Article

Add Your Entry

ગુજરાતી સાહિત્યનો વિશ્વસ્તરે પ્રસાર (અહેવાલ)

Author: Gurjar Upendra

Date: 10-08-2015   Total Views : 370

16_1439147008

- ભાષાની ‘વાડ’ ઓળંગી અંગ્રેજીમાં પહોંચ્યું ગુજરાતી સાહિત્ય
– ઈલા મહેતા લિખિત ‘વાડ’ના અંગ્રેજી અનુવાદ ‘ફેન્સ’નું  વિમોચન થયું
– ઘણી ગુજરાતી કૃતિઓ અનુવાદિત થઈ છતાં વિશ્વસ્તરે હજી ગુજરાતી સાહિત્ય ઉપેક્ષિત

 

અમદાવાદ: સંખ્યાબંધ ઉત્તમ કૃતિઓ થકી ગુજરાતી સાહિત્યને લીલુછમ્મ રાખવામાં મહત્ત્વનું યોગદાન આપનાર ઈલા આરબ મહેતાની નવલકથા ‘વાડ’ના અંગ્રેજી અનુવાદ ‘ફેન્સ’નું શનિવારે અમદાવાદમાં ક્રોસવર્ડ બુકસ્ટોરમાં વિમોચન થયું હતું. ‘વાડ’નો અંગ્રેજી અનુવાદ કરનાર આઇઆઇટી ગાંધીનગરના ફેકલ્ટી મેમ્બર રીટા કોઠારી (જેમણે અગાઉ જોસેફ મેકવાનની ‘આંગળિયાત’ સહિતની કૃતિઓનો અંગ્રેજી અનુવાદ કર્યો છે), નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીની જીવનગાથા ‘મારું જીવન એ જ મારો સંદેશ’ના અંગ્રેજી અનુવાદનું ભગીરથ કાર્ય કરનાર ત્રિદીપ સુહૃદ, જાણીતી ફેમિનિસ્ટ અને પ્રકાશક ઉર્વશી બુટાલિયા તથા અંગ્રેજીના અધ્યાપક અને લેખક એસ.ડી.દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અનુવાદની પ્રક્રિયા અને પડકારો વિશે પણ ચર્ચા થઈ હતી.

નવલકથા ‘વાડ’ના કેન્દ્રસ્થાને ગુજરાતી મુસ્લિમ મહિલા ફાતિમા છે. પોતાના ધર્મના કારણે ઘર ખરીદવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે તેનો નવલકથામાં ચિતાર છે.  ‘વાડ’ના અનુવાદ વિશે રીટા કોઠારીએ જણાવ્યું હતું કે કેટલીક બાબતો એવી છે જે જાણતા હોવા છતાં તેના વિશે વાત કરવાનું ટાળતા હોય છે ‘વાડ’માં તેના વિશે વાત કરવામાં આવે છે. અંગ્રેજી અનુવાદમાં કેટલાક ગુજરાતી શબ્દોને જેમના તેમ જાળવી રાખવાનો બચાવ કરતા તેમણે કહ્યું હતું કે આ શબ્દો એવા છે જેનો અનુવાદ કરવામાં આવે તો તેની મૂળ અર્થ ગુમાવી શકે એમ છે અને કથાને અસરકારક બનાવવામાં આ શબ્દોની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની જાય છે.

છેલ્લા કેટલાક દાયકામાં ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓ અનુવાદીત થઈને વિશ્વભરના વાચકો સુધી પહોંચી છે જો કે મરાઠી, બંગાળી કે હિન્દીની સરખામણીએ ગુજરાતીમાં આ કાર્ય હજીપણ ધીમું છે. અન્ય ભાષાની કૃતિઓ ઝડપથી ગુજરાતીમાં પ્રકાશિત થતી  હોય છે પણ ગુજરાતી કૃતિઓનું અન્ય ભાષામાં પ્રકાશન જવલ્લે જ થતું હોય છે. સુરેશ જોષીની લઘુનવલ ‘છિન્નપત્ર’નો ‘ક્રમ્પલ્ડ લેટર્સ’ નામે અંગ્રેજી અનુવાદ કરનાર ત્રિદિપ સુહૃદે જણાવ્યું હતું કે અન્ય ભાષાઓની સરખામણીએ ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ કરનાર ગણ્યાગાંઠ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘આર્થિક પાસાઓ કરતાં અનુવાદકની સજ્જતાનો મોટો પ્રશ્ન છે. અનુવાદકને ટેકાની જરૂર હોય છે જે આપણે ત્યાં નથી. જેમ કે અનુવાદ કરવા માટે સજ્જ પુસ્તકાયલો, ડિક્શનરીઓ વિગેરેનો અભાવ હોય છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘નવા અનુવાદકોને તૈયાર કરવાનું તેમને પ્રોત્સાહન આપવાનું તેમને સવલતો પૂરી પાડવાનું કામ સાહિત્યની સંસ્થાઓ કરી શકે છે પણ આપણે ત્યાં આ કાર્ય જોઈએ એટલું થતું નથી.’

‘કરણઘેલો’ – પ્રથમ ગુજરાતી નવલકથા

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ ? એ સવાલ વિવિધ લોકોને પૂછવામાં આવ્યો હતો. જેમાં માત્ર સાત ટકા લોકો સાચો જવાબ ‘કરણઘેલો’ આપી શક્યા હતા. સુધારક યુગના સાહિત્યકાર નંદશંકર મહેતા દ્વારા 1866માં લિખિત ‘કરણઘેલો’ને પ્રથમ ગુજરાતી નવલકથા છે.

 અખાના ‘છપ્પા’થી ‘કરણઘેલો’ના અંગ્રેજી અનુવાદ થયા

ગુજરાતી વાર્તા, કવિતા, નવલકથાઓના અંગ્રેજી અનુવાદની પ્રક્રિયા ધીમી હોવા છતાં છેલ્લા કેટલાક દાયકામાં ઘણી ઉત્તમ કૃતિઓ અંગ્રેજીમાં આવી છે. જેમાની કેટલીક કૃતિઓની માહિતી અહીં આપવામાં આવી છે.
– તબીબ પ્રમોદ ઠાકરે 1993માં ‘વિંગ્સ ઑફ સોલ’માં અખાના 300 જેટલા છપ્પાનો અનુવાદ કર્યો છે.
– અંગ્રેજીના અધ્યાપિકા રીટા કોઠારી અને  સુગુણા રામનાથને 1998માં ‘મોર્ડન ગુજરાતી પોએટ્રી : અ સિલેકશન’માં પંચાવન ગુજરાતી કવિતાઓનો અનુવાદ આપ્યો હતો.
– ‘કન્ટેમ્પરરી ગુજરાતી શોર્ટ સ્ટોરીઝ : એન એન્થોલોજી’ થકી કિશોર જાદવે ગુલાબદાસ બ્રોકરથી લઈને હર્ષદ ત્રિવેદી સુધીના સર્જકોની 27 વાર્તાઓનો અનુવાદ આપ્યો છે અને કુંદનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’નો કુંજબાલા અને વિલિયમ એન્થનીએ ‘સેવન સ્ટેપ્સ ઇન ધ સ્કાય’ નામે રજૂ કરી હતી.
– અંગ્રેજીના અધ્યાપક એન.ડી. જોટવાણીએ ક. મા. મુનશીની ‘ગુજરાતનો નાથ’નો ‘ધ માસ્ટર ઑફ ગુજરાત’ નામે તો ‘માનવીની ભવાઈ’નો વી. વાય. કંટકે ‘ઇન્ડ્યોરન્સ : એ ડ્રોલ સાગા’ નામે અનુવાદ કર્યો છે.
– ઝવેરચંદ મેઘાણીના ‘સંત દેવીદાસ’નો અશોક મેઘાણીએ ‘સંત દેવીદાસ : ધ સ્ટોરી ઑફ સેઇન્ટલી લાઇફ’ નામે અનુવાદ કર્યો છે.

17_1439147008
– નંદશંકર મહેતા લિખિત ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘કરણઘેલો’નો તુલસી વત્સલ અને અબાન મુખરજીએ કરેલો અંગ્રેજી અનુવાદ હમણાં જ પ્રસિદ્ધ થયો હતો.

(અહેવાલ સ્રોત – સાભાર :  www.divyabhaskar.co.in)

 

Most Viewed Article

Most Viewed Author