Article

Add Your Entry

યોગ એટલે જીવન જીવવાની કલા

Author: Gurjar Upendra

Date: 12-08-2015   Total Views : 421

યોગ એટલે જીવન જીવવાની કલા એમ ટૂંકી વ્યાખ્યામાં મઢી શકાય. યોગ એટલે વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવી. યોગ એ આપણા મહર્ષિઓની સૈકાઓ પુરાણી પારંપારિક સાંસ્કૃતિક ખજાનો છેજે આજે વૈશ્વિક સમાજને ભારત દેશની અમૂલ્ય ભેટ છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને માણસની તંદુરસ્તીની બહોળી વ્યાખ્યા આ પ્રમાણે કરી છે :

હૅલ્થ એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ એનો અર્થ એ કે ફક્ત શારીરિક તંદુરસ્તી યા કોઈ શરીરની બિમારી ન હોવી તે તંદુરસ્તીની વ્યાખ્યા અધૂરી છે. આપણા વ્યક્તિત્વના નિખાર માટે આ ત્રણે પાસા ઉપર નિર્ભર છે. આ સંદર્ભમાં સૌએ ભૌતિક સુખ સાધનોની જોડે યોગને પણ જીવનના અવિભાજ્ય સાધન તરીકે જોડવો જરૂરી છે. તબીબી સારવાર અને દવાઓ ઘણી જ ખર્ચાળ થતી જાય છે ત્યારે યોગ એ સામાન્ય માણસ માટે આશીર્વાદ સમાન છે.

નિયમિત યોગનાં આસનો પ્રાણાયામ અને ધ્યાનથી થતા ફાયદાઓ :

શારીરિક ફાયદા

૧. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

૨. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગીનો સંચાર થાય છે, જેથી દિવસ દરમિયાન થાક્યા વિના કાર્ય કરી શકીએ છીએ. સવારની તાજગીની અનુભૂતિ આખા દિવસ દરમિયાન જળવાઈ રહે છે.

૩. શરીરમાં વ્યાપ અબજો કોષોને વધારે પ્રાણવાયુ પ્રાપ્ત થાય છે, જેથી શારીરિક કાર્યક્ષમતામાં વધારો થાય છે.

૪. શરીર વધારે સુડોળ, સ્વસ્થ અને ચપળ બને છે. કપાળ ચમકિલું અને ચહેરો પ્રસન્ન બને છે.

૫. આંત:સ્રાવી ગ્રંથીઓની કાર્યશક્તિમાં સુધારો થાય છે, જેથી શરીરના બધા અવયવો અને શારીરિક તંત્રો પદ્ધતિસર અને સ્વસ્થતાપૂર્વક કાર્યક્ષમ બની રહે છે.

૬. અકાળ વૃદ્ધત્વનાં લક્ષણો ટાળી શકાય તેમજ શરીર અને મનને લાંબી આયુ સુધી સ્વસ્થ, ચપળ અને યુવાસભર રાખી શકાય.

૭. યોગનાં આસનો પીડા અને થાકરહિત છે, તેમજ યોગનો વ્યાયામ કરવા પાછળ કોઈ આર્થિક બોજો ઉદ્ભવતો નથી, જેથી ગરીબ માણસ પણ નિયમિત યોગાભ્યાસ દ્વારા શરીરને તંદુરસ્ત રાખી શકે છે અને તબીબી ખર્ચામાંથી મુક્ત રહી શકે છે.

૮. યોગના નિયમિત અભ્યાસથી મન અને શરીર વચ્ચે તાદાત્મ્યતા યા સંવાદિતતા વધે છે, જેથી મન અને શરીર વચ્ચે સંકલન વધે છે. ઘણી વ્યક્તિઓને ખાસ કરીને યુવાવર્ગને ડ્રગ્સ યા તમાકુની વધુ પડતી આદત થઈ હોય તો નિયમિત યોગાભ્યાસ દ્વારા તે આદતમાંથી બહાર આવી શકે છે.

૯. યોગથી શરીરમાં શ્વસનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પાચનતંત્ર, ચેતાતંત્ર, ઉપર હકારાત્મક અસર થાય છે.

યોગના રોગનિવારક યા ઉપચારિક ફાયદા

૧. નિયમિત યોગાભ્યાસ દ્વારા શરીર અને મન ઉપર સ્વાભાવિક નિયંત્રણ પ્રાપ્ત થાય છે. યોગાભ્યાસથી ત્રિગુણમય મનમાં, તમોગુણ અને રજોગુણનો પ્રભાવ ઘટે છે અને સત્ત્વગુણનો પ્રાદુર્ભાવ થાય છે. આની શરીર અને મનના તનાવ ઉપર હકારાત્મક અસર થાય છે, જેથી તનાવયુક્ત દર્દોના ઇલાજમાં યોગની ઉપચાર પદ્ધતિ અસરકારક પુરવાર થાય છે તેમજ યોગ દ્વારા શરીર અને મન બંનેને નિરોગી રાખી શકાય છે.

૨. યોગના તન અને મન ઉપર હકારાત્મક પ્રભાવને લીધે મનો-શારીરિક દર્દોની સારવારમાં, એક સચોટ ઉપચાર તરીકે કામ કરે છે… તબીબી વિજ્ઞાનમાં એવું જાણવા મળે છે કે લગભગ ૯૦% રોગો પાછળ મનોશારીરિક પરિબળો જવાબદાર છે, જેમાં માનસિક તનાવથી ઉદ્ભવતા રોગોનો પ્રભાવ વધારે હોય છે. તબીબી શાસ્ત્રમાં ડૉક્ટરોએ પણ હવે યોગને એક રોગ નિવારક ઉપચાર તરીકે સ્વીકૃતિ આપી છે.

યોગથી માણસના વ્યક્તિત્વમાં થતા ફાયદા

૧. નિયમિત યોગ પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસથી શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા અને સુખાકારીમાં હકારાત્મક ફેરફાર થાય છે. મનની એકાગ્રશક્તિમાં તીવ્ર વધારો થાય છે, જેથી ઝડપી વાંચનની ક્ષમતા અને ગ્રહણશક્તિમાં અને યાદશક્તિમાં પણ સુધારો થાય છે. વિદ્યાર્થીઓ માટે યોગ દ્વારા આનો મહત્તમ ફાયદો લઈ શકે છે.

૨. માનસિક અને શારીરિક સમતુલા અને સ્વસ્થતાને લીધે, જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ બને છે, જેને લીધે નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મળે છે. હકારાત્મક વિચારોનો પોતાના વિકાસમાં ઘણો મોટો ફાળો આપે છે, તેમજ હકારાત્મક વિચારોના તરંગો તમારા ઘરમાં દિવ્ય શાંતિ અને આનંદનું વાતાવરણ પેદા કરી શકે છે.

૩. પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસથી આંતરિક સુષુપ્ત શક્તિઓ જાગ્રત થાય છે, જે મનુષ્યના અસ્તિત્વને નિખારવામાં મદદરૂપ બને છે. યોગ સાધકમાં જીવનનો દૃષ્ટિકોણ વિશાળ બને છે અને તેનામાં સમત્ત્વ અને સમતાની ભાવના પ્રબળ બને છે.

૪. કૌટુંબિક યા વ્યાવસાય સંબંધી પારસ્પારિક સંચાર હકારાત્મક બને છે, જેમાં સંવાદિતાના સૂર પરોવાયા છે, કૌટુંબિક સંબંધો વધારે સુમેળભર્યા અને માધુર્યસભર બને છે અને વિચારોમાં દ્વેષની ભાવના નિ:શેષ થાય છે.

૫. યોગથી માનસિક તનાવ પ્રતિકારક શક્તિમાં આત્યાંતિક સુધારો અનુભવાય છે, જેથી ધંધામાં યા વ્યવસાયમાં વધતી જતી હરીફાઈમાં પણ તમે દબાણને આસાનીથી પચાવી શકવા સક્ષમ બનો છો, તેમજ ધંધાકીય કે વ્યાવસાયિક પડકારોને સરળતાથી પાર પાડવાનો આત્મવિશ્વાસ કેળવાય છે. વ્યાવસાયિક કુનેહમાં પણ હકારાત્મક સુધારો અનુભવાય છે તેમજ તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.

૬. “યોગ: કર્મશુ કૌશલમ્” મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં વર્ણવ્યું છે કે યોગના અભ્યાસથી, સાધકને તેના કાર્યમાં કૌશલ્યતા તેમજ નિપુણતા સહજતાથી પ્રાપ્ત થાય છે, તે જે કાંઈ કાર્ય કરે તે સ્વસ્થ ચિત્ત અને એકાગ્રતા સાથે કરે છે અને તે કાર્ય કોઈ પણ જાતની ખામી વિનાનું હોય છે. યોગના સાધકે કરેલાં કાર્યોનું પરિણામ પણ હકારાત્મક અને સર્વને લાભદાયી થાય છે.

ઉપસંહાર

આપણી શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે, આપણા વ્યક્તિત્વને નિખારવા, જીવનની દરેક પળને આનંદથી માણવા તેમજ જીવનને સફળ, ફળીભૂત, સઘન અને સંતુષ્ટ બનાવવા યોગ એ સચોટ જડીબુટ્ટી છે. યોગ એ એવું કલ્પવૃક્ષ છે કે જેના શરણમાં જવાથી આપણે કોઈ પણ કાર્યસિદ્ધ કરી શકીએ તેમજ જીવનને પૂર્ણ અને સફળ બનાવી શકાય. માનવ જીવનનું અંતિમ ધ્યેય, વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવી અને વિશ્વને વસુધૈવ કુટુંબકમની સાતત્યતાને ફળીભૂત કરવાનું છે જેને માટે યોગ એ જ માનવધર્મનો સચોટ માર્ગ છે.

(સાભાર : સાધના સાપ્તાહિક, 20 – 06 – 2015, અતુલ પરીખ (ટ્રસ્ટીશ્રી – યોગસાધન આશ્રમ)

Most Viewed Article

Most Viewed Author