Article

Add Your Entry

જિંદગી અત્યંત ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. જિંદગીની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન કરી શકાય. દરેક વ્યક્તિની જિંદગી જુદી અને અનોખી હોય છે. બે જિંદગીની સરખામણી ન થઈ શકે. એકસાથે જીવતા બે માણસની જિંદગી પણ જુદી જુદી હોય છે. જિંદગીની મજા જ એ છે. એક ઝાડનાં બે પાન પણ સરખાં હોતાં નથી. એક છોડનાં બે ફૂલ પણ અલગ અલગ જ હોવાનાં. દરિયાનું એક મોજું બીજા મોજાથી જુદું જ હોવાનું. વાદળ પણ ક્યાં એકસરખાં હોય છે. જિંદગી એટલે જ રોમાંચક છે. કારણ કે એકની જિંદગી બીજાથી જુદી પડે છે. બધાંની જિંદગી એકસરખી હોત તો કદાચ જિંદગીમાં કોઈ થ્રિલ જ ન હોત. મેઘધનુષનો રંગ એક જ હોત તો આપણને ગમત ખરું ? મેઘધનુષ એટલે જ ગમે છે, કારણ કે એમાં અલગ અલગ રંગ હોય છે. જિંદગીના પણ અલગ અલગ રંગ છે. દરેક વ્યક્તિના અલગ અલગ ઢંગ છે. જિંદગીમાં એટલે જ આટલો ઉમંગ છે. જિંદગીના રંગો બદલતા રહે છે. કોઈ એક રંગ કાયમી રહેતો નથી. થોડા થોડા સમયે રંગ ઊડી જાય છે અને એક નવા રંગે જિંદગી રંગાઈ જાય છે.

જિંદગીનો રંગ કાયમ ગુલાબી જ રહે એવું શક્ય નથી. એ ક્યારેક રેડ થાય છે અને ક્યારેક બ્લૂ, ક્યારેક યલો થઈ જાય છે અને ક્યારેક વ્હાઇટ. જિંદગી જ્યારે બ્લેક રંગ ઓઢે ત્યારે આકરું લાગે છે. બ્લેક રંગથી ડરી જાય છે એ અંધારામાં જ રહે છે. બ્લેક રંગને હટાવવો પડે છે. હા, થોડીક મહેનત પડે છે, પણ ધીમે ધીમે હટી જાય છે. પહેલાં થોડોક ભૂરો થાય છે અને પછી ધીમે ધીમે હટે છે. તમારે પછી તમારી ઇચ્છા અને કલ્પનાનો રંગ પૂરવો પડે છે. જિંદગી એટલે રંગોળી બનાવતા રહેવાની કલા. માણસના રંગ પણ બદલતા રહે છે. તમારે માણસના રંગને સ્વીકારવો પડે છે. તમે તમારો રંગ બદલી શકો. કોઈનો રંગ આપણાથી બદલી ન શકાય. તમે જો તમારા રંગનું સન્માન કરતા હોવ તો તમારે બીજાના રંગનો પણ આદર કરવો પડે. ગમે કે ન ગમે, યોગ્ય હોય કે ન હોય, યલો હોય કે પિંક હોય, બ્લેક કે વ્હાઇટ હોય, જે હોય તે સ્વીકારવો પડે.

એક પતિ-પત્ની હતાં. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. સમયની સાથે બધામાં પરિવર્તન આવતું હોય છે. પતિ ધીમે ધીમે બદલતો જતો હતો. બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યા. એક તબક્કે વાત ડિવોર્સ સુધી આવી ગઈ. પત્નીએ કહ્યું કે, મને અંદાજ ન હતો કે તું આટલો બદલી જઈશ. પતિએ દલીલ કરી કે તારી વાત સાચી છે. મને પણ જરાયે અંદાજ ન હતો કે તું જરાયે નહીં બદલે. માણસે સમય મુજબ થોડા થોડા બદલવું જોઈએ. હું બદલ્યો તો મારી સાથે તું કેમ જરાયે ન બદલી ? સમયના બદલાવ સાથે બદલવું અને એડજસ્ટ થવું એ પણ જિંદગીનું એક રહસ્ય જ છે. વાંક તારો છે કે મારો એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે આપણે બેઉ બદલાવને અનુકૂળ થઈ શક્યા નથી.

જિંદગી રસ્તા બદલતી હોય છે. જિંદગી રસ્તા કરી પણ આપતી હોય છે. ઘણી વખત આપણે જ એ રસ્તે જતા હોતા નથી. હવેથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે એવું થઈ જાય પછી આપણે આપણા રસ્તે જતા હોઈએ છીએ ખરાં ? ના, આપણે ત્યાં ને ત્યાં ઊભા રહીએ છીએ. આપણે આપણા રસ્તે જતા પણ નથી અને કોઈને એના રસ્તે જવા પણ નથી દેતા. સાથે રહેવા કરતાં પણ જુદા પડવામાં કદાચ વધુ ‘ગ્રેસ’ની જરૂર પડતી હોય છે. આપણે પકડી રાખીએ છીએ. મુક્ત થવા માટે પહેલાં મુક્ત કરવા પડે છે. તમે પકડી રાખો તો તમે કોઈ દિવસ છૂટી ન શકો. હા, જિંદગીને કમ્પ્યૂટર કે મોબાઇલની જેમ ‘ફોર્મેટ’ કરી શકાતી નથી. કંઈ તદ્દન ઇરેઝ થતું નથી. બ્રેકઅપ બાદ એક છોકરીએ તેની ફ્રેન્ડને કહ્યું કે, “જિંદગી પણ કમ્પ્યૂટર અને મોબાઇલ મારફત ‘ફોર્મેટ’ કરી શકાતી હોત તો કેવું સારું હતું. બધું જ ભૂંસી નાખવાનું. કંઈ જ જૂનું નહીં.” તેની ફ્રેન્ડે કહ્યું, “સાચી વાત એ છે કે જિંદગીને ફોર્મેટ નથી કરી શકાતી. બધું જ જૂનું જિંદગીમાં સ્ટોર થયેલું રહે છે. આમ છતાં માય ડિયર, સ્ક્રીન ઉપર શું રાખવું અને શું લાવવું એ તો આપણા હાથની વાત છેને ? તું તારી જિંદગીની સ્ક્રીન પરનું ચિત્ર હટાવી કેમ નથી દેતી ? જિંદગી એટલી તો સગવડ આપે જ છે કે તમે તમારી અત્યારની જિંદગીમાં તમારો રંગ પૂરી શકો ! જૂની યાદો, ફરિયાદો, વિષાદો, પીડાઓ, ઉદાસીઓ, નારાજગીઓ, ઝઘડાઓ અને વિવાદો એવી જગ્યાએ ‘સ્ટોર’ કરી દે જ્યાંથી એ ક્યારેય તારી ઇચ્છાના પાસવર્ડ વગર બહાર જ ન આવે !

જિંદગી ગમતી અને ન ગમતી ઘટનાઓ લઈને આવતી રહે છે. ન ગમતી ઘટનાઓમાંથી જેટલા બને એટલા જલદી બહાર નીકળી જાવ. એમાંથી તમારે જ બહાર નીકળવું પડે. એક માણસ સાધુ પાસે ગયો. એ દુભાયેલો હતો. તેની સાથે એક વ્યક્તિએ દગો કર્યો હતો. સાધુ પાસે જઈને તેણે કહ્યું કે, “મારે તપ કરવું છે.” સાધુએ કહ્યું, “સારી વાત છે, પણ તપ કરીને તારે શું કરવું છે ?” એ માણસે કહ્યું કે, “તપ કરીને મારે વિશિષ્ઠ શક્તિ હાંસલ કરવી છે. એ શક્તિથી પછી મારે પેલા માણસને બરબાદ કરી નાખવો છે.” સાધુ હસવા લાગ્યા. “તપ પણ તારે એ માણસ માટે કરવું છે ! તું એ વિચાર કે તારે તારા માટે શું કરવું છે ? કોઈના ખતમ થવાથી કે કોઈને બરબાદ કરવાથી તારો ઉદ્ધાર થવાનો નથી.” આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે સારું કરવા જઈએ છીએ એ પણ કોઈનું ખરાબ કરવા માટે ! તારે જે કરવું હોય એ તારા માટે કર. મુક્ત તો તારે થવાનું છે. તું એની ચિંતા શા માટે કરે છે ?

લાઇફ ઇઝ એ બિગ બન્ચ ઑફ સરપ્રાઇઝીસ છે. બધાં સરપ્રાઇઝ પ્લેઝન્ટ હોતાં નથી. હોઈ પણ ન શકે અને હોવા પણ ન જોઈએ. જિંદગી જેવી સામે આવે એવી જ એને સ્વીકારો. ન કોઈ ફરિયાદ કે ન કોઈ અફસોસ. માણસ તો બદલતો રહેવાનો છે. કોઈ બદલે ત્યારે આપણે એના જેવા થવાની જરૂર હોતી નથી, આપણે જેવા થઈએ એ જ જરૂરી છે. સમય, સ્થિતિ, સંજોગ અને વ્યક્તિના બદલાવ સાથે તમે પણ બદલાવ અને તમારા જેવા થઈ જાવ, પછી કોઈની સામે કોઈ ફરિયાદ નહીં રહે !

(સાભાર : કૃષ્ણકાંત ઉનડકટ, ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 05 જુલાઇ, 2015, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Author: Gurjar Upendra Read More...

આપણી જિંદગી આપણી પોતાની હોવા છતાં ક્યારેક એ આપણા કંટ્રોલમાં રહેતી નથી. જિંદગી ક્યારેક એવા ખેલ બતાવે છે કે આપણે માત્ર એ રમત જોતાં જ રહેવું પડે છે. જિંદગી એક તરફી ગઇમ પ્લે કરતી રહે છે અને આપણે મૂક પ્રેક્ષક બની રહેવું પડે છે. આમ જુઓ તો જિંદગીની એ જ તો મજા છે કે એ આપણને ઝાટકા આપ્યા રાખે છે. જિંદગી સાવ સીધી અને સરળ હોત તો કદાચ લાઇફમાં કોઈ રોમાંચ જ ન હોત. અનિશ્ચિતતા અને અણબનાવો જ લાઇફને દિશા આપતાં હોય છે.
બધું જ સ્મૂધ ચાલતું હોય ત્યાં કંઈક એવું બને છે કે માણસનું મગજ બહેર મારી જાય. ક્યાંય ધ્યાન ન પડે. આગળ રસ્તો ન દેખાય. અમુક સમયે તો એવું લાગે, જાણે બધું જ ખતમ થઈ ગયું છે. આવા સમયે એક વાત યાદ રાખવા જેવી હોય છે કે બધું જ અટકી ગયું હોય છે પણ જિંદગી ચાલતી હોય છે. આપણે જેને પૂર્ણવિરામ સમજી લેતા હોઈએ છીએ એ મોટાભાગે તો અલ્પવિરામ જ હોય છે.
એક યુવાનની વાત છે. પોતાની કરિયર માટે એ ખૂબ મહેનત કરતો હતો. એ જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં રાત-દિવસ જોયા વગર લાગ્યો રહેતો. તેને એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા તેણે કોઈ કોઈ કસર બાકી ન રાખી. આ દરમિયાનમાં જ માર્કેટમાં એવી ઊથલપાથલ થઈ કે તેનો પ્રોજેક્ટ અટકી ગયો. સમયમર્યાદા વીતી ગઈ. આખો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. નિષ્ફળતાની તમામ જવાબદારી કંપનીએ તેના પર ઢોળી દીધી. એક દિવસ તેને ઓર્ડર પકડાવી દેવાયો કે તમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે. એનાથી સહન ન થયું. એક બગીચામાં જઈ એ ધ્રૂસકે ધ્રૂસકે રોયો. ઊભો થયો. નળમાં પાણી ચાલુ કરી મોઢું ધોયું. રૂમાલથી મોઢું લૂછતો હતો ત્યાં તેની આંગળી નાકને અડી. શ્વાસની અવરજવર ચાલુ હતી. આંગળી તેણે નાકને અડાડી રાખી. તેને વિચાર આવ્યો કે આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી કંઈ જ અટક્યું નથી અને કંઈ બગડયુંં નથી. તેણે કહ્યું કે જ્યારે પણ મને નિરાશા કે હતાશા લાગે છે ત્યારે નાક પાસે આંગળી રાખું છું અને વિચારું છું કે જ્યાં સુધી આ ચાલે છે ત્યાં સુધી મારે ચાલતા રહેવાનું છે અને પ્રયત્નો કરતા રહેવાના છે. બીજી કંપનીમાં જોબ મળી. સફળ થયો. એવોર્ડ મળ્યો. સ્ટેજ પર હતો ત્યારે તેણે નાક પાસે આંગળી મૂકી અને વિચાર્યું કે એ દિવસે બગીચામાં તો હું આને બંધ કરવા માટે ગયો હતો! ખિસ્સામાંથી ઝેરની શીશી કાઢી અને એવોર્ડથી ફટકો મારી એને તોડી નાખી! એ શીશી હું ખીસામાં જ રાખતો અને નક્કી કરતો કે આ મારે પીવાની નથી પણ તોડવાની છે!
નાની નિષ્ફળતાઓ ઘણી વખત મોટી સફળતા માટે નિમિત્ત બનતી હોય છે. નિષ્ફળતાનું એવું છે કે જ્યારે આપણને નિષ્ફળતા મળે ત્યારે એ મોટી લાગતી હોય છે. આપણા નિરાશાજનક વિચારો નિષ્ફળતાને પહાડ જેવી બનાવી દે છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે બહુ ઝડપથી હતાશ થઈ જઈએ છીએ. ઉત્સાહ ધીમે ધીમે આવે છે અને હતાશા ત્રાટકે છે. આપણે એને ત્રાટકવા દઈએ છીએ. ઘણી વખત તૂટી જઈએ છીએ. નિષ્ફળતાથી મુક્તિ મેળવવાનો સૌથી મોટો ઉકેલ એ છે કે બને એટલી ઝડપથી એને ખંખેરી નાખો. એ તમને સકંજામાં લે એ પહેલાં જ તેને દૂર હટાવી દો.
માત્ર કરિયરમાં જ નહીં, સંબંધોમાં પણ અસફળ થવાતું હોય છે. કેટલાંક સંબંધો તૂટે ત્યારે આંચકો લાગે છે. અચાનક જ માર્ગો ફંટાઈ જાય છે. આવા સમયે પણ આપણને એવું લાગતું હોય છે કે જો આ થયું ન હોત તો અત્યારે મારી જિંદગી જુદી હોત. એક યુવાનની આ વાત છે. કોલેજમાં હતો ત્યારે સાથે ભણતી એક છોકરી સાથે તેને પ્રેમ થયો. છોકરીના ઘરના લોકો લવમેરેજ માટે માન્યા નહીં. અંતે બંને જુદાં પડી ગયાં. છોકરીનાં માતા-પિતાએ એનાં લગ્ન પોતાની જ જ્ઞાાતિના વેલ ટુ ડુ યુવાન સાથે કરાવ્યાં. છોકરો આ ઘટનાથી બહુ ડિસ્ટર્બ થયો. તેણે મા-બાપને કહ્યું કે તમે જે છોકરી પસંદ કરશો તેની સાથે હું મેરેજ કરી લઈશ. મા-બાપે છોકરી શોધી. જોકે, બંનેનું લાંબું ન ચાલ્યું. અંતે ડિવોર્સ થઈ ગયા. એક દિવસ એની જૂની પ્રેમિકા તેને મળી ગઈ. યુવાને કહ્યું કે તારી સાથે લગ્ન થયાં હોત તો જિંદગી જુદી હોત. તેં ના પાડી પછી મેં કંઈ જોયા વગર લગ્ન કરી લીધાં હતાં. પ્રેમિકાએ કહ્યું કે, તારી જે હાલત છે એના માટે તું મને દોષ ન દે. તારી સાથે લગ્ન થઈ શકે એમ નથી એવું જાણ્યા પછી મેં ઘણા છોકરા જોયા હતા. મને યોગ્ય લાગ્યું ત્યાં જ મેં હા પાડી. મારો હસબન્ડ સારો માણસ છે. મને તેનાથી કે મારી લાઇફથી કોઈ ફરિયાદ નથી. હું પણ તને પ્રેમ કરતી હતી. આપણે ઇચ્છતાં હતાં એમ ન થયું. તેં શું કર્યું? જોયા વિચાર્યા વગર હા પાડી દીધી? તમારો સંબંધ ન ટક્યો એમાં એનો જ વાંક હોય એ જરૂરી નથી. ડિવોર્સનું કારણ તું પણ હોઈ શકે. તેં માત્ર તારી જિંદગી નથી બગાડી, એ છોકરીની જિંદગી પણ બગાડી છે. હવે તું એસ્ક્યુઝીસ શોધે છે કે આમ હોત તો તેમ હોત! આ બધાં બહાનાં છે. લાઇફ જેવી હોય એવી સ્વીકારવાની હોય છે. હજુ કંઈ મોડું થયું નથી. તને ગમતી વ્યક્તિ સાથે જિંદગી નવેસરથી શરૂ કર. હા, એટલું ધ્યાન રાખજે કે તું એને પ્રેમ કરજે! ઘણી વખત આપણે જ દોષી હોઈએ છીએ અને આપણે બીજાને દોષ દેતા હોઈએ છીએ!
જિંદગીમાં જે કંઈ બને છે એનો કંઈક મતલબ હોય છે. આ નોકરી મળી હોત તો સારું થાત, આ નોકરી છોડી ન હોત તો સારું હતું. આ શહેર છોડવાની જરૂર ન હતી. જિંદગીના બધા નિર્ણયો સાચા જ પડે એવું જરૂરી નથી. કોઈ નિર્ણય લઈએ ત્યારે સફળતા અને નિષ્ફળતાના ચાન્સીસ ફિફટી ફિફટી હોય છે. ઘણા તો વળી ત્યાં સુધીના ગાંડાઘેલા વિચાર કરતાં હોય છે કે હું આ ઘરમાં જન્મ્યો ન હોત તો કેટલું સારું હતું? મને તો વારસામાં કંઈ મળ્યું જ નથી. સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને પણ એક વાર એવું થયું હતું કે મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? નોકરી મળતી ન હતી. મિત્રોએ કહ્યું કે આપણાં મા-બાપે આપણને જન્મ જ આપવો જોઈતો ન હતો. આ વાત સાંભળીને તેમણે પિતા હરિવંશરાય બચ્ચનને મોઢામોઢ કહી દીધું કે, આપને મુજે પૈદા હી ક્યું કિયા? આ આખી વાત અમિતાભે પોતાના મોઢે કરી છે!
અમિતાભે પિતાના મોઢે આવું બોલતાં તો બોલી દીધું, પણ તેના જવાબમાં પિતા હરિવંશરાય બચ્ચન કંઈ જ ન બોલ્યા. તેઓ મહાન કવિ હતા. બીજા દિવસે સવારે અમિતાભ ઊઠયા ત્યારે તેમના બેડ ઉપર એક કાગળ પડયો હતો, જેમાં હરિવંશરાયે એક કવિતા લખી હતી. આ કવિતા કદાચ થોડીક રમૂજી લાગે પણ તેના ગુઢાર્થ ઘણું બધું કહી જાય છે...જિંદગી ઔર જમાને કી કશ્મકશ સે ગભરા કે, મેરે બેટે મુજસે પૂછતે હૈં કી હમેં પૈૈદા ક્યું કિયા થા? ઔર મેરે પાસ ઇસકે સિવા ઔર કોઈ જવાબ નહીં, કી મેરે બાપને ભી મુજસે બિના પૂછે મુજે પૈદા ક્યું કિયા થા? ઔર મેરે બાપ કો ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં ઔર ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં, જિંદગી ઔર જમાને કી કશ્મકશ પહલે ભી થી, આજ ભી હૈ, શાયદ જ્યાદા, કલ ભી હોગી શાયદ ઔર જ્યાદા, તુમ ભી લિખ રખના, અપને બેટોં કો પૂછ કર ઉન્હેં પૈદા કરના!
જિંદગી જેવી છે એવી જ એને સ્વીકારવામાં જિંદગીની સમજણ છે. અફસોસ કરવાનો કોઈ મતલબ હોતો નથી. જેટલો સમય અફસોસ કરવામાં વિતાવશો એટલી જિંદગી વેડફાવવાની જ છે. જિંદગીને જે રૂપમાં સ્વીકારશો એ જ જિંદગી તમે જીવી શકશો. જિંદગી જીવવા માટે છે, અફસોસ કરવા કે વખોડવા માટે નથી!  
છેલ્લો સીન : 
વારંવાર પ્રયત્ન કરવાથી અશક્ય પણ શક્ય બની જાય છે.  -યોગવશિષ્ઠ
 
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 1 માર્ચ, 2015. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)

 

Author: Gurjar Upendra Read More...

[1] મહાત્મા ગાંધીનો પત્ર કસ્તૂરબાને (તા. 09-11-1908)

તારી તબિયત વિષે શ્રી વેહરે આજે તાર કર્યો છે. મારું મન ટુકડે ટુકડા થઈ રહ્યું છે, પણ તારી ચાકરી માટે પહોંચી શકું એ શક્ય નથી. સત્યાગ્રહની લડાઈમાં મેં બધું જ અર્પિત કરી દીધું છે. હું ત્યાં આવી જ નહિ શકું. દંડ ભરી દઉં તો જ આવી શકું, પણ દંડ તો કદી નહિ ભરી શકું ! તું હિંમત રાખજે. નિયમિત ખાઈશ તો સારી થઈ જઈશ. છતાંય મારા નસીબમાંથી જઈશ જ, એવું થશે તો હું તને એટલું જ લખું છું કે તું વિયોગમાં, મારા જીવતે જીવતા મરી જઈશ તો ખરાબ નહિ કહેવાય. મારો સ્નેહ તારા પર એટલો બધો છે કે મરવા છતાં તું મારા મનમાં જીવિત જ રહીશ. તું મરી જઈશ તો પાછળથી હું બીજી પત્ની કરવાનો નથી, એટલું નિશ્ચયપૂર્વક કહું છું. આવું મેં તને એક-બે વાર કહ્યું પણ છે. તું ઈશ્વર પર આસ્થા રાખીને પ્રાણ છોડજે…

તું મરી જઈશ, તો એ પણ સત્યાગ્રહને માટે અનુકૂળ થશે. મારું યુદ્ધ માત્ર રાજકીય નથી, એ ધર્મયુદ્ધ છે, અર્થાત અતિ સ્વચ્છ છે. એમાં મર્યા તો પણ શું અને જીવિત રહ્યા તો પણ શું ? તું પણ આવું જ સમજીને તારા મનમાં જરાય ખરાબ નહિ લગાડે એવી મને આશા છે. તારી પાસે આ મારી માગણી છે.

મો. ક. ગાંધી
(દક્ષિણ આફ્રિકા)
.

[2] નેપોલિયનનો પત્ર ઝિયરીનાને

પ્રિયા !
હું ખૂબ જ ઉદાસ થઈને એવિગ્નાન પહોંચ્યો છું. ખાસ્સા લાંબા સમય સુધી મારે તારાથી દૂર રહેવું પડ્યું તેથી આ સફર મને કઠિન અને કષ્ટદાયક લાગી. હું તને હંમેશાં પ્રેમ કરતો રહીશ. તારા વાયદાની આવી આશા જ બસ, મારું દુ:ખ ઓછું કરી દે છે અને હું બધું જ સહન કરું છું.

પેરિસ પહોંચતાં પહેલાં મને તારો એક પણ પત્ર નહિ મળે. હું શક્ય એટલો વહેલો ત્યાં પહોંચીને જોઈશ કે તારા કયા સમાચાર મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. એ ઊણપ મારો ઉત્સાહ વધારશે. કાલે સાંજે હું વિયંસ પહોંચી જઈશ. બસ ત્યારે, આવજે ! મને ન ભૂલીશ…. અને જે આજીવન તારો જ છે, એને પ્રેમ કરતી રહેજે…

લિ. નેપોલિયન બોનાપાર્ટ
.

[3] દોસ્તોવસ્કીનો પત્ર એનાને

પ્રિયા !
તું લખે છે – મને પ્રેમ કરો. પણ શું હું તને પ્રેમ નથી કરતો ? કહીને પ્રેમ કરવાનું મારી ટેવની વિરુદ્ધ છે, એ તેં પોતે પણ અનુભવ્યું હશે. પરંતુ અફસોસની વાત તો એ છે કે કોઈ વાત અનુભવી શકાય તો કેવી રીતે અનુભવવી તે તું નથી જાણતી. હું તારી સાથે સતત દામ્પત્યસુખ માણી રહ્યો છું. (સતત પર્યાપ્ત નથી, કારણ કે દર વર્ષે આ રસની મીઠાશ વધતી જ જાય છે.) આ જ વાત પરથી તારે ઘણું બધું સમજી જવું જોઈએ. પણ કાં તો તું કશું સમજવા જ નથી માગતી અથવા અનુભવની ઓછપને કારણે સમજી નથી શકતી.

વારુ, તું મને કોઈ એવા દંપતીનું નામ-સરનામું આપ જેમની વચ્ચે આપણા આ બાર વર્ષના જૂના સંબંધ જેવો લગાવ કાયમ હોય. જ્યાં સુધી મારા આનંદ અને મારી પ્રશંસાનો પ્રશ્ન છે, એ બંને અગાધ છે. તું કહીશ કે એ માત્ર એકતરફી છે અને એ પણ સૌથી નિમ્ન. પણ ના, એ નિમ્ન નથી; કારણ કે જીવનનું બાકીનું બધું જ એના પર નિર્ભર રહે છે. તું બસ આ જ સત્યને પકડવા નથી ઈચ્છતી.

ખેર, આ લાંબા ભાષણને પૂર્ણ કરતાં પહેલાં એક વાર ફરીથી તને ખાતરી આપું છું કે, તારા નાના નાના પગની દરેક આંગળીને વારંવાર ચૂમવા તડપું છું…. અને હું એવું કરીને જ જંપીશ, એ તું જોઈશ. તું લખે છે… જો કોઈ આપણા પત્રો વાંચશે તો શું થશે ? સારું, પણ એમને વાંચવા દે… એમને બળતરાનો અનુભવ કરવા દે !

લિ. દોસ્તોવસ્કી
.

[4] મુનશી પ્રેમચંદજીનો પત્ર શિવરાનીને

પ્રિય રાની,

હું તને છોડીને કાશી આવ્યો, પણ અહીં તારા વિના સૂનું સૂનું લાગે છે. શું કરું ? તારી બહેનની વાત શી રીતે ન માનું ? ન માનત, તો તને પણ ખરાબ લાગત. એણે તને રોકી ત્યારે હું મનમાં દુ:ખી થયો. તું તો મારી બહેન સાથે ત્યાં ખુશ હોઈશ, પણ જે એક માળામાં બે પક્ષી રહેતાં હોય અને એમનામાંથી એક ન રહેતાં બીજું વ્યાકુળ થઈ જાય તેમ હું અહીં વ્યાકુળ છું. તારો આ જ ન્યાય છે કે તું ત્યાં મોજ કરે અને હું અહીં તારા નામની માળા ફેરવું ? તું મારી પાસે રહેત, તો હું ક્યાંય જવાનું નામ ન દેત. તું આવવાનું નામ નથી લેતી. મને પંદરમી તારીખે પ્રયાગ યુનિવર્સિટીમાં બોલાવવામાં આવ્યો છે. આ જ કારણે હું હજી સુધી નથી આવ્યો, નહિતર ક્યારનોય પહોંચી ગયો હોત. તેથી હું ધીરજ ધરીને બેઠો છું. હવે તું પંદરમી તારીખે આવવા માટે તૈયાર રહેજે. સાચું કહું છું…. ઘર મને ખાઈ રહ્યું છે. ક્યારેક વિચારું છું કે, શું બધા આ રીતે ચિંતિત થઈ જતાં હશે કે માત્ર હું જ ? તને રૂપિયા મળી ગયા હશે. તારી બહેનને મારાં પ્રણામ કહેજે. બાળકોને વહાલ, ક્યાંક એવું ન બને કે આ પત્રની સાથે જ હું પણ ત્યાં આવી પહોંચું ! જવાબ જલદી લખજે.

લિ. ધનપતરાય
(મુનશી પ્રેમચંદ)
.

[5] પંડિત નહેરુનો પત્ર પદ્મજા નાયડુને

[તા. 2-3-1938ને દિવસે પંડિત નહેરુએ પ્રિયતમા પદ્મજા નાયડુને લખેલા પ્રેમપત્રમાં કાશ્મીરી ગુલાબની ખુશબો છે. પંડિતજી મહાન પ્રેમી હતા. ગાંધીજીની નજીક હોવું અને વળી રોમેન્ટિક હોવું એ જેવી તેવી વાત નથી. પંડિતજીએ અનેક સ્ત્રીઓને પ્રેમ કરેલો, પરંતુ બે સ્ત્રીઓ એમની ખૂબ નજીક પહોંચેલી : પદ્મજા નાયડુ અને લેડી માઉન્ટબેટન. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે એમને ‘ઋતુરાજ’ કહેલા. યાદ રહે કે પદ્મજાને પ્રેમ કરવામાં પંડિત નહેરુ અને સુભાષ બોઝ વચ્ચે ખાનગી હરીફાઈ પણ હતી. તા. 29-11-1937ને દિવસે નહેરુએ પદ્મજાને પોતાના પત્રો પર ‘પર્સનલ’ એવી સૂચના લખવાની ટકોર કરેલી. જેથી પોતાનો મંત્રી એ પત્ર વાંચે નહીં. આપણા જેવા સામાન્ય માણસો રાખે તેવી જ કાળજી નહેરુએ પણ રાખેલી. – લેખક]

બેબી ડિયર,
તને મારે લખવું એવું વચન તેં મારી પાસેથી માગી લીધું. અરે મૂરખ ! શું વચન લેવું જરૂરી હતું ! અને વળી એવા વચનનો કોઈ અર્થ ખરો ? તને લખવાનો મને ઉમળકો ન હોય તો હું કેવળ વચન પાળવા માટે જ લખું એવું તું ઈચ્છે છે કે ? અને વળી તને લખવાનો ઉમળકો મને સ્પર્શી જાય પછી તું મને લખતો રોકે કે પછી, ન લખવાનો હુકમ કરે તોય ભૂતકાળમાં લખતો એમ હું તો તને લખતો જ રહીશ. હું આમે સ્વાર્થી અને સ્વકેન્દ્રી ખરો, તેથી મારી જાતને ખુશ કરવા માટે લખું છું; જો કે મારા મિથાભિમાનને કારણે માનું છું કે તને પણ એથી થોડો આનંદ મળતો જ રહેશે.

તું કહે છે કે, તું મને લખવાની નથી; રખે ને તારાથી કશુંક એવું કહેવાઈ જાય જે દુ:ખ પહોંચાડે. તારા શબ્દોમાં દુ:ખ પહોંચાડવાની શક્તિ છે, પરંતુ તું કશું જ ન લખે એની પીડા કેટલી પહોંચે એનો વિચાર કર્યો છે ખરો ? કોચલામાં પુરાઈને ચારે તરફથી ઘેરાઈ ગયેલી, કપાઈ ગયેલી અને એકલતાનો પર્યાય બની ગયેલી મારી જિંદગીનો તેં વિચાર કર્યો છે ખરો, જેને હું પ્રવૃત્તિમાં ખોવાઈ જઈને ભૂલવા મથું છું !

(નોંધ : પત્રને અંતે ‘માઈ લવ ટુ યુ’ ની નોંધ પછી લખાયેલા તાજા કલમમાં પંડિતજી આગળ લખે છે : )
‘પુષ્પો પ્રજ્વલિત થયાં છે
અને તને અભિનંદન પાઠવે છે.’
(ફરીથી પચાસની નજીક પહોંચેલા નહેરુએ અલ્હાબાદથી તા. 18-11-1937ને દિવસે પદ્મજાને લખ્યું : )
અજંતા પ્રિન્સેસ (અજંતા શિલ્પના નમૂનાઓ) ઘરના ઓરડામાં ગોઠવાઈ ગયા પછી સતત તું ખતરનાક રીતે મારી સમીપ આવી ગઈ છે ! હું જ્યારે એ (નમૂના) જોઉં છું ત્યારે તારો જ વિચાર કેમ કરું છું. હવે તારી ઉંમર કેટલી થઈ ? વીસ ?* ઓ મારી પ્રિયા ! વર્ષો વીતી જાય અને આપણને હાથતાળી દઈ જાય, તોય આપણે કેટલાં નાદાન રહ્યાં છીએ ! તારો પ્રેમાળ ચહેરો જોવા હું ઝંખું છું.
(પદ્મજાના લાંબા અંગત તારના જવાબમાં પંડિતજી જણાવે છે : )
પ્રિયે ! તારો તાર મને મળ્યો છે. કેટલો મૂર્ખતાભર્યો, સ્ત્રીસહજ અને ખર્ચાળ ! કે પછી સુભાષને પ્રેમ કર્યા બદલ તેં કરેલું પ્રાયશ્ચિત હતું !
(તા. 15-11-40ને દિવસે નહેરુ પદ્મજાને તાર કરીને લખે છે : )
તને મળવાનું થયું તે સારું થયું. (દિવસે દિવસે) વધુ યુવાન થતી રહેજે અને જેઓ વૃદ્ધ થતા જાય એનું સાટું વાળતી રહેજે.

(*નોંધ : અહીં વીસ વર્ષની ઉંમરનો ઉલ્લેખ પ્રશંસા કરવા માટેની લાડકી મજાક હતી. વાસ્તવમાં એ સમયે પદ્મજાની ઉંમર 37 વર્ષની હતી.)
.

[6] એક સામાન્ય માણસનો પ્રેમપત્ર

(નોંધ : આ પત્ર શ્રી ગુણવંત શાહે તેમનાં પત્ની અવંતિકાબેનને ઈગતપુરીમાં વિપશ્યના શિબિરમાં રહેવાનું બન્યું ત્યારે વર્ષગાંઠને દિવસે લખેલો પત્ર છે. લેખક જણાવે છે કે આ પત્રની તારીખ 12મી માર્ચ છે પરંતુ વર્ષ યાદ નથી. – તંત્રી.)

પ્રિય અવંતી,

માતના ગર્ભાશયમાં હતો એટલો જ નિશ્ચિંત અને સ્વસ્થ મૃત્યુની ક્ષણે પણ હોઉં એવી ગાંડીઘેલી ઝંખના સાથે જીવી રહ્યો છું. આજે મારી વર્ષગાંઠ, પરંતુ અહીં (ઈગતપુરી ખાતે) વિપશ્યના શિબિરમાં તો એ વાત મને છેક રાત્રે જ યાદ આવી. આજે તારું ખૂબ સ્મરણ થતું રહ્યું. ધ્યાનમાં પણ વચ્ચે વચ્ચે તું ખૂબ યાદ આવી. પહેલાં તો તારા દુર્ગુણો યાદ આવ્યા – પછી સદગુણોનો વારો આવ્યો.

હું તને ચાહું છું એ તો તું જાણે છે, પરંતુ ચાહવું એટલે શું તેની ખબર તને ઓછી છે. મારી પ્રેમની વ્યાખ્યા જુદી છે. એ વ્યાખ્યા પ્રમાણે હું વરતું છું. મારી પ્રેમની વ્યાખ્યા એ કે જેને પ્રેમ કરતા હોઈએ એના માલિક ન બનવું. તું આ વાત સમજે તો હું ખૂબ હરખાઉં. વિચારજે. આજે જો તું સાથે હોત તો તને વહાલથી નવરાવી નાખત. હવે હું આવું ત્યારે વાત. મારી મહત્વાકાંક્ષા તો હું મરું ત્યારે તારા મિત્ર તરીકે મરવાની છે, તારા પતિ તરીકે નહીં. હું મારામાં રહેલા પતિને દફનાવી ચૂક્યો છું. મારી નિખાલસતાનું મને અભિમાન રહે છે. પ્લીઝ બિલીવ મી.

હું તો એક એવી અવંતીને જોવા ઝંખું છું જે મારા પ્રવાસોમાં, વિચારોમાં અને શ્વાસોમાં સતત સાથે હોય; સંગીતના મધુર સ્વરની માફક ! આ પત્રમાં એક પણ વાત બુદ્ધિપૂર્વક વિચારીને લખી હોય તો મને તારી ઉદારતાના સોગંદ ! બાકી હું તો ક્યારેક લાક્ષાગૃહના ગુપ્ત દ્વારની શોધમાં હોઉં છું. તું આ જાણે છે. બધી સંવેદનશીલતાને ઠાલવી દઈ એકબીજામાં ઓતપ્રોત થઈ જવાની ઉત્કટ, અપ્રદૂષિત અને સો ટચની અભીપ્સાને હું પ્રેમ કરું છું. આવી અભીપ્સા આપણી વચ્ચે પાંગરી છે. એ ઊંડા પરિતોષની વાત છે. જીવનમાં મેઘધનુષી રંગદર્શિતા હોય, વાદળી ભીનાશ હોય અને વળી શિયાળાની સવારના સૂરજની હૂંફ હોય પછી બીજું શું જોઈએ ? અપેક્ષાઓની આવ-જા વધી પડે તો પેલી અભીપ્સા પણ વાસી થઈ શકે. આપણી અભીપ્સા એટલી ઉત્કટ હો કે અપેક્ષાઓ માટે અવકાશ જ ન રહે. જીવનના અંત સુધી અભીપ્સાને વાસી બનતી અટકાવવાનું અઘરું છે, અશક્ય નથી.

સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ વિલીનીકરણ એટલે સંપૂર્ણ પ્રેમ ! આવો પ્રેમ આનંદનું ઉપસ્થાન બની શકે. જે વાસી થઈ શકે તે સુખ ગણાય, આનંદ નહિ. આનંદની પ્રાપ્તિ માટે જીવીએ. ઊંચા ધ્યેયને આંબવામાં મળેલી નિષ્ફળતાનું મૂલ્ય કોઈ છીછરી પ્રાપ્તિ કરતાં વધારે છે. આવી નિષ્ફળતાનીય આપણે પ્રતીક્ષા કરીશું. એનુંય સ્વાગત કરીશું, પણ કશુંય છીછરું તો નહિ જ સ્વીકારીએ. તું આવી કલ્યાણયાત્રામાં મારી સાથે છે, એનું મારે મન ઘણું મૂલ્ય છે. પગ છોલાઈ જાય, આંટણ પડે, થાકી જવાય, ઢળી પડાય તોય આ યાત્રા ચાલુ જ રાખીશું. જીવનના અંતે યાત્રાપથ પર પાછું વળીને જોઈએ ત્યારે લાગવું જોઈએ કે આપણે છેક નકામાં ન હતાં ! કબૂલ છે ? તડપન હોય ત્યારે જ વેદનાની વેલ પર ફૂલ બેસે છે. મને થાય છે કે :
ઠારે તે સ્વજન,
દઝાડે તે દુશ્મન,
પ્રજાળે તે પ્રિયજન,
પજવે તે દુરિજન.

ઘણા દિવસથી મળ્યાં નથી, ખરું ને ! સાચું કહું તો રોજરોજ આપણે મળતાં જ હતાં. પૂરી તીવ્રતાથી તારું સ્મરણ થતું રહ્યું. તારી સ્થિતિ મારાથી જુદી હોઈ જ ન શકે. મળવાની આ પણ એક અનેરી રીત છે. માઈલો ખરી પડે, સમય ખરી પડે અને રહી જાય તારું સ્મરણ – કેવળ તું જ ! અર્જુનને પક્ષીની ડાબી આંખ સિવાય બીજું કશું ન દેખાય તેવું જ કશુંક બની રહ્યું. દુનિયાના ક્ષુલ્લક સ્વાર્થોથી પર, લેવડદેવડની ગણતરી અને લાભાલાભનાં કાટલાંથી અસ્પૃશ્ય એવું કશુંક અત્યંત આનંદપ્રદ અને પ્રીતિપદ આપણી વચ્ચે ઊગી રહ્યું છે એ કંઈ જેવી તેવી વાત છે ! આ કશુંક આપણે જીવીએ ત્યાં સુધી ગંગાજળની માફક સાચવી રાખીશું ને ?

ખૂબ વાતો કરવી છે અને છતાંય કશું નથી કહેવું. જે કાંઈ કહેવાનું હોય તે બધું શબ્દો દ્વારા કહી શકાય એવો ભ્રમ જલદી છોડીએ. જે કાંઈ વણકહ્યું રહી જાય તે પણ એની રીતે સામેના માણસ સુધી પહોંચતું હોય છે. તારી સમક્ષ પૂર્ણપણે અનાવૃત થવાની ઉતાવળ મને રહી છે. કોઈકનો સમગ્ર સ્વીકાર એ જ છે : ‘પ્રેમ-અમીરસ’ અને એ જ તો છે જીવનજળ. સંભોગ માટે ગોવર્ધનરામે ‘હૃદયદાન’ શબ્દ પ્રયોજ્યો છે. પ્રેમ જો હૃદયદાનથી આગળ ન વધે ત્યારે શિખર પરથી ખીણમાં પડીને ભોંયભેગો થતો હોય છે.

તારી સાથેની મૈત્રીને હું જીવનની સૌથી મોટી અમીરાત માનું છું. તું મને ખૂબ ગમે છે એમાં મારો શો વાંક ? કશુંક ગમવા યોગ્ય જેની પાસે હોય એ જ ગુનેગાર ગણાય. હું ઈચ્છું છું કે તું જીવનભર આવો ગુનો જાળવી રાખે. આપણી મૈત્રી દિવસાનુદિવસ પરિશુદ્ધ બનતી રહે એ માટે બંને સાથે મથીશું. કશુંક ઊર્ધ્વગામી, કશુંક ઊંડું, કશુંક ઉત્કૃષ્ટ ન હોય તે માટે વળી મથવાનું કેવું ! તેં નદીકાંઠે કમરપૂર પાણીમાં રેતી કાઢનારા માણસો જોયા છે ? તેઓ ટોપલા ભરીભરીને રેતી ઠાલવતા રહે છે. આપણે રેતી નથી કાઢવી, આપણે તો મૂઠીભર મોતી પામવાં છે. મોતી કાઢવા માટે તો મહાસાગરને તળિયે ડૂબકી મારીને પહોંચવું પડે. આ માટે મરજીવા બનવું પડે અને પ્રેમપંથ પાવકની જ્વાળા સહન કરવી પડે. એક વાર ડૂબકી મારવાના આનંદની ભાળ મળી જાય પછી દેખનારા ભલે દાઝે !

આખી દુનિયા મારી સામે થઈ જાય, પણ તું જો મારી પડખે હોય તો, હું હસતો હસતો મરું. મારી તમામ આકાંક્ષાઓનો છેડો આ છે : કોઈ અત્યંત ઊંચા શિખર પર મજાનું ઘર હોય, ઘરનો ઓટલો હોય, ઓટલા પર હીંચકો હોય અને પૂર્વાકાશમાં સૂર્યોદય થઈ રહ્યો હોય ત્યારે બાજુએ તું બેઠી હોય. જીવતરનો થાક ઉતારવા માટે આપણે પ્રત્યેક ક્ષણને નિચોવીને આનંદયાત્રા માણી રહ્યાં હોઈએ. અપાર ઔદાર્યથી તેં મને હરાવી દીધો છે, પણ એમાં મને બધું જીતી ગયાનો હરખ સાંપડે છે. આંખો ભલે ને બે હોય, પણ બંને જે જુએ તે એક જ. કાન ભલે બે, પણ સાંભળે સરખું. ફેફસાં ભલે ને બે રહ્યાં, પણ એ બંને પામે તો પ્રાણવાયુ જ. આપણે આવી રીતે એકાકાર થઈ જઈએ – રાત અને દિવસ એકબીજાંને પામે એમ !

હવે વધારે થાકવાની, વધારે છેતરાવાની અને વધારે વ્યવહારુ બનવાની મારી તૈયારી નથી. તને મારે માટે આંધળો પક્ષપાત છે. આવા પક્ષપાતને આંધળો જ રાખજે. મારી ઘણીબધી ખામીઓને તું પ્રેમથી નભાવી લે છે. સાચું કહું ! હવે હું સુધરવાની તકલીફ લેવા તૈયાર નથી. ખાતરી આપું છું કે, હું તને છેતરીશ નહીં. કોઈને છેતરવા માટે ખૂબ જ તકલીફ લેવી પડતી હોય છે. સાચકલો પ્રેમ જ એ જુઠ્ઠી તકલીફથી આપણને ઉગારી શકે. મને જાળવી લેજે, નભાવી લેજે. થાકી જાઉં એટલો પ્રેમ કરજે, રડી પડું એટલું વહાલ કરજે. હવે અહીં અટકીશ. બાકીની વાત આપણું મૌન જ કહી દેશે.

લિ. ગુણવંત શાહ

Author: Gurjar Upendra Read More...

Janmashtami

 

હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.

ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો.અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.

શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા.તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે.પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ-દામ-દંડ-ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો.શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે.

દરેક હિન્દુના શ્રી કૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે.ભારતના ગામેગામ શ્રી કૃષ્ણની અને રાધા-કૃષ્ણની વિવિધ અંગ ભંગી વાળી સુંદર મુતીઓ અને રંગીન આકર્ષક ફોટાઓ મંદિરોમાં અને ઘરે ઘર ભક્તિભાવથી પૂજાય છે.

શ્રીકૃષ્ણ ગોકુળ અને વૃન્દાવનમાં કૃષ્ણની મધુર-મુરલીના મોહક સ્વરમાં વ્રજની ગોપીઓ ઘેલી બની ભાન ભૂલી જતી અને કૃષ્ણ મય બની જતી હતી. મીરાની જેમ.

આજે પણ કૃષ્ણ ભક્તોમાં એમની મોહિની એવી જ ખુબીથી ચાલુ રહી છે.બ્રહ્મા,વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે એવા શ્રી કૃષ્ણના અત્યંત પવિત્ર જન્મ દિવસે એમના અગણિત ગુણોને યાદ કરીએ ,પર્વને આનંદથી ઉજવીએ અને ઉલ્લાસ મય સ્વરે ગાઈએ.

નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી ,જય કનૈયા  લાલ કી

જય રણછોડમાખણ ચોર.

 શ્રી કૃષ્ણ નામ સ્મરણ મહિમા

શ્રી શુક્રદેવ રાજા પરીક્ષિતને કહે છે -
सकृन्मनः कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह।
न ते यमं पाशभृतश्च तद्भटान्‌ स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥

જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.

अविस्मृतिः कृष्णपदारविन्दयोः
क्षिणोत्यभद्रणि शमं तनोति च।
सत्वस्य शुद्धिं परमात्मभक्तिं
ज्ञानं च विज्ञानविरागयुक्तम्‌॥

શ્રીકૃષ્ણના ચરણ કમળનું સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્ર્તિ, અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.

જન્માષ્ટમી અને કૃષ્ણ

કૃષ્ણપક્ષની આઠમના ચંદ્રની જેમ એક પગ પર ઊભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂંક્યા, તે દિવસ ઇતિહાસમાં અમર થઈ ગયો. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી, મૂશળધાર વરસાદ તૂટી રહ્યો હતો, આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે, નિરાશાનાં વાદળો ઘેરાઈ જાય છે, મુસિબતોની વીજળીઓ પડે છે, વેદનાનો વરસાદ તૂટી પડે છે, દુ:ખ-દૈન્યનાં કાળાં વાદળો ધમકી આપીને ગડગડાહટ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે. 

ઘોર અંધકારમાં જ્યારે પ્રકાશનાં કિરણો ફેલાય છે, જાજ્વલ્યમાન સૂર્ય પોતાની આભાને ફેલાવે છે, ત્યારે કયું હૃદય આનંદથી પુલકિત થતું નથી ? સામ્રાજ્યવાદની ચક્કીમાં પિસાતા સમાજને તેનો તારણહાર મળે, સત્તા અને સંપત્તિના શોષણથી છોડાવનારા મુક્તિદાતા મળે, ગરીબો અને ઉપેક્ષિતોને સહાનુભૂતિ આપનારાં સ્નિગ્ધ હૃદય મળે, પડી જનારાઓને ઊભા કરનારો હાથ મળે અને અધ્યાત્મને સહાનુભૂતિ આપનારો સ્નિગ્ધ હૃદય મળે, ત્યારે કયું હૃદય નહી નાચી ઊઠે !? 

ભારતમાં અનેક અવતારો થયા છે. નરરત્નોની પરંપરા ભારતમાં છે. એક-એક ધ્યેયને માટે ઘણાં જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યાં છે. આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા કૌસ્તુભમણિ અર્થાત શ્રી કૃષ્ણ યશસ્વી, વિજયી યોદ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મધુરંધર, સત્ય અને નીતિના ઉદ્ગાતા, ભક્તવત્સલ, જ્ઞાનીઓ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસા તૃપ્ત કરનારા સદ્દગુરુ એટલે કે વાસુદેવ શ્રીકૃષ્ણને તેમના જન્મદિનના જ્ન્મોત્સવ પર્વે કોટિ કોટિ પ્રમાણ.  

બધી દૃષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં ક્યાંય પણ આંગળી ઉઠાવવામાં, ન્યૂનતા જેવુ સ્થાન નથી. એક પણ સ્થાન એવુ નથી કે જ્યા ઉણપ અનુભવી શકાય. આધ્યાત્મિક, નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિએ જોઈશુ તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જનમ્યા નથી. કૃષ્ણની તુલનામાં ઉભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો.

 

Author: Gurjar Upendra Read More...

Teachers Day_Edit

સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્ત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા,  ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને  આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર –‘શિક્ષક દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષકગણ સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે. 5 મી સપ્ટેમ્બરના ગરિમાયુક્ત દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય શિક્ષકદિન તરીકે મનાવાય છે.  મિત્રો, આપણા માનસપટ પર કોઈ આદર્શ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની ઊંડી અસર છોડી જાય છે. તેને આપણે આજીવન ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે આપણો આદરભાવ – અહોભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ એટલે ‘શિક્ષક દિન’.

 હું કદી શીખવતો નથી,  હું તો એવા સંજોગો પેદા કરું કે જેમાં વિદ્યાર્થી શીખે. ” આ વાક્યો છે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના.જે દરેક  શિક્ષકોને રાહ બતાવે છે. આજના ટેકનોલૉજી-સ્માર્ટ યુગમાં દરેક બાળક સ્માર્ટ છે જ અને શિક્ષકે માત્ર એને રાહ ચીંધવાનો છે. આજના  વિદ્યાર્થી પાસે અગાધ જ્ઞાન છે પણ તેને યોગ્ય રસ્તે વાપરવા માટે શિક્ષકે માત્ર પથદર્શક જ બનવાનું છે. બાળક ભાવિ નાગરિક કે જેના દ્વારા ભાવિ સમાજ ઘડાય અને એ ભાવિ સમાજનો ઘડવૈયો  શિક્ષક છે. વિદ્યાર્થીના માનસિક, શારીરિક, ચારિત્રિક ગુણોનો વિકાસ એ તેની પહેલી ફરજ છે. હકારાત્મકતા વાવીને વિદ્યાર્થીને ઊંચાં સ્વપ્નો જોવડાવી તેને સાકાર કરવાના પ્રયત્નમાં મદદરૂપ થનાર ભોમિયો છે આ અર્થમાં શિક્ષક વિદ્યાર્થીનો મિત્ર, માર્ગદર્શક અને ભોમિયો બની  રાષ્ટ્ર નિર્માણનો પાયો રચનાર  છે.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી એ તેમના પુસ્તક ‘કેળવે તે કેળવણી’માં લખ્યું છે કે, “ એક મિકેનિક જો ચૂકે તો એક મોટર બગડે, એક ડ્રાઇવર જો ચૂકે તો ગાડીમાં બેઠેલ  ૪ થી ૫ વ્યક્તિની જિંદગી બગડે, પણ જો એક શિક્ષક ચૂકે,  તો એક આખી પેઢી બરબાદ થાય !” આ દૃષ્ટિએ જોતાં આજે જ્યારે માત્ર માહિતીઓ મગજમાં ભરી પરિક્ષાલક્ષી શિક્ષણ બની ગયું છે ત્યારે વ્યવહાર જગત સાથેનો નાતો, ચારિત્ર્ય, પ્રમાણિકતા, નીતિમત્તા, સત્ય, રાષ્ટ્રપ્રેમ, સદભાવના, બન્ધુતાના ગુણોનો વિકાસ કરવો એ આજના શિક્ષકની પ્રથમ અને આજના સમાજની તાતી જરૂરિયાત બની રહી છે. જયપ્રકાશ નારાયણે સાચું જ કહ્યું છે કે, “ કેળવણીનો ઉદ્દેશ જ્ઞાન અને તાલીમ આપવા સાથે એક સર્વસામાન્ય ઉદ્દેશ માણસ બનાવવાનો પણ છે.

પ્રખર જ્ઞાની અને મહાન લોકશિક્ષક પૂ.મોરારીબાપુના શબ્દોમાં, ‘શાળાનો ઓરડો પડી જાય તો વિદ્યાર્થીને વૃક્ષ નીચે ભણાવી શકાય પણ શિક્ષકની પ્રમાણિકતા પડી જશે તો સમાજના તમામ ક્ષેત્રમાં સડો પેદા થશે. સમાજ શિક્ષકના હાથમાં પોતાનું વહાલું બાળક સોંપી, શિક્ષક્ને શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક બનાવે છે.‘ કેળવણીકાર અને સમાજસુધારક સંત શ્રી પૂ.પાંડુરંગ શાસ્ત્રીના શબ્દોમાં વિદ્યાર્થીના મતે શિક્ષક દેવ અને શિક્ષક્ને  માટે વિદ્યાર્થી દેવ… આમ “પરસ્પર દેવો ભવ”ની ભાવના દ્વારા ઉભયનું કલ્યાણ થવું જોઈએ. રાધાકૃષણનું જીવનચરિત્ર વાંચીએ તો એક જ પ્રસંગ દ્વારા ખ્યાલ આવે કે શિક્ષક રાધાકૃષ્ણ જેમાં બેઠા હતા એ ઘોડાગાડીના ઘોડાઓને છોડી જાતે ગાડી હંકારનાર શિષ્યોના આંખમાં ગુરુ પ્રત્યેનો આદરભાવ અને એ જોઈ ગુરુની આંખમાંથી એ શિષ્યો માટે વરસતા પ્રેમ અશ્રુ તેમના ગુરુ-શિષ્ય સંબંધો માટેના  ભાવાવરણની યથાર્થતાની સાબિતી આપે છે ત્યારે, “ગુરુનું સરનામું શિષ્યનું મસ્તક અને શિષ્યનું સરનામું ગુરુનું હૃદય !” ઉક્તિ સાર્થક થાય છે.

આમ, શિ-ક્ષ-ક એ શિસ્ત, ક્ષમા અને કરુણાનો એટલે કે ઈશુ, મહાવીર, બુદ્ધનો ત્રિવેણી સંગમ છે. જે દ્વારા સમાજનું, રાષ્ટ્રનું એક મહાન પાત્ર છે…સહુ શિક્ષકોને વંદન સહ શ્રી રાધાકૃષ્ણનના જન્મદિનની  ભાવાંજલિ !!

शिक्षक है : कबीर की वाणी, मीरा का ध्यान
चाणक्य की प्रतिज्ञा, सूफी का ज्ञान

शिक्षक है : धरा का गुरुत्व, चुप आसमान
समुंदर की लहरें, परमाणु विज्ञान

शिक्षक है : पहली बारिश, खमरछठ का धान
बंजर धरती का सफल किसान

शिक्षक है : भौंरे का गुंजन, बंसी की तान
नदियों की कल-कल, परमाणु विज्ञान

- શ્રી યોગેશ અગ્રવાલ (કવિ અને અધ્યાપક)

આ મહત્ત્વપૂર્ણ દિવસે  શાળાઓ-મહાશાળાઓમાં શિક્ષકદિનની ઠેર-ઠેર ઉજવણી થાય છે. કે.જી, બાલવર્ગના વિદ્યાર્થીઓથી માંડીને ધો-12 અને કૉલેજના વિદ્યાર્થીઓ જે-તે વિષયના શિક્ષકના ગૌરવને શોભે તેવાં વસ્ત્રો પહેરી શિક્ષકની ભૂમિકા નિભાવે છે,  તેમના જ સહાધ્યાયીઓ મિત્રો એક દિવસ માટે આ શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવશે અને શિક્ષક-વિદ્યાર્થીના આદર્શ સંબંધોને પ્રસ્થાપિત કરે છે.

સૌ ભારતવાસીઓને શિક્ષકદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

 

Author: Gurjar Upendra Read More...

એક સારા સમાચાર છે અને એક ખરાબ. સારા સમાચાર એ છે કે એવું સાબિત થયું છે કે બપોરના સમયે ઝોકું લેવાથી બ્લડ પ્રેશરનું લેવલ ઘટે છે જ્યારે ખરાબ સમાચાર એ છે કે જે યુવાન વ્યક્તિઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તેઓ વધારે કોફી પીએ તો એમને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

બપોરે એકાદ ઝોકું લેવાથી તબિયતને ફાયદો થતો હોવાથી ઘણી દવાઓ લેવામાંથી મુક્તિ મળે છે.

તબીબી નિષ્ણાતોએ આર્ટેરિયલ હાઈપરટેન્શનવાળા પ્રૌઢ વયના ૩૮૬ દર્દીઓ પર એક સર્વેક્ષણ કર્યું હતું. આ તમામના શરીરમાં બપોરે ઝોકું લેવાથી, તેમના બ્લડ પ્રેશરમાં શું ફરક પડે છે તેની ચકાસણી કરવામાં આવી હતી. નિષ્ણાતોને માલૂમ પડ્યું હતું કે જે લોકો બપોરે ઊંઘ લેતા નહોતા તેમની સરખામણીમાં બપોરે ઝોકું લેનારાઓમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ ઘટ્યું હતું. એમાંય લાંબા સમયના ઝોકાં લેનારાઓને વધારે ફાયદો થતો માલૂમ પડ્યો હતો.

બીજી બાજુ, કોફીના સ્ટડી પરથી માલૂમ પડ્યું હતું કે હાઈ બ્લડ પ્રેશરવાળા યુવા લોકોને કોફી પીવાથી વધારે તકલીફ થઈ હતી. તેથી તેમણે કેફીનનો વપરાશ ઘટાડવો જ જોઈએ. તેમણે દિવસમાં બે કે ત્રણ કપથી વધારે કોફી પીવી ન જ જોઈએ. હેવી કોફી ડ્રિન્કર્સને હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.

Author: Gurjar Upendra Read More...

એક આવકારદાયક યોજના

09.jpgઅભ્યાસ દરમિયાન તમારા મનમાં જાત જાતના અને ભાતભાતના પ્રશ્ર્નો થતા હશે. મારો અભ્યાસક્રમ, મારી ડિગ્રી બરાબર તો છે ને ! મને કેવું કામ મળશે? મને ગમશે કે નહીં? મને મઝા આવશે કે નહીં? જેવા પ્રશ્ર્નો ઉદ્ભવતા હશે અને સ્વાભાવિક છે.

આપણે ત્યાં કૉલેજ-યુનિ.નો અભ્યાસ અને વ્યવસાય વચ્ચે બરાબર અનુસંધાન સધાયું નથી - વિદ્યાર્થી, માતા-પિતા, કેળવણીકારો... બધા અંધારામાં ગોળીબાર કરતાં રહે છે. રુચિ, આવડત, કુશળતા પ્રમાણેનો અભ્યાસ ન હોય તેવા લાખો વિદ્યાર્થીઓ અનિશ્ર્ચિતતા, અસંતોષમાં ભટકતા રહે છે.

ઘણા યુવાનો એવા છે જેમને માટે વ્યાવસાયિક શિક્ષણ, કૌશલ્યનું શિક્ષણ વધુ ઉપયોગી અને સંતોષકારક બની શકે. કલા-કૌશલ્ય (Skills)માં પ્રવીણ એવા વિદ્યાર્થીને આર્ટ્સ - કોમર્સ - સાયન્સમાં ધકેલી દેવાથી તે પ્રતિભાનો બગાડ થાય છે, એટલુ જ નહીં Skillsનું એક બહુ મોટુ ક્ષેત્ર ઉપેક્ષિત રહે છે.

આટલી મોટી માનવસંપદા યુવાશક્તિ હોવા છતાં, ફક્ત આયોજનના અભાવે અપૂર્ણતા અને નિરાશાનો સામનો કરવો પડે છે. ઉચ્ચ શિક્ષણમાં ગાડરિયા પ્રવાહ થકી ટોળાંઓ પેદા કરવા (Massifying)થી વિકૃતિઓ પેદા થાય છે. કોરિયામાં ૫૦ ટકા ટેક્સી ડ્રાઇવર અને ભારતમાં ૪૫ ટકા સિક્યુરિટી ગાર્ડ્સ ડિગ્રીધારીઓ છે.

મિત્રો, તમારી Skillsને પૂરતી તક મળતી રહે તે માટે વાસ્તવમાં ૧૯૪૭થી પ્રયત્નો થવા જોઈતા હતા. કૌશલ્યવિહીન અને બેકાર વ્યક્તિને સ્વતંત્ર ભારતીય કહી ના શકાય. તે સ્વતંત્ર ભારતમાં રહેતી હોવા છતાં ગુલામની અવસ્થામાં જ છે એમ કહેવું જોઈએ. સબસિડી જે પરિવર્તન ન લાવી શકે તે પરિવર્તન  Skills અસંખ્ય રીતે લાવી શકે છે.

તાજેતરમાં શરૂ થયેલ Skills India કાર્યક્રમો ભૂતકાળની ભૂલોને દૂર કરીને એક નવા પ્રકરણની શરૂઆત કરે છે. કારીગરી કૌશલ્ય ધરાવતા યુવાનો માટે, દેશના અર્થતંત્ર માટે તે આશાનું કિરણ લઈને આવે છે.

Skills educationની બાબતમાં ભારતમાં ત્રણ તબક્કાઓ જોઈ શકાય છે.

પહેલો તબક્કો : સ્વતંત્રતા (૧૯૪૭)થી માંડીને UPA સરકાર સુધી જેમાં દૃષ્ટિ, સંસ્થાકીય માળખું અને અમલ ત્રણેનો અભાવ હતો.

બીજો તબક્કો : સરકારે શરૂ કર્યો. તેમાં દૃષ્ટિ તો હતી પણ સંસ્થાકીય માળખું અને અમલીકરણનો અભાવ હતો. લશ્કર ક્યાં લડે છે તે જ ખબર નહોતી.

ત્રીજો તબક્કો : તાજેતરમાં જાહેર થયેલ Skill India એ ત્રીજો તબક્કો છે.

ત્રીજા તબક્કામાં પહેલા બે તબક્કાઓની ત્રુટિઓ દૂર થવાની પૂરેપૂરી સંભાવના છે. તેનાં બે કારણો છે.

(૧) તે બહુઆયામી મુદ્દાઓનો કાર્યક્રમ છે (Multi-point agenda).. તેમાં એક સાથે આનુષંગિક અનેક બાબતોની ચિંતા કરવામાં આવી છે જેથી સફળતાની સંભાવના વધી જાય છે.

(૨) સાતત્ય અને પરિવર્તન વચ્ચે હવે પછી સંતુલન સાચવી શકાશે. ભૂતકાળની બાબતોનાં સારાં તત્ત્વોને સાચવીને નવી નવી પરિસ્થિતિને પહોંચી વળવા તે સક્ષમ બનશે.

પહેલાંના National Skill Development Corporation (NSDC) A“¡ National Skill Developmentને જાળવીને હવે નવી યોજનાઓ કામ કરશે.

Skill India કાર્યક્રમમાં હજુ ફેરફારો અને સુધારાઓને અવકાશ છે. નાની નાની રીસર્ચ યુનિવર્સિટી અને મોટી વોકેશનલ યુનિ.નું નિર્માણ કરવાની જરૂર છે. ડિગ્રી કોર્સના ટોળાંઓને વ્યાવસાયિક શિક્ષણ તરફ વાળવાની જરૂર છે. સાથે સાથે Right to Education Act અને Right to learningમાં પણ સુધારા કરવાની જરૂર છે. પરંતુ મિત્રો, Skill India એ ભારત સરકારનું સાચી દિશાનું સાચું પગલું છે. જેમ આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે યુદ્ધ કરવાની વ્યૂહરચના (strategy) કરવી પડે તે જ રીતે બેકારી અને ગરીબી સામેના યુદ્ધમાં પણ લાંબા ગાળાનું આયોજન જરૂરી છે. ભારતના યુવાનોના લાખો કરોડો હાથના કૌશલ્યને પૂરેપૂરી તક મળ્યા વગર આ યુદ્ધ જીતવાની કલ્પના મિથ્યા છે.

હાથને કામ ન મળે તેવા મનોવૈજ્ઞાનિક આયામો પણ ઘણા છે. Skill India દ્વારા તેની સાથે જોડાયેલા મનોવૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્કૃતિક આયામોની પણ ચિંતા થશે. યુવાન મિત્રો, આપણા સૌ માટે ઉજ્જ્વળ ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે. આ સંદર્ભમાં ડૉ. અબ્દુલ કલામના શબ્દો ખૂબ સૂચક છે : ‘ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં આપણે ત્યાં નોંધપાત્ર ફેરફારો થયા છે. દરવર્ષે આપણે ૩૦ લાખથી પણ વધુ સ્નાતકો ઉત્તીર્ણ થતા જોઈએ છીએ. તેમ છતાં રોજગારીની વ્યવસ્થા યુનિવર્સિટીમાંથી બહાર પડનારા સ્નાતકોને સમાવી લેવા જેટલી સક્ષમ બની નથી. પરિણામે શિક્ષિત બેકારોની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે. બીજું કારણ એ પણ છે કે વર્તમાન અર્થવ્યવસ્થામાં જે કૌશલ્યની જરૂર છે તે અને યુનિ.માં મળતા શિક્ષણ વચ્ચે કોઈ મેળ ખાતો નથી. આ પરિસ્થિતિ આર્થિક માળખામાં અસ્થિરતા લાવે છે. રોજગારીની તકો જન્માવે તેવા શિક્ષણની આપણને જરૂર છે. શિક્ષણ આકર્ષક બને અને સાથે સાથે રોજગારીનું સર્જન કરનારું હોય તે માટે આપણે બહુઆયામી વ્યૂહરચના ગોઠવવી જોઈએ. તે કેવી રીતે કરીશું?

શિક્ષણ વ્યવસ્થા ઔદ્યોગિક સાહસિકતા (entrepreneurship)ના મહત્ત્વ પર ભાર આપનારી હોવી જોઈએ. કૉલેજકાળથી જ તે વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે નાના નાના ઉદ્યોગો અને તે માટેનું સાહસ કરે તેવા પ્રયત્નો થવા જોઈએ. પરિણામે તેમનામાં સર્જનાત્મકતા, સ્વાતંત્ર્ય અને મૂડી પેદા કરવાની આવડત આવે. કૌશલ્ય (Skills)માં વૈવિધ્ય અને કામમાં ખંત સારા સાહસિક માટેની બે જરૂરિયાતો છે. બધા વિદ્યાર્થીઓને આ પ્રાપ્ત થવું જોઈએ.’

આ સંદર્ભમાં ભારત સરકારની Skill India યોજના આવકારદાયક છે. દેર આયે દુરસ્ત આયેનો ભાવ વ્યક્ત કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે ક્યાંક કોઈ બીજા સંદર્ભમાં કહેલા શબ્દો આપણી ચર્ચાના સંદર્ભમાં બિલકુલ બંધબેસતા છે કે : ‘વૃક્ષો રોપવાનો એક યોગ્ય સમય ત્રીસ વર્ષ પહેલાં હતો અને બીજો યોગ્ય સમય આજે છે.’

Author: Gurjar Upendra Read More...

 
ઇસ દૌર કે રિશ્તોં મેં વફા ઢૂંઢ રહે હો,
અચ્છા હૈ ચલો, કુછ તો નયા ઢૂંઢ રહે હો.
- રાજેન્દ્ર ચાંદ.
દરેક વાત, દરેક વાદ, દરેક વિવાદ અને દરેક ફરિયાદનો એક અંત હોવો જોઈએ. દરેક દિવસને એક રાત હોય છે. દરેક વાક્યને એક પૂર્ણવિરામ હોય છે. જેનો આરંભ હોય એનો અંત પણ હોય જ છે. જિંદગીમાં ઘણી બાબતો એવી હોય છે જે ખેંચાતી જ હોય છે. કઈ વાતને કેટલી ખેંચવી અને તેનો અંત ક્યારે લાવવો એ માણસના હાથની વાત હોય છે. ઘણી વખત આપણે જે કરી શકવા સમર્થ હોઈએ એ જ કરતા હોતા નથી. વાતને ખેંચતા રહીએ છીએ. વિવાદને વકરાવતા રહીએ છીએ. ઝઘડાને એટલે જામવા દઈએ છીએ કે પછી એ ઓગળતો જ નથી. આપણા દિલ ઉપર જે ભાર હોય છે એનું સર્જન મોટાભાગે તો આપણે જ કર્યું હોય છે. દોષી આપણે હોઈએ છીએ અને જવાબદાર કોઈને ઠેરવતા હોઈએ છીએ.
રાત ગઈ, બાત ગઈ, એવું આપણે બોલીએ છીએ, પણ હકીકતમાં કેટલી વાત એવી હોય છે જે રાત સાથે ખતમ થતી હોય છે?ઘણી વખત તો શ્વાસ ખૂટી જાય છે પણ જીદ ખૂટતી નથી. આપણાં મોટાભાગનાં દુઃખનું કારણ એ જ હોય છે કે આપણે કંઈ છોડતા નથી. દર્દને પંપાળ્યે રાખવાથી દર્દ ખતમ થતું નથી. શરીરનું કોઈ અંગ નક્કામું થઈ જાય ત્યારે તેને પણ ઓપરેશન કરીને કપાવવું પડતું હોય છે. આપણી અંદર પડેલી કેટલી બધી નક્કામી ચીજોને, વાતોને, ઘટનાઓને અને ઝઘડાઓને આપણે સંઘરી રાખતા હોઈએ છીએ.
એક પતિ-પત્ની હતાં. બંને વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયો. ત્રણ દિવસ બંને એકબીજા સાથે ન બોલ્યાં. ચોથા દિવસે પત્નીએ કહ્યું કે હવે ક્યાં સુધી આપણે આ વાત લંબાવવી છે? આવું કરીને આપણે એકબીજાને સજા આપીએ છીએ કે આપણે જ આપણી સજા ભોગવીએ છીએ? ભૂલ થાય એ સ્વાભાવિક છે. ભૂલ થઈ જતી હોય છે. ભૂલની સજા મળે એ પણ સ્વીકારી લઈએ. સજા પણ કેટલી હોવી જોઈએ? દરેક ભૂલની એક ચોક્કસ સજા હોય છે. સજા ભૂલથી મોટી ન થઈ જાય એની પણ માણસે દરકાર રાખવી જોઈએ.
આપણે ઘણી વખત એવું કહેતાં હોઈએ છીએ કે, બસ હવે બહુ થયું. આ વાતનો અંત લાવ. વાત પૂરી તો કરવી પડશેને? આપણે જીદ પણ કોની સાથે કરતાં હોઈએ છીએ? મોટાભાગે આપણી વ્યક્તિ સાથે જ આપણે પંગો લેતા હોઈએ છીએ. જેના વગર આપણને ચાલવાનું નથી, જેને આપણા વગર ચાલતું નથી એની સાથે જ આપણે વાત લંબાવતા રહીએ છીએ. એક પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા. કંઈ ઝઘડો થાય એટલે પતિ તરત જ સોરી કહી દેતો. એનો વાંક ન હોય તોપણ એ સોરી કહી દેતો. એક વખત પત્નીએ કહ્યું કે તને ખબર છે કે તારો વાંક નથી, મને પણ ખબર હોય છે કે ભૂલ મારી હોય છે છતાં પણ તું કેમ સોરી કહી દે છે? પતિએ કહ્યું કે, મારે તારી સાથે ઝઘડો વધારવો હોતો નથી. હું તને ખૂબ પ્રેમ કરું છું. સોરી કહેવું એ પણ મારા પ્રેમનો જ એક પ્રકાર છે. તારી સાથે ઝઘડો વધારીને મારે શું કરવું છે? હા, ઘણી વખત ગુસ્સો આવી જાય છે. ઘણી વખત એમ થઈ આવે છે કે તારી સાથે વાત જ નથી કરવી. જોકે, પછી હું વિચારું છું કે તારી સાથે પ્રેમ થયો ત્યારે તારી સાથે વાત કરવા હું કેટલો બેતાબ બની જતો હતો. તારું મોઢું જોવા તલસતો હતો. તારા ઘરની બહાર ચક્કર માર્યા રાખતો. તારા મોઢે માત્ર હલો સાંભળવા ફોન કર્યે રાખતો. આજે તું મારી સાથે છે. તારી સાથે રહેવા મેં પ્રાર્થનાઓ કરી છે. હવે મારે તારી સાથેની એકેય ક્ષણ બગાડવી નથી. હા, હું સોરી કહી દઉં છું, તને રાજી રાખવા તને હસતી જોવા, તને હળવી જોવા અને તારી સાથે ખુશીથી જીવવા! મારા માટે તું દુનિયાની સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. સોરી કહી દેવાથી જો કોઈ વાતનો અંત આવી જતો હોય તો હું હજાર વખત પણ સોરી કહેવા તૈયાર છું. મારી તને એટલી જ રિક્વેસ્ટ છે કે હું સોરી કહીં દઉં પછી તું એ વાતનો અંત લાવી દેજે અને પાછી હતી એવી જ થઈ જજે.
વિવાદ અને ઝઘડા એની સાથે જ થવાના છે જે આપણી નજીક છે. દૂરના લોકો સાથેની દુશ્મની માણસ નિભાવી લે છે, એની સામે લડી પણ લે છે. પોતાની વ્યક્તિ સાથે જ માણસ લડી શકતો નથી. પ્રોબ્લેમ એ હોય છે કે એ જતું પણ કરી શકતો નથી. આખી દુનિયાને સારું લગાડવા મથતો માણસ પોતાની સૌથી અંગત વ્યક્તિને સારું લાગે એ માટે ભાગ્યે જ કંઈક કરતો હોય છે. સારું લાગે એવું ન કરે તોપણ કંઈ નહીં, ખરાબ લાગે એવું ન કરે તોપણ એ મોટી વાત છે. દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. આ પ્રકૃતિને આપણે કેટલી સમજતાં અને સ્વીકારતાં હોઈએ છીએ? આપણી પણ એક પ્રકૃતિ હોય છે.
આપણી પ્રકૃતિ, આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી માન્યતા અને આપણી ફિતરત જે સ્વીકારતા હોય છે એનો પણ આપણે કેટલો સ્વીકાર કરતાં હોઈએ છીએ?
એક પતિ-પત્ની હતાં. બંનેના સ્વભાવમાં આસમાન-જમીનનો ફર્ક હતો. પતિને સતત એવું લાગતું કે મારી પત્ની મને ગમે એ રીતે મને પ્રેમ કરતી નથી. હું ઇચ્છું એમ મારી સાથે રહેતી નથી. છતાં એ તેને પ્રેમ કરતો હતો. પત્નીને સમજાવવાના પણ ખૂબ પ્રયાસો કર્યા. પતિને કોઈ સફળતા મળતી ન હતી. શું કરવું એની એને સમજ પડતી ન હતી. એક વખત તેણે મિત્રને પોતાની સમસ્યા કહી અને કંઈક રસ્તો બતાવવા કહ્યું. મિત્ર કંઈ રસ્તો બતાવે એ પહેલાં તેણે બે વાત કરી અને કહ્યું કે આ બે સિવાયનો ત્રીજો કોઈ રસ્તો તારી પાસે હોય તો જ તું મને કહેજે.
તેણે મિત્રને કહ્યું કે એક તો એ કે તું છોડી દેવાની કે છેડો ફાડવાની વાત ન કરતો. મારે તેનાથી જુદું નથી થવું. એના મનમાં જે હોય તે પણ હું એને ખૂબ પ્રેમ કરું છું. એની મને ખબર છે. એ વાત કરવી બહુ ઇઝી છે કે ન ફાવતું હોય તો છોડી દેવાનું. હું એને ઉકેલ નથી માનતો. એટલે છોડવાની વાત ન કરતો. બીજી વાત એ કે તેને કન્વીન્સ કરવાની કે સમજાવવાની વાત પણ ન કરતો. હું એને પૂરતું સમજાવી ચૂક્યો છું. તેનામાં કોઈ ફેર નથી. આ બે સિવાયની કંઈ વાત હોય તો તું મને કર. મિત્રએ કહ્યું, હા છે, એ બે સિવાયનો પણ એક રસ્તો છે. એ રસ્તો એ છે કે એ જેવી છે એવી તું એને સ્વીકાર. તેની રીત, તેની સમજણ અને તેના વિચાર કદાચ જુદા હશે. સ્વીકાર એ પણ સમર્પણ જ છે. તું એને પ્રેમ કરતો રહે. એને તારા પર પ્રેમ નથી એવું લાગતું નથી. જો એવું હોત તો એના તરફથી જ કંઈક થયું હોત. પ્રેમ આપણી જ રીતે મળે એ જરૂરી નથી. એની રીતે પ્રેમ મેળવી જો. પ્રેમ તો દરેક વ્યક્તિમાં હોય જ છે, એની રીતો અલગ અલગ હોય છે.
તમને જેના પર લાગણી હોય છે, તમે જેને પ્રેમ કરો છો એના માટે જરૂરી છે કે તમે તમારી રીતે પ્રેમ કરો અને એને એની રીતે કરવા દો. વાદવિવાદ કે ઝઘડા ત્યાં સુધી જ લંબાતા હોય છે જ્યાં સુધી આપણે તેને ખેંચતા રહીએ છીએ અને લંબાવતા હોઈએ છીએ. પૂર્ણવિરામ આપણા હાથમાં જ હોય છે, બસ એને યોગ્ય સમયે મૂકતાં આવડવું જોઈએ!
છેલ્લો સીન : 
કંઈ પણ કરતા પહેલાં જરાક વિચારજો કે એવું કરીને તમે શું સાબિત કરવા ઇચ્છો છોજેનો કોઈ અર્થ ન હોય એવું સાબિત કરવાના ખોટા પ્રયાસોમાં જ ઘણી વખત અનર્થ થઈ જતો હોય છે. -કેયુ
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 02 ઓગસ્ટ, 2015. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Author: Gurjar Upendra Read More...

Most Viewed Article

Most Viewed Author