Article

Add Your Entry

મને થયેલો અન્યાય હું કેવી રીતે ભૂલું?

 
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
 
ઉલઝનોં ઔર કશ્મકશ મેં ઉમ્મીદ કી ઢાલ લિયે બૈઠા હૂં, 
એ જિંદગી! તેરી હર ચાલ કે લિયેં મૈં દો ચાલ લિયે બૈઠાં હૂં,
ચલ માન લિયા દો-ચાર દિન નહીં મેરે મુતાબિક, 
ગિરેબાન મેં અપને યે સુનહરા સાલ લિયે બૈઠા હૂં.
 
દરેક માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી ખુશ નથી. દરેકના મોઢે ક્યારેક તો એવું સાંભળવા મળે જ છે કે મજા નથી આવતી. કંઈક સારું થાય ત્યારે થોડોક સમય એવું લાગે કે હવે બધું બરાબર છે. થોડા જ સમયમાં વળી એ ફરિયાદો કરવા માંડે છે. બધાને બધું જ પોતાને અનુકૂળ હોય એવું જોઈએ છે. મારી લાયકાત મુજબનું મને મળતું નથી. હું વધુ ડિઝર્વ કરું છું. મારો ખરો ઉપયોગ જ થતો નથી. જે લાયક નથી એવા લોકોને બધું મળી જાય છે. મારી સાથે અન્યાય થાય છે. મારી કદર થવી જોઈએ એટલી થતી નથી.
માણસ સતત બે એક્સ્ટ્રીમ વચ્ચે ઝૂલતો રહે છે. એક પોઇન્ટ પર સુખ છે અને બીજા પોઇન્ટ પર દુઃખ છે. એક બાજુ સિક્યોરિટી છે,બીજી તરફ ઇનસિક્યોરિટી છે. એક પોઇન્ટ પર આનંદ છે અને બીજા પોઇન્ટ પર ગમ છે. એક તરફ અહેસાસ છે અને બીજી તરફ અફસોસ છે. એક તરફ પ્રેમ છે અને બીજી તરફ વ્હેમ છે. એક તરફ ન્યાય છે અને બીજી તરફ અન્યાય છે. માણસને સૌથી વધુ ફાવટ જજ બની જવાની હોય છે. પોતાનો ન્યાય પોતે જ તોળતો રહે છે. આપણે જ જ્યારે આપણા ન્યાયાધીશ હોઈએ ત્યારે આપણે પોતાની જાતને નિર્દોષ જ ઠેરવતા હોઈએ છીએ. માણસ પોતે જ ફરિયાદી હોય છે અને પોતે જ જજ. આવા સમયે માણસને બધા જ આરોપી, તહોમતદાર અને ગુનેગાર લાગતા હોય છે.
તમને ક્યારેય અન્યાય થયો છે? થયો જ હશે. ન્યાય થયો હોય એ યાદ રહેતો નથી અને અન્યાય ક્યારેય ભુલાતો નથી. મા-બાપ ભાઈ કે બહેનની થોડીક ફેવર કરે તો આપણને એવું લાગે કે મારી સાથે અન્યાય થયો છે. પત્નીને એવું ફીલ થાય છે કે મારો પતિ અને સાસરિયાં મને અન્યાય કરે છે. પતિને એવું લાગે છે કે પત્ની જે કરે છે એ બરાબર નથી. જોબ ઉપર તો ન્યાય અને અન્યાયની ઘટમાળ ચાલતી જ રહે છે. પ્રમોશન ન મળે ત્યારે અન્યાય થયાની લાગણી થાય છે. ઇન્ક્રિમેન્ટ એવી ચીજ છે જેનાથી ભાગ્યે જ કોઈને સંતોષ થાય છે. ઓછું ઇન્ક્રિમેન્ટ મળે તો વાંધો નહીં પણ એ બીજા કરતાં વધુ હોવું જોઈએ. કોઈને વધુ ઇન્ક્રિમેન્ટ મળે ત્યારે આપણે શું કહેતા હોઈએ છીએ? એ તો સાહેબનો ચમચો છે. બોસનો વહાલો છે. છોકરી હોય તો તો વળી ઘણી બધી વાતો થઈ શકે છે. એને કેમ વધુ ઇન્ક્રિમેન્ટ મળ્યું તેનાં કારણો આપણે આપી દઈએ છીએ. કેટલા લોકો એવું વિચારતા હોય છે કે મને કેમ ઓછું મળ્યું? હું ક્યાં કાચો રહી ગયો? મારામાં શું કમી છે? બધાને એવું જ લાગે છે કે મને અન્યાય થયો છે. મારી સાથે યોગ્ય થયું નથી!
હા, બનવા જોગ છે કે તમારી સાથે અન્યાય થાય. એવું શક્ય છે. ઘણાં બધાં પરિબળો કામ કરી જતાં હોય છે. માનો કે અન્યાય થયો તો પછી શું? ક્યાં સુધી એ અન્યાયને જ વાગોળતાં રહેવું? માણસને અન્યાય થાય ત્યારે એ બળવો કરવાના મૂડમાં આવી જાય છે. એ ભૂલો કરે છે. સરવાળે એ સાબિત થઈ જાય છે કે એની સાથે થયું હતું એ વાજબી હતું. એક કર્મચારીની વાત છે. એ પોતાનું કામ મહેનત અને ધગશથી કરતો હતો. કામમાં પૂરેપૂરું ઇન્વોલમેન્ટ હતું. પ્રમોશન મળવાનો સમય આવ્યો ત્યારે બીજાને મળી ગયું. એને એવું લાગ્યું કે તેની સાથે અન્યાય થયો. એ ડિસ્ટર્બ હતો. રાતે નજીકના સાથી કર્મચારી સાથે વાત કરતી વખતે કહ્યું કે, અહીં કાબેલિયત બતાવવાનો કોઈ અર્થ જ નથી. બધા મજા કરે છે. હું મહેનત કરું છું. મને શું મળ્યું? હવે હું પણ કામ કરવાનો નથી. બધા કરે છે એમ જ કરીશ. મારે શા માટે સારા થવું જોઈએ. હવે હું પણ વેઠ ઉતારવાનો છું! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, બસ એ જ તો બધાને જોઈએ છે! તું વેઠ ઉતારીશ એટલે સાબિત થઈ જશે કે તું પણ બીજા જેવો જ છે! અત્યારે તો તને બીજાથી અન્યાય થયો છે. હવે તું તને જ અન્યાય કરવા તૈયાર થયો છું. એવું કેમ નથી વિચારતો કે હું કરું છું તેનાથી વધુ સારું કામ કરીશ. તારે તને થયેલો અન્યાય પ્રૂવ કરવો હોય તો શ્રેષ્ઠ થઈને બતાવ! યાદ રાખો, કોઈ જંગ
આખરી હોતો નથી. આપણે જ હથિયાર હેઠાં મૂકી દેતા હોઈએ છીએ. આપણે કોઈને જીતવાનો મોકો આપી દેતા હોઈએ છીએ. આપણી હાર માટે આપણે જ જવાબદાર ઠરીએ છીએ. અન્યાય થવાના છે. થતા રહેવાના છે. કોઈ સાથે ક્યારેય સંપૂર્ણ ન્યાય થતો જ હોતો નથી. આપણી સાથે ન્યાય થાય ત્યારે પણ આપણને એ અધૂરો લાગતો હોય છે. અન્યાય પછીનું વર્તન મહત્ત્વનું હોય છે. ઘણી વખત તો ન્યાય કે અન્યાય જેવું કંઈ હોતું પણ નથી. આપણે માની લેતા હોઈએ છીએ કે અન્યાય છે. ઘણાં માણસો તો ત્યાં સુધી પણ વાતો કરી નાખે છે કે મારી સાથે તો કુદરત જ અન્યાય કરે છે! ઈશ્વરે બીજાને જે આપ્યું છે એ મને આપ્યું નથી.
માણસ અન્યાય ઓઢી લે છે. એ પોતે જ એમાંથી બહાર નીકળતો નથી. ધાબળો ઓઢીને એવું કહેતો રહે છે કે મને ગરમી થાય છે. ગરમી થતી પણ હોય જ છે. ગરમી થાય છે તો પછી ધાબળો ફગાવી દેને! વાતાવરણ તો ઠંડું જ છે. તું ગરમીમાં પડયો છે. કોઈ તમારી સાથે ન્યાય કરે એવી અપેક્ષા ન રાખો. તમારો ન્યાય તમે નક્કી કરો. સારાં અને શ્રેષ્ઠ કામ કરનારા સૌથી પહેલા શિકાર બને છે, કારણ કે બીજાને સારું કે શ્રેષ્ઠ કામ કરવું નથી. એ કરી શકતા હોતા પણ નથી.
એક ઓફિસમાં એક ગ્રૂપ હતું. આ ઓફિસમાં તેનું આધિપત્ય હતું. એ કોઈને ફાવવા ન દે. કોઈ નવો માણસ આવે એટલે એ બધા જુએ કે આ માણસ કેવું કામ કરે છે? જો એ સારું કામ કરતો હોય તો તેને કેમ નબળો પાડવો, તેને કેમ હરામનાં હાડકાંનો બનાવવો તેના પેંતરા એ રચી નાખે અને થોડા જ સમયમાં એને પણ પોતાના જેવો કરી દે. એમાં વાંક કોનો? જે રમત કરે છે એ ગ્રૂપનો કે પછી જે એના જેવો થઈ જાય છે એ માણસનો? નવી જગ્યાએ કામ કરવા જઈએ ત્યારે ઘણી વખત એવું સાંભળવા મળે છે કે ત્યાં બધા રીઢા થઈ ગયા છે. તું એની વાતોમાં ન આવતો. તારે જે કરવું હોય એ જ કરજે. દરેક વખતે સામા પૂરે જ તરવાનું હોય છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે વહેણ હોય એ તરફ સઢ ફેરવી લઈએ છીએ!
જે માણસને સફળ થવું હોય છે એ અન્યાયને પણ સ્વીકારે છે. અન્યાયથી હતાશ ન થાવ. અન્યાયને ભૂલી જાવ. અઘરું છે પણ એ જ સાચો રસ્તો હોય છે. હા, એટલું ધ્યાન રાખજો કે જ્યારે તમારે ન્યાય તોળવાનો હોય ત્યારે લાયક વ્યક્તિને અન્યાય ન થઈ જાય! જે કામ કરે છે તેની કદર વહેલી કે મોડી થતી જ હોય છે. અન્યાય થાય ત્યારે દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ અન્યાયની અસર આપણી માનસિકતા પર ન થવી જોઈએ. અન્યાય આપણને નબળા ન પાડવા જોઈએ. બીજા જેવા થવું બહુ સહેલું હોય છે. આપણે જેવા હોઈએ એવા રહેવું જ અઘરું હોય છે. ન્યાય થવો હોય તો થાય અને અન્યાય થતો હોય તોપણ ભલે થાય, હું મારું કામ શ્રેષ્ઠ રીતે જ કરીશ, એવો નિર્ણય કરો. હું મારી જાતને બેસ્ટ સાબિત કરીશ, જેને ન્યાય કરવો હોય એ ન્યાય કરે અનેે અન્યાય કરવો હોય એ અન્યાય કરે. મારે શું કરવું એ મને ખબર છે! બસ, આટલી ખબર હોય તો કોઈ અન્યાય તમને ક્યારેય ડગાવી નહીં શકે!
છેલ્લો સીન : ન્યાય માત્ર અદાલતોમાં નથી તોળાતો, જિંદગીમાં પણ ન્યાય અને અન્યાય થતો રહે છે. ખૂબીની વાત એ છે કે જિંદગીના ન્યાય કે અન્યાયનું કોઈ 'બંધારણ' નથી હોતું! - કેયુ.
('સંદેશ', સંસ્કારપૂર્તિ, તા. 05 એપ્રિલ, 2015. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)

 

Author: Gurjar Upendra Read More...

માર્ચ, 2000માં મારો પુત્ર અમિત ટૉરન્ટો (કૅનૅડા) ગયો ત્યારે પશ્ચિમના દેશમાં જવાની તેની ખ્વાઈશ ફળીભૂત થઈ. આ અગાઉ તે 1997માં કિસુમુ (કેન્યા, પૂર્વ આફ્રિકા) સર્વિસ માટે ગયો હતો, અને તે બે વર્ષ ત્યાં રહ્યો પણ હતો. ટૉરન્ટો ગયા બાદ, દોઢેક વર્ષ પછી અમને ત્યાં બોલાવવાનો તેનો આગ્રહ હતો અને જુલાઈ 2002માં સુશીલા તથા હું ત્યાં જઈ શક્યાં. કૅનેડા જઈએ ત્યારે થોડાં સપ્તાહ યુનાઈટેડ સ્ટેટ્સ પણ ફરવા-જોવા જવાનો ઈરાદો હતો, એટલે અમે અમેરિકા અને કૅનેડા બંને દેશોના વિઝા લઈને જુલાઈની પાંચમીએ વહેલી સવારે અમદાવાદથી ઊપડ્યાં અને કેનેડાનો સમય આપણાથી સાડા દસ કલાક પાછળ હોવાથી, લંડન થઈને પાંચમી જુલાઈની સાંજે ટોરન્ટો પહોંચી ગયાં. ત્યાં ઉનાળામાં દિવસ ઘણો લાંબો હોવાથી, રાતના 9.30 વાગ્યે અંધારું થયું.

ટૉરન્ટો કૅનૅડાના ઑન્ટારિયો પ્રાન્તનું પાટનગર તથા કૅનૅડાનું સૌથી મોટું શહેર છે. ટૉરન્ટો ત્યાંનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે. તે લેક ઑન્ટારિયોની ઉત્તર પશ્ચિમે (વાયવ્ય) આવેલું છે. ગ્રેટ લેઈકનું તે સૌથી વધુ મહત્વનું બંદર છે. તે વસ્તુઓનું ઉત્પાદન, નાણાંકીય બાબતો અને વાહનવ્યવહારનું કૅનૅડાનું મુખ્ય મથક છે. કૅનૅડાના 35 ટકા જેટલા ઉદ્યોગો ટૉરન્ટોની આસપાસ 160 કિ.મીના અંતરે આવેલા છે. ટૉરન્ટોનું સ્ટૉક એક્ષચેન્જ દેશમાં સૌથી મોટું છે. ત્યાં ટેલિવિઝન અને સિનેમા ઉત્પાદન, છાપકામ તથા પ્રકાશનનું કામ કૅનૅડાનાં અન્ય શહેરોની તુલનામાં સૌથી વધુ થાય છે. દેશનાં મહત્વનાં પુસ્તકાલયો તથા સંગ્રહાલયો ત્યાં આવેલાં છે. તે મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર છે.

ઈ.સ. 1600 અને 1700 વચ્ચેના સમયમાં ત્યાંનાં આદિવાસીઓ લેક ઑન્ટારિયો અને લેક હુરોન વચ્ચે જવા-આવવાના માર્ગમાં ટૉરન્ટો આવતું. બ્રિટિશ કૉલોનીના લેફટેન્ટ ગવર્નરે 1793માં ત્યાં વસવાટ શરૂ કર્યો અને તેને યૉર્ક નામ આપ્યું. ઈ.સ. 1834 માં તે નામ બદલીને ‘ટૉરન્ટો’ રાખવામાં આવ્યું. ત્યાંની હુરોન ભાષામાં તેનો અર્થ ‘મિલનસ્થળ’ થાય છે. ટૉરન્ટો 630 ચોરસ કિ.મીના વિસ્તારમાં ફેલાયેલું છે. ઑન્ટારિયો પ્રાન્તનાં 25 ટકા તથા કૅનૅડા દેશનાં 10 ટકા લોકો, માત્ર આ શહેરમાં વસે છે. ત્યાં ભારતીયોનાં કેટલાંક મંદિરો છે. તેમાં ગણેશમંદિર, વિષ્ણુમંદિર, શિવમંદિર, સનાતનમંદિર, સ્વામિનારાયણમંદિર વગેરેનો સમાવેશ થાય છે. સનાતનમંદિર તથા સ્વામિનારાયણ મંદિરનો વહીવટ ગુજરાતીઓ સંભાળે છે.

એક દિવસ અમિત સાથે, ડાઉનટાઉન જવા માટે અમે ત્યાંની બસ તથા સબવે (અન્ડર ગ્રાઉન્ડ ઈલેકટ્રિક ટ્રેન) મારફતે ગયાં. ત્યાં બસમાં કંડકટર હોતા નથી. મુસાફરો ખાનગી દુકાનોમાંથી બસની ટિકિટો ખરીદીને પાસે રાખતાં હોય છે. બસમાં બેસતી વખતે, ડ્રાઈવરની સીટ પાસેની નાની પેટીમાં ટિકિટ નાખવાની અથવા તેમાં નાણાં નાખવાનાં. બધાં પોતાની જાતે, લાઈનમાં આવીને બેસે. કોઈ આગળ જતા રહેવા બીજાને ધક્કો મારે નહિ. એ જ રીતે સબવે-લોકલ ટ્રેનમાં પણ આપણા જેવી ધક્કામુક્કી અને દોડાદોડી એ લોકોને ન ફાવે ! બસ અને ટ્રેન વગેરે સ્વચ્છ તથા લોકોમાં આત્મશિસ્ત. ટ્રેનના દરવાજા સ્વયં સંચાલિત હોય છે. ટ્રેન ઊભી રહે, પછી દરવાજા ખૂલે અને ટ્રેન ઊપડતાં અગાઉ બંધ થઈ જાય. સ્ટેશનમાં બધાં પ્લૅટફોર્મ સ્વચ્છ અને બધી સૂચનાઓ લખી હોય. તેથી અજાણ્યા માણસે પણ ઘણું ખરું પૂછવું ન પડે.

14મી જુલાઈ, 2002 ને રવિવારે અમે ડાઉનટાઉનમાં, યંગ સ્ટ્રીટ પર આવેલ ઈટન સેન્ટર જોવા ગયાં. તે ત્રણ માળનું ટૉરન્ટોનું સૌથી મોટું શૉપિંગ કૉમ્પલેક્ષ છે. તેમાં આશરે 300 દુકાનો તથા ઑફિસોની ત્રણ ઈમારતો આવેલી છે. તેમાંની એક ઈમારત 36, બીજી 35 અને ત્રીજી 26 માળની છે. તેમાં એસ્કેલેટર તથા લિફટની વ્યવસ્થા પૂરતાં પ્રમાણમાં છે. ત્યાંથી અમે ડાઉનટાઉનમાં આગળ ગયાં. ત્યાં વિશ્વની સૌથી ઊંચી 50 ઈમારતોમાંની ત્રણ આવેલી છે. તેમાંની એક ‘કૅનૅડિયન પ્લેસ’ – તે 72 માળની બૅંક અને ઑફિસ ટાવર છે. તેની ઊંચાઈ 290 મીટર 951 ફીટ છે. બીજી 68 માળની ઈમારત ‘સ્કોશિયા પ્લાઝા’ 275 મીટર (902 ફીટ) ની ઊંચાઈ ધરાવે છે. ત્રીજી ઈમારત 51 માળની ‘કૅનૅડા ટ્રસ્ટ ટાવર’ ની ઈમારત 261 મીટર (856 ફીટ)ની ઊંચાઈ ધરાવે છે. તેની પાસે આવેલ કૅનૅડિયન નૅશનલ – ‘સી.એન.ટાવર’ વિશ્વની સૌથી ઊંચી ફ્રી – સ્ટેન્ડિંગ ઈમારતોમાંની એક છે. તે કોન્ક્રીટ અને સ્ટીલની બનાવેલી તથા 1815 ફીટ ઊંચી છે. તેમાં ઉપર જવા માટે ઝડપી લિફટ અને ભોંયતળિયે વિવિધ વસ્તુઓ વેચતી વિશાળ દુકાનો છે. અમે ટિકિટો ખરીદીને ઉપર ગયાં. ત્યાં મુલાકાતીઓની લાંબી લાઈન હતી. તેમાં ઑબ્ઝર્વેશન ડેક – નિરીક્ષણ કક્ષ પરથી જોતાં – ચારે બાજુથી સમગ્ર ટૉરન્ટો શહેરનું વિહંગાવલોકન કર્યું. તેના વિશાળ લાંબા માર્ગો સાપના લિસોટા જેટલા નાના તથા ત્યાંની ભવ્ય ઈમારતો દેખાવ માટે ગોઠવેલાં મોડેલો જેવી દેખાતી હતી. સી.એન.ટાવરના એક માળનું તળિયું જાડા પારદર્શક કાચનું બનાવેલું છે. સી.એન.ટાવરની પાસે આવેલા ‘સ્કાઈ ડેમ’ સ્પોર્ટસ સ્ટૅડિયમ છે. તેનું છાપરું ખોલી શકાય એવું રીટ્રેક્ટેબલ છે. તે આઠ એકર (3.2 હૅકટર) જમીનમાં પથરાયેલું છે. તેમાં એક હોટલ, મનોરંજન હોલ, કેટલીક રેસ્ટોરાં, સભાખંડો તથા હેલ્થ કલબનો સમાવેશ થાય છે.

એક દિવસ અમે ડાઉનટાઉન પાસે સરોવરની આગળ આવેલ, સાંસ્કૃતિક, મનોરંજન તથા વિશ્રાંતિના સંકુલ ‘ઑન્ટારિયો પ્લેસ’ જોવા ગયાં. તેમાં એક નાટકશાળા, પ્રદર્શન કક્ષ, બાળકો માટેનો વૉટર પાર્ક, પર્યટન-સ્થળ, આઈમૅક્સ થીએટર વગેરે આવેલાં છે. તેની પૂર્વમાં હાર્બર ફ્રન્ટ કેન્દ્ર આવેલું છે. તેમાં અનેક આર્ટ ગૅલરીઝ, દુકાનો, રેસ્ટોરાં, પ્રદર્શન માટેનાં ક્ષેત્રો અને નાટકો, સંગીત તથા નૃત્યના કાર્યક્રમો માટેનાં થીએટરો આવેલાં છે. સરોવરની આગળ ‘એક્ઝિબિશન પ્લેસ’ આવેલ છે. તેમાં કૅનૅડિયન નૅશનલ એક્ઝિબિશનનું સ્થળ છે. ત્યાં પ્રતિ વર્ષ ઑગસ્ટ-સપ્ટેમબરમાં મોટો મેળો ભરાય છે, ત્યારે હજારો લોકો ત્યાં ભેગાં થાય છે.

ટૉરેન્ટોના ડાઉનટાઉનની ઉત્તરે કવીન્સ પાર્કમાં ઑન્ટારિયો પાર્લામેન્ટ બિલ્ડિંગ્ઝ આવેલાં છે. તે પાર્કની પશ્ચિમે યુનિવર્સિટી ઑફ ટૉરન્ટોનું વિશાળ કૅમ્પસ જોઈને અમે આગળ વધ્યાં. ટૉરન્ટો શહેરની આજુબાજુ આવેલ ગ્રેટર ટૉરન્ટો એરિયામાં ઉત્તરે મારખમ અને અરોરા, પૂર્વમાં ઓશાવા તથા વ્હિટબી અને પશ્ચિમે બ્રેમ્પટન તથા મિસિસાગા આવેલાં છે. એંસી તથા નેવુંના દાયકાઓમાં ગ્રેટર ટૉરન્ટો એરિયાનો વિકાસ ખૂબ ઝડપથી થયો છે. તે દરમિયાન ખેતીની વિશાળ જમીનોમાં અનેક મકાનો, શાળાઓ, હૉસ્પિટલો અને વ્યાપારી સંકુલો નવાં બાંધેલાં જોવા મળ્યાં.

કૅનૅડામાં ટૉરન્ટો અનેક વંશીય જાતિઓ ધરાવતું શહેર છે. આ શહેરમાં 150 વંશીય જૂથો વસે છે, જે 100 કરતાં વધારે ભાષાઓ બોલે છે. ટૉરન્ટો એરિયામાં સૌથી મોટાં વંશીય જૂથ ઈંગલિશ, સ્કૉટિશ અને આઈરિશ કુળનાં છે. વીસમી સદીની મધ્યમાં, અનેક યુરોપિયનો ખાસ કરીને ઈટાલિયનો તથા પોટર્યુગીઝો ટૉરન્ટોમાં આવ્યા હતા. બીજાં મોટાં વંશીય જૂથોમાં, ચાઈનીઝ, જર્મન અને ભારત, પાકિસ્તાન તથા શ્રીલંકાનાં લોકોનો સમાવેશ થાય છે. વિવિધ સંસ્કૃતિઓના સંમિશ્રણને લીધે સમગ્ર ટૉરન્ટો શહેરમાં વિવિધ પ્રકારની ખોરાકની વાનગીઓ તથા વૈવિધ્યપૂર્ણ મનોરંજન વગેરે ઉપલબ્ધ છે. બીજા દેશોમાંથી તથા કૅનૅડાના અન્ય પ્રદેશોમાંથી ટૉરન્ટોમાં મોટી સંખ્યામાં વસાહતીઓ આવતાં હોવાથી, ત્યાં હવે રહેઠાણનાં મકાનોની તંગી પડે છે. અને મકાનમાલિકો પ્રતિવર્ષ ભાડાં વધારે છે.

ટૉરન્ટોમાં ત્રણ યુનિવર્સિટીઓ છે : યુનિવર્સિટી ઑફ ટૉરન્ટો. યૉર્ક યુનિવર્સિટી અને રાયર્સન પોલિટેકનિક યુનિવર્સિટી. આ ત્રણેમાં યુનિવર્સિટી ઑફ ટૉરન્ટો 1827માં સ્થપાઈ હતી, તે સૌથી જૂની તથા સૌથી મોટી યુનિવર્સિટી છે. ટૉરન્ટોની અન્ય શિક્ષણ સંસ્થાઓમાં નૅશનલ બેલે સ્કૂલ, ધી ઑન્ટારિયો કૉલેજ ઑફ આર્ટ અને ધ રોયલ કૉન્ઝર્વેટરી ઑફ મ્યૂઝિકનો સમાવેશ થાય છે.

ટૉરન્ટો એક વિશાળ શહેર છે. તે જોતાં ત્યાં-અમેરિકાનાં અન્ય શહેરો જેવાં કે ન્યૂયોર્ક, શિકાગો, ડેટ્રોઈટ વગેરેની સરખામણીમાં હિંસક ગુનાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. તેથી પરદેશીઓ મોટી સંખ્યામાં ટૉરન્ટોમાં વસવાનું પસંદ કરે છે. ટૉરન્ટોનાં લોકોનું જીવનધોરણ ઊંચું છે. ત્યાંના સૌથી વધુ ગરીબ લોકોમાં ઘરવિહોણાં લોકોની સંખ્યા થોડાં વરસોથી વધતી જાય છે. તેથી રોજ રાત્રે હજારો લોકો આશ્રયસ્થાનો અથવા શહેરની શેરીઓમાં ખુલ્લામાં સૂઈ જાય છે. આવા ઘરવિહોણાં લોકોમાં બેકારો, માનસિક અસ્થિરતાવાળા અને ઘરમાંથી નાસી ગયેલા યુવાનોનો સમાવેશ થાય છે.

ટૉરન્ટો પ્રમાણમાં ઘણું સ્વચ્છ અને સુંદર શહેર હોવા છતાં ત્યાંના સરોવરનું પાણી અને કેટલાક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ વધવા લાગ્યું છે. ત્યાંની આર્ટ ગેલ્રેરી ઑફ ઑન્ટારિયોમાં બ્રિટિશ શિલ્પી હેન્રી મૂરે કરેલો સૌથી મોટો સંગ્રહ છે. આ આર્ટ ગૅલૅરીમાં કૅનૅડાના કલાકારો દ્વારા કરવામાં આવેલો ચિત્રોનો સંગ્રહ પણ છે. સૌથી મોટો કલાકૃતિઓનો સંગ્રહ પાટનગર ઓટાવામાં આવેલ નેશનલ ગૅલરિ ઑફ કૅનૅડામાં સાચવવામાં આવ્યો છે. કૅનૅડાનો સૌથી મોટો સંગ્રહાલય રૉયલ ઑન્ટારિયો મ્યૂઝીઅમ ટૉરન્ટોમાં આવેલ છે. અમે એક દિવસમાં તે પૂરેપૂરો જોઈ શક્યા નહિ. તેમાં પુરાતત્વ, નૃવંશવિદ્યા, ખનીજવિદ્યા અને પ્રાચીન પ્રાણીશાસ્ત્રને લગતા અનેક નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમાં ચીનના નમૂનાનો સૌથી મોટો સંગ્રહ છે. તેમાં મરીન મ્યૂઝીઅમ ઑફ અપર કૅનૅડાના વિભાગમાં ત્યાંના ગ્રેટ લેક્સ અને સેન્ટ લૉરેન્સની નદી પરના વહાણવટાનો વિકાસ કઈ રીતે થયો તે દર્શાવેલ છે.

ઑન્ટારિયો સાયન્સ સેન્ટર ત્રણ ઈમારતોમં નવ મુખ્ય ખંડોમાં સમાવવામાં આવેલું છે. તેમાં વૈજ્ઞાનિક તથા ટેકનોલોજિકલ વિષયોને લગતાં નમૂના ઘણી મોટી સંખ્યામાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ટૉરન્ટો પબ્લિક લાઈબ્રેરીની શાખાઓ શહેરના દરેક વિસ્તારમાં આવેલી છે. હું સ્કારબરોની પબ્લિક લાઈબ્રેરીમાં વારંવાર જતો, કારણ કે તે અમારા રહેઠાણની નજીક આવેલ છે. તેમાં ઈંગલિશ, ફ્રેન્ચ, ચાઈનીઝ, ગુજરાતી, હિન્દી વગેરે ભાષાનાં પુસ્તકો, ઑડિયો-વિડિઓ કેસેટો, સી.ડી. વગેરે મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. તેમાં કમ્પ્યૂટર વડે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની, ઈ-મેઈલ કરવાની તથા બાળકોને કમ્પ્યૂટર પર રમતો રમવાની સુવિધા છે.

બીજા તો અનેક ફરવાલાયક સ્થળો આ શહેરમાં આવેલા છે પણ આમ, એકંદરે ટોરન્ટો ખૂબ જ સુંદર અને માણવા તેમજ રહેવા-ફરવાલાયક શહેર છે.

 

‘કુમાર’ સામાયિક – ઑકટોબર 2004માંથી સાભાર

Author: Gurjar Upendra Read More...

તમે તમારા બાળકને સિગારેટ પીવા આપશો? હાનિકારક પ્રિઝર્વેટિવ્ઝ, એડીટિવ્ઝ, ખાંડ અને કૃત્રિમ રંગોવાળા જંકફૂડનું પણ વ્યસન થાય છે

સર ફ્રાન્સિસ બેકને આજથી ૩૮૪ વર્ષ પહેલાં કહેલું- એક માનવની મૂર્ખાઈ બીજા તકસાધુ વેપારી માટે ધનના ઢગલા ખડકાય છે. આજે આખા ભારતને મૂરખ બનાવીને ઠંડાં પીણાંની મિલ્ટનેશનલ કંપનીઓ તેના જંકફૂડ પીરસે છે. તેમાં ૧ ઓક્ટોબર, ૨૦૦૯થી ભારતના શોખીન મૂરખ લોકો માટે જવની નવી પ્રોડક્ટ મુંબઈની બજારમાં મૂકીને અમેરિકામાં ઘોડા ખાય છે, તે જવને રૂપાળા અને કૃત્રિમ સ્વાદવાળા બનાવીને લૂંટવા આવ્યા છે.

આજે ભૂંડા ટીનપેકડ નાસ્તાનું આક્રમણ ભારત પર થઈ રહ્યું છે. ‘ધ એન્ડ ઓફ ફૂડ’ નામના પુસ્તકમાં પોલ રોબર્ટ્સ લખે છે કે બ્રેકફાસ્ટ સિરિયલ નામનો રૂપાળા નામવાળો વાસી નાસ્તો કિશોરો ઝાપટે તે માટે અમેરિકન ફૂડ ઇન્ડસ્ટ્રી ૩૩ અબજ ડોલર માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગમાં ખર્ચે છે. આજે અમેરિકા અને હવે ભારતમાં વાસી નાસ્તા,ફ્રેંચ ફ્રાયઝ, ક્વેકર્સ ઓટસ, કોલાના પીણાં વગેરેનું એડવર્ટાઇઝિંગ બજેટ મોટરકાર ઇન્ડસ્ટ્રીના બજેટ પછી બીજે નંબરે આવે છે.

બીબીસીએ આધારભૂત આંકડા મેળવીને લખેલું કે સોફ્ટ ડ્રિક્સ અને સવારના વાસી રૂપાળા નાસ્તાની ફૂડ ઇન્ડસ્ટ્રી ૧૨૬ અબજ ડોલરની છે, એટલે કે વર્ષે તેનો ઊથલો રૂ.૬ લાખ કરોડનો છે. વાસી નાસ્તા બનાવતી કંપનીનાં ડબલાં યુરોપ-અમેરિકામાં ઓછાં ખપતાં હતાં. તેથી હવે તેઓ તેનું વ્યસન પાડવા ભારતમાં કરોડોના એડવર્ટાઇઝિંગ બજેટ સાથે ખાબક્યા છે.

આવા વાસી નાસ્તા તમારાં બાળકો સવાર-સાંજ નહીં, આખો દિવસ ભૂખ વગર ઝાપટે તેવા કૃત્રિમ સ્વાદવાળા બનાવે છે અને આખો દિવસ ખાધા કરે તેવી જાહેરખબરો છપાવે છે. તેમાં રેડિયેશનની ખતરનાક પ્રક્રિયા હોય છે. અનેક હાનિકારક પ્રિઝર્વેટિવ્ઝ, એડીટિવ્ઝ, ખાંડ અને કત્રિમ રંગો હોય છે.

આવા નાસ્તા ભારતમાં આવે છે ત્યારે જાહેરખબરભૂખ્યા જૂનાં અંગ્રેજી અખબારો ચંડાળની જેમ પૈસા કમાવા તેવા નાસ્તાને પ્રચલિત કરવામાં મદદ કરે છે. કોઈ પણ ખાધચીજને એક વર્ષ કે બે વર્ષ પહેલાં પેક કરી તેને બજારમાં મૂકીને કમાવાનું સહેલું કે સસ્તું નથી. અઢળક જાહેરાત કરવી પડે છે. ફિલ્મી હીરો અને રમતવીરો જેવા ધનભૂખ્યા સેલિબ્રિટીના એન્ડોર્સમેન્ટ મેળવાય છે, તેમને સ્પોન્સર કરનારા મળી જાય છે. બાળકોને આંટીમાં લેવા તેને ઇનામી યોજના કે ખાવાની સ્પર્ધા યોજાય છે તેમાં સંડોવે છે.

તમે તમારા બાળકને સિગારેટ પીવા આપશો? કોકેન જેવું કેફી પદાર્થવાળું પીણું આપશો? નહીં આપો. કારણ કે એનાથી ખરાબ આદત પડે છે. વ્યસન થાય છે, પરંતુ તમે સવારે સુધરેલા બની ગયા હો તો ખાંડથી ભરપૂર, ચરબીવાળા, અતિ નમકવાળા અને રૂપાળા ડબ્બામાં પેક કરેલા નાસ્તા ખુશીથી આપો છો. આવા જંકફૂડનું પણ વ્યસન થાય છે તેવું કેથી અર્નેસ્ટ નામની મહિલા પત્રકાર ‘બિઝનેસ વીક’માં લખે છે. આજે આવા નાસ્તા કરીને યુરોપ-અમેરિકાનો દરેક ત્રીજો બાળક સ્થૂળદેહી-અદોદળો અને ભંભૂટિયા જેવો થઈ ગયો છે. જલદી રોગનો ભોગ બને છે.

ડો.ડેવિડ કેસલર ‘ધ એન્ડ ઓફ ઓવર ઈટિંગ’ નામના પુસ્તકમાં લખે છે: કોઈ પણ જંકફૂડમાં જો ખાંડ, ચરબી અને મીઠું હોય તો તે બાળકના મગજને સ્ટીમ્યુલેટ કરે છે-જે રીતે સિગારેટ મગજને કૃત્રિમ ઉત્તેજના આપે છે. દારૂ તમારા મગજને ઉત્તેજિત કરે છે તે રીતે જંકફૂડ બાળકોનાં મગજને ઉત્તેજિત કરીને તેનું વ્યસન પાડે છે. વળી બાળકોને આ વાસી નાસ્તા સ્વાદિષ્ટ લાગે છે એટલે હંમેશાં અકરાંતિયાં થઈને ખાય છે. ડો.કેસલર કહે છે કે જંકફૂડ કંપનીની બદમાસી થકી બાળકો ૨૫ ટકા વધુ ખાય છે અને તે માટે બાળક કરતાં તેનાં અજ્ઞાન માબાપો વધુ જવાબદાર છે.

પરંતુ સબૂર, તમે પૂછશો કે ભારત પર નવું આક્રમણ કરનારી આ જવની પ્રોડક્ટ શું છે? આપણે શરૂથી જવને જાણીએ. અંગ્રેજીમાં જવને ઓટ્સ અગર બાર્લી કહે છે. સંસ્કતમાં યવ કહે છે. યજ્ઞમાં જવ હોમાતા. આપણી માતાઓ ખેતરમાંથી આવેલા જવની ધેંશ બનાવીને તાજી તાજી ખવડાવતી. ઉત્તર ભારતમાં અને બિહારમાં આજેય સાતુ તરીકે જવ ખવાય છે.

તમિળમાં અરિગુ કહે છે. તેલુગુમાં યવધાન્ય કહે છે. ફારસીમાં જવ કહે છે, જે અસલી જવ આવતા તેમાં રાસાયણિક ખાતર કે કોઈ જ દવા છંટાતી નહીં. આ જવ ગર્ભવતી સ્ત્રીના ગર્ભને સ્થિર કરવા અને ગર્ભપાત ન થાય તે માટે જવ-તલ-સાકરનું સરખે ભાગે ચૂર્ણ કરી મધમાં ચટાવાતું. ધાતુપુષ્ટિ (વીર્ય વધારવા) માટે જવનો આટો ગાયનું તાજું ઘી અને સાકર નાખીને તોલાભર મરી (એક રતલ જવ હોય તો જ) બે એલચી દાણા એ બધાનો ભૂકો કરીને વૈદો કલઈ કરેલા વાસણમાં તપાવીને પછી રાત્રે કપડું બાંધીને ખુલ્લી જગ્યામાં ઝાકળમાં રાખતા, પછી સવારે ગાયના દૂધ સાથે એ ચૂર્ણ પીવાતું!

આ જવની ખેતી ભારતમાં ઓછી થવા માંડી છે પણ ઓસ્ટ્રેલિયામાં ઘોડાનો ઉછેર બહુ થાય છે ત્યાં ઘોડાને જવ ખવરાવવા જવની ખેતી ખૂબ થાય છે. વધુપડતી થાય છે. વધારાના જે જવ ઘોડા ખાય છે તેને જંકફૂડવાળા સસ્તેથી આયાત કરીને તેને રૂપાળા-સ્વાદિષ્ટ બનાવીને આપણને મૂરખ બનાવવા આવે છે.

અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જવ ખૂબ પાકવા માંડ્યા અને પાણીને ભાવે મળતા હતા ત્યારે ૧૮૭૭માં ૧૩૨ વર્ષ પહેલાં ફર્ડિનાન્ડ શુમેકર અને જ્હોન સ્યુઅર્ટ નામના બે તિકડમબાજે ઓટમિલ સિરિયલ કંપની શરૂ કરી. શંકા હતી કે લોકો આ ઓટનો નાસ્તો કેમ ખરીદશે, કારણ કે જવ તો ગરીબનો ખોરાક છે. ધનિકનાં બાળકો તેને કેમ ખાશે? એટલે ક્વેકર્સ ઓટ્સ નામ આપીને તેને પ્રતિષ્ઠા અપાવી.


તમે જાણતા હશો કે પિશ્ચમમાં એક ક્વેકર્સ ગ્રૂપ છે. એ લોકો માનવજાતના મિત્રો છે તેવો દાવો કરે છે. એ લોકો ઈશ્વરના મિત્ર છે તેમ ૧૬૫૦થી કહેતા આવેલા, એટલે ઓટને રૂપાળા બનાવીને વેચવા ડબ્બાપેક નાસ્તાને ક્વેકર્સ ઓટ્સ કહેવામાં આવ્યા! ૧૯૦૧માં આ બે ભાગીદારો સાથે હેન્રી પાર્સન ક્રોમવેલ નામનો સુપર તિકડમબાજ ભળ્યો અને તેણે કવેકર્સ લોકો વાંધો ન લે તે માટે કવેકર્સ ઓટ્સના પેટન્ટ જલદી જલદી લઈ લીધા. આમ આ અમેરિકન સિરિયલ કંપની જબ્બર નફો કરવા માંડી. જે કોઈ ક્વેકર્સ ઓટનું ડબલું ખરીદે તેને ૧૯૨૦માં એક રેડિયો ભેટ અપાતો.

ક્વેકર્સ ઓટ્સ જલદી ચાલ્યા નહીં એટલે ક્વેકર કંપનીએ ચોકલેટ અને તેની ફિલ્મ બનાવતી કંપની દ્વારા એક ફિલ્મ બનાવી. એ પછી અમેરિકા-યુરોપમાં ૨૧મી સદીમાં લોકો બાળકો માટેના નાસ્તા વિશે જાગૃત થતાં આવી કંપનીઓના નાસ્તાની ખપત ઓછી થતાં લાગ્યું કે ભારત નામનો મૂરખ દેશ છે ત્યાં કંઈ પણ અમેરિકન બ્રાન્ડ હોય જાહેરખબરને જોરે કંઈ પણ ખાવાનો ફેશનેબલ કચરો ખપાવી શકાય છે. એટલે હવે આવી કંપનીઓ ભારત તરફ ખેંચાઈ રહી છે.

૧૯૮૦ના દાયકામાં હોલિવૂડના એક હીરોને અમુક બ્રાંડના જંકફૂડ ખાતો બતાવે છે, આવા ભારતનાં જાહેરખબરની ભૂખવાળા હડકાયાઓ છે તેવા ફિલ્મસ્ટારો અને સ્પોર્ટ્સમેનોને આંતરીને જંકફૂડ કંપનીની જાહેરાતો હવે તમારા માથે મરાશે. ફરી ફરી જે ‘વધુપડતા ભણેલા’ છે અને જે તેમનાં બાળકોને જંકફૂડના રવાડે ચડાવવાના છે, તેમણે નાસ્તાના ઉત્પાદકોને બિઝનેસમાં કોઈ નૈતિકતા કે માપદંડો હોતા નથી, એ જાણો લેવું જોઈએ.

હવે ભારતમાં જંકફૂડ ઇન્ડસ્ટ્રી મોટે પાયે ખાબકતાં જગતમાં જંકફૂડ ઉધોગ ૧૫૦ અબજ ડોલરનો ઊથલો કરશે. નવું જંકફૂડ લોન્ચ કરનારી મિલ્ટનેશનલ કંપની દાવો કરે છે કે પંજાબ, મઘ્ય પ્રદેશ, કણાર્ટક અને રાજસ્થાનના ૪૦,૦૦૦ ખેડૂતો પાસે ૫૦,૦૦૦ એકરમાં જવની ખેતી કરાવાશે. અત્યારે તો આપણી આંખમાં ધૂળ નાખવાના સમાચાર છે તેવી શંકા પડે છે, પણ હાલ તુરત ઓસ્ટ્રેલિયામાં જે ઘોડા ખાય છે તે જવને પ્રોસેસ કરીને તેને ભારતમાં સુંદર પેકિંગમાં વેચાય છે.

હેન્રી મીલર નામના વિખ્યાત સાહિત્યકારે અમેરિકન ફૂડ ઇન્ડસ્ટ્રીની બદમાશીને પ્રગટ કરતાં ૧૯૪૭માં લખેલું કે અમેરિકન લોકો એટલા મૂરખ છે જે ગાર્બેજ ખાવા તૈયાર છે, (ગાર્બેજ એટલે ઉકરડામાં નાખવા જેવી ચીજ.) જો એ ગાર્બેજની ઉપર તમે કેચઅપ નાખો, ચીલી સોસ નાખો અને પીપર ભભરાવો તો અમેરિકનો ગાર્બેજ પણ સ્વાદિષ્ટ લાગતાં આરોગી જશે! હવે આપણને ગાર્બેજ ખવડાવવા અમેરિકન ફૂડ કંપનીઓ તૂટી પડી છે.

- શ્રી કાંતિ ભટ્ટ 

Author: Gurjar Upendra Read More...

એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન’.


‘તું બળવાન? હં!’ સૂરજે કહ્યું: ‘મારી આગળ તારી કશી વિસાત નહિ, સમજ્યો?’

પવને કહ્યું: ‘ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન, બોલ!’

આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી.

સૂરજે પવનને કહ્યું: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબૂલ?’

પવને કહ્યું: ‘મંજૂર!’

‘જા, પહેલી તક તને આપું છું’, સૂરજે પવનને કહ્યું.

‘અરે, હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું. જોજેને!’ પવન બોલ્યો.

પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો.

હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર માત્ર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાંખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીધી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે. 

ઘણી વખત જે કામ બળથી ન થાય તે કામ કેવળ એક નાનકડું, મીઠડું સ્મિત કરી જાય છે!

Author: Gurjar Upendra Read More...

માઈન્ડ કંટ્રોલર મોબાઈલ ડિવાઈસ

(સંદેશ વર્તમાનપત્ર ૯ જાન્યુઆરી ૨૦૧૫ માંથી સાભાર)
image

સેમસંગ ઇમર્જીંગ ટેક્નોલોજી લેબના સંશોધકોએ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાથે મળીને એક મોબાઇલ ડિવાઇસ બનાવી છે જે માઇન્ડના ઉપયોગથી કંટ્રોલ કરી શકાય. આ ઇનોવેશન એવા લોકો માટે આશીર્વાદ સમાન હશે જેઓ મોબાઇલ ઇમ્પેરમેન્ટ્સથી પીડાય છે અને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ઉંડી અસર થશે. અત્યારે સંશોધકો સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ના ફીચર્સ અનુસાર કામ કરી રહ્યા છે. લોકોના વિચારોની મદદથી સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિના વિચારોથી માઇન્ડ કંટ્રોલ સેમસંગ ગેલેક્સી નોટ કંટ્રોલ કરવામાં આવશે તે એપ્લિકેશન લોન્ચ કરી શકશે, મ્યૂઝિક ડાઉનલોડ કરી શકશે અને ટેબ્લેટને ઓન અને ઓફ કરી શકશે. આ માટે ટેસ્ટરને એક કેપ ઇક્વિપમેન્ટ ઇઇજી-મોનિટરિંગની સાથે આપવામાં આવશે. જેથી તેમની એક્શન ગેજેટ્સ સુધી પહોંચાડી શકાય. ઇઇજી બ્રેઇન સિગ્નલ્સ ડિટેક્ટ કરીને એક્ટ કરશે.

બ્રેઈન સિગ્નલ્સથી થશે એપ્લિકેશન લોન્ચ

ગેજેટ જ્યારે બ્રેઇન સિગ્નલ્સને અનુસરતું હશે ત્યારે સંશોધકો તેને મોનીટર કરશે. માત્ર આંખના પલકારાના મદદથી ટેસ્ટર એપ્લિકેશન લોન્ચ, પોઝ/પ્લે મ્યુઝિક જેવી એક્શન કરી શકશે. ફાઇવ સેકન્ડના આધારે યૂઝર તેની એક એક્શન ૮૦થી ૯૫ ટકા જેટલી ચોકસાઇથી પર્ફોર્મ કરી શકશે. કિપેડથી કંટ્રોલ થતાં મોબાઇલ ડિવાઇસ સાથે માઇન્ડ ઇન્ટરેક્શનનો આ નવો પ્રોજેક્ટ છે.

ઈઈજી કેપથી કંટ્રોલ થશે ડિવાઈસ
અત્યાર સુધી માત્ર કિપેડ, ટચ, વોઇશ ઇનપુટથી ઓપરેટ થતી મોબાઇલ સિસ્ટમમાં માઇન્ડ કંટ્રોલ રિસર્ચથી યુઝરને તેની ડિવાઇસ વધારે કંટ્રોલ કરવાની તક મળશે અને તે પણ મોબાઇલને પોકેટમાં રાખીને. જો કે, ડિવાઇસને પ્રોપર કંટ્રોલ કરવા માટે યુઝરે ઇઇજી કેપ પહેરવી ફરજિયાત બનશે. તેમ છતાં રિસર્ચર્સ આ કેપને થોડી ફેશનેબલ બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે.

 

Author: Gurjar Upendra Read More...

Mr. Vinod Bhatt

ગયા અઠવાડિયે એક ક્લબના સેક્રેટરીએ ફોન પર આમંત્રણ આપ્યું કે અમારી રિટાયર્ડ સિનિયર સિટિઝનની એક ક્લબ ચાલે છે. નિવૃત્ત થયા પછી આનંદમાં કેવી રીતે જીવી શકાય એનું તમે હસતાં-હસતાં માર્ગદર્શન આપો એવી અમારી ક્લબના સભ્યોની ઇચ્છા છે, તેમને પણ કેટલાક કૌટુંબિક પ્રશ્નો છે જે તમને પ્રવચન બાદ પૂછીશું. બોલો, આવશો ને ! મેં રાબેતા મુજબ બોલવાની અશક્તિ જાહેર કરી દીધી. પણ આ લખી શકાય એવો વિષય એટલા માટે છે કે મારી ઉંમર આજે હું પોતેય નિવૃત્ત છું. નિવૃત્તિની સમસ્યા એ છે કે તમને નિવૃત્તિના પ્રશ્નો વિશે ચિંતન કરવા સૌથી વધારે સમય ફાજલ પાડી આપે છે. એ ક્લબના સંચાલકભાઈએ ભલે એમ કહ્યું કે આ રિટાયર્ડ સિનિયર સિટિઝંસને કેટલાક પ્રશ્નો છે, પણ મારા મતે એ પોતે જ એમના પરિવારના અન્ય સભ્યો માટે પ્રશ્ન હોય છે, એમના કારણે એમના કરતાંય વધારે કષ્ટદાયક પ્રશ્નો ઊભા થતા હોય છે જેની કદાચ તેમને જાણ પણ નહીં હોય, અને બીજો સવાલ નિવૃત્તિનો સમય આનંદથી પસાર કરવાનો છે. ખરેખર તો એમની નિવૃત્તિનો બોજ, શારીરિક તેમજ માનસિક બોજ ઘરના માણસો પર ન પડે, એમનો આનંદ ઝૂંટવાઈ ન જાય એ જોવાની જવાબદારી ખરેખર તો એ બુઝુર્ગની છે, પણ આ નિવૃત્ત બુઝુર્ગની માનસિકતા પેલા દુર્યોધન જેવી છે, પોતાનો ધર્મ શું છે એ તે જાણે છે, પણ એ પ્રમાણે વર્તી શકતો નથી. આ બધું હું એટલા માટે જાણું છું કે મારી અંદર પણ એ જ દુર્યોધન બેઠો છે.

દવાને હોય છે એ રીતે સરકારી કર્મચારીની નોકરીને પણ એક્સપાયરી ડેટ હોય છે એની તો આપણને ખબર છે, પરંતુ વચ્ચે તો કેટલીક બેંકોએ પણ વહેલી નિવૃત્તિની વોલંટરી રિટાયરમેંટ સ્કીમ દાખલ કરી હતી જે વી.આર.એસ. તરીકે જાણીતી થઈ હતી. એ વખતે કેટલાક બેંક કર્મચારીઓ વી.આર.એસ.નો અર્થ ‘હમ ગધે હૈં’ એવો કરતા, તો અમુક જણ એમ કહેતા કે વી.આર.એસ. લીધા પછી પત્નીઓનાં વાસણ, રસોઈ અને સફાઈના પ્રશ્નો પણ ઉકલી જશે, તેમનો નોકરચાકર અને રસોઈમાં વગેરેનો ખર્ચ બચી જશે. બેંક-મેનેજરને એ હકીકતની જાણ હોય છે કે દરેક બેંકમાં આમ તો વન થર્ડ કર્મચારીઓ જ દિલ દઈને કામ કરતા હોય છે, ને બાકીનો સ્ટાફ બેંકમાં આવી પોતાની હાજરી પુરાવવાનો, હાજરીપત્રકમાં પોતાનો ઑટોગ્રાફ આપવાનો પગાર ખંખેરી લેતા હોય છે. આવા લોકો પાસે પરાણે કામ કરાવવા જતાં એ કામ એટલી હદે બગાડી નાખે છે કે તેને રિપેર કરવા બીજો બમણો સ્ટાફ કામે લગાડવાનો થાય, સરવાળે બેંકને એ વધારે મોઘું પડે. (બેંકોમાં ઑવર ટાઈમની બબાલ આવાં જ કારણોસર ઘૂસી ગઈ હશે) એ કરતાં તેમને ઘેર બેઠાં પૈસા આપવા સસ્તા પડે. (ધાડપાડુઓ બેંક લૂંટી જાય ત્યારે એ રકમ લૂંટ ખાતે નથી ઉધારતા ?) આવા લોકો બેંકમાં હોય કે પોતાના ઘરે હોય, બેંકના કામમાં કોઈ જ ફેર પડવાનો નથી. શક્ય છે કે આ અંગેનો ‘સર્વે’ કરાવ્યા બાદ જ બેંક મેનેજમેંટે આવો, પોતાને ફાયદાકારક નિર્ણય લીધો હશે ને ત્યાર પછી જ સ્ટાફજોગ નિવેદન બહાર પાડ્યું હશે કે ઘેરથી રઘવાટ કરી, કરાવીને, બે કોળિયા પેટમાં ઓર્યા-ન ઓર્યા ને બેંકમાં તમારે પહોંચી જવું પડે, એ માટે દરરોજ દાઢી મૂંડવી પડે, આપણી તો આપણી પણ રોજ દાઢી કરવાનું તે કંઈ આપણું કામ છે ? રોજ સાફસૂથરાં ઇસ્ત્રીટાઈટ પેંટ-બુશર્ટ યા સફારી ચડાવવાનાં, બેંકમાં આવવા-જવા માટે બસ, રિક્ષા કે સ્કૂટરનો ખર્ચ કરવાનો, કામને હાથ જ ના અડાડીએ તો તો વાંધો નહીં, પણ કોઈ વાર ચેંજ ખાતર શોખથી કે ભૂલમાં કામ હાથ પર લઈએ ને ક્યારેક મસમોટો લોચો થઈ જાય તો લેવાના દેવા પડી જાય. એ કરતાં તમે ઇચ્છતા હો તો અમે તમને અહીંનો ધક્કો ખાધા વગર, તમે આ બેંકમાં અમુક વર્ષ નિષ્ઠાપૂર્વક નોકરી કરી છે એમ ગણી પગાર ચૂકવી દઈએ તો કેવું ! પછી તમારે આ બેંક પર કૃપા કરી એની સામે નહીં જોવાનું ને બેંક પણ તમારી સામે આંખ ઊંચી કરીને જોશે નહીં. પ્રોમિસ.

બેંકનો આવી જાતનો સરક્યુલર વાંચીને શરૂઆતમાં કેટલાક કર્મીઓને લાગ્યું કે બેંકવાળા આપણી મજાક-મશ્કરી કરે છે, આપણને ગર્દભ માને છે. આર,વી.એસ. ? આવી ઑફરમાં બેંકને શું મળવાનું ? પછી વિચાર્યું કે ભોગ એના, આપણા માટે તો લોટરી લાગ્યા જેવું જ છે ને ! આમ બેંક પાસેથી લાખો રૂપિયા ઉસેટી (બેંકને બાપ ગણીએ તો) ઘણા બાપકર્મીઓ ઘરભેગા થઈ ગયા. બસ, હવે તમે અકાળે વૃદ્ધની જેમ સમય પહેલાં નિવૃત્ત થઈ ગયા. બેંકે તેમને મફતમાં સમૃદ્ધ કરી નાખ્યા એવું પણ ક્યારેક તમને થશે. કિંતુ સુખી નિવૃત્ત જીવનની ચાવી એ છે કે માણસની પાસે ગુજરાન ચલાવવા પૂરતા જ પૈસા હોવા જોઈએ, પણ એની ચિંતા કરવી પડે એટલા બધા નહીં પાછા ! આમ તો પૈસાની હાજરીથી ઘણી બધી ચિંતાઓ દૂર થતી હોય છે, પરંતુ તેને કારણે કેટલીક નવી ચિંતાઓ ઊભી પણ થવાની. આ ચિંતાઓની શરૂઆત ઘરમાંથી જ થશે. બંને પુત્રોને મુકેશ-અનિલ અંબાણી-બંધુ થવાનો ધખારો ઊપડવા માંડશે. ના, અંબાણી ભાઈઓની જેમ ઇંડસ્ટ્રી શરૂ કરવાનો નહીં, એમની કંપનીના શેરો ખરીદવાનો. દબાતા અવાજે કહેશે કે, પપ્પાજી, વી.આર.એસ.ના 25 લાખ આવ્યા છે એમાંથી અમને પાંચ-પાંચ આપો અમારે ધંધો કરવો છે. આ સાંભળીને તમને, ગાયને દોહીને કૂતરાને પાવાની પેલી જૂની કહેવત એમ જ યાદ આવી જશે. તમે શક્ય એટલી સારી ભાષામાં દીકરાઓના આ પ્રસ્તાવને નકારશો. પરિણામે તમારા ઘરમાં એક નહીં, એક સાથે બે હરિલાલ (મોહનદાસ ગાંધી)ના જન્મની શક્યતા ઊભી થશે. ‘અમને ભણાવવા ને પરણાવવા સિવાય અમારા વિકાસ માટે તમે બીજું શું કર્યું ? પૈસા જ વ્હાલા કર્યા ને ?’ જેવાં મહેણાં સાંભળવાં મળશે. એ વખતે તમને મનોમન એવો પસ્તાવો થશે કે બેંકમાંથી શું મળ્યું એ ઘરમાં કહેવાની શી જરૂર હતી ! તમને કદાચ પહેલી જ વાર ખ્યાલ આવશે કે તમે બહુ બોલકા છો ને જરૂર કરતાં બિનજરૂરી વધારે બોલો છો.

પણ ન બોલ્યામાં નવ નહીં, નવસો ગુણ છે એવી સમજ નિવૃત્તિ પછી કેળવવાથી કુટુંબીજનોને આનંદ આશ્ચર્ય થશે એની તમને ખુદને પ્રતીતીય થશે. એક ઉપચાર લેખે શક્ય હોય તો દરરોજ એકાદ કલાક મૌન પાળવું ને દોઢ-બે કલાક ઘરની બહાર જઈ આપણા સમવયસ્કો સાથે બેસી આપણી અસ્ખલિત વાણીનો તેમને લાભ આપવો, જેથી આપણો ઘરનો બોલવાનો ‘ક્વોટા’ પૂરો થયાનું આશ્વાસન મળે ને ઘરમાં કોઈ મારું સાંભળતું નથી એ બાબતનો વસવસો ના રહે, એ ગ્રંથિમાંથી પણ ધીમે ધીમે બહાર આવી જવાય. વંસ અપોન એ ટાઈમ, જ્યારે તમે નોકરી કરવા જતા ત્યારે ઘરમાં તમારી ઘણી દાદાગીરી ચાલતી, જબરી ધાક હતી, તે એટલે સુધી કે તમારી પત્ની તમે ઑફિસે જવા નીકળો ત્યાર પછી જ નહાવા જતી, ક્યારેક દબાતા અવાજે એ બાપડી બોલીય દેતી કે તમે હવે જાવ તો મને નહાવાની સૂઝ પડે. પહેલાં તો તમારે ઑફિસે જવાનું મોડું ન થાય એની ફિકરમાં તમારા માટે બાથરૂમ અનામત રહેતો. તમારી નિવૃત્તિ પછી એ પ્રાયોરિટી તમે ગુમાવી બેઠા હોવાની લાગણી તમે અનુભવશો. દીકરાને ઑફિસે અર્જંટ મિટિંગ હોવાને કારણે કે પછી પૌત્રને ટ્યૂશન પર વહેલા જવાનું છે એટલે તમારો બાથરૂમ વગર પૂછે એ જ વાપરવા માંડશે. બાથરૂમની બહાર આવતાં દીકરો સહજભાવે તમને કહેશે કે દાઢી કરવા તમારી નવી બ્લેડ લીધી છે, આમેય તમારે આજે ક્યાં બહાર જવાનું છે. ટૂંકમાં તમારે બહાર જવાનું છે કે નહીં એ તમારે નહીં, તમારા સુપુત્રે નક્કી કરવાનું છે. હશે, પણ આવી નાની બાબતને પ્રેસ્ટિજ ઇસ્યૂ બનાવી દુ:ખી થવું નહીં કે ગુસ્સે થઈ અન્યને કશું કહેવું નહીં, ઘરની શાંતિ જોખમાશે.

પહેલાં તમે કમાઉ હતા ને દર મહિને નિયમિતપણે ઘરે પગાર લાવતા ત્યારે સવારની ચા જરૂર પ્રમાણે ચાર પ્રકારની બનતી. આપુડી, બાપુડી, જાગુડી કે ક્યારેક પાટુડી. આપુડી ચા એટલે ફક્ત રસોઈયા માટેની આખા દૂધની ચા જે શરૂઆતમાં પુત્રને પરણાવ્યા બાદ પુત્રવધૂ બનાવતી. ક્યારેક વહેલી ઊંઘ ઊડી જાય તો આપુડી આખા દૂધની ઈલાયચી નાખેલી મજબૂત ચા સામે ચાલીને માની પેઠે લાગણીથી ને આગ્રહથી પાતી. બાપુડી એટલે સાસુ-સસરા માટે ઓછા દૂધની પિયેબલ ચા. એ તો પાછી મળે જ. જાગુડી એટલે ઘરના જાગી ગયેલા તમામ સભ્યો માટેની ચા જેમાં દૂધ નંખાયા હોવાનો વહેમ પડે. ને ક્યારેક ટોળાબંધ મહેમાનો અણધાર્યા તૂટી પડે તો એમના માટે પાટુડી ચા, જેમાં દૂધને ખાંડની મા મૂઈ, હા, રંગ જરા તરા ચા જેવો ખરો, પણ નિવૃત્તિ બાદ આપુડી ચાની આશા મૂકી દેવાની, એ માટેની આજ્ઞાવાચક ભાષા પણ ભૂલી જવાની, અને મને કે કમને ભાવશે, ફાવશે અને ચાલશે જેવા શબ્દોનો ચલણી સિક્કાની પેઠે સતત ઉપયોગ કરવાનો અને કુટુંબીજનો સાંભળે એટલા મોટા અવાજે કંટાળાથી ક્યારેય ‘ઘડપણ કોણે મોકલ્યું ?’ જેવી કવિતા ન ગાવી, કારણ એ જ કે તમારા ઘડપણ માટે એમનો કોઈ જ ફાળો નથી.

(સૌજન્ય :  ‘અખંડ આનંદ’ માસિકમાંથી સાભાર, લેખક શ્રી વિનોદ ભટ્ટ)

Author: Gurjar Upendra Read More...

વાયફાય ખતરનાક બીમારીઓનું મફત કનેક્શન………

 

– દુનિયાભરના 200 વૈજ્ઞાનિકોનું સંશોધન
– યુનાઈટેડ નેશન્સ એનવાયરમેન્ટલ પ્રોગ્રામને માર્ગદર્શિકા જારી કરવા અપીલ કરાઇ

જો તમે Wi-Fi થકી ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં હોય તો સાવધાન થઇ જાઓ. તેમાંથી નિકળતા કિરણો એટલે રેડિએશન કેન્સર સહિત ડઝનો ખતરનાક બીમારીઓનું કારણ બની રહ્યું છે. દુનિયાભરના 200થી વધારે વૈજ્ઞાનિકોએ સંશોધનમાં દાવો કર્યો છે કે Wi-Fi આરોગ્ય, દિમાગ પર અને ખાસ કરીને બાળકો પર ખુબ ખરાબ અસર પાડી રહ્યું છે.

Wi-Fi કેન્સર સહિત કેટલીય ગંભીર બીમારીઓનું મફત કનેક્શન છે. આવનારા સમયમાં સૌથી ગંભીર પરિણામ આનાથી જ થશે. આ વૈજ્ઞાનીકોએ તાજેતરમાં જ યુનાઈટેડ નેશન્સ એનવાયરમેન્ટલ પ્રોગ્રામ એટલે (યૂનેપ)ને અપીલ કરી છે કે Wi-Fi, મોબાઇલ ફોનના ઉપયોગને લઇને નવા ધોરણો સુયોજિત કરે. વૈજ્ઞાનિકોએ ખાસ કરીને Wi-Fiના ઉપયોગને સુરક્ષિત કરવાની માંગ કરી છે.

JNUના વૈજ્ઞાનિકો પણ શામેલ

200 વૈજ્ઞાનિકોમાં જેએનયૂ, આઇઆઈટી, એમ્સ, દિલ્હી વિવિ, યૂનિવર્સિટી કોલેજ ઓફ મેડિલ સાઇન્સના પ્રોફેસર શામેલ છે.

કેટલું ખતરનાક છે Wi-Fi

– વિચારવાની ક્ષમતામાં ઘડાડો

4જી રેડિએશનના મગજ પર પ્રભાવને આંકવા માટે એમઆરઆઇ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સામે આવ્યું કે રેડિએશન એકાગ્રતા, મગજના કેટલાય ભાગોમાં કાર્ય કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે.

– અનિદ્રા-ડિપ્રેશન

લાંબા સમય સુધી ઇલેક્ટ્રોમેગ્નેટ રેડિએશનના સંપર્કથી મગજના કામ કરવાની રીતમાં પરિવર્તન આવી શકે છે. અનિદ્રા, ડિપ્રેશન, હાઇ બ્લડ પ્રેશર વધી શકે છે.

– DNAમાં પરિવર્તન

Wi-Fiના સીધા સંપર્કથી ડીએનએ અને સ્પર્મ બન્ને પર ખરાબ અસર પડી શકે છે.

– હાર્ટએટેક

રેડિએશનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી હ્રદયની ગતિ ઝડપથી વધી શકે છે જેના કારણે હાર્ટએટેકનો ભય વધી શકે છે.

– કેન્સરનું કારણ

ઇલેક્ટ્રોમેગ્નેટ રેડિએશનના સંપર્કમાં આવાથી કેન્સરના પણ ભય ઘણો વધારો થાય છે.

– મહિલાઓ પર વિપરીત અસર

પુરૂષોની સરખામણીએ મહિલાઓના મગજ પર વધારે ખરાબ પ્રભાવ પડે છે. મહિલાઓને ગર્ભધારણમાં તકલીફ ઉભી થાય છે. ભ્રૂણને વિકસિત થવામાં રોકે છે.

– બાળકો પર અસર

બાળકોમાં કોશિકાઓ(સેલ્સ)ના વિકાસને રોકે છે. પ્રોટીન સંશ્લેષણના પણ વિકાસને અવરોધિત કરે છે. લાંબા સમય સુધી વધારે સંપર્કમાં રહેવાથી કિડની પણ સંપૂર્ણપણે વિકસિત થતી નથી.

આવી રીતે કરે છે કામ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે રીતથી માઇક્રોવેવ ઓવન કામ કરે છે. કંઇક તેવી રીતેથી જ Wi-Fiની નિકળતા રેડિએશન પણ કામ કરે છે. વાયરલેસ કનેક્ટિવિટી માટે Wi-Fi નેટવર્ક, 2.4GHz અને 5GHzની ફ્રિક્વન્સી પર તરંગો છોડે છે.

– … તો પેસમેકર પણ નહી કરે કામ

જો તમે હૃદય સંબંધી ઉપકરણ જેમ કે પેસમેકર લગાવી છે તો સ્માર્ટ ફોન દૂર રાખો. પેસમેકર સ્માર્ટ ફોનના વિધ્યુત ચુંબકીય સિગ્નલોને હૃદયમાંથી નિકળતા સમજીને કામ કરવાનું બંધ કરી શકે છે. મ્યુનિક સ્થિત જર્મની હાર્ટ સેન્ટરના સંશોધક કાર્સટન લેનર્ઝના તાજેતરના સંશોધન અનુસાર પેસમેકર અને મોબાઇલ ફોનની વચ્ચે ઓછામાં ઓછું 15 થી 20 સેમીનું અંતર જરૂરી છે.

ફ્રાન્સ પાસેથી શીખો Wi-Fiનો ઉપયોગ

– Wi-Fiનો કાયદો

Wi-Fiથી સ્વાસ્થ્યનો વધતો ભયને આંકતા ફ્રાન્સે તાજેતરમાં જ નવો કાયદો પણ લાગૂ કરી દિધો છે.

– અહીંયા પ્રતિબંધિત છે Wi-Fi

ડે-કેર સેન્ટર, ક્રેચ, બાલમંદિર, બાળકોની હોસ્પિટલમાં Wi-Fi પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. પ્રાઇમરી શાળાઓમાં પણ ફક્ત કોમ્પ્યુટર લેબમાં જ Wi-Fi રહેશે.

– સુરક્ષા પર ભાર

ફ્રાન્સમાં Wi-Fiથી નિકળાતા રેડિએશનની મર્યદા નિશ્ચિત કરવામાં આવી છે. ફ્રાન્સ નેશનલ ફ્રિક્વેન્સી એજન્સી રેડિએશનના ભય વાળી જગ્યાની સમીક્ષા કરશે.

– લેવી પડશે પરવાનગી

Wi-Fiના એન્ટીના લગાવતા પહેલા મેયર અને નગર નિગમના પ્રમુખની પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત સરકાર તરફથી ખાસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.

Wi-Fiના રેડિએશનથી આવી રીતે બચો

– લેપટોપને ટેબલ પર રાખીને જ કામ કરો.

– તમારા અને રાઉટરની વચ્ચે ઓછામાં ઓછા 3 ફૂટનું અંતર રાખો.

– ઘરમાં Wi-Fi જરૂર હોય તો વાપરો.

– રાતે સુતી વખતે Wi-Fi અને મોડેમ અવશ્ય બંધ કરી દો.

સંદર્ભ : https://chintansite.wordpress.com/category 

Author: Upendra Gurjar Read More...

Most Viewed Article

Most Viewed Author