Article

Add Your Entry

યોગ એટલે જીવન જીવવાની કલા એમ ટૂંકી વ્યાખ્યામાં મઢી શકાય. યોગ એટલે વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવી. યોગ એ આપણા મહર્ષિઓની સૈકાઓ પુરાણી પારંપારિક સાંસ્કૃતિક ખજાનો છેજે આજે વૈશ્વિક સમાજને ભારત દેશની અમૂલ્ય ભેટ છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને માણસની તંદુરસ્તીની બહોળી વ્યાખ્યા આ પ્રમાણે કરી છે :

હૅલ્થ એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ એનો અર્થ એ કે ફક્ત શારીરિક તંદુરસ્તી યા કોઈ શરીરની બિમારી ન હોવી તે તંદુરસ્તીની વ્યાખ્યા અધૂરી છે. આપણા વ્યક્તિત્વના નિખાર માટે આ ત્રણે પાસા ઉપર નિર્ભર છે. આ સંદર્ભમાં સૌએ ભૌતિક સુખ સાધનોની જોડે યોગને પણ જીવનના અવિભાજ્ય સાધન તરીકે જોડવો જરૂરી છે. તબીબી સારવાર અને દવાઓ ઘણી જ ખર્ચાળ થતી જાય છે ત્યારે યોગ એ સામાન્ય માણસ માટે આશીર્વાદ સમાન છે.

નિયમિત યોગનાં આસનો પ્રાણાયામ અને ધ્યાનથી થતા ફાયદાઓ :

શારીરિક ફાયદા

૧. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

૨. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગીનો સંચાર થાય છે, જેથી દિવસ દરમિયાન થાક્યા વિના કાર્ય કરી શકીએ છીએ. સવારની તાજગીની અનુભૂતિ આખા દિવસ દરમિયાન જળવાઈ રહે છે.

૩. શરીરમાં વ્યાપ અબજો કોષોને વધારે પ્રાણવાયુ પ્રાપ્ત થાય છે, જેથી શારીરિક કાર્યક્ષમતામાં વધારો થાય છે.

૪. શરીર વધારે સુડોળ, સ્વસ્થ અને ચપળ બને છે. કપાળ ચમકિલું અને ચહેરો પ્રસન્ન બને છે.

૫. આંત:સ્રાવી ગ્રંથીઓની કાર્યશક્તિમાં સુધારો થાય છે, જેથી શરીરના બધા અવયવો અને શારીરિક તંત્રો પદ્ધતિસર અને સ્વસ્થતાપૂર્વક કાર્યક્ષમ બની રહે છે.

૬. અકાળ વૃદ્ધત્વનાં લક્ષણો ટાળી શકાય તેમજ શરીર અને મનને લાંબી આયુ સુધી સ્વસ્થ, ચપળ અને યુવાસભર રાખી શકાય.

૭. યોગનાં આસનો પીડા અને થાકરહિત છે, તેમજ યોગનો વ્યાયામ કરવા પાછળ કોઈ આર્થિક બોજો ઉદ્ભવતો નથી, જેથી ગરીબ માણસ પણ નિયમિત યોગાભ્યાસ દ્વારા શરીરને તંદુરસ્ત રાખી શકે છે અને તબીબી ખર્ચામાંથી મુક્ત રહી શકે છે.

૮. યોગના નિયમિત અભ્યાસથી મન અને શરીર વચ્ચે તાદાત્મ્યતા યા સંવાદિતતા વધે છે, જેથી મન અને શરીર વચ્ચે સંકલન વધે છે. ઘણી વ્યક્તિઓને ખાસ કરીને યુવાવર્ગને ડ્રગ્સ યા તમાકુની વધુ પડતી આદત થઈ હોય તો નિયમિત યોગાભ્યાસ દ્વારા તે આદતમાંથી બહાર આવી શકે છે.

૯. યોગથી શરીરમાં શ્વસનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પાચનતંત્ર, ચેતાતંત્ર, ઉપર હકારાત્મક અસર થાય છે.

યોગના રોગનિવારક યા ઉપચારિક ફાયદા

૧. નિયમિત યોગાભ્યાસ દ્વારા શરીર અને મન ઉપર સ્વાભાવિક નિયંત્રણ પ્રાપ્ત થાય છે. યોગાભ્યાસથી ત્રિગુણમય મનમાં, તમોગુણ અને રજોગુણનો પ્રભાવ ઘટે છે અને સત્ત્વગુણનો પ્રાદુર્ભાવ થાય છે. આની શરીર અને મનના તનાવ ઉપર હકારાત્મક અસર થાય છે, જેથી તનાવયુક્ત દર્દોના ઇલાજમાં યોગની ઉપચાર પદ્ધતિ અસરકારક પુરવાર થાય છે તેમજ યોગ દ્વારા શરીર અને મન બંનેને નિરોગી રાખી શકાય છે.

૨. યોગના તન અને મન ઉપર હકારાત્મક પ્રભાવને લીધે મનો-શારીરિક દર્દોની સારવારમાં, એક સચોટ ઉપચાર તરીકે કામ કરે છે… તબીબી વિજ્ઞાનમાં એવું જાણવા મળે છે કે લગભગ ૯૦% રોગો પાછળ મનોશારીરિક પરિબળો જવાબદાર છે, જેમાં માનસિક તનાવથી ઉદ્ભવતા રોગોનો પ્રભાવ વધારે હોય છે. તબીબી શાસ્ત્રમાં ડૉક્ટરોએ પણ હવે યોગને એક રોગ નિવારક ઉપચાર તરીકે સ્વીકૃતિ આપી છે.

યોગથી માણસના વ્યક્તિત્વમાં થતા ફાયદા

૧. નિયમિત યોગ પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસથી શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા અને સુખાકારીમાં હકારાત્મક ફેરફાર થાય છે. મનની એકાગ્રશક્તિમાં તીવ્ર વધારો થાય છે, જેથી ઝડપી વાંચનની ક્ષમતા અને ગ્રહણશક્તિમાં અને યાદશક્તિમાં પણ સુધારો થાય છે. વિદ્યાર્થીઓ માટે યોગ દ્વારા આનો મહત્તમ ફાયદો લઈ શકે છે.

૨. માનસિક અને શારીરિક સમતુલા અને સ્વસ્થતાને લીધે, જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ બને છે, જેને લીધે નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મળે છે. હકારાત્મક વિચારોનો પોતાના વિકાસમાં ઘણો મોટો ફાળો આપે છે, તેમજ હકારાત્મક વિચારોના તરંગો તમારા ઘરમાં દિવ્ય શાંતિ અને આનંદનું વાતાવરણ પેદા કરી શકે છે.

૩. પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસથી આંતરિક સુષુપ્ત શક્તિઓ જાગ્રત થાય છે, જે મનુષ્યના અસ્તિત્વને નિખારવામાં મદદરૂપ બને છે. યોગ સાધકમાં જીવનનો દૃષ્ટિકોણ વિશાળ બને છે અને તેનામાં સમત્ત્વ અને સમતાની ભાવના પ્રબળ બને છે.

૪. કૌટુંબિક યા વ્યાવસાય સંબંધી પારસ્પારિક સંચાર હકારાત્મક બને છે, જેમાં સંવાદિતાના સૂર પરોવાયા છે, કૌટુંબિક સંબંધો વધારે સુમેળભર્યા અને માધુર્યસભર બને છે અને વિચારોમાં દ્વેષની ભાવના નિ:શેષ થાય છે.

૫. યોગથી માનસિક તનાવ પ્રતિકારક શક્તિમાં આત્યાંતિક સુધારો અનુભવાય છે, જેથી ધંધામાં યા વ્યવસાયમાં વધતી જતી હરીફાઈમાં પણ તમે દબાણને આસાનીથી પચાવી શકવા સક્ષમ બનો છો, તેમજ ધંધાકીય કે વ્યાવસાયિક પડકારોને સરળતાથી પાર પાડવાનો આત્મવિશ્વાસ કેળવાય છે. વ્યાવસાયિક કુનેહમાં પણ હકારાત્મક સુધારો અનુભવાય છે તેમજ તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.

૬. “યોગ: કર્મશુ કૌશલમ્” મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં વર્ણવ્યું છે કે યોગના અભ્યાસથી, સાધકને તેના કાર્યમાં કૌશલ્યતા તેમજ નિપુણતા સહજતાથી પ્રાપ્ત થાય છે, તે જે કાંઈ કાર્ય કરે તે સ્વસ્થ ચિત્ત અને એકાગ્રતા સાથે કરે છે અને તે કાર્ય કોઈ પણ જાતની ખામી વિનાનું હોય છે. યોગના સાધકે કરેલાં કાર્યોનું પરિણામ પણ હકારાત્મક અને સર્વને લાભદાયી થાય છે.

ઉપસંહાર

આપણી શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે, આપણા વ્યક્તિત્વને નિખારવા, જીવનની દરેક પળને આનંદથી માણવા તેમજ જીવનને સફળ, ફળીભૂત, સઘન અને સંતુષ્ટ બનાવવા યોગ એ સચોટ જડીબુટ્ટી છે. યોગ એ એવું કલ્પવૃક્ષ છે કે જેના શરણમાં જવાથી આપણે કોઈ પણ કાર્યસિદ્ધ કરી શકીએ તેમજ જીવનને પૂર્ણ અને સફળ બનાવી શકાય. માનવ જીવનનું અંતિમ ધ્યેય, વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવી અને વિશ્વને વસુધૈવ કુટુંબકમની સાતત્યતાને ફળીભૂત કરવાનું છે જેને માટે યોગ એ જ માનવધર્મનો સચોટ માર્ગ છે.

(સાભાર : સાધના સાપ્તાહિક, 20 – 06 – 2015, અતુલ પરીખ (ટ્રસ્ટીશ્રી – યોગસાધન આશ્રમ)

Author: Gurjar Upendra Read More...

જિંદગી અત્યંત ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. જિંદગીની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન કરી શકાય. દરેક વ્યક્તિની જિંદગી જુદી અને અનોખી હોય છે. બે જિંદગીની સરખામણી ન થઈ શકે. એકસાથે જીવતા બે માણસની જિંદગી પણ જુદી જુદી હોય છે. જિંદગીની મજા જ એ છે. એક ઝાડનાં બે પાન પણ સરખાં હોતાં નથી. એક છોડનાં બે ફૂલ પણ અલગ અલગ જ હોવાનાં. દરિયાનું એક મોજું બીજા મોજાથી જુદું જ હોવાનું. વાદળ પણ ક્યાં એકસરખાં હોય છે. જિંદગી એટલે જ રોમાંચક છે. કારણ કે એકની જિંદગી બીજાથી જુદી પડે છે. બધાંની જિંદગી એકસરખી હોત તો કદાચ જિંદગીમાં કોઈ થ્રિલ જ ન હોત. મેઘધનુષનો રંગ એક જ હોત તો આપણને ગમત ખરું ? મેઘધનુષ એટલે જ ગમે છે, કારણ કે એમાં અલગ અલગ રંગ હોય છે. જિંદગીના પણ અલગ અલગ રંગ છે. દરેક વ્યક્તિના અલગ અલગ ઢંગ છે. જિંદગીમાં એટલે જ આટલો ઉમંગ છે. જિંદગીના રંગો બદલતા રહે છે. કોઈ એક રંગ કાયમી રહેતો નથી. થોડા થોડા સમયે રંગ ઊડી જાય છે અને એક નવા રંગે જિંદગી રંગાઈ જાય છે.

જિંદગીનો રંગ કાયમ ગુલાબી જ રહે એવું શક્ય નથી. એ ક્યારેક રેડ થાય છે અને ક્યારેક બ્લૂ, ક્યારેક યલો થઈ જાય છે અને ક્યારેક વ્હાઇટ. જિંદગી જ્યારે બ્લેક રંગ ઓઢે ત્યારે આકરું લાગે છે. બ્લેક રંગથી ડરી જાય છે એ અંધારામાં જ રહે છે. બ્લેક રંગને હટાવવો પડે છે. હા, થોડીક મહેનત પડે છે, પણ ધીમે ધીમે હટી જાય છે. પહેલાં થોડોક ભૂરો થાય છે અને પછી ધીમે ધીમે હટે છે. તમારે પછી તમારી ઇચ્છા અને કલ્પનાનો રંગ પૂરવો પડે છે. જિંદગી એટલે રંગોળી બનાવતા રહેવાની કલા. માણસના રંગ પણ બદલતા રહે છે. તમારે માણસના રંગને સ્વીકારવો પડે છે. તમે તમારો રંગ બદલી શકો. કોઈનો રંગ આપણાથી બદલી ન શકાય. તમે જો તમારા રંગનું સન્માન કરતા હોવ તો તમારે બીજાના રંગનો પણ આદર કરવો પડે. ગમે કે ન ગમે, યોગ્ય હોય કે ન હોય, યલો હોય કે પિંક હોય, બ્લેક કે વ્હાઇટ હોય, જે હોય તે સ્વીકારવો પડે.

એક પતિ-પત્ની હતાં. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. સમયની સાથે બધામાં પરિવર્તન આવતું હોય છે. પતિ ધીમે ધીમે બદલતો જતો હતો. બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યા. એક તબક્કે વાત ડિવોર્સ સુધી આવી ગઈ. પત્નીએ કહ્યું કે, મને અંદાજ ન હતો કે તું આટલો બદલી જઈશ. પતિએ દલીલ કરી કે તારી વાત સાચી છે. મને પણ જરાયે અંદાજ ન હતો કે તું જરાયે નહીં બદલે. માણસે સમય મુજબ થોડા થોડા બદલવું જોઈએ. હું બદલ્યો તો મારી સાથે તું કેમ જરાયે ન બદલી ? સમયના બદલાવ સાથે બદલવું અને એડજસ્ટ થવું એ પણ જિંદગીનું એક રહસ્ય જ છે. વાંક તારો છે કે મારો એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે આપણે બેઉ બદલાવને અનુકૂળ થઈ શક્યા નથી.

જિંદગી રસ્તા બદલતી હોય છે. જિંદગી રસ્તા કરી પણ આપતી હોય છે. ઘણી વખત આપણે જ એ રસ્તે જતા હોતા નથી. હવેથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે એવું થઈ જાય પછી આપણે આપણા રસ્તે જતા હોઈએ છીએ ખરાં ? ના, આપણે ત્યાં ને ત્યાં ઊભા રહીએ છીએ. આપણે આપણા રસ્તે જતા પણ નથી અને કોઈને એના રસ્તે જવા પણ નથી દેતા. સાથે રહેવા કરતાં પણ જુદા પડવામાં કદાચ વધુ ‘ગ્રેસ’ની જરૂર પડતી હોય છે. આપણે પકડી રાખીએ છીએ. મુક્ત થવા માટે પહેલાં મુક્ત કરવા પડે છે. તમે પકડી રાખો તો તમે કોઈ દિવસ છૂટી ન શકો. હા, જિંદગીને કમ્પ્યૂટર કે મોબાઇલની જેમ ‘ફોર્મેટ’ કરી શકાતી નથી. કંઈ તદ્દન ઇરેઝ થતું નથી. બ્રેકઅપ બાદ એક છોકરીએ તેની ફ્રેન્ડને કહ્યું કે, “જિંદગી પણ કમ્પ્યૂટર અને મોબાઇલ મારફત ‘ફોર્મેટ’ કરી શકાતી હોત તો કેવું સારું હતું. બધું જ ભૂંસી નાખવાનું. કંઈ જ જૂનું નહીં.” તેની ફ્રેન્ડે કહ્યું, “સાચી વાત એ છે કે જિંદગીને ફોર્મેટ નથી કરી શકાતી. બધું જ જૂનું જિંદગીમાં સ્ટોર થયેલું રહે છે. આમ છતાં માય ડિયર, સ્ક્રીન ઉપર શું રાખવું અને શું લાવવું એ તો આપણા હાથની વાત છેને ? તું તારી જિંદગીની સ્ક્રીન પરનું ચિત્ર હટાવી કેમ નથી દેતી ? જિંદગી એટલી તો સગવડ આપે જ છે કે તમે તમારી અત્યારની જિંદગીમાં તમારો રંગ પૂરી શકો ! જૂની યાદો, ફરિયાદો, વિષાદો, પીડાઓ, ઉદાસીઓ, નારાજગીઓ, ઝઘડાઓ અને વિવાદો એવી જગ્યાએ ‘સ્ટોર’ કરી દે જ્યાંથી એ ક્યારેય તારી ઇચ્છાના પાસવર્ડ વગર બહાર જ ન આવે !

જિંદગી ગમતી અને ન ગમતી ઘટનાઓ લઈને આવતી રહે છે. ન ગમતી ઘટનાઓમાંથી જેટલા બને એટલા જલદી બહાર નીકળી જાવ. એમાંથી તમારે જ બહાર નીકળવું પડે. એક માણસ સાધુ પાસે ગયો. એ દુભાયેલો હતો. તેની સાથે એક વ્યક્તિએ દગો કર્યો હતો. સાધુ પાસે જઈને તેણે કહ્યું કે, “મારે તપ કરવું છે.” સાધુએ કહ્યું, “સારી વાત છે, પણ તપ કરીને તારે શું કરવું છે ?” એ માણસે કહ્યું કે, “તપ કરીને મારે વિશિષ્ઠ શક્તિ હાંસલ કરવી છે. એ શક્તિથી પછી મારે પેલા માણસને બરબાદ કરી નાખવો છે.” સાધુ હસવા લાગ્યા. “તપ પણ તારે એ માણસ માટે કરવું છે ! તું એ વિચાર કે તારે તારા માટે શું કરવું છે ? કોઈના ખતમ થવાથી કે કોઈને બરબાદ કરવાથી તારો ઉદ્ધાર થવાનો નથી.” આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે સારું કરવા જઈએ છીએ એ પણ કોઈનું ખરાબ કરવા માટે ! તારે જે કરવું હોય એ તારા માટે કર. મુક્ત તો તારે થવાનું છે. તું એની ચિંતા શા માટે કરે છે ?

લાઇફ ઇઝ એ બિગ બન્ચ ઑફ સરપ્રાઇઝીસ છે. બધાં સરપ્રાઇઝ પ્લેઝન્ટ હોતાં નથી. હોઈ પણ ન શકે અને હોવા પણ ન જોઈએ. જિંદગી જેવી સામે આવે એવી જ એને સ્વીકારો. ન કોઈ ફરિયાદ કે ન કોઈ અફસોસ. માણસ તો બદલતો રહેવાનો છે. કોઈ બદલે ત્યારે આપણે એના જેવા થવાની જરૂર હોતી નથી, આપણે જેવા થઈએ એ જ જરૂરી છે. સમય, સ્થિતિ, સંજોગ અને વ્યક્તિના બદલાવ સાથે તમે પણ બદલાવ અને તમારા જેવા થઈ જાવ, પછી કોઈની સામે કોઈ ફરિયાદ નહીં રહે !

(સાભાર : કૃષ્ણકાંત ઉનડકટ, ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 05 જુલાઇ, 2015, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Author: Gurjar Upendra Read More...

16_1439147008

- ભાષાની ‘વાડ’ ઓળંગી અંગ્રેજીમાં પહોંચ્યું ગુજરાતી સાહિત્ય
– ઈલા મહેતા લિખિત ‘વાડ’ના અંગ્રેજી અનુવાદ ‘ફેન્સ’નું  વિમોચન થયું
– ઘણી ગુજરાતી કૃતિઓ અનુવાદિત થઈ છતાં વિશ્વસ્તરે હજી ગુજરાતી સાહિત્ય ઉપેક્ષિત

 

અમદાવાદ: સંખ્યાબંધ ઉત્તમ કૃતિઓ થકી ગુજરાતી સાહિત્યને લીલુછમ્મ રાખવામાં મહત્ત્વનું યોગદાન આપનાર ઈલા આરબ મહેતાની નવલકથા ‘વાડ’ના અંગ્રેજી અનુવાદ ‘ફેન્સ’નું શનિવારે અમદાવાદમાં ક્રોસવર્ડ બુકસ્ટોરમાં વિમોચન થયું હતું. ‘વાડ’નો અંગ્રેજી અનુવાદ કરનાર આઇઆઇટી ગાંધીનગરના ફેકલ્ટી મેમ્બર રીટા કોઠારી (જેમણે અગાઉ જોસેફ મેકવાનની ‘આંગળિયાત’ સહિતની કૃતિઓનો અંગ્રેજી અનુવાદ કર્યો છે), નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીની જીવનગાથા ‘મારું જીવન એ જ મારો સંદેશ’ના અંગ્રેજી અનુવાદનું ભગીરથ કાર્ય કરનાર ત્રિદીપ સુહૃદ, જાણીતી ફેમિનિસ્ટ અને પ્રકાશક ઉર્વશી બુટાલિયા તથા અંગ્રેજીના અધ્યાપક અને લેખક એસ.ડી.દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અનુવાદની પ્રક્રિયા અને પડકારો વિશે પણ ચર્ચા થઈ હતી.

નવલકથા ‘વાડ’ના કેન્દ્રસ્થાને ગુજરાતી મુસ્લિમ મહિલા ફાતિમા છે. પોતાના ધર્મના કારણે ઘર ખરીદવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે તેનો નવલકથામાં ચિતાર છે.  ‘વાડ’ના અનુવાદ વિશે રીટા કોઠારીએ જણાવ્યું હતું કે કેટલીક બાબતો એવી છે જે જાણતા હોવા છતાં તેના વિશે વાત કરવાનું ટાળતા હોય છે ‘વાડ’માં તેના વિશે વાત કરવામાં આવે છે. અંગ્રેજી અનુવાદમાં કેટલાક ગુજરાતી શબ્દોને જેમના તેમ જાળવી રાખવાનો બચાવ કરતા તેમણે કહ્યું હતું કે આ શબ્દો એવા છે જેનો અનુવાદ કરવામાં આવે તો તેની મૂળ અર્થ ગુમાવી શકે એમ છે અને કથાને અસરકારક બનાવવામાં આ શબ્દોની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની જાય છે.

છેલ્લા કેટલાક દાયકામાં ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓ અનુવાદીત થઈને વિશ્વભરના વાચકો સુધી પહોંચી છે જો કે મરાઠી, બંગાળી કે હિન્દીની સરખામણીએ ગુજરાતીમાં આ કાર્ય હજીપણ ધીમું છે. અન્ય ભાષાની કૃતિઓ ઝડપથી ગુજરાતીમાં પ્રકાશિત થતી  હોય છે પણ ગુજરાતી કૃતિઓનું અન્ય ભાષામાં પ્રકાશન જવલ્લે જ થતું હોય છે. સુરેશ જોષીની લઘુનવલ ‘છિન્નપત્ર’નો ‘ક્રમ્પલ્ડ લેટર્સ’ નામે અંગ્રેજી અનુવાદ કરનાર ત્રિદિપ સુહૃદે જણાવ્યું હતું કે અન્ય ભાષાઓની સરખામણીએ ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ કરનાર ગણ્યાગાંઠ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘આર્થિક પાસાઓ કરતાં અનુવાદકની સજ્જતાનો મોટો પ્રશ્ન છે. અનુવાદકને ટેકાની જરૂર હોય છે જે આપણે ત્યાં નથી. જેમ કે અનુવાદ કરવા માટે સજ્જ પુસ્તકાયલો, ડિક્શનરીઓ વિગેરેનો અભાવ હોય છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘નવા અનુવાદકોને તૈયાર કરવાનું તેમને પ્રોત્સાહન આપવાનું તેમને સવલતો પૂરી પાડવાનું કામ સાહિત્યની સંસ્થાઓ કરી શકે છે પણ આપણે ત્યાં આ કાર્ય જોઈએ એટલું થતું નથી.’

‘કરણઘેલો’ – પ્રથમ ગુજરાતી નવલકથા

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ ? એ સવાલ વિવિધ લોકોને પૂછવામાં આવ્યો હતો. જેમાં માત્ર સાત ટકા લોકો સાચો જવાબ ‘કરણઘેલો’ આપી શક્યા હતા. સુધારક યુગના સાહિત્યકાર નંદશંકર મહેતા દ્વારા 1866માં લિખિત ‘કરણઘેલો’ને પ્રથમ ગુજરાતી નવલકથા છે.

 અખાના ‘છપ્પા’થી ‘કરણઘેલો’ના અંગ્રેજી અનુવાદ થયા

ગુજરાતી વાર્તા, કવિતા, નવલકથાઓના અંગ્રેજી અનુવાદની પ્રક્રિયા ધીમી હોવા છતાં છેલ્લા કેટલાક દાયકામાં ઘણી ઉત્તમ કૃતિઓ અંગ્રેજીમાં આવી છે. જેમાની કેટલીક કૃતિઓની માહિતી અહીં આપવામાં આવી છે.
– તબીબ પ્રમોદ ઠાકરે 1993માં ‘વિંગ્સ ઑફ સોલ’માં અખાના 300 જેટલા છપ્પાનો અનુવાદ કર્યો છે.
– અંગ્રેજીના અધ્યાપિકા રીટા કોઠારી અને  સુગુણા રામનાથને 1998માં ‘મોર્ડન ગુજરાતી પોએટ્રી : અ સિલેકશન’માં પંચાવન ગુજરાતી કવિતાઓનો અનુવાદ આપ્યો હતો.
– ‘કન્ટેમ્પરરી ગુજરાતી શોર્ટ સ્ટોરીઝ : એન એન્થોલોજી’ થકી કિશોર જાદવે ગુલાબદાસ બ્રોકરથી લઈને હર્ષદ ત્રિવેદી સુધીના સર્જકોની 27 વાર્તાઓનો અનુવાદ આપ્યો છે અને કુંદનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’નો કુંજબાલા અને વિલિયમ એન્થનીએ ‘સેવન સ્ટેપ્સ ઇન ધ સ્કાય’ નામે રજૂ કરી હતી.
– અંગ્રેજીના અધ્યાપક એન.ડી. જોટવાણીએ ક. મા. મુનશીની ‘ગુજરાતનો નાથ’નો ‘ધ માસ્ટર ઑફ ગુજરાત’ નામે તો ‘માનવીની ભવાઈ’નો વી. વાય. કંટકે ‘ઇન્ડ્યોરન્સ : એ ડ્રોલ સાગા’ નામે અનુવાદ કર્યો છે.
– ઝવેરચંદ મેઘાણીના ‘સંત દેવીદાસ’નો અશોક મેઘાણીએ ‘સંત દેવીદાસ : ધ સ્ટોરી ઑફ સેઇન્ટલી લાઇફ’ નામે અનુવાદ કર્યો છે.

17_1439147008
– નંદશંકર મહેતા લિખિત ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘કરણઘેલો’નો તુલસી વત્સલ અને અબાન મુખરજીએ કરેલો અંગ્રેજી અનુવાદ હમણાં જ પ્રસિદ્ધ થયો હતો.

(અહેવાલ સ્રોત – સાભાર :  www.divyabhaskar.co.in)

 

Author: Gurjar Upendra Read More...

(‘સંબંધોનું આકાશ’ પુસ્તકમાંથી સાભાર)

નાનાં હોય ત્યારે બધાંય થોડાંઝાઝાં તોફાની તો હોય જ… પણ હું જરાક ઝાઝી વાંગડ હતી. ચોરના માથાની જેમ રખડ્યે રાખતી. ઘરમાં ટાંટિયો સપરમા દા’ડે જ ટકતો. થોડું-ઘણું (એટલે થોડુંક જ) કામ કરી નિશાળે જવાનું, છાણાં-બળતણ ભેળાં કરવાં ને બાકી રખડ્યે રાખવાનું. વાંચતાં-લખતાં કેમની શીખી ઈ તો ઉપરવાળો જાણે… કોઈ દા’ડો લેસન કરવા બેઠી હોઉં, પરીક્ષા પહેલાં વાંચવા બેઠી હોઉં એવું મને યાદ નથી. ઈ બધું સાતમા ધોરણ પછી શરૂ થયું. બાકી તો નિશાળમાં ભણ્યા ઈ માફ. લેસન પણ મોટી રિસેસમાં થઈ જાય. ખંભેથી ખલતો ઊતરે તે બીજે દા’ડે પાછો ખંભે ચડે… ને તોય રખડવા હાર્યે, ક્રિકેટ, ફિલમ ને રાજકરણમાં બધું જીભને ટેરવે રે’તુ… ઊઠતાંવેત બધાંય છાપાં વંચાઈ જાતાં ને થોડીઘણી કાતર પણ ચાલતી. કતરણોનો મારો ખજાનો બઉ મોટો હતો.

નિશાળ નો હોય એવા દિવસોમાં મા-બાપ જરાક આડા પડખે થયાં નથી ને અમારી ટણકટોળી નીકળી પડે ઘરની બા’રી. દવાખાનાનાં ઘરોની વચાળે એક ઘેઘૂર લીમડો… અખાત્રીજે ગામ આખાની વેજાં ઈ લીમડે જ હીંચકા બાંધતી. ઈ લીમડા હેઠ્યે બધાંય ભેળાં થાય ને પછી કાળા દેકારા વચાળે જાત્યભાત્યની રમત્યં શરૂ થાય. બાજુમાં રે’તાં ચંપાબેન જરાક આડે-પડખે થયાં હોયને અમારું રીડિયારમણ શરૂ થાય. કાળઝાળ ચંપાબેન, સાડલો વીંટાળતાંક, મણમણની જોખતાં બા’રાં નીકળે. ‘માયું મજાની ઘોરે… ને આ બાર બાપની વેજાને મોકલી દ્યે મારી છાતી પર મગ દળવા…’ અમારાં બધાંનાં મા-બાપ તો ઠીક, સાત પેઢીને ફરી વળે એમની સરસતી. હાથે ચડી જાય કોઈ તો એકાદા ધૂંબાની પરસાદી પણ મળી રે’તી. ઘડીકની વારમાં તો બધાં ભરરભટ દેતાંકને વેરાઈ જાય… પણ ઈ તો ઘડીક વાર… જેવાં ઈ માલીપા જાય કે પાછાં બધાં હતાં એવાં ને એવાં… ચંપાબેન અમને બધાને ‘નકટીનાંવ’ કહી હાર માની લ્યે. ગાળ્યુંનું ભંડોળ સમૃદ્ધ થાવા સિવાયની કોઈ અસર અમારા પર નો થાતી. અમારા ગામમાં ચંપાબેન સિવાયની પણ બીજી બે બાયું હતી જેને મૌલિક ગાળ્યુંની હરીફાઈમાં ઉતારી હોય તો ભાર છે કોઈના કે એમને હરાવી જાય… જોખી જોખીને દીધેલી મૌલિક ગાળ્યું વચ્ચે મોટી થઈ હોવાને કારણે કોઈ જ્યારે એવું કહે કે ‘મને ગાળ નથી આવડતી’ ત્યારે મને હંમેશાં રમૂજ જ થાય… ભલા માણસ એમાં વળી નંઈ આવડવા જેવું છે શું ?

ગામડામાં રત્યે રત્યની રમત્યું બદલાય. ટાઢ્યમાં વાળેલાં ટૂંટિયાં છૂટતાં જાય, ટાંટિયા લાંબા થતા જાય ઈ ખબર્ય પડે પણ રમત્યું કંઈ બડલાઈ જાય ઈ નો ખબર્ય પડે. ઉનાળામાં મોંઈડાંડિયા, પત-પત, કુંડાળા ને કિક્રેટ… ચોમાસે પાંચીકા, નવકૂકરી, ચલ્લસ ને કૂક્કી… શિયાળામાં ટાણું ઓછું મળે રખડવાનું. દિ’ ટૂંકો ને એમાં છાણ ભેળું કરવા વાંહે ગાંડી હોઉં… પણ તોય હોળીના હાયડા બનાવવાનો વખત કાઢી જ લઈએ. જેવી હોળી જાય કે ખજૂરના ઠળિયાથી રમવાનું હાલી નીકળે… તો થોડાક દા’ડામાં જ ઈ રમત્ય લગ્ગીમાં ફેરવાઈ જાય… નાનેથી જ મને છોકરિયુંની રમત્યમાં ઓછો રસ મોંઈ-દાંડિયા ને લગ્ગીયું ટીચવામાં ઝાઝો રસ. એમાંય પાછી કાકાના કરા જેવડા છોકરાવ ભેળી રમવાવાળી થાઉં તે ઘડીકની વારમાં ઈ બધા ખંખેરી લ્યે. શીશો ભરીને ભેળી કરેલી લગ્ગીયું હારીયાવું. પણ હારવાની હામ નો મળે. તે ગામ આખું સાંભળે એવો ભેંકડો તાણતી ઘર્યે જાઉં. બાએ જોકે કોઈ દિ’ ભેર્ય તાણી હોય એવું યાદ નથી. હળવી-ભાર્યે ગાળ્યું ને એકાદી થપાટથી હાર પચી જતી. મોઈ-દાંડિયામાંય તે દાવ દેવાની તેવડ્ય નંઈ… સામેવાળા પછી ખાડો ગાળી સાંઠીકડા દાટવા બેહે… મા-બાપ-ભાઈ-બેનેને દાટતા જાય ને બોલતા જાયઃ

અમારો દાવ ક્યાં જાય, પીપળિયાની પાળ્યે જાય,
પીપળિયો ખોદાતો જાય, અમારો દાવ ક્યાં જાય…
ને કાં તો ‘દા દે નકર દાદો કવ…’ કે’તા વાંહે ધોડે… મા-બાપને થોડાં મરવા દેવાય ? એટલે પછી ફીણના ફોહા નીકળી જાય મોઢેથી ન્યાં લગણ ધોડ્યા કરવાનું.

હોળીમાં આખી ટોળી ગાઉ-બે ગાઉ આઘી નીકળી પડે. સીમમાંથી કેસૂડાં ભેળાં કરીએ ને પછી ઘરની પછવાડે મંગાળો માંડીને મોટું તપેલું ભરીને ઉકાળીએ. પણ આમાં તો બધાં ભાઈ-બેનનાં ભાગ પડે. એટલે મને તો કાયમ ચપટી વગાડતાંક તૈયાર થાતો રંગ વધુ ગમતો, લૂગડાં ધોવાના સોડામાં ચપટીક હળદર ભેળવો કે લાલઘૂમ રંગ તૈયાર… ઈ જમાનામાં પિચકારી તો મારી ફરે… અમે તો શીશા ભરી ભરીને ઉલાળીએ… ને જો કોઈની આંખ્યુંમાં ઈ સોડાનું પાણી જાય તો કાં તો ગાળ્યું ને કાં તો માર ખાવાનો… જેવી સામેવાળાની ત્રેવડ્ય. ઢોર જ પાણી પી શકે એટલી લીલ જામી હોય અવેડામાં. પણ હોળીમાં બધા એકબીજાને ઉપાડી ઉપાડીને અવેડામાં નાખે. જોકે આ રમત મોટાઓ પૂરતી મર્યાદિત હતી. પણ મેં ચોથી ભણતી ત્યારે મારાથી ત્રણ ગણા મોટા એક છોકરાની સળી કરેલી તે એણ્યે મને પાણી પી જાઉં ન્યાં લગણ અવેડામાં બોળી રાખેલી.

ઉનાળાની રજામાં મોંઈ-દાંડિયા, લગ્ગી ઉપરાંત વાળાની ગાડિયું બનાવીને ફેરવતાં… ગાડી માટે રસ્તો બનાવવા આવળનાં ડાળખાં ને હાથથી મેદાન સાફ કરતાં… કેરી તો મોસમમાં એકાદ બે વાર ભાળતાં પણ લીંબોળીની વખાર્યું બોવ નાખતાં. ગોઠણ એક ઊંડો ખાડો ગાળી એમાં રાખ નાખવાની, પછી લીમડાના પાન પાથરવાના, પછી લીંબોળી નાખી વળી પાંદડાં ને ઉપર્ય રાખ… બધાંએ પોતાની વખાર્યની રખેવાળી કરવાની… રોજરોજ પાકી કે નંઈ ઈ જોવા પાછા બધું ઉખેળીએ પણ ખરાં… એકબીજાની વખાર્ય ચોરી જવાના બનાવ દર વર્ષે બને ને પછી ગાળ્યું કે છૂટા હાથની મારામારી પણ થાય. ઉનાળાની રજામાં રખડવા ઉપરાંત બળતણ ભેળાં કરવાનાં… બળતણ હાર્યે વરહ આખું હાલે એટલાં કેયડાં (કેરડાં) પણ પાડી આવતાં. મીઠા-હળદરનાં પાણીમાં બોળેલાં કેયડાંના ગોળા લગભગ ઘરેઘરના ફળિયામાં પડ્યા જ હોય. ઉનાળામાં ઘઉં ભરી શકવાની ત્રેવડ્યવાળા ઘરની બાયું ગાળ્યું ને બદલે ગોળિયું દેતી. ઈ ખાટી-મીઠી ગોળિયું ને રેવડીના લોભે ખબર નથી મેં કેટલાના ઘઉં વીણ્યા હશે ! ઘરમાં તો વીણવાપણું હતું નંઈ એટલે કોઈ વઢતું પણ નંઈ. આ મોસમમાં ઘર્યે ઘર્યે શેવ વણાય. ઓશીકાં લઈને ચાળવા બેસી જાવાનું… બદલામાં ઓહાવેલી શેવ ખાવા મળે ને જો સારી ભાત્ય પાડી હોય ચાળવામાં તો વખાણ થાય ઈ નફામાં. ફળિયામાં બધાંએ આથાણાંની કેરીઓ સૂકવવા નાખી હોય… હાલતાં-ચાલતાં એમાંથી એકાદું ચીરિયું ઉપાડતાં જાવાનું. ઘર કરતાં પરની ખાવાની ત્યારે ઝાઝી મઝા આવતી. ભાળી જાય તે ગાળ્યું દેવા સિવાય તો શું કરી લ્યે ? ને ગાળ્યું તો અમને અડ્યા પેલાં જ ખરી પડતી…

ચૈતર મઈને ઠેર ઠેર ઓખાહરણ મંડાય ને કાં તો રામદેવપીરની આખ્યાનવાળા આવે… હવે મારા ઘરમાં હું એક જ રસનું ઘોયું… જ્યાં ને જેટલી વાર ઓખાહરણ મંડાય… મારે સાંભળવા ગ્યા વગર્ય લાહે નંઈ. ઘર તો વગડામાં હતું… એટલે કોઈ લેવા નો આવે તો પાછા વળતાં બીક લાગે. દાદી સિવાય એવી દયા કોઈ નો કરતું. રામદેપીરનું આખ્યાન તો વહેલાં ચાર-પાંચ વાગ્યા સુધી ચાલે… પછી કોણ ઘર્યે જાય ? ‘વાલી વીજળીને કેમ લાગી વાર ?’ કે ‘ઈશનમાં વીજળી ચમકી ઓલ્યા ખેડુભાઈ, ઈશનમાં વીજળી ચમકી રે…’ ગાતાં ગાતાં માંડવા હેઠ્યે જ ઘોંટાઈ જાતાં… મારી જેવાં બીજાંય થોડાંક હતાં એટલે વાંધો નો આવતો…

મારું એકમાત્ર કામ છાણાં-બળતણ ભેળાં કરવાનું હતું. એમાંય અમારી ટોળી હતી… નિશાળેથી આવતાં આવતાં જ પોદળામાં સાંઠીકાં નાખી બોટી લેવાનાં… લુશલુશ ખાઈ, સૂંડલા લઈ નીકળી પડીએ… ગાયું-ભેસું બેઠિયું હોય ત્યાંથી રોકવાની શરૂઆત થઈ જાય… અધીરાઈ આવી જાય તો વળી ભેંસુને ઉઠાડી પણ દઈએ… પૂંસડા પતપતાવવાનો લાગ પણ લઈ લઈએ… વણ ભેળાય તંઈ તો નિશાળેય એકકોર્ય રઈ જાય ને ખાવાનું ઓહાણેય નો રયે. સીમમાં ઢગલા કરી રાખીએ ને પછી ફેરા માર્યે રાખીએ… નીતરતા છાણના સૂંડામાં બઉ ભાર હોય… મોટો ભાઈ અર્ધે રસ્તે ઉપડાવે પણ નાનો ભાર્યે કાહળિયો. ‘મને શરમ આવે’ કહી છટકી જાય. એક વાર પરાણ્યે માથે મેલ્યો તો ફરંગટી ખાઈને પાડ્યો હેઠો… પછી તો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા માનીને એને કે’તાં જ નંઈ.

વરસાદની મોસમ આવવાની થાયને ટણકટોળીથી અમે નોખાં પડી જાંઈ. ઈ બધાં દવાખાનાનાં પાક્કાં મકાનમાં રયે ને અમે તો બા ને દાદીએ ચણેલા ઘરમાં રે’તાં. જરાક ઊંચો માણસ ભટકાય એટલું હેઠું પતરાવાળું ઘર હતું. માથે મણ મણના પાણા. વરસાદ આવે ત્યારે નગારા પર દાંડી પડતી હોય એવો અવાજ આવે… એટલે જ તો મને છેલ્લાં ઘણાં વરસોથી વરસાદ મૂંગો લાગે છે… ધાબાવાળા મકાનમાં કાન અને વરસાદનો નાતો તૂટી ગ્યો. વરસાદ આવે ઈ પેલા ભીંત્યુની જાળવણી શરૂ થઈ જાય… એમાં અમે ભાઈ-બેન બાની હાર્યે જ હોઈએ. શિયાળે ભેળું કરી રાખેલું કુંવળ, છાણ, ધૂડ્ય ભેળું કરી ગારિયું ખૂંદાય… ને પછી બા એની ચાર આંગળ જાડી થાપ દ્યૈ. પછી જ્યાંત્યાંથી માંગી લાવેલી સાંઠિયુંનાં ત્રાટાં બંધાય… ત્રાટાંની ગાંઠ્ય પાડવામાં નાનોભાઈ પાવરધો… પણ પોતાનું મહત્ત્વ નો ઘટે એટલે કોઈને શિખવાડે નંઈ. ભીંત્યે ત્રાંટા દેવાઈ જાય પછી અમે છુટાં… જેવો વરસાદ આવે કે વાટક્યા લઈ કૂબલા પાડવા નીકળી પડીએ… ગામ આખાની ગંદકી લઈને આવતા પાણીના ખાડા મારા ઘરની પડખે ભરાય… ટિંગરવેજા બધી એમાં નાવા પડે… ઘરના લાખ ના પાડે પણ ધરાર નાવાનું એટલે નાવાનું. હું તો આમેય નાનેથી જ સડેલી હતી… આ પાણીમાં નાહ્યા પછી ગૂમડાં વકરી જાતાં… માછલી ઠોલે તો મટી જાય એવી અમારી માન્યતા… એટલે હું એ પ્રયોગ પણ કરતી.. પણ કોઈ દિ’ મટ્યું હોય એવું યાદ નથી, માછલિયું ધરાણી હશે ઈ ખરું.

આમ તો મારી સવાર મોડી પડતી… પાછી હતી ટાઢ્યવલી તે ઊઠ્યા પછી પણ ચૂલાની આવગુણ્ય પાંહેથી ખહતી નંઈ… પણ છાપાનાં બિલ નો ભરાયાં હોય, ને છાપાં બંધ થયાં હોય ત્યારે વેલાં ઊઠવું પડતું… ઘરાકને તો છાપું જોયે. તમે ક્યાંથી લાવો છો એની ચિંતા એ શા માટે કરે ? એટલે મને ભળકડે ઉઠાડી બાજુના સિહોર ગામે છાપાં લેવા મોકલતાં. ચોથા-પાંચમા ધોરણમાં હું રોજ દસ-બાર ગાઉ આઘેથી ૫૦-૭૫ છાપાં લઈ આવતી. જે વાહન મળે એમાં જવાનું… આવવાનું બસમાં… કોઈના બાપથીય બીવું નંઈ એવું કદાચ આ સવારની સફરે જ શિખવાડ્યું હશે.

કોઈના બાપથી નો બીતી પણ ભૂતની વાતું નીકળે ને રાડ્ય પાડું. મારા દાદા અને મારા મોસાળવાળા જાણે ભૂત હાર્યે રમીને મોટા થયા હોય ને કંઈક ભૂતડાં ભેળી ભાઈબંધી હોય એવી મોજથી વાતું માંડતા. માસીના ગામનો ટીંબો જ જાણે ભૂતનો… માણસ કરતાં ભૂત ઝાઝાં. એક એક વાતે રૂંવાડાં ઊભાં થઈ જાય. કો’કે ભૂત ભેળી બીડી પીધી હોય, કો’કે બાક્સ દીધી હોય, કો’કનો ભૂતે ટાંટિયો ખેંચ્યો હોય… ને એ ઉંમરે તો આ બધાં ગપ્પાં છે એવું કહેવાની હિંમતેય ક્યાંથી હોય ? હું કાન આડા હાથ દેતી, રોતી, ઘરમાં પાણી પીવા એકલી નો જાતી… પણ તોય વાતું કરવાવાળા તો હાંક્યે જ રાખતા… ને બધી વાતે બહાદુર હું આજેય ભૂત-પ્રેતની ફિલમો નથી જોઈ શકતી… કદાચ નાનપણનાં ભૂતોએ હજી મારો કેડો નથી મેલ્યો.

– શરીફા વીજળીવાળા

 

Author: Gurjar Upendra Read More...

જો ઔરોંકો વ્રત કરાને કે કાબિલ હોતે હૈં, વો ખુદ કભી વ્રત નહીં કરતે ઠાકુર! જીહા, હું એટલી માથાભારે શખ્સ છું કે, મારી સાથે શિંગડાં ભેરવવાની ભૂલ કરે એનાં ભૂખ-ઊંઘ હરામ કરી નાખું છું અને ભગવાનનું નામ લેતા કરી દઉં છું. (કે મારું નામ ‘ન-લેતાં’ કરી દઉં છું) વ્રતમાં આ ત્રણ વાનાં જ હોય છે ને? - ઉપવાસ, ઉજાગરો અને ભગવાનની પાછળ પડી જવાનું! મતલબ ભગવાનનું નામ લેવાનું.

મિત્રો, મનેય વ્રત કરવું જ ગમે છે, કરાવવું નહીં. પરંતુ જેને વહાલ ન મળ્યું હોય એ જ વિદ્રોહી બને. હું વ્રત નથી કરી શકતી એની પાછળ વસમાં કારણો છુપાયેલાં છે. મારી વિતકકથા સાંભળશો તો તમારું માત્ર દિલ જ નહીં, દિમાગ પણ દ્રવી ઊઠશે, ફેફસાં (હશે તો) ફફડી જશે, કિડની કંપી ઊઠશે અને આંતરડાં તરડાઈ જશે!

વાત જાણે એમ છે કે ‘વ્રતકથા’ની પ્રિન્સેસ એવી પ્રસ્તાવના સાથે જ મારો બાયોડેટા મળતો નથી આવતો. જેમ કે વ્રતની પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ આદેશ હોય છે કે પ્રાત:કાલે વહેલા ઊઠી નાહી-ધોઈને જે તે વ્રતના તાબામાં આવતાં દેવી-દેવતાનું પૂજન કરવું. ભાખરી કે ભાખરવડી ખાઈને એકટાણું કરવું અને વ્રત પૂરું થયે જાગરણ કરવું.

હવે આમાં પહેલો નિયમ જ મારા માટે યમના પાડા જેવો ભારે છે. હું મારી જિંદગીમાં શું, કોઈનીયે જિંદગીમાં પ્રાત:કાલે વહેલી ઊઠી નથી. હા, હું ઊઠું છું દરરોજ, પણ મધ્યાહ્નકાલે! અને મધ્યાહ્નકાલે અલબત્ત વહેલી જ ઊઠું છું. મધ્યાહ્નકાલ તો બપોરે બાર વાગે શરૂ થાય. પણ એ પહેલાં એટલે કે બારમાં પાંચ કમે તો મેં મૂકેલું એલાર્મ વાગે કે ન વાગે મારે ઊઠી જવાનું એટલે ઊઠી જવાનું! પરંતુ ધર્મમાસૂમોને મારું મધ્યાહ્નકાલે વહેલું ઊઠવું માન્ય નથી અને પ્રાત:કાલે વહેલું ઊઠવું મને પરવડતું નથી. કહેવતમાં મોટે ઉપાડે કહેતા હોય છે કે ‘જાગ્યા ત્યારથી સવાર’ પણ સમય આવે આ જ લોકો ફરી જાય છે અને સવાર તરીકે પ્રાત:કાલનો આગ્રહ રાખે છે.

ખેર, પછી વ્રતમાં નહાવાની વાત આવે છે. હું દર નવમી મિનિટે કોઈકના ને કોઈકના નામનું નાહી નાખું છું. એના એ જ રૂઢિપ્રયોગમાં કંઈ કેટલાય મને ‘નવડાવી’ જાય છે. પણ વ્રતસંહિતામાં આવાં સ્નાન સ્વીકાર્ય નથી! પાઉચના પાણીથી નહાવ તો જ વ્રત વદે, પત્યું!

‘ધર્મકાર્ય કરવું તો ડબલ ધમાકા સાથે’ એ ધોરણે હું સવારે પણ એકટાણું કરું અને સાંજે પણ એકટાણું કરું. તો પણ એ લોકોનું મોં કટાણું થઈ જાય છે. આમાં મારો પવિત્ર ઇરાદો એટલો જ કે સવારના એકટાણામાં કોઈ આઈટમ ખાવાની રહી ગઈ હોય તો સાંજના એકટાણામાં એ ઉમેરીને ભૂલ સુધારી લેવાય જેથી વ્રતમાં બાધ ન આવે, પણ વ્રતેશ્ર્વરીઓ મારો આવો સુધારો-વધારો અગ્રાહ્ય ગણે છે. સવારે એકટાણાનું રિહર્સલ તો કરવું જ જોઈએ ને? એ વગર સાંજના પરફોર્મન્સમાં ઓડકાર શેં આવે?

રહી વાત જાગરણની! એ તો મને કોઈ રીતે પોસાય એમ જ નથી. હું ચુસ્ત ઊંઘણશી છું. ઊંઘવામાં મેં નામ બનાવ્યું છે, નાનું બાળક ઊંઘે નહીં તો લોકો ઘોડિયાને ફક્ત હાથ અડાડી જવા મને બોલાવે છે, અનિદ્રાના રોગીને ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે કે, નલિનીબહેનની સામે બેસીને ફક્ત સાત છીછરા શ્ર્વાસ લઈ આવો. તમને રિઝલ્ટ જડીબુટ્ટી જેવું મળશે!! હવે હું જો જાગરણના રવાડે ચડું તો મારી તો બની બનાવી કરિયર પર પાણી ફરી વળે ને? હવે, તમે જ કહો, મજબૂરીને જીસકો મારા, ઉસકા કૌન સહારા?

આમ, વ્રત સાથે મારી નવી કે જૂની અદાવત નથી પરંતુ વ્રતકથાના આદિ, મધ્ય અને અંત જ મારી આર્ટ ઓફ લિવિંગ ને અનુકૂળ નથી એટલે હું વ્રત નથી કરતી. અને વ્રત નથી કરી શકતી એટલે જ વ્રતકથા કરી. પવિત્ર માસમાં આપણાથી બનતું કરી છૂટવું બીજું શું? જોકે જેમાં વહેલા ઊઠવાની, નહાવાની કે ઉપવાસ કે જાગરણની જરૂર ન પડે એવું વ્રત હું બારેમાસ કરું છું અને એ છે હાસ્યવ્રત!!

મારી પાસે લખાવ્યો એવો લેખ શીતળામા તમારી પાસે પણ લખાવે!

 

Author: Gurjar Upendra Read More...

આ ધરતી પર અવતરેલી પ્રત્યેક વ્યક્તિનું જીવન વિશિષ્ટ હોય છે. કષ્ટો અને અનુભવોથી ભરપૂર હોય છે. સાદું, સીધું, સરળ નથી હોતું. જીવનનાં થોડાં વર્ષો તો સંઘર્ષમય હોય છે જ. જીવનના કંટકમય માર્ગમાંથી રસ્તો શોધવો એ શિક્ષણનું પરિણામ છે.

દુ:ખદ એ છે કે અત્યારના જનજીવનમાં શિક્ષણ ડિગ્રી, કારકિર્દી અને કમાણી સાથે સઘન રીતે જોડાયેલું છે, જીવન સાથે સમગ્રતાથી નહીં. પદ અને પૈસો જીવનનાં મહત્ત્વનાં અંગો છે એ સાચું, પણ સમગ્ર જીવન નહીં. ખરેખર તો શિક્ષણ માનવીના જીવનને ઘડે છે, જીવનનાં સઘળાં અંગોને સ્પર્શે છે, તેથી શિક્ષણને ખંડ-ખંડમાં જોવાને બદલે સમગ્રતાથી... અખંડપણે જોવું જોઈએ.

માનવજીવનને ઘડનારા આવા મહાન અને અસાધારણ તત્ત્વ શિક્ષણ સાથે જે વ્યક્તિ જોડાય તે સાધારણ તો ન હોઈ શકે, ન હોવી જોઈએ. જે વ્યક્તિના દૃષ્ટિક્ષેત્રમાં ‘શિક્ષણ’ આ રીતે સમાયેલું હોય, સચવાયેલું હોય તેણે જ શિક્ષક બનવું જોઈએ. શિક્ષકનું અસાધારણપણું જળવાઈ રહે તે ખૂબ મહત્ત્વનું છે. એની દૃષ્ટિમાં પ્રત્યેક બાળક એક વિદ્યાર્થી તરીકે જ માત્ર નહીં, ભવિષ્યના ઉત્તમ માનવી તરીકે ગોઠવાવો જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીને Degree (પદ) અને Dignity (ગરિમા) બંને આપવાં જોઈએ.

આવું ત્યારે જ સંભવે જ્યારે શિક્ષક આદર્શ વાચક, ઉત્તમ ચિંતક અને પવિત્ર સાધક હોય. શિક્ષણકાર્ય એના માટે વ્યવસાય નહીં, વ્રત હોય. શિક્ષણનું સાધ્ય ઉત્તમ મનુષ્યોનું નિર્માણ છે. તેથી શિક્ષક એનો સાધક બનવો જોઈએ અને જીવન-નિર્માણ એની સાધના. આમ થાય તો સમાજજીવન અને રાષ્ટ્ર સમૃદ્ધ બને. મનુષ્ય સમગ્ર સૃષ્ટિનું કેન્દ્રબિન્દુ અને ચાલકબળ છે. એની ગુણવત્તાના આધારે સૃષ્ટિ ધબકે છે.

માનવજીવનનું કેન્દ્રબિન્દુ શિક્ષણ છે અને સૃષ્ટિનું કેન્દ્રબિન્દુ માનવ છે. તેથી શિક્ષણ કેટલું મહત્ત્વનું તત્ત્વ છે એ સમજી શકાય તેમ છે.

શિક્ષણપ્રક્રિયા દ્વારા વ્યક્તિનું ઊર્ધ્વીકરણ અપેક્ષિત છે. વિચાર-વાણી-વ્યવહારને જો ઊર્ધ્વીકરણનો સ્પર્શ થયો હશે તો અધ:પતનને કોઈ સ્થાન નથી. અને આવું થશે તો નૈતિકતા અને જીવનમૂલ્યોના જતનની ચિંતા નહીં કરવી પડે. વ્યક્તિ-વ્યક્તિના ઊર્ધ્વીકરણમાં જ સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ નિહિત છે. શિક્ષણની પ્રક્રિયામાં ઊર્ધ્વીકરણની વાત વિચારવી એ જ શિક્ષણના ઘડવૈયાઓનું સૌથી મહત્ત્વનું કાર્ય હોઈ શકે.

 

 

Author: Gurjar Upendra Read More...

એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.

ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’
ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’
ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’
હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’

હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.
ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ પર જ મળી લે છે ને તેમ !’

હું : ‘જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે ?’
ઈશ્વર : ‘જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !’
હું : ‘તમને ખબર છે કે અમારું જીવનધોરણ કેટલું ઊંચું થઈ ગયું છે ?’
ઈશ્વર : ‘હા, ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયું… એ જ તો તકલીફ છે ને !’
હું : ‘તો શું અમારે પાછા જવું ? પાછા ફરવું તો અમારે માટે શક્ય જ નથી.’
ઈશ્વર : ‘મેં તને પાછા ફરવાનું કહ્યું નથી, પરંતુ ધારે તો તું નવેસરથી શરૂઆત તો કરી શકે ને ? ટેકનોલૉજીએ ઊભા કરેલા તારા પ્રશ્નોને દૂર કરવા માટે તારે જ કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી પડશે !’

હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’
ઈશ્વર : ‘હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ‘ઉંદરદોડ’માં મૂકી દીધી છે. પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી રાખવા દોડે છે ! આમ, તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી. તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’
હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે અને બીજી બાજુ મકાનના હપ્તાં, બાળકોની ફી ભરવાની હોય છે. કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’
ઈશ્વર : ‘એ તો ભાઈ જો, જગતમાં મૃત્યુ સિવાય બધું જ અનિશ્ચિત છે. કેટલી બાબતોની ચિંતા કર્યા કરીશ ? ચિંતા કરવી કે નહીં એ તારા હાથની વાત છે.’
હું : ‘પણ એ દરેક અનિશ્ચિતતા સાથે દર્દ, પીડા અને પરેશાની જોડાયેલી હોય છે, એનું શું ?’
ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !
હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’
ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’

હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’
ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે. એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી, એ પણ વહી જવાના છે.’
હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’
ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’
હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’
ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’
હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’
ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.

હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’
ઈશ્વર : ‘તને હંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’

હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’
ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.
હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’
ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.’

Author: Gurjar Upendra Read More...

 

BuFhJElCMAArhCQ

તારી મૈત્રીમાં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે. 

દુનિયાનો દરેક સંબંધ આપણા જન્મ સાથે જોડાયેલો હોય છે, જેને બદલી શકવો અસંભવ છે. જન્મ લેતાની સાથે જ મળતા સંબંધો ઇચ્છો કે ન ઇચ્છો હંમેશાં જોડાયેલા રહે છે પણ આ સંબંધોથી અલગ એક સંબંધ છે મિત્રતાનો. મિત્રતા એક એવો સંબંધ છે જેને આપણે પોતાની સમજથી જોડી શકીએ છીએ. મિત્ર આપણે પોતે જ પસંદ કરીએ છીએ. જીવનમાં પગલે પગલે આપણને અલગ-અલગ લોકો મળે છે, કેટલાક લોકો સાથે સારી ઓળખાણ પણ થઈ જાય છે, પણ બહુ ઓછા એવા લોકો હોય છે જેમને આપણે મિત્ર કહી શકીએ છીએ. જેને મળતાં જ આત્મીય ખુશીનો અહેસાસ થાય છે.

મુશ્કેલીની કોઈપણ ઘડીમાં આપણને જે વ્યક્તિની મદદની સવિશેષ જરૂર પડે તે વ્યક્તિ મિત્ર જ હોય છે. મુશ્કેલી ચાહે ગમે તેવી હોય જો આપનો મિત્ર આપનો સાથ ન છોડે તો આપ સહજ રીતે જ તેનાથી ઉપર આવી શકો છો. આપનો મિત્ર સાચો હોય તો નિ:સંદેહ આપ દુનિયાના ગણ્યગાંઠ્યા નસીબદારોમાંના એક છો. સમયની સાથે-સાથે મિત્રતાના અર્થ પણ બદલાયા છે. આજે જ્યાં મોટેભાગે મિત્રતા પોતાનો સ્વાર્થ, મતલબ અને સ્ટેટસ જોઈને કરવામાં આવે છે, ત્યાં પહેલાંના સમયમાં મિત્રતા માત્ર અને માત્ર હૃદયથી બંધાતી હતી. આપણી સામે અનેક એવાં ઉદાહરણો છે જેમાં મિત્રતામાં મહાનતા જોઈ શકાય છે.

શ્રીરામ અને શ્રીકૃષ્ણની મિત્રતા પૂજનીય છે. તેમણે પોતાના મિત્રો માટે બધાં બંધનો તોડી મિત્રધર્મનું પાલન કર્યું. શ્રીરામે સુગ્રીવની મિત્રતા માટે બાલીવધ કર્યો હતો, આજે પણ કેટલાક લોકો રામના આ કાર્યને ખોટું ગણાવે છે. પણ શ્રીરામે મિત્રતા માટે બાલીનો વધ કરી સુગ્રીવને કષ્ટોમાંથી મુક્તિ અપાવી હતી. શ્રીરામના જીવનમાં આવા અનેક મિત્રો હતા, દરેક પર શ્રીરામ પોતાની કૃપા વરસાવતા રહ્યા. શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતાની બરાબરી કરવાનું કોઈ વિચારી પણ ન શકે.

શ્રીકૃષ્ણએ સુદામા સાથે મિત્રતા નિભાવી દોસ્તીનું અદ્ભુત ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમણે એ જ દર્શાવ્યું છે કે મિત્રતામાં અમીરી-ગરીબી, ઊંચ-નીચ, ભેદ-ભાવ જેવી ભાવનાઓ માટે કોઈ સ્થાન નથી. શ્રીકૃષ્ણ સ્વયં પરમાત્મા છે પણ તેમણે મિત્રતાને વશ થઈને સુદામાના ચરણ પણ ધોયા અને તેમનું યથાયોગ્ય સ્વાગત પણ કર્યું.

આધુનિકતા અને સ્વાર્થની ચકાચોંધમાં આજે મિત્રતાને એક માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે. સામાન્ય રીતે આજના લોકોની માનસિકતા એ જ હોય છે કે જો કોઈ પોતાને કામ લાગી શકે તો તેની મિત્રતા કરી લેવામાં આવે અને કામ પતી જાય ત્યારે તુરંત જ મિત્રને ભૂલી જવાનો. એવા જ કેટલાક લોકો એમ કહે છે કે મિત્રતા બરાબરી વાળા લોકો સાથે કરવી જોઈએ. ત્યારે એટલું જ કહી શકાય કે મિત્રતાને માધ્યમ માનવામાં ન આવે, દોસ્તી તો ભાવનાઓનો અતૂટ સંબંધ છે જેમાં શરીર અલગ-અલગ હોય છે પણ બંનેનો આત્મા એક જ હોય છે. સહુથી સફળ મિત્રતા એ જ છે જેમાં મિત્રોને એકબીજાને સમજવા માટે શબ્દોની આવશ્યકતા પણ ન રહે. મિત્રતાની સીમાને સમજવી અને તેને શબ્દોમાં વ્યક્ત કરવી બિલકુલ અસંભવ નથી. આજે દરરોજ અનેક મિત્રતા માત્ર અહંની ભાવનાને લીધે તૂટી જાય છે કે પછી તોડી દેવામાં આવે છે. પ્રયત્ન કરો કે અહંની ભાવનામાંથી ઉપર ઊઠીને પોતાના મિત્રને સમજી શકો, તેને જવા ન દો કારણ કે આપનો મિત્ર જ જીવનના દરેક કદમ પર આપને સાથ આપી શકે છે.

મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે ? 

– એક સાચો મિત્ર હજારો સંબંધીઓની ગરજ સારે છે.
– કોઈ પણ માણસ નકામો નથી, જો એ કોઈનો સારો મિત્ર હોય તો.
– મિત્રો એટલે બે શરીર અને એક આત્મા.
– અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મિત્ર સાથે ચાલવું વધું સારું.
– કંઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઈને આપણું દુ:ખ સમજી જાય તે મિત્ર.
– આપણી સફળતા જોઈને આપણા કરતાં પણ વધુ ખુશ થાય તે મિત્ર.
– મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે.
– અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર.
– મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.
– તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર.
– મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો.

જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું ?

મિત્રતા એક એવો દીપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.

મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.

મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દૃશ્યમાન છે.

મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.

મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.

એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.

-સર્વદમન

- 2 ઑગસ્ટ 2015, મિત્રતાદિવસ વિશેષ લેખ

 

Author: Gurjar Upendra Read More...

Most Viewed Article

Most Viewed Author