Article

શ્રાવણ માસ – શિવ ઉપાસના, આરાધના અને ભક્તિનું પર્વ">પવિત્ર શ્રાવણ માસ – શિવ ઉપાસના, આરાધના અને ભક્તિનું પર્વ

Author: Gurjar Upendra

Date: 18-08-2015   Total Views : 428

gs

શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધના, ઉપાસના અને ભક્તિનું પર્વ. દર વર્ષે આવતા આ પવિત્ર શ્રાવણ માસમાં શિવની પૂજા- અર્ચના થાય છે. ભક્તજનો અનેક રીતે ઉપાસના કરે છે. શ્રાવણ માસ શરૂ થતાં જ શિવલિંગ ઉપર વિવિધ પૂજાસામગ્રીથી અભિષેક કરાય છે. ઘણાં શિવમંદિરોમાં પ્રાતઃકાલથી રુદ્રાભિષેક કરવામાં આવે છે. આ રુદ્રાભિષેકમાં રુદ્રીનો પાંચમો અધ્યાય અગિયાર વખત આવર્તન કરવાથી એક રુદ્રાભિષેક થાય અથવા શિવ મહિમ્ન સ્તોત્ર એકાદશવાર (અગિયાર) કરવાથી એક રુદ્રાભિષેક થાય છે. આ રુદ્રાભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે. આ માસ દરમિયાન અખંડ દીપ પણ રાખવામાં આવે છે. શ્રાવણી સોમવારના દિવસે તો શિવમંદિરોમાં સવારથી મધ્યરાત્રી સુધી ભક્તોની લાંબી લાઇન લાગે છે. આ દરેક શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ રીતે ભક્તિ, આરાધના અને ઉપાસના કરવાથી શુભ અને કલ્યાણકારી વિચારો અને ચેતન સ્ફૂરે છે. નવાં કાર્યો કરવાની હિંમત અને જોમ મળે છે અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઈ રિદ્ધિ-સિદ્ધિ તથા સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આજના જમાનામાં લોકો હંમેશાં આધિ, વ્યાધિ તેમજ ઉપાધિની માયાજાળમાં ફસાયેલા રહે છે. આ માત્ર એક કારણ હોઈ શકે કે શાંતિ પ્રાપ્ત કરવા લોકો આધ્યાત્મના માર્ગે વળ્યા છે. જેના કારણે તેઓ મંદિરે જઈ શાંતિનો અહેસાસ કરે છે. શ્રાવણ માસમાં વ્રત-તપ અને જપનો અનોખો મહિમા છે. આથી ઘણા ભક્તો આખો મહિનો ઉપવાસ – એકટાણાં કરે છે, કેટલાક શ્રદ્ધાળુઓ આખો મહિનો નહીં, તેઓ સોમવારના વ્રત તો અચૂક કરે છે. મનમાં દૃઢ શ્રદ્ધા રાખવાથી ભક્તિ તથા દિવ્યતાનો અનુભવ થાય છે. ઘણીવાર મુશ્કેલ જણાતાં કાર્યોમાં સફળતા મળતાં ઈશ્વર પ્રત્યેની આસ્થા વધી જાય છે. ભગવાન રામચંદ્રજીએ પણ શિવજીની સ્થાપના રામેશ્વરમાં કરી હતી અને તેમની કૃપા પ્રાપ્ત કરવા શ્રદ્ધાપૂર્વન પૂજન અર્ચન કર્યું હતું.

આમ શિવજી સામાન્ય ભક્તથી માંડીને દેવોના પણ દવે એટલે કે મહાદેવ છે. એમાં પણ શ્રાવણ મહિનો આવે એટલે માનવ હૈયામાં પ્રેમમંદિરો રચાય છે અને શિવમંદિરો પણ મંડિત થાય છે. એકમાં પ્રેમની ભીનાશ પ્રગટે છે તો બીજામાં ભક્તિની ભીનાશ ભક્તહૃદયને ભીંજવે છે. માનવ અને મહાદેવ પ્રેમ અને ભક્તિના સેતુથી જોડાય છે. પ્રેમ વિના માનવ, માનવીને કે મહાદેવને ન મેળવી શકે. શિવ તત્ત્વ કે શ્રેયતત્ત્વ ન પામી શકે. આ સિવાય માનવજીવનને ભક્તથી ભીંજવે એવું એક સ્તોત્ર તે શિવમહિમ્ન સ્તોત્ર.
આ સ્તોત્રના પાઠ શ્રાવણ માસ દરમિયાન ખાસ કરવા જોઈએ.

શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું મહત્ત્વ :

આદિકાળથી વિશ્વની સંસ્કૃતિઓમાં હિંદુ સંસ્કૃતિ આજે પણ શ્રદ્ધા અને ભક્તિથી જીવિત છે. આખા વર્ષ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિભાવ સમા અનેક તહેવારો–પર્વોએ ભારતીય સંસ્કૃતિના ઉત્સવોની પરંપરાનું ઋતુચક્ર ટકાવી રાખ્યું છે. એમાંયે અષાઢ અને શ્રાવણી તહેવારોનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં અનેરું જોવા મળે છે. શ્રાવણ માસનું જેટલું મહત્ત્વ છે એનાથી વિશેષ મહત્ત્વ શ્રાવણમાં શિવ ઉપાસનાનું છે. આ માસમાં શિવનો મહિમાં અત્યંત પવિત્ર અને ફળદાયી ગણાય છે. એમ કહેવાય છે કે સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી જે અમૃત નીકળ્યું તે પીવા માટે બધા દેવો તૈયાર થયા પરંતુ જે વિષ નીકળ્યું તે પીવા કોઇ તૈયાર ન થયું ત્યારે છેવટે ભગવાન શંકરે એ વિષપાન કર્યું હતું. આ વિષપાન ભગવાન શંકરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કરેલું હોઈ તે મહિના અને શ્રાવણ સોમવારનું મહત્ત્વ હિંદુઓમાં વિશેષ લેખાય છે. વહેલી સવારે સ્નાન કરીને નવાં વસ્ત્રો પરિધાન કરી પૂરા શ્રાવણ માસ દરમિયાન મહાદેવના મંદિરે છેલ્લા દિવસ સુધી જઈ મહાદેવજીના શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવે છે. બ્રાહ્મણો શિવમંદિરોમાં જઈને અનુષ્ઠાનો, રુદ્રાભિષેક, બિલીપત્રો વડે પૂજા-અર્ચન કરીને સાત્વિક પુણ્યકર્મ કમાય છે. આ દિવસોમાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શિવપૂજન કરવાથી બધાં પાપકર્મો નષ્ટ થઈ જાય છે અને પુણ્યાત્મા મોક્ષને પ્રાપ્ત થાય છે.

વિશેષ વાંચન : શિવમહિમ્ન સ્તોત્ર – પુષ્પદંત, શ્રાવણ માસમાં આવતા વિવિધ પર્વોત્સવો, શિવજીનાં બાર જ્યોતિર્લિંગો

(લેખ સ્રોત – સૌજન્ય : www.vishvagujarativikas.com )

 

Most Viewed Article

Most Viewed Author