રંગાઈ ગયું છે. સમયનું ચક્ર ઝડપથી ત્રણ વર્ષ ફરી ગયું તેમ છતાં નજરે જોનારાઓને અને ખોનારાઓને તો હજુ પણ આ ઘટના ગઈ કાલની જ લાગે છે. કારણકે ‘છરા (છરાના ઘા) હજી પણ છે શરીરમાં, વેદના હજી પણ છે જીવનમાં’.

અમદાવાદની 26 જુલાઈ, મુંબઈની 12 માર્ચ 1993, 11 જુલાઈ 2006 અને 26 નવેમ્બર 2008 જેવી તારીખો ફરીવાર આવા ગોઝારા દિવસ તરીકે યાદ ન રખાય તે આપણે યાદ રાખવું જોઈએ. હુમલા કરવા આતંકવાદીઓની આદત બની ગઈ છે ત્યારે હિંમત અને જુસ્સો રાખીને એ હુમલાઓને ભૂલીને સામાન્ય જીવન જીવવાની ખોટી આદત આપણી બની ગઈ છે. જો તેમના હુમલાઓની આદત બદલવી હશે તો આપણે પણ આપણી આદત બદલવી જ પડશે. કારણકે ભારત સરકાર પાસેથી અપેક્ષા રાખવી એટલે જાણે ભિખારી પાસે જ ભિખ માંગવી તેવું થશે. આપણી સરકાર ફક્ત અણ્ણા હજારે તેમ જ બાબા રામદેવના સમર્થકોને ઢીબી શકે ખરી પરંતુ કસાબ જેવા આતંકવાદીઓને પોતે પુત્ર દત્તક લીધો હોય તેમ તેના પર કોઈ કાર્યવાહી ન કરી શકે.

એટલે જો કંઈ કરવું છે કે બદલાવની આશા રાખવી છે તે આપણે જ બદલવું પડશે. માટે આવો બતાવી દઈએ નાપાક લોકોને કે ફક્ત આપણી હિંમત અને જુસ્સો બોમ્બ બ્લાસ્ટને ભૂલાવવા માટે જ નથી જન્મ લેતો. પરંતુ જરૂર પડ્યે ત્યારે અન્યાયની સામે લડીને ન્યાય પણ છીનવી લઈ જાણે છે.

આખરે કંઈ ન કરીએ તો કંઈ નહીં પરંતુ માસૂમ અને નિર્દોષ અમદાવાદીઓ સહિત અન્ય આતંકવાદી હુમલામાં ગુમાવેલા જીવ પાછળ આજે આ ગોઝારા દિવસની તૃતીય વરસીએ તેમને શ્રદ્ધાંજલિ તો અર્પિત કરી જ શકીએ.

જાણો આ શબ્દોનો અંગ્રેજી અર્થ (Gujarati to English)

માનવતા – love for man, humanity

દુષ્કર – difficult, hard, (to do).

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

માર્ચ , 2024

મંગળવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects