Article

Add Your Entry

narmadashankar-750x422

 

આજે ૨૪ ઑગસ્ટના રોજ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી નર્મદનો જન્મદિન છે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. તેમના જન્મદિન નિમિત્તે આ  દિવસ ‘વિશ્વ ગુજરાતી દિવસ’ તરીકે પણ ઉજવાય છે.

નર્મદ માત્ર કવિ જ નહીં પણ નિબંધકાર, આત્મકથાકાર, પિંગળકાર, સંપાદક, કોશકાર અને નાટ્ય સંવાદ લેખક તરીકે પણ પ્રખ્યાત હતા. સુરતની ધરાનું ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઊંચું યોગદાન રહ્યું છે. સુરતે અનેક સાહિત્યકારે અને કવિઓ પ્રદાન કર્યા છે. તેમાંનું એક મુઠ્ઠી ઊંચેરું નામ એટલે નર્મદાશંકર લાલશંકર દવે. કવિ નર્મદ. નર્મદ ગુજરાતી સાહિત્યિક ક્ષેત્રના સુધારક ગણાય છે. તેમણે ચીલાચાલુ કવિતાઓથી વિમુખ જઈને કવિતાઓ લખી. સુરતની સાહિત્યિક ભૂમિ પર જન્મ લેનાર વીર કવિ નર્મદની આજે ૧૮૨મી જન્મજયંતી શહેરભરમાં વિવિધ કાર્યક્રમો રૂપે મનાવાશે. એમણે એમની કવિતાઓ અને નિબંધોમાં સમાજ સુઘારણાને મુખ્ય લક્ષ્ય આપ્યું અને કાવ્યોમાં સાહસ અને વીરરસનું નિરુપણ કર્યું. ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ જેવાં કાવ્યોથી તેમણે યુવાનોમાં જોમ અને જુસ્સો પૂરો પાડ્યો છે. ચાલો, તેમની અમર બનેલી રચનાઓને માણીએ.

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;

યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

………………………………………………………………………………………………………

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે  ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ  ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે  રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી  ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

આજના વિશેષ દિને ગુજરાતીલેક્સિકન પોતાની વિવિધ ભાષા-પ્રસ્તુતિઓના બહોળા ઉપયોગ માટે સમગ્ર ભાષાપ્રેમીઓને આમંત્રણ આપે છે, જે દ્વારા ગુજરાતી ભાષાનો વિશ્વ સ્તરે વિસ્તૃત પ્રચાર-પ્રસાર થઈ શકે. સમગ્ર ગુજરાતી ભાષા-સાહિત્યપ્રેમી મિત્રોને ‘જય જય ગરવી ગુજરાત” ના નારા સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. ચાલો, સૌ સાથે મળી ગુજરાતી ભાષાનું ગૌરવ વિશ્વ સ્તરે વધારીએ.

Author: Gurjar Upendra Read More...

નાનાં હોય ત્યારે બધાંય થોડાંઝાઝાં તોફાની તો હોય જ… પણ હું જરાક ઝાઝી વાંગડ હતી. ચોરના માથાની જેમ રખડ્યે રાખતી. ઘરમાં ટાંટિયો સપરમા દા’ડે જ ટકતો. થોડું-ઘણું (એટલે થોડુંક જ) કામ કરી નિશાળે જવાનું, છાણાં-બળતણ ભેળાં કરવાં ને બાકી રખડ્યે રાખવાનું. વાંચતાં-લખતાં કેમની શીખી ઈ તો ઉપરવાળો જાણે… કોઈ દા’ડો લેસન કરવા બેઠી હોઉં, પરીક્ષા પહેલાં વાંચવા બેઠી હોઉં એવું મને યાદ નથી. ઈ બધું સાતમા ધોરણ પછી શરૂ થયું. બાકી તો નિશાળમાં ભણ્યા ઈ માફ. લેસન પણ મોટી રિસેસમાં થઈ જાય. ખંભેથી ખલતો ઊતરે તે બીજે દા’ડે પાછો ખંભે ચડે… ને તોય રખડવા હાર્યે, ક્રિકેટ, ફિલમ ને રાજકરણમાં બધું જીભને ટેરવે રે’તુ… ઊઠતાંવેત બધાંય છાપાં વંચાઈ જાતાં ને થોડીઘણી કાતર પણ ચાલતી. કતરણોનો મારો ખજાનો બઉ મોટો હતો.

નિશાળ નો હોય એવા દિવસોમાં મા-બાપ જરાક આડા પડખે થયાં નથી ને અમારી ટણકટોળી નીકળી પડે ઘરની બા’રી. દવાખાનાનાં ઘરોની વચાળે એક ઘેઘૂર લીમડો… અખાત્રીજે ગામ આખાની વેજાં ઈ લીમડે જ હીંચકા બાંધતી. ઈ લીમડા હેઠ્યે બધાંય ભેળાં થાય ને પછી કાળા દેકારા વચાળે જાત્યભાત્યની રમત્યં શરૂ થાય. બાજુમાં રે’તાં ચંપાબેન જરાક આડે-પડખે થયાં હોયને અમારું રીડિયારમણ શરૂ થાય. કાળઝાળ ચંપાબેન, સાડલો વીંટાળતાંક, મણમણની જોખતાં બા’રાં નીકળે. ‘માયું મજાની ઘોરે… ને આ બાર બાપની વેજાને મોકલી દ્યે મારી છાતી પર મગ દળવા…’ અમારાં બધાંનાં મા-બાપ તો ઠીક, સાત પેઢીને ફરી વળે એમની સરસતી. હાથે ચડી જાય કોઈ તો એકાદા ધૂંબાની પરસાદી પણ મળી રે’તી. ઘડીકની વારમાં તો બધાં ભરરભટ દેતાંકને વેરાઈ જાય… પણ ઈ તો ઘડીક વાર… જેવાં ઈ માલીપા જાય કે પાછાં બધાં હતાં એવાં ને એવાં… ચંપાબેન અમને બધાને ‘નકટીનાંવ’ કહી હાર માની લ્યે. ગાળ્યુંનું ભંડોળ સમૃદ્ધ થાવા સિવાયની કોઈ અસર અમારા પર નો થાતી. અમારા ગામમાં ચંપાબેન સિવાયની પણ બીજી બે બાયું હતી જેને મૌલિક ગાળ્યુંની હરીફાઈમાં ઉતારી હોય તો ભાર છે કોઈના કે એમને હરાવી જાય… જોખી જોખીને દીધેલી મૌલિક ગાળ્યું વચ્ચે મોટી થઈ હોવાને કારણે કોઈ જ્યારે એવું કહે કે ‘મને ગાળ નથી આવડતી’ ત્યારે મને હંમેશાં રમૂજ જ થાય… ભલા માણસ એમાં વળી નંઈ આવડવા જેવું છે શું ?

ગામડામાં રત્યે રત્યની રમત્યું બદલાય. ટાઢ્યમાં વાળેલાં ટૂંટિયાં છૂટતાં જાય, ટાંટિયા લાંબા થતા જાય ઈ ખબર્ય પડે પણ રમત્યું કંઈ બડલાઈ જાય ઈ નો ખબર્ય પડે. ઉનાળામાં મોંઈડાંડિયા, પત-પત, કુંડાળા ને કિક્રેટ… ચોમાસે પાંચીકા, નવકૂકરી, ચલ્લસ ને કૂક્કી… શિયાળામાં ટાણું ઓછું મળે રખડવાનું. દિ’ ટૂંકો ને એમાં છાણ ભેળું કરવા વાંહે ગાંડી હોઉં… પણ તોય હોળીના હાયડા બનાવવાનો વખત કાઢી જ લઈએ. જેવી હોળી જાય કે ખજૂરના ઠળિયાથી રમવાનું હાલી નીકળે… તો થોડાક દા’ડામાં જ ઈ રમત્ય લગ્ગીમાં ફેરવાઈ જાય… નાનેથી જ મને છોકરિયુંની રમત્યમાં ઓછો રસ મોંઈ-દાંડિયા ને લગ્ગીયું ટીચવામાં ઝાઝો રસ. એમાંય પાછી કાકાના કરા જેવડા છોકરાવ ભેળી રમવાવાળી થાઉં તે ઘડીકની વારમાં ઈ બધા ખંખેરી લ્યે. શીશો ભરીને ભેળી કરેલી લગ્ગીયું હારીયાવું. પણ હારવાની હામ નો મળે. તે ગામ આખું સાંભળે એવો ભેંકડો તાણતી ઘર્યે જાઉં. બાએ જોકે કોઈ દિ’ ભેર્ય તાણી હોય એવું યાદ નથી. હળવી-ભાર્યે ગાળ્યું ને એકાદી થપાટથી હાર પચી જતી. મોઈ-દાંડિયામાંય તે દાવ દેવાની તેવડ્ય નંઈ… સામેવાળા પછી ખાડો ગાળી સાંઠીકડા દાટવા બેહે… મા-બાપ-ભાઈ-બેનેને દાટતા જાય ને બોલતા જાયઃ

અમારો દાવ ક્યાં જાય, પીપળિયાની પાળ્યે જાય,
પીપળિયો ખોદાતો જાય, અમારો દાવ ક્યાં જાય…
ને કાં તો ‘દા દે નકર દાદો કવ…’ કે’તા વાંહે ધોડે… મા-બાપને થોડાં મરવા દેવાય ? એટલે પછી ફીણના ફોહા નીકળી જાય મોઢેથી ન્યાં લગણ ધોડ્યા કરવાનું.

હોળીમાં આખી ટોળી ગાઉ-બે ગાઉ આઘી નીકળી પડે. સીમમાંથી કેસૂડાં ભેળાં કરીએ ને પછી ઘરની પછવાડે મંગાળો માંડીને મોટું તપેલું ભરીને ઉકાળીએ. પણ આમાં તો બધાં ભાઈ-બેનનાં ભાગ પડે. એટલે મને તો કાયમ ચપટી વગાડતાંક તૈયાર થાતો રંગ વધુ ગમતો, લૂગડાં ધોવાના સોડામાં ચપટીક હળદર ભેળવો કે લાલઘૂમ રંગ તૈયાર… ઈ જમાનામાં પિચકારી તો મારી ફરે… અમે તો શીશા ભરી ભરીને ઉલાળીએ… ને જો કોઈની આંખ્યુંમાં ઈ સોડાનું પાણી જાય તો કાં તો ગાળ્યું ને કાં તો માર ખાવાનો… જેવી સામેવાળાની ત્રેવડ્ય. ઢોર જ પાણી પી શકે એટલી લીલ જામી હોય અવેડામાં. પણ હોળીમાં બધા એકબીજાને ઉપાડી ઉપાડીને અવેડામાં નાખે. જોકે આ રમત મોટાઓ પૂરતી મર્યાદિત હતી. પણ મેં ચોથી ભણતી ત્યારે મારાથી ત્રણ ગણા મોટા એક છોકરાની સળી કરેલી તે એણ્યે મને પાણી પી જાઉં ન્યાં લગણ અવેડામાં બોળી રાખેલી.

ઉનાળાની રજામાં મોંઈ-દાંડિયા, લગ્ગી ઉપરાંત વાળાની ગાડિયું બનાવીને ફેરવતાં… ગાડી માટે રસ્તો બનાવવા આવળનાં ડાળખાં ને હાથથી મેદાન સાફ કરતાં… કેરી તો મોસમમાં એકાદ બે વાર ભાળતાં પણ લીંબોળીની વખાર્યું બોવ નાખતાં. ગોઠણ એક ઊંડો ખાડો ગાળી એમાં રાખ નાખવાની, પછી લીમડાના પાન પાથરવાના, પછી લીંબોળી નાખી વળી પાંદડાં ને ઉપર્ય રાખ… બધાંએ પોતાની વખાર્યની રખેવાળી કરવાની… રોજરોજ પાકી કે નંઈ ઈ જોવા પાછા બધું ઉખેળીએ પણ ખરાં… એકબીજાની વખાર્ય ચોરી જવાના બનાવ દર વર્ષે બને ને પછી ગાળ્યું કે છૂટા હાથની મારામારી પણ થાય. ઉનાળાની રજામાં રખડવા ઉપરાંત બળતણ ભેળાં કરવાનાં… બળતણ હાર્યે વરહ આખું હાલે એટલાં કેયડાં (કેરડાં) પણ પાડી આવતાં. મીઠા-હળદરનાં પાણીમાં બોળેલાં કેયડાંના ગોળા લગભગ ઘરેઘરના ફળિયામાં પડ્યા જ હોય. ઉનાળામાં ઘઉં ભરી શકવાની ત્રેવડ્યવાળા ઘરની બાયું ગાળ્યું ને બદલે ગોળિયું દેતી. ઈ ખાટી-મીઠી ગોળિયું ને રેવડીના લોભે ખબર નથી મેં કેટલાના ઘઉં વીણ્યા હશે ! ઘરમાં તો વીણવાપણું હતું નંઈ એટલે કોઈ વઢતું પણ નંઈ. આ મોસમમાં ઘર્યે ઘર્યે શેવ વણાય. ઓશીકાં લઈને ચાળવા બેસી જાવાનું… બદલામાં ઓહાવેલી શેવ ખાવા મળે ને જો સારી ભાત્ય પાડી હોય ચાળવામાં તો વખાણ થાય ઈ નફામાં. ફળિયામાં બધાંએ આથાણાંની કેરીઓ સૂકવવા નાખી હોય… હાલતાં-ચાલતાં એમાંથી એકાદું ચીરિયું ઉપાડતાં જાવાનું. ઘર કરતાં પરની ખાવાની ત્યારે ઝાઝી મઝા આવતી. ભાળી જાય તે ગાળ્યું દેવા સિવાય તો શું કરી લ્યે ? ને ગાળ્યું તો અમને અડ્યા પેલાં જ ખરી પડતી…

ચૈતર મઈને ઠેર ઠેર ઓખાહરણ મંડાય ને કાં તો રામદેવપીરની આખ્યાનવાળા આવે… હવે મારા ઘરમાં હું એક જ રસનું ઘોયું… જ્યાં ને જેટલી વાર ઓખાહરણ મંડાય… મારે સાંભળવા ગ્યા વગર્ય લાહે નંઈ. ઘર તો વગડામાં હતું… એટલે કોઈ લેવા નો આવે તો પાછા વળતાં બીક લાગે. દાદી સિવાય એવી દયા કોઈ નો કરતું. રામદેપીરનું આખ્યાન તો વહેલાં ચાર-પાંચ વાગ્યા સુધી ચાલે… પછી કોણ ઘર્યે જાય ? ‘વાલી વીજળીને કેમ લાગી વાર ?’ કે ‘ઈશનમાં વીજળી ચમકી ઓલ્યા ખેડુભાઈ, ઈશનમાં વીજળી ચમકી રે…’ ગાતાં ગાતાં માંડવા હેઠ્યે જ ઘોંટાઈ જાતાં… મારી જેવાં બીજાંય થોડાંક હતાં એટલે વાંધો નો આવતો…

મારું એકમાત્ર કામ છાણાં-બળતણ ભેળાં કરવાનું હતું. એમાંય અમારી ટોળી હતી… નિશાળેથી આવતાં આવતાં જ પોદળામાં સાંઠીકાં નાખી બોટી લેવાનાં… લુશલુશ ખાઈ, સૂંડલા લઈ નીકળી પડીએ… ગાયું-ભેસું બેઠિયું હોય ત્યાંથી રોકવાની શરૂઆત થઈ જાય… અધીરાઈ આવી જાય તો વળી ભેંસુને ઉઠાડી પણ દઈએ… પૂંસડા પતપતાવવાનો લાગ પણ લઈ લઈએ… વણ ભેળાય તંઈ તો નિશાળેય એકકોર્ય રઈ જાય ને ખાવાનું ઓહાણેય નો રયે. સીમમાં ઢગલા કરી રાખીએ ને પછી ફેરા માર્યે રાખીએ… નીતરતા છાણના સૂંડામાં બઉ ભાર હોય… મોટો ભાઈ અર્ધે રસ્તે ઉપડાવે પણ નાનો ભાર્યે કાહળિયો. ‘મને શરમ આવે’ કહી છટકી જાય. એક વાર પરાણ્યે માથે મેલ્યો તો ફરંગટી ખાઈને પાડ્યો હેઠો… પછી તો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા માનીને એને કે’તાં જ નંઈ.

વરસાદની મોસમ આવવાની થાયને ટણકટોળીથી અમે નોખાં પડી જાંઈ. ઈ બધાં દવાખાનાનાં પાક્કાં મકાનમાં રયે ને અમે તો બા ને દાદીએ ચણેલા ઘરમાં રે’તાં. જરાક ઊંચો માણસ ભટકાય એટલું હેઠું પતરાવાળું ઘર હતું. માથે મણ મણના પાણા. વરસાદ આવે ત્યારે નગારા પર દાંડી પડતી હોય એવો અવાજ આવે… એટલે જ તો મને છેલ્લાં ઘણાં વરસોથી વરસાદ મૂંગો લાગે છે… ધાબાવાળા મકાનમાં કાન અને વરસાદનો નાતો તૂટી ગ્યો. વરસાદ આવે ઈ પેલા ભીંત્યુની જાળવણી શરૂ થઈ જાય… એમાં અમે ભાઈ-બેન બાની હાર્યે જ હોઈએ. શિયાળે ભેળું કરી રાખેલું કુંવળ, છાણ, ધૂડ્ય ભેળું કરી ગારિયું ખૂંદાય… ને પછી બા એની ચાર આંગળ જાડી થાપ દ્યૈ. પછી જ્યાંત્યાંથી માંગી લાવેલી સાંઠિયુંનાં ત્રાટાં બંધાય… ત્રાટાંની ગાંઠ્ય પાડવામાં નાનોભાઈ પાવરધો… પણ પોતાનું મહત્ત્વ નો ઘટે એટલે કોઈને શિખવાડે નંઈ. ભીંત્યે ત્રાંટા દેવાઈ જાય પછી અમે છુટાં… જેવો વરસાદ આવે કે વાટક્યા લઈ કૂબલા પાડવા નીકળી પડીએ… ગામ આખાની ગંદકી લઈને આવતા પાણીના ખાડા મારા ઘરની પડખે ભરાય… ટિંગરવેજા બધી એમાં નાવા પડે… ઘરના લાખ ના પાડે પણ ધરાર નાવાનું એટલે નાવાનું. હું તો આમેય નાનેથી જ સડેલી હતી… આ પાણીમાં નાહ્યા પછી ગૂમડાં વકરી જાતાં… માછલી ઠોલે તો મટી જાય એવી અમારી માન્યતા… એટલે હું એ પ્રયોગ પણ કરતી.. પણ કોઈ દિ’ મટ્યું હોય એવું યાદ નથી, માછલિયું ધરાણી હશે ઈ ખરું.

આમ તો મારી સવાર મોડી પડતી… પાછી હતી ટાઢ્યવલી તે ઊઠ્યા પછી પણ ચૂલાની આવગુણ્ય પાંહેથી ખહતી નંઈ… પણ છાપાનાં બિલ નો ભરાયાં હોય, ને છાપાં બંધ થયાં હોય ત્યારે વેલાં ઊઠવું પડતું… ઘરાકને તો છાપું જોયે. તમે ક્યાંથી લાવો છો એની ચિંતા એ શા માટે કરે ? એટલે મને ભળકડે ઉઠાડી બાજુના સિહોર ગામે છાપાં લેવા મોકલતાં. ચોથા-પાંચમા ધોરણમાં હું રોજ દસ-બાર ગાઉ આઘેથી ૫૦-૭૫ છાપાં લઈ આવતી. જે વાહન મળે એમાં જવાનું… આવવાનું બસમાં… કોઈના બાપથીય બીવું નંઈ એવું કદાચ આ સવારની સફરે જ શિખવાડ્યું હશે.

કોઈના બાપથી નો બીતી પણ ભૂતની વાતું નીકળે ને રાડ્ય પાડું. મારા દાદા અને મારા મોસાળવાળા જાણે ભૂત હાર્યે રમીને મોટા થયા હોય ને કંઈક ભૂતડાં ભેળી ભાઈબંધી હોય એવી મોજથી વાતું માંડતા. માસીના ગામનો ટીંબો જ જાણે ભૂતનો… માણસ કરતાં ભૂત ઝાઝાં. એક એક વાતે રૂંવાડાં ઊભાં થઈ જાય. કો’કે ભૂત ભેળી બીડી પીધી હોય, કો’કે બાક્સ દીધી હોય, કો’કનો ભૂતે ટાંટિયો ખેંચ્યો હોય… ને એ ઉંમરે તો આ બધાં ગપ્પાં છે એવું કહેવાની હિંમતેય ક્યાંથી હોય ? હું કાન આડા હાથ દેતી, રોતી, ઘરમાં પાણી પીવા એકલી નો જાતી… પણ તોય વાતું કરવાવાળા તો હાંક્યે જ રાખતા… ને બધી વાતે બહાદુર હું આજેય ભૂત-પ્રેતની ફિલમો નથી જોઈ શકતી… કદાચ નાનપણનાં ભૂતોએ હજી મારો કેડો નથી મેલ્યો.

– શરીફા વીજળીવાળા

 

Author: Gurjar Upendra Read More...

15596_569464536401706_1069319877_n

આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારિબાપુ હિંદુ ધર્મ અને સંસ્કૃતિની મહાન ધરોહર સમા મૂલ્યવાન ધર્મગ્રંથ રામાયણના આધારે આદર્શ, સુસંસ્કૃત અને ચરિત્રવાન સમાજના નિર્માણ માટેના સઘન પ્રયાસો પોતાનાં ઉપદેશવચનો દ્વારા  કરી રહ્યા છે. તેમના એક પુસ્તક આનંદરાહ બતાવે રામાયણમાંથી એક પ્રકરણ અત્રે પ્રસ્તુત કરાયું છે. ચાલો તે વાંચનરૂપી જ્ઞાનગંગામાં ડૂબકી મારી પાવન થઈએ. 

………………………………………………………………………………………………………………………………………

માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી જ તેને દુઃખી કરે છે. જો તમે દિલ પથ્થર જેવું રાખશો તો બીજાની તમારા તરફ ફેંકેલી ચિનગારી તેને સળગાવી નહિ શકે અને તમે દુઃખી નહીં થાવ. પણ જો તમારું દિલ ઘાસથી ભરેલું હશે તો તમારા તરફ બીજાની ફેંકેલી ચિનગારી ભડકો જ કરશે તેમાં શંકા નથી. જે દુઃખી થવાની તૈયારી સાથે બેઠો છે તેને કોઈ સુખી નથી કરી શકતો અને જેને દુઃખી નથી જ થવું તેને ઈશ્વર પણ દુઃખી નથી કરી શકતો.

મારે ત્રણ વાત કહેવી છે.
[૧] આપણે સુખ સ્વરૂપ છીએ છતાંય દુઃખી થઈએ છીએ. એનું કારણ છે આપણી ઈર્ષ્યા અને દ્વેષ.
[૨] બીજું, લોભ પ્રકૃતિ. લોભને કારણે આપણા મનમાં આવતી લુચ્ચાઈ.
[૩] જેનો રોટલો ખાતા હોઈએ એને દગો દેવાની વૃત્તિ.
આવું જીવો. પછી ભલેને દુનિયા તમને થ્રી ઈડિયટ કહે ! એની ચિંતા કરશો નહીં, અમુક દુઃખો આપણે જ ઉપજાવ્યા છે. પરમતત્વ પૂરેપૂરો આપણાં હૃદયમાં બિરાજમાન હોય છતાંય આપણે દુઃખી કેમ છીએ એ જેને સમજાય તેના હાથમાં સુખી થવાની કુંચી આવી જાય અને દુઃખી થવું મુશ્કેલ થઈ જાય. થોડી મૂઢતા ને અહંકાર મૂકીએ તો આપણાં જીવનમાં સુંદર રજવાડું પ્રગટે. ગમે તેવી પરિસ્થિતિને વિવેકથી સવળી કરવાના પ્રયત્નો કરો તો દુઃખી થવું અઘરું છે. જો કે સુખી થવાની સમજણ મેળવતા પહેલા દુઃખનાં કારણો સમજી લેવા પડશે. જીવ દુઃખી કેમ છે ? એ બહુ મોટો પ્રશ્ન છે. જીવતાં આવડે તો દુઃખી થવું અઘરું છે, સુખી થવું અઘરું નથી. સુખ તો આપણો સ્વભાવ છે. આનંદ આપણો સ્વભાવ છે પરંતુ આપણે દુઃખી થઈએ છીએ એનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :

[૧] કાળ
ઘણીવાર કાળ આપણને દુઃખ આપે; જેમ કે શિયાળામાં બહુ ઠંડી પડે. માણસ કાળ પરિવર્તન કરી શકતો નથી. પણ જીવન પદ્ધતિમાં પરિવર્તન કરી શકે છે. બહુ ઠંડી પડે તો ધાબળો ઓઢો અને ગરમી હોય તો એનો ઉપાય કરાય. પણ સ્વભાવ માણસને દુઃખી કરે છે. આપણા દુઃખનું એક કારણ તો કાળ છે. ભગવાન કૃષ્ણે એને દુઃખાલય કહી દીધું. આ દુઃખનું આલય છે, આમાં તમે ગમે તેટલા ફાંફા મારો, દુઃખ જ રહેવાનું. કાળથી દુઃખ આવે, ધરતીકંપ થાય ને દુઃખ આવે, એમાં આપણે શું કરવાનું ? પંખાનું બટન ફેરવ્યું ને ધરતીકંપ થયો એવું થોડું છે ? કાળજનિત દુઃખ છે. અતિવૃષ્ટિ થઈ, કાળજનિત દુઃખ છે. અનાવૃષ્ટિ થઈ, કાળ દ્વારા કોઈ રોગ એક સાથે ફેલાઈ જાય, આખી દુનિયામાં દુકાળ પડે, એ બધું કાળ આધારિત છે. એમાં આપણું કંઈ ન ચાલે, તો આવા કાળ આધારિત દુઃખ માટે માણસે અફસોસ નહિ કરવો જોઈએ. હરિ ભજતાં ભજતાં એને સહીએ. એના માટે એમ કહીએ કે આમ કેમ ? એ ખોટી અજ્ઞાનતા છે.

[૨] કર્મ 
બીજું દુઃખ કર્મ આધારે છે. આપણે જેવું કર્મ કરીએ એવું ફળ મળે. હવે કેટલાંક કર્મો એવાં છે કે આપણને યાદ હોય કે આ જન્મમાં આવાં કોઈ કર્મો કર્યાં નથી, છતાંયે દુઃખ મળે, તો એનો અર્થ એ છે કે જન્મજન્મનાં કર્મો પડ્યાં છે, એનું ફળ આવે છે, એમાંયે આપણું કંઈ ચાલે એમ નથી, કોઈ કર્મના ફળ હશે એ ભોગવીએ છીએ.

[૩] ગુણ
દુઃખનું ત્રીજું કારણ છે ગુણ – જે વસ્તુની બનાવટ જ ભેળસેળવાળી હોય, એ વસ્તુ સુખ આપી શકે નહિ. ‘बिधि प्रपंच गुन अवगुन साना’ (1-6/4) સાના એટલે માટીમાં જે પાણી ભળી જાય, પછી એના પિંડામાંથી માટલું બનાવો, જે ઘાટ ઘડવો હોય તે ઘડાય. જેમ માટી અને પાણી ભળી શકે, સાનાનો અર્થ થાય છે એકબીજામાં ઓતપ્રોત થઈ જવું. આ બ્રહ્માની સૃષ્ટિ જ ભેળસેળવાળી છે અને મૂળમાંથી જ જે ભેળસેળ હોય, એ આપણને સુખ શું આપી શકે ? ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણ ઉપર આધાર રાખે છે. પિત્તળના વાસણમાં છાશ રાખીએ તો તે કટાઈ જાય. આ મૂળ ધાતુ જન્ય ગુણ છે. ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણના લીધે ઉત્પન્ન થયેલ દુઃખ છે. સત, રજો અને તમો આ ત્રણ મૂળ ધાતુ ગુણ છે. સારા સગવડવાળા પલંગમાં ઊંઘ આવે એ તમોગુણ યોગ્ય છે, પણ કથા શ્રવણમાં ઊંઘ આવે તો તે તમોગુણ યોગ્ય નથી. રજોગુણ હોય તો જ આપણે પ્રવૃત્તિ કરીએ. કામના સમયે રજોગુણ યોગ્ય છે પણ ઊંઘવાના સમયે જો રજોગુણ આવે તો ઊંઘ ન આવે. આ દુઃખ છે. પૂજાપાઠ સમયે સતોગુણ ઉપયોગી પણ જો આ સમયે જો રજોગુણ કે તમોગુણ આવે તો તે યોગ્ય નથી. આમ રજો, તમો અને સતગુણ જો તેના યોગ્ય સ્થાને હોય તો તે યોગ્ય જ છે પરંતુ ભેળસેળ થાય એમાંથી દુઃખ જન્મે.

[૪] સ્વભાવ
દુઃખનું જે ચોથું કારણ છે, તે આપણા કાબૂની વસ્તુ છે. અને આપણે એમાં ફેરફાર કરી શકીએ. તુલસીદાસજી દુઃખનું ચોથું કારણ કહે છે સ્વભાવ. સ્વભાવ દ્વારા જે દુઃખ ઊભું થાય, એ આપણા હાથની વાત છે. એમાં આપણે ફેરફાર કરી શકીએ. ઘણાં માણસો એવા હોય છે કે દુઃખ હોય તોયે સ્વભાવને લીધે સુખ બનાવી દે. ઘણાં એવા હોય કે બધી રીતે સુખ હોય, પણ સ્વભાવને લીધે દુઃખ બનાવી દે. એને તમે શું કરો ? બધી રીતનું સુખ હોય, શાંતિ હોય, કોઈ રીતનું દુઃખ ન હોય તોયે બબડતાં હોય કે….મરી ગયાં… આમ થઈ ગયું… તેમ થઈ ગયું…. તો હવે આવા દુઃખનો જવાબદાર તો એ જ છે, બીજો કોઈ હોઈ શકે જ નહિ. સ્વભાવગત છે. આમાં કોઈ દેશ, ભાષા, સંપ્રદાય ન કારણ બની શકે, પણ સ્વભાવ દ્વારા દુઃખ ઉત્પન્ન થાય, એ આપણા કાબૂની વાત છે. ઘણાં માણસો દુઃખી હોઈ, એકલા હોય તો વાંધો નહિ. આપણી સાથે રહી આપણા પર ઢોળી નાંખે, દુઃખ વહેંચતો જાય. આ સ્વભાવનું કારણ છે.

[૫] પ્રભાવ
બીજાનો પ્રભાવ જે આપણાથી સહન નથી થતો, એમાંથી દુઃખ જન્મે છે. બીજાના પ્રભાવનું આપણને દુઃખ હોય છે અને એમાંય સમક્ષેત્રમાં તો બહુ જ. એક ગાયક હોય ને, બીજો પણ ગાયક હોય. એમાં એક ગાયક કરતાં બીજા ગાયકનો પ્રભાવ શ્રોતાવર્ગ ઉપર વધારે થાય તો પેલાને દુઃખ થાય. બીજાનો પ્રભાવ મારા ને તમારા જીવનમાં દુઃખ જન્માવે. આ માણસ આટલો પ્રભાવશાળી ? આ માણસ આટલો મહિમાવંત ? જ્યાં જાય ત્યાં એનો પ્રભાવ પડે. ગમે ત્યાં જાય એનો હોકો પડે એ આપણાંથી સહન નથી થતું. આ દુનિયા બહુ સમજુ છે. મેં જોયું છે ઘણી વખત દીકરાનો પ્રભાવ બાપાથી સહન નથી થતો કે મારો દીકરો આટલો મહાન થયો. એનો પોતાનો બાપ સહન નથી કરી શકતો. પતિનો પ્રભાવ પત્ની સહન ન કરી શકે કે પતિની જ વાહ વાહ થાય એ પત્નીથી સહન ન થાય. કોઈક ઘરમાં પત્નીનો એટલો બધો પ્રભાવ હોય તો પતિ સહન ન કરી શકે. બીજાનો પ્રભાવ જોઈને થતી જલન, દ્વેષ, ઈર્ષ્યા એ આપણા દુઃખનું કારણ હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં આવું બને. ઘર, કુટુંબ, સમાજ, વ્યવસાય એમ દરેક ક્ષેત્રમાં વ્યક્તિ બીજાનો પ્રભાવ સહન કરી શકતો નથી. કોઈની સહેજ પ્રશંસા થાય કે ઈર્ષાથી સળગી ઊઠે. આમ, પ્રભાવ સહન ન થવો તે આપણાં દુઃખનું કારણ બને છે.

[૬] અભાવ
દુઃખનું અન્ય એક કારણ છે અભાવ. અમારી પાસે આ વસ્તુ નથી. કપડાં નથી, રોટી નથી, મકાન નથી, ઉત્સવ હોય ત્યારે અમે ફરી શકતાં નથી. અમે અમારા છોકરાંને બરાબર ભણાવી શકતાં નથી. કોઈ બીમાર પડે તો દવા, અમુક વસ્તુઓનો અભાવ એ દુઃખનું કારણ છે. એની પાસે છે એટલું અમારી પાસે હોત તો અમે આમ કરત, તેમ કરત. અભાવ, પણ મારી દષ્ટિએ બધા પ્રાથમિક સૂત્રો છે. બુદ્ધનું આર્યસત્ય સમજવા માટેનું કદાચ પહેલું પગથિયું છે. અભાવ દુઃખ આપે. સમયનો અભાવ દુઃખ આપે, પૈસાનો અભાવ દુઃખ આપે, કોઈ પણ અભાવ દુઃખ આપે.

[૭] નિભાવ
નિભાવ પણ દુઃખનું એક કારણ છે. નિભાવ નથી થતો. અમે આટલી ભલાઈ કરીએ છીએ પણ અમારી ભલાઈની કોઈ અસર થતી નથી. સમયનો નિભાવ થતો નથી, સંબંધનો નિર્વાહ નથી થતો. અમે આટલો સંબંધ રાખ્યો પણ સામાવાળા બસ સંબંધને નિભાવતા જ નથી. આ નિભાવમાંથી દુઃખ જન્મે. નિભાવ નથી થતો. પતિ-પત્ની, ભાઈ-ભાઈ આ બધા વચ્ચે જેટલાં દ્વંદ્વો દેખાય છે તેનું કારણ છે નિભાવ. લોકો કહે ભાઈ અમારે ઘણું કરવું પણ સમય નથી મળતો, સમય નિભાવી શકતાં નથી, સંસ્કારોનો નિર્વાહ કરી શકતાં નથી.

[૮] કામના
ઈચ્છાઓનાં અનંતપણાથી દુઃખોનો જન્મ થાય છે. ઈચ્છા સદા સગર્ભા હોય છે. યોગીઓમાં પણ ઈચ્છા હોય છે, પણ તેનું સર્ગભાપણું દૂર કરી તેનો ગર્ભપાત કરાવી નાખે છે. ઈચ્છામુક્ત થઈ જાય છે. નિરપેક્ષ અને અનપેક્ષ થઈ જાય છે. બાકી ઈચ્છા તો દુઃખને જ જન્મ આપે છે. ખરેખર, જેટલી ઈચ્છા વધારે કરો, પછી રામ વનવાસ જઈને જ રહેશે. સુખ મેળવવાની ચાહના જ દુઃખ આપે છે. સુખ મેળવવા માટે જ દુઃખ પેદા થાય છે. સુખના પ્રયત્નો કરવા જતાં જ દુઃખ આવે છે. અતિત દુઃખ આપે છે, ભવિષ્ય ચિંતા ઉપજાવે છે જ્યારે વર્તમાન જ માણસને વ્યવહારુ બનાવે છે. એક સત્યને ભૂલવું નહીં કે સુખનો અતિરેક અંતે દુઃખમાં જ પરિણમે છે. દૂધપાકનો એક પ્યાલો પીએ તો સુખ મળે. બે-ત્રણ પીએ તો પણ સુખ મળે, પણ જો દસ-બાર પ્યાલા પીએ તો કદાચ બીમાર પણ પડી જઈએ. જીવનનું પણ આવું જ છે. સુખની અનંતકામનામાંથી દુઃખનો જન્મ થાય છે.

[૯] ભૂલ
ભૂલના કારણે દુઃખ આવે છે. ભૂલના કારણે જે દુઃખ આવે છે, તે ભૂલ મટવાથી સમાપ્ત થઈ જાય છે. તમે વ્યપારી છો. હિસાબમાં ભૂલ થાય છે, તો તમે દુઃખી થઈ જાવ છો. આ દુઃખનું નિવારણ ફિલ્મ, સંગીત કે કથા નથી. ત્યારે ટીવી ચાલુ હશે તો પણ સુખ નહીં મળે. પણ મુનિમજી આવીને ભૂલ બતાવશે કે સુધારી દેશે, તો તરત તમે સુખી થઈ જશો. કહેશો-ટીવી ઓન કરો. હિસાબ બરાબર થઈ ગયો. તમે સુખી થઈ ગયા. આપણા જીવનના મોટા ભાગનાં દુઃખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુઃખો ટકાઉ નથી. ભૂલ સુધરી. દુઃખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું ફળ સત્ય બોલો તો દુઃખ ગયું. દુઃખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુઃખ ગયું. આ પાકું સૂત્ર છે. આ બધાં સૂત્રો નિંભાડામાંથી નીકળેલ પાકી ઈંટો છે. તેનાથી તો પ્રસાદ (ભવન) બની શકે છે.

[૧૦] ભય
તમે જાણો છો કે આ કરવા જેવું નથી, છતાં તમો કરો છો તેથી તમને દુઃખ થાય છે. શું બધા નથી જાણતા કે ખરાબ નજર કરવી બરાબર નથી ? છતાં બધા કરે છે. સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુઃખ ઉત્પન્ન કરે છે. અધર્મ દ્વારા જે ધન ઉપાર્જન કરો છો તો ધન ભય જ આપશે. તમારી દષ્ટિમાં તે સુખ હોઈ શકે, પણ ભય તો કરશે જ. ટ્રેનમાં જે ટિકિટ જોવા આવે છે, તે જો કોઈ પાસેથી વધારાના કે ખોટા પૈસા લેશે તો તે ભયભીત રહેશે. પણ કુલીને કોઈ ભય નહીં હોય. પૈસા વધારે લેવાવાળો અધર્મ કરે છે, તો સૂક્ષ્મ ભય તેના પાછળ હોવાનો જ. ચેન નહીં મળે. અધર્મના આશ્રયથી કરેલ ભોગ બે વસ્તુ આપશે : રોગ અને અપયશ. અધર્મની છાયામાં ધર્મ પણ કરશો, તો તે પણ વિનાશ જ કરશે. અધર્મના આશ્રયથી આવેલ ધન તમે પુણ્યમાં લગાવશો, છતાં હિસાબ પૂરો નહીં થાય. તે આપણામાં જડતા, વિકાર, અનિત્યના વગેરે ગરબડો પણ ઊભી કરશે. આપણે દૃષ્ટા નથી. જે દૃષ્ટા બને છે તેમનું દુઃખ સમાપ્ત થઈ જાય છે.

Author: Gurjar Upendra Read More...

આત્મવિશ્વાસુ બનવું છે? 

આત્મવિશ્વાસ વગરનુ જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. આ એક એવો ગુણ છે જે તમારુ જીવન બદલી શકે છે. આપણામાંથી ઘણા લોકો પાસે આ ગુણ નથી હોતો અને તેના કારણે જીવન દુષ્કર થઈ જાય છે.

તો આપનું જીવન પણ આત્મવિશ્વાસથી ભરપુર કરવા અને તમારા પસંદિદા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા આટલી ટિપ્સ અપનાવી જૂઓ પછી જૂઓ તે તમને કેટલી મદદગાર થાય છે.

સૌ પહેલાં તો એ જાણી લો કે આત્મવિશ્વાસ એવી કોઈ વસ્તુ નથી જે બધા જન્મતાની સાથે લઈને આવે છે. તેને તમે ગમે ત્યારે વિકસાવી શકો છો.

તમારા આત્મવિશ્વાસને વધારવા માટે આ રહી અમુક ટિપ્સ જે તમને ચોક્કસ મદદ કરશે

-પોતાના વિશે હકારાત્મક વિચારો. પોતાના વિશે હકારાત્મક વાતો કરો, તમારી સફળતાઓ વિશે વાત કરો. તમારી કલા અને ગુણોની કદર કરો.

– લોકો તમારી પ્રશંસા કરે તો તેને અવગણશો નહી. તેને હકારાત્મક રીતે લો અને તેને ગ્રહણ કરો. એક વાત યાદ રાખો કે દુનિયામાં તમે એક જ છો અને બીજુ કોઈ વ્યક્તિ તમે ન બને શકો.

– પોતાનામાં વિશ્વાસ ધરાવો. તમે જે કરો છો તે અને માનો છે તે ખરુ છે. તમે જે વાતમાં માનો છો તેનો પક્ષ લો અને તેના માટે ઊભા રહો.

– તમારા નકારાત્મક ગુણો અથવા નબળાઈઓની યાદી બનાવો અને તેના પર કામ કરવાનુ શરૂ કરો. તમારા શરીરના હાવભાવ સુધારો અને ટટ્ટાર ચાલો.

– તમારી જાતની કાળજી લેવાનુ શરૂ કરો. તમારા ડ્રેસિંગ સ્ટાઈલ અને દેખાવ પર ધ્યાન આપો. જો તમે સારા લાગતા હશો તો તમે સારો અહેસાસ કરશો.

– હસો અને લોકો સાથે નજરથી નજર મેળવીને વાત કરો. જ્યારે બની શકે ત્યારે લોકોને મદદ કરો. ન આવડતા કામને ટાળો નહીં તેને શિખવાનો પ્રયાસ કરો

– તમારા માટે તમને યોગ્ય લાગે તેવા કોઈ રોલ મોડેલને પસંદ કરો. તેના ગુણો અને આદતોનુ અવલોકન કરો. સારી બાબતોને અનુસરવાનો પ્રયત્ન કરો.

– આખરે તમે આત્મવિશ્વાસુ હોવાનો અભિનય કરો ભલે પછી તમે આત્મવિશ્વાસ ન ધરાવતા હોવ. ધીરે ધીરે તમને એ વાત હકીકત માનવા લાગશો.

આત્મવિશ્વાસ જગાડવો થોડુ સમય લગાડે એવુ કામ છે પણ તેના માટે સમય અને પ્રયત્નો કરવા જરૂરી છે. તો આજથી જ આત્મવિશ્વાસ તરફ ચાલવાનુ શરૂ કરી દો.

સુવિચાર:

આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે- જે કામથી તમે ડરો છો તે જ કરો………

ક્યારેય વધુ પડતા લાગણીશીલ થવું નહીં અને વધુ પડતી બુદ્ધિથી ગમે તેમ બોલીને કોઈને હેરાન કરવા નહીં::– અજ્ઞાત

શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ.

માત્ર માણસ જ રડતાં રડતાં જન્મે છે , ફરિયાદ કરતાં જીવે છે અને નિરાશ મરે છે.

આદતને જો રોકવામાં ન આવે તો તે ઝડપથી ટેવ બની જાય છે.

હાથીના પગલામાં જેમ બધા જ પ્રાણીના પગલા સમાઈ જાય છે તેમ અહિંસામાં બધા જ ધર્મોનો સમાવેશ થઈ જાય છે.- વેદવ્યાસ

એક વાત હૃદય પર કોતરી રાખજો કે આપણા જીવનના સુખ અને દુ:ખ મનના કારણ હોય છે.. –જે.પી.વાસવાણી

જીવન માં કશુંક મોટું મળે ત્યારે નાનાને છોડી ન દો , કારણકે સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી.

હાસ્ય ખુશીમાંથી નહીં પરંતુ દુ:ખ-દર્દમાંથી આવે છે::– ચાર્લી ચેપ્લિન

હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ:::- ગાંધીજી

ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ પેદા થાય, મનને નબળું પડવા ન દો. જ્યાં રહો, આનંદમાં રહો…..

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા અને સંબંધો જો સાચા હોય તો એને કદી સાચવવા નથી પડતા::::— અજ્ઞાત

એવું જીવન ના જીવો કે લોકો આપણાથી અંજાઈ જાય, પણ એવું જીવન જીવો કે લોકો આપણી લાગણીથી ભીંજાઈ જાય:::::- અજ્ઞાત

આક્રોશ,આવેગ અને આવેશની તૃપ્તિ માણસને ક્યારેય સફળ થવા દેતી નથી.-અજ્ઞાત

જેઓ બીજાને માટે જીવે છે , તેઓ જ ખરેખર જીવે છે. – સ્વામી વિવેકાનંદ

વ્યક્તિ નો પરિચય ચહેરાથી થાય છે પણ એની ઓળખ તો વાણી થી થાય છે.

જીવન ની દશા સુધારવાનો ઉપાય છે , જીવન ની દિશા બદલી નાખવી.

વાંચન દ્વારા એક ઇંચ પણ ખસ્યા વિના આખા વિશ્વનો પ્રવાસ ખેડી શકાય છે. – જુમ્પા લાહીરી

 

Author: Gurjar Upendra Read More...

gs

શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધના, ઉપાસના અને ભક્તિનું પર્વ. દર વર્ષે આવતા આ પવિત્ર શ્રાવણ માસમાં શિવની પૂજા- અર્ચના થાય છે. ભક્તજનો અનેક રીતે ઉપાસના કરે છે. શ્રાવણ માસ શરૂ થતાં જ શિવલિંગ ઉપર વિવિધ પૂજાસામગ્રીથી અભિષેક કરાય છે. ઘણાં શિવમંદિરોમાં પ્રાતઃકાલથી રુદ્રાભિષેક કરવામાં આવે છે. આ રુદ્રાભિષેકમાં રુદ્રીનો પાંચમો અધ્યાય અગિયાર વખત આવર્તન કરવાથી એક રુદ્રાભિષેક થાય અથવા શિવ મહિમ્ન સ્તોત્ર એકાદશવાર (અગિયાર) કરવાથી એક રુદ્રાભિષેક થાય છે. આ રુદ્રાભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે. આ માસ દરમિયાન અખંડ દીપ પણ રાખવામાં આવે છે. શ્રાવણી સોમવારના દિવસે તો શિવમંદિરોમાં સવારથી મધ્યરાત્રી સુધી ભક્તોની લાંબી લાઇન લાગે છે. આ દરેક શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ રીતે ભક્તિ, આરાધના અને ઉપાસના કરવાથી શુભ અને કલ્યાણકારી વિચારો અને ચેતન સ્ફૂરે છે. નવાં કાર્યો કરવાની હિંમત અને જોમ મળે છે અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઈ રિદ્ધિ-સિદ્ધિ તથા સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આજના જમાનામાં લોકો હંમેશાં આધિ, વ્યાધિ તેમજ ઉપાધિની માયાજાળમાં ફસાયેલા રહે છે. આ માત્ર એક કારણ હોઈ શકે કે શાંતિ પ્રાપ્ત કરવા લોકો આધ્યાત્મના માર્ગે વળ્યા છે. જેના કારણે તેઓ મંદિરે જઈ શાંતિનો અહેસાસ કરે છે. શ્રાવણ માસમાં વ્રત-તપ અને જપનો અનોખો મહિમા છે. આથી ઘણા ભક્તો આખો મહિનો ઉપવાસ – એકટાણાં કરે છે, કેટલાક શ્રદ્ધાળુઓ આખો મહિનો નહીં, તેઓ સોમવારના વ્રત તો અચૂક કરે છે. મનમાં દૃઢ શ્રદ્ધા રાખવાથી ભક્તિ તથા દિવ્યતાનો અનુભવ થાય છે. ઘણીવાર મુશ્કેલ જણાતાં કાર્યોમાં સફળતા મળતાં ઈશ્વર પ્રત્યેની આસ્થા વધી જાય છે. ભગવાન રામચંદ્રજીએ પણ શિવજીની સ્થાપના રામેશ્વરમાં કરી હતી અને તેમની કૃપા પ્રાપ્ત કરવા શ્રદ્ધાપૂર્વન પૂજન અર્ચન કર્યું હતું.

આમ શિવજી સામાન્ય ભક્તથી માંડીને દેવોના પણ દવે એટલે કે મહાદેવ છે. એમાં પણ શ્રાવણ મહિનો આવે એટલે માનવ હૈયામાં પ્રેમમંદિરો રચાય છે અને શિવમંદિરો પણ મંડિત થાય છે. એકમાં પ્રેમની ભીનાશ પ્રગટે છે તો બીજામાં ભક્તિની ભીનાશ ભક્તહૃદયને ભીંજવે છે. માનવ અને મહાદેવ પ્રેમ અને ભક્તિના સેતુથી જોડાય છે. પ્રેમ વિના માનવ, માનવીને કે મહાદેવને ન મેળવી શકે. શિવ તત્ત્વ કે શ્રેયતત્ત્વ ન પામી શકે. આ સિવાય માનવજીવનને ભક્તથી ભીંજવે એવું એક સ્તોત્ર તે શિવમહિમ્ન સ્તોત્ર.
આ સ્તોત્રના પાઠ શ્રાવણ માસ દરમિયાન ખાસ કરવા જોઈએ.

શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું મહત્ત્વ :

આદિકાળથી વિશ્વની સંસ્કૃતિઓમાં હિંદુ સંસ્કૃતિ આજે પણ શ્રદ્ધા અને ભક્તિથી જીવિત છે. આખા વર્ષ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિભાવ સમા અનેક તહેવારો–પર્વોએ ભારતીય સંસ્કૃતિના ઉત્સવોની પરંપરાનું ઋતુચક્ર ટકાવી રાખ્યું છે. એમાંયે અષાઢ અને શ્રાવણી તહેવારોનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં અનેરું જોવા મળે છે. શ્રાવણ માસનું જેટલું મહત્ત્વ છે એનાથી વિશેષ મહત્ત્વ શ્રાવણમાં શિવ ઉપાસનાનું છે. આ માસમાં શિવનો મહિમાં અત્યંત પવિત્ર અને ફળદાયી ગણાય છે. એમ કહેવાય છે કે સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી જે અમૃત નીકળ્યું તે પીવા માટે બધા દેવો તૈયાર થયા પરંતુ જે વિષ નીકળ્યું તે પીવા કોઇ તૈયાર ન થયું ત્યારે છેવટે ભગવાન શંકરે એ વિષપાન કર્યું હતું. આ વિષપાન ભગવાન શંકરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કરેલું હોઈ તે મહિના અને શ્રાવણ સોમવારનું મહત્ત્વ હિંદુઓમાં વિશેષ લેખાય છે. વહેલી સવારે સ્નાન કરીને નવાં વસ્ત્રો પરિધાન કરી પૂરા શ્રાવણ માસ દરમિયાન મહાદેવના મંદિરે છેલ્લા દિવસ સુધી જઈ મહાદેવજીના શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવે છે. બ્રાહ્મણો શિવમંદિરોમાં જઈને અનુષ્ઠાનો, રુદ્રાભિષેક, બિલીપત્રો વડે પૂજા-અર્ચન કરીને સાત્વિક પુણ્યકર્મ કમાય છે. આ દિવસોમાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શિવપૂજન કરવાથી બધાં પાપકર્મો નષ્ટ થઈ જાય છે અને પુણ્યાત્મા મોક્ષને પ્રાપ્ત થાય છે.

વિશેષ વાંચન : શિવમહિમ્ન સ્તોત્ર – પુષ્પદંત, શ્રાવણ માસમાં આવતા વિવિધ પર્વોત્સવો, શિવજીનાં બાર જ્યોતિર્લિંગો

(લેખ સ્રોત – સૌજન્ય : www.vishvagujarativikas.com )

 

Author: Gurjar Upendra Read More...

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
 
ઉલઝનોં ઔર કશ્મકશ મેં ઉમ્મીદ કી ઢાલ લિયે બૈઠા હૂં, 
એ જિંદગી! તેરી હર ચાલ કે લિયેં મૈં દો ચાલ લિયે બૈઠાં હૂં,
ચલ માન લિયા દો-ચાર દિન નહીં મેરે મુતાબિક, 
ગિરેબાન મેં અપને યે સુનહરા સાલ લિયે બૈઠા હૂં.
 
દરેક માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી ખુશ નથી. દરેકના મોઢે ક્યારેક તો એવું સાંભળવા મળે જ છે કે મજા નથી આવતી. કંઈક સારું થાય ત્યારે થોડોક સમય એવું લાગે કે હવે બધું બરાબર છે. થોડા જ સમયમાં વળી એ ફરિયાદો કરવા માંડે છે. બધાને બધું જ પોતાને અનુકૂળ હોય એવું જોઈએ છે. મારી લાયકાત મુજબનું મને મળતું નથી. હું વધુ ડિઝર્વ કરું છું. મારો ખરો ઉપયોગ જ થતો નથી. જે લાયક નથી એવા લોકોને બધું મળી જાય છે. મારી સાથે અન્યાય થાય છે. મારી કદર થવી જોઈએ એટલી થતી નથી.
માણસ સતત બે એક્સ્ટ્રીમ વચ્ચે ઝૂલતો રહે છે. એક પોઇન્ટ પર સુખ છે અને બીજા પોઇન્ટ પર દુઃખ છે. એક બાજુ સિક્યોરિટી છે,બીજી તરફ ઇનસિક્યોરિટી છે. એક પોઇન્ટ પર આનંદ છે અને બીજા પોઇન્ટ પર ગમ છે. એક તરફ અહેસાસ છે અને બીજી તરફ અફસોસ છે. એક તરફ પ્રેમ છે અને બીજી તરફ વ્હેમ છે. એક તરફ ન્યાય છે અને બીજી તરફ અન્યાય છે. માણસને સૌથી વધુ ફાવટ જજ બની જવાની હોય છે. પોતાનો ન્યાય પોતે જ તોળતો રહે છે. આપણે જ જ્યારે આપણા ન્યાયાધીશ હોઈએ ત્યારે આપણે પોતાની જાતને નિર્દોષ જ ઠેરવતા હોઈએ છીએ. માણસ પોતે જ ફરિયાદી હોય છે અને પોતે જ જજ. આવા સમયે માણસને બધા જ આરોપી, તહોમતદાર અને ગુનેગાર લાગતા હોય છે.
તમને ક્યારેય અન્યાય થયો છે? થયો જ હશે. ન્યાય થયો હોય એ યાદ રહેતો નથી અને અન્યાય ક્યારેય ભુલાતો નથી. મા-બાપ ભાઈ કે બહેનની થોડીક ફેવર કરે તો આપણને એવું લાગે કે મારી સાથે અન્યાય થયો છે. પત્નીને એવું ફીલ થાય છે કે મારો પતિ અને સાસરિયાં મને અન્યાય કરે છે. પતિને એવું લાગે છે કે પત્ની જે કરે છે એ બરાબર નથી. જોબ ઉપર તો ન્યાય અને અન્યાયની ઘટમાળ ચાલતી જ રહે છે. પ્રમોશન ન મળે ત્યારે અન્યાય થયાની લાગણી થાય છે. ઇન્ક્રિમેન્ટ એવી ચીજ છે જેનાથી ભાગ્યે જ કોઈને સંતોષ થાય છે. ઓછું ઇન્ક્રિમેન્ટ મળે તો વાંધો નહીં પણ એ બીજા કરતાં વધુ હોવું જોઈએ. કોઈને વધુ ઇન્ક્રિમેન્ટ મળે ત્યારે આપણે શું કહેતા હોઈએ છીએ? એ તો સાહેબનો ચમચો છે. બોસનો વહાલો છે. છોકરી હોય તો તો વળી ઘણી બધી વાતો થઈ શકે છે. એને કેમ વધુ ઇન્ક્રિમેન્ટ મળ્યું તેનાં કારણો આપણે આપી દઈએ છીએ. કેટલા લોકો એવું વિચારતા હોય છે કે મને કેમ ઓછું મળ્યું? હું ક્યાં કાચો રહી ગયો? મારામાં શું કમી છે? બધાને એવું જ લાગે છે કે મને અન્યાય થયો છે. મારી સાથે યોગ્ય થયું નથી!
હા, બનવા જોગ છે કે તમારી સાથે અન્યાય થાય. એવું શક્ય છે. ઘણાં બધાં પરિબળો કામ કરી જતાં હોય છે. માનો કે અન્યાય થયો તો પછી શું? ક્યાં સુધી એ અન્યાયને જ વાગોળતાં રહેવું? માણસને અન્યાય થાય ત્યારે એ બળવો કરવાના મૂડમાં આવી જાય છે. એ ભૂલો કરે છે. સરવાળે એ સાબિત થઈ જાય છે કે એની સાથે થયું હતું એ વાજબી હતું. એક કર્મચારીની વાત છે. એ પોતાનું કામ મહેનત અને ધગશથી કરતો હતો. કામમાં પૂરેપૂરું ઇન્વોલમેન્ટ હતું. પ્રમોશન મળવાનો સમય આવ્યો ત્યારે બીજાને મળી ગયું. એને એવું લાગ્યું કે તેની સાથે અન્યાય થયો. એ ડિસ્ટર્બ હતો. રાતે નજીકના સાથી કર્મચારી સાથે વાત કરતી વખતે કહ્યું કે, અહીં કાબેલિયત બતાવવાનો કોઈ અર્થ જ નથી. બધા મજા કરે છે. હું મહેનત કરું છું. મને શું મળ્યું? હવે હું પણ કામ કરવાનો નથી. બધા કરે છે એમ જ કરીશ. મારે શા માટે સારા થવું જોઈએ. હવે હું પણ વેઠ ઉતારવાનો છું! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, બસ એ જ તો બધાને જોઈએ છે! તું વેઠ ઉતારીશ એટલે સાબિત થઈ જશે કે તું પણ બીજા જેવો જ છે! અત્યારે તો તને બીજાથી અન્યાય થયો છે. હવે તું તને જ અન્યાય કરવા તૈયાર થયો છું. એવું કેમ નથી વિચારતો કે હું કરું છું તેનાથી વધુ સારું કામ કરીશ. તારે તને થયેલો અન્યાય પ્રૂવ કરવો હોય તો શ્રેષ્ઠ થઈને બતાવ! યાદ રાખો, કોઈ જંગ
આખરી હોતો નથી. આપણે જ હથિયાર હેઠાં મૂકી દેતા હોઈએ છીએ. આપણે કોઈને જીતવાનો મોકો આપી દેતા હોઈએ છીએ. આપણી હાર માટે આપણે જ જવાબદાર ઠરીએ છીએ. અન્યાય થવાના છે. થતા રહેવાના છે. કોઈ સાથે ક્યારેય સંપૂર્ણ ન્યાય થતો જ હોતો નથી. આપણી સાથે ન્યાય થાય ત્યારે પણ આપણને એ અધૂરો લાગતો હોય છે. અન્યાય પછીનું વર્તન મહત્ત્વનું હોય છે. ઘણી વખત તો ન્યાય કે અન્યાય જેવું કંઈ હોતું પણ નથી. આપણે માની લેતા હોઈએ છીએ કે અન્યાય છે. ઘણાં માણસો તો ત્યાં સુધી પણ વાતો કરી નાખે છે કે મારી સાથે તો કુદરત જ અન્યાય કરે છે! ઈશ્વરે બીજાને જે આપ્યું છે એ મને આપ્યું નથી.
માણસ અન્યાય ઓઢી લે છે. એ પોતે જ એમાંથી બહાર નીકળતો નથી. ધાબળો ઓઢીને એવું કહેતો રહે છે કે મને ગરમી થાય છે. ગરમી થતી પણ હોય જ છે. ગરમી થાય છે તો પછી ધાબળો ફગાવી દેને! વાતાવરણ તો ઠંડું જ છે. તું ગરમીમાં પડયો છે. કોઈ તમારી સાથે ન્યાય કરે એવી અપેક્ષા ન રાખો. તમારો ન્યાય તમે નક્કી કરો. સારાં અને શ્રેષ્ઠ કામ કરનારા સૌથી પહેલા શિકાર બને છે, કારણ કે બીજાને સારું કે શ્રેષ્ઠ કામ કરવું નથી. એ કરી શકતા હોતા પણ નથી.
એક ઓફિસમાં એક ગ્રૂપ હતું. આ ઓફિસમાં તેનું આધિપત્ય હતું. એ કોઈને ફાવવા ન દે. કોઈ નવો માણસ આવે એટલે એ બધા જુએ કે આ માણસ કેવું કામ કરે છે? જો એ સારું કામ કરતો હોય તો તેને કેમ નબળો પાડવો, તેને કેમ હરામનાં હાડકાંનો બનાવવો તેના પેંતરા એ રચી નાખે અને થોડા જ સમયમાં એને પણ પોતાના જેવો કરી દે. એમાં વાંક કોનો? જે રમત કરે છે એ ગ્રૂપનો કે પછી જે એના જેવો થઈ જાય છે એ માણસનો? નવી જગ્યાએ કામ કરવા જઈએ ત્યારે ઘણી વખત એવું સાંભળવા મળે છે કે ત્યાં બધા રીઢા થઈ ગયા છે. તું એની વાતોમાં ન આવતો. તારે જે કરવું હોય એ જ કરજે. દરેક વખતે સામા પૂરે જ તરવાનું હોય છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે વહેણ હોય એ તરફ સઢ ફેરવી લઈએ છીએ!
જે માણસને સફળ થવું હોય છે એ અન્યાયને પણ સ્વીકારે છે. અન્યાયથી હતાશ ન થાવ. અન્યાયને ભૂલી જાવ. અઘરું છે પણ એ જ સાચો રસ્તો હોય છે. હા, એટલું ધ્યાન રાખજો કે જ્યારે તમારે ન્યાય તોળવાનો હોય ત્યારે લાયક વ્યક્તિને અન્યાય ન થઈ જાય! જે કામ કરે છે તેની કદર વહેલી કે મોડી થતી જ હોય છે. અન્યાય થાય ત્યારે દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ અન્યાયની અસર આપણી માનસિકતા પર ન થવી જોઈએ. અન્યાય આપણને નબળા ન પાડવા જોઈએ. બીજા જેવા થવું બહુ સહેલું હોય છે. આપણે જેવા હોઈએ એવા રહેવું જ અઘરું હોય છે. ન્યાય થવો હોય તો થાય અને અન્યાય થતો હોય તોપણ ભલે થાય, હું મારું કામ શ્રેષ્ઠ રીતે જ કરીશ, એવો નિર્ણય કરો. હું મારી જાતને બેસ્ટ સાબિત કરીશ, જેને ન્યાય કરવો હોય એ ન્યાય કરે અનેે અન્યાય કરવો હોય એ અન્યાય કરે. મારે શું કરવું એ મને ખબર છે! બસ, આટલી ખબર હોય તો કોઈ અન્યાય તમને ક્યારેય ડગાવી નહીં શકે!
છેલ્લો સીન : ન્યાય માત્ર અદાલતોમાં નથી તોળાતો, જિંદગીમાં પણ ન્યાય અને અન્યાય થતો રહે છે. ખૂબીની વાત એ છે કે જિંદગીના ન્યાય કે અન્યાયનું કોઈ 'બંધારણ' નથી હોતું! - કેયુ.
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 05 એપ્રિલ, 2015. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)

 

Author: Gurjar Upendra Read More...

મિત્રો, આજે ૧૩ ઑગસ્ટના રોજ જાણીતા કવિ શ્રી વિનોદ જોશીનો જન્મદિન છે. તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવતાં ચાલો, તેમના જીવન, કાર્ય અને સાહિત્યિક પ્રદાનની આછી ઝલક મેળવીએ….23-mar-15-4

જન્મ
૧૩ ઑગસ્ટ, ૧૯૫૫, ભોરિંગડા, વતન – બોટાદ, જિ. – અમરેલી

કુટુંબ
પિતા – હરગોવિંદદાસ જોશી, પત્ની – વિમલ; પુત્ર – અનિરુદ્ધ

અભ્યાસ
૧૯૭૭ – એમ.એ., ૧૯૮૦ – પી.એચ. ડી.

વ્યવસાય
ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ

પ્રદાન
૨૨ સર્જનાત્મક અને વિવેચનાત્મક પુસ્તકો લખ્યાં છે. લય ઢાળની મધુરતાથી ભરેલાં સ્ત્રીની સંવેદનાને વાચા આપતી કવિતાઓ તેમની લાક્ષણિકતા છે. સોનેટ પણ લખ્યા છે. સંપાદન અને વિવેચન કાર્યમાં પણ ગતિશીલતા દાખવી છે.

મુખ્ય કૃતિઓ
કવિતા– ઝાલર વાગે જૂઠડી, પરંતુ, શિખંડી, દીર્ઘ કાવ્ય – તુણ્ડિલ તુણ્ડિકા, નાટક – રેડીયો નાટક : સ્વરૂપ અને સિદ્ધાંત,  વિવેચન – સોનેટ, અભિપ્રેત, નિવેશ, ‘અમૃત ઘાયલ’–વ્યક્તિમત્તા અને વાંગ્મય; સંપાદન – આજ અંધાર ખૂશબો ભર્યો લાગતો, રાસ તરંગિણી, ચિંતનાત્મક – વીજળીને ચમકારે

જીવન
ઉચ્ચ શિક્ષણની પ્રત્યેક પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરી છે. અમૃત ઘાયલ’ તેમના ગઝલની દુનિયાના માર્ગદર્શક, ગુજરાતીના શિક્ષક અને પ્રાધ્યાપક, યુનિ. ગ્રાન્ટ્સ કમીશન અને યુ.પી.એસ.સી.માં સભ્ય, સુગમ સંગીતના અનેક ગાયકોએ તેમની રચનાઓ લયબધ્ધ કરી છે, હવાની હવેલી’. ‘મોરપિચ્છ’, ‘ખોબામાં જીવતર’ જેવી લોકપ્રિય કટારોના લેખક, મુશાયરાઓ અને વ્યાખ્યાનોમાં પ્રભાવક વક્તા

સન્માન
ઉમાશંકર જોશી ઍવોર્ડ, જયન્ત પાઠક પારિતોષિક

તેમની જાણીતી રચનાઓ  
આપી આપીને તમે પીંછું આપો
        સજન ! પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો
        ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
        અમે ઊંબરની કોર લગી લાવ્યાં

આપી આપી ને તમે ટેકો આપો
        સજન ! નાતો આપો તો અમે આવીએ…

કાગળની કાળઝાળ રેતી વિંઝાય
        અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
        અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપી ને તમે આંસું આપો
        સજન ! આંખો આપો તો અમે આવીએ…

…………………………………………………………

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

(માહિતી સ્રોત – સૌજન્ય : sureshbjani.wordpress.comlayastaro.com)

Author: Gurjar Upendra Read More...

યોગ એટલે જીવન જીવવાની કલા એમ ટૂંકી વ્યાખ્યામાં મઢી શકાય. યોગ એટલે વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવી. યોગ એ આપણા મહર્ષિઓની સૈકાઓ પુરાણી પારંપારિક સાંસ્કૃતિક ખજાનો છેજે આજે વૈશ્વિક સમાજને ભારત દેશની અમૂલ્ય ભેટ છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને માણસની તંદુરસ્તીની બહોળી વ્યાખ્યા આ પ્રમાણે કરી છે :

હૅલ્થ એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ એનો અર્થ એ કે ફક્ત શારીરિક તંદુરસ્તી યા કોઈ શરીરની બિમારી ન હોવી તે તંદુરસ્તીની વ્યાખ્યા અધૂરી છે. આપણા વ્યક્તિત્વના નિખાર માટે આ ત્રણે પાસા ઉપર નિર્ભર છે. આ સંદર્ભમાં સૌએ ભૌતિક સુખ સાધનોની જોડે યોગને પણ જીવનના અવિભાજ્ય સાધન તરીકે જોડવો જરૂરી છે. તબીબી સારવાર અને દવાઓ ઘણી જ ખર્ચાળ થતી જાય છે ત્યારે યોગ એ સામાન્ય માણસ માટે આશીર્વાદ સમાન છે.

નિયમિત યોગનાં આસનો પ્રાણાયામ અને ધ્યાનથી થતા ફાયદાઓ :

શારીરિક ફાયદા

૧. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

૨. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગીનો સંચાર થાય છે, જેથી દિવસ દરમિયાન થાક્યા વિના કાર્ય કરી શકીએ છીએ. સવારની તાજગીની અનુભૂતિ આખા દિવસ દરમિયાન જળવાઈ રહે છે.

૩. શરીરમાં વ્યાપ અબજો કોષોને વધારે પ્રાણવાયુ પ્રાપ્ત થાય છે, જેથી શારીરિક કાર્યક્ષમતામાં વધારો થાય છે.

૪. શરીર વધારે સુડોળ, સ્વસ્થ અને ચપળ બને છે. કપાળ ચમકિલું અને ચહેરો પ્રસન્ન બને છે.

૫. આંત:સ્રાવી ગ્રંથીઓની કાર્યશક્તિમાં સુધારો થાય છે, જેથી શરીરના બધા અવયવો અને શારીરિક તંત્રો પદ્ધતિસર અને સ્વસ્થતાપૂર્વક કાર્યક્ષમ બની રહે છે.

૬. અકાળ વૃદ્ધત્વનાં લક્ષણો ટાળી શકાય તેમજ શરીર અને મનને લાંબી આયુ સુધી સ્વસ્થ, ચપળ અને યુવાસભર રાખી શકાય.

૭. યોગનાં આસનો પીડા અને થાકરહિત છે, તેમજ યોગનો વ્યાયામ કરવા પાછળ કોઈ આર્થિક બોજો ઉદ્ભવતો નથી, જેથી ગરીબ માણસ પણ નિયમિત યોગાભ્યાસ દ્વારા શરીરને તંદુરસ્ત રાખી શકે છે અને તબીબી ખર્ચામાંથી મુક્ત રહી શકે છે.

૮. યોગના નિયમિત અભ્યાસથી મન અને શરીર વચ્ચે તાદાત્મ્યતા યા સંવાદિતતા વધે છે, જેથી મન અને શરીર વચ્ચે સંકલન વધે છે. ઘણી વ્યક્તિઓને ખાસ કરીને યુવાવર્ગને ડ્રગ્સ યા તમાકુની વધુ પડતી આદત થઈ હોય તો નિયમિત યોગાભ્યાસ દ્વારા તે આદતમાંથી બહાર આવી શકે છે.

૯. યોગથી શરીરમાં શ્વસનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પાચનતંત્ર, ચેતાતંત્ર, ઉપર હકારાત્મક અસર થાય છે.

યોગના રોગનિવારક યા ઉપચારિક ફાયદા

૧. નિયમિત યોગાભ્યાસ દ્વારા શરીર અને મન ઉપર સ્વાભાવિક નિયંત્રણ પ્રાપ્ત થાય છે. યોગાભ્યાસથી ત્રિગુણમય મનમાં, તમોગુણ અને રજોગુણનો પ્રભાવ ઘટે છે અને સત્ત્વગુણનો પ્રાદુર્ભાવ થાય છે. આની શરીર અને મનના તનાવ ઉપર હકારાત્મક અસર થાય છે, જેથી તનાવયુક્ત દર્દોના ઇલાજમાં યોગની ઉપચાર પદ્ધતિ અસરકારક પુરવાર થાય છે તેમજ યોગ દ્વારા શરીર અને મન બંનેને નિરોગી રાખી શકાય છે.

૨. યોગના તન અને મન ઉપર હકારાત્મક પ્રભાવને લીધે મનો-શારીરિક દર્દોની સારવારમાં, એક સચોટ ઉપચાર તરીકે કામ કરે છે… તબીબી વિજ્ઞાનમાં એવું જાણવા મળે છે કે લગભગ ૯૦% રોગો પાછળ મનોશારીરિક પરિબળો જવાબદાર છે, જેમાં માનસિક તનાવથી ઉદ્ભવતા રોગોનો પ્રભાવ વધારે હોય છે. તબીબી શાસ્ત્રમાં ડૉક્ટરોએ પણ હવે યોગને એક રોગ નિવારક ઉપચાર તરીકે સ્વીકૃતિ આપી છે.

યોગથી માણસના વ્યક્તિત્વમાં થતા ફાયદા

૧. નિયમિત યોગ પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસથી શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા અને સુખાકારીમાં હકારાત્મક ફેરફાર થાય છે. મનની એકાગ્રશક્તિમાં તીવ્ર વધારો થાય છે, જેથી ઝડપી વાંચનની ક્ષમતા અને ગ્રહણશક્તિમાં અને યાદશક્તિમાં પણ સુધારો થાય છે. વિદ્યાર્થીઓ માટે યોગ દ્વારા આનો મહત્તમ ફાયદો લઈ શકે છે.

૨. માનસિક અને શારીરિક સમતુલા અને સ્વસ્થતાને લીધે, જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ બને છે, જેને લીધે નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મળે છે. હકારાત્મક વિચારોનો પોતાના વિકાસમાં ઘણો મોટો ફાળો આપે છે, તેમજ હકારાત્મક વિચારોના તરંગો તમારા ઘરમાં દિવ્ય શાંતિ અને આનંદનું વાતાવરણ પેદા કરી શકે છે.

૩. પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસથી આંતરિક સુષુપ્ત શક્તિઓ જાગ્રત થાય છે, જે મનુષ્યના અસ્તિત્વને નિખારવામાં મદદરૂપ બને છે. યોગ સાધકમાં જીવનનો દૃષ્ટિકોણ વિશાળ બને છે અને તેનામાં સમત્ત્વ અને સમતાની ભાવના પ્રબળ બને છે.

૪. કૌટુંબિક યા વ્યાવસાય સંબંધી પારસ્પારિક સંચાર હકારાત્મક બને છે, જેમાં સંવાદિતાના સૂર પરોવાયા છે, કૌટુંબિક સંબંધો વધારે સુમેળભર્યા અને માધુર્યસભર બને છે અને વિચારોમાં દ્વેષની ભાવના નિ:શેષ થાય છે.

૫. યોગથી માનસિક તનાવ પ્રતિકારક શક્તિમાં આત્યાંતિક સુધારો અનુભવાય છે, જેથી ધંધામાં યા વ્યવસાયમાં વધતી જતી હરીફાઈમાં પણ તમે દબાણને આસાનીથી પચાવી શકવા સક્ષમ બનો છો, તેમજ ધંધાકીય કે વ્યાવસાયિક પડકારોને સરળતાથી પાર પાડવાનો આત્મવિશ્વાસ કેળવાય છે. વ્યાવસાયિક કુનેહમાં પણ હકારાત્મક સુધારો અનુભવાય છે તેમજ તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.

૬. “યોગ: કર્મશુ કૌશલમ્” મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં વર્ણવ્યું છે કે યોગના અભ્યાસથી, સાધકને તેના કાર્યમાં કૌશલ્યતા તેમજ નિપુણતા સહજતાથી પ્રાપ્ત થાય છે, તે જે કાંઈ કાર્ય કરે તે સ્વસ્થ ચિત્ત અને એકાગ્રતા સાથે કરે છે અને તે કાર્ય કોઈ પણ જાતની ખામી વિનાનું હોય છે. યોગના સાધકે કરેલાં કાર્યોનું પરિણામ પણ હકારાત્મક અને સર્વને લાભદાયી થાય છે.

ઉપસંહાર

આપણી શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે, આપણા વ્યક્તિત્વને નિખારવા, જીવનની દરેક પળને આનંદથી માણવા તેમજ જીવનને સફળ, ફળીભૂત, સઘન અને સંતુષ્ટ બનાવવા યોગ એ સચોટ જડીબુટ્ટી છે. યોગ એ એવું કલ્પવૃક્ષ છે કે જેના શરણમાં જવાથી આપણે કોઈ પણ કાર્યસિદ્ધ કરી શકીએ તેમજ જીવનને પૂર્ણ અને સફળ બનાવી શકાય. માનવ જીવનનું અંતિમ ધ્યેય, વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવી અને વિશ્વને વસુધૈવ કુટુંબકમની સાતત્યતાને ફળીભૂત કરવાનું છે જેને માટે યોગ એ જ માનવધર્મનો સચોટ માર્ગ છે.

(સાભાર : સાધના સાપ્તાહિક, 20 – 06 – 2015, અતુલ પરીખ (ટ્રસ્ટીશ્રી – યોગસાધન આશ્રમ)

Author: Gurjar Upendra Read More...

Most Viewed Article

Most Viewed Author