રૂઢિપ્રયોગ
૧. અંદરની વાત રામ જાણે = ધોળું એટલું દૂધ નહિ ને પીળું એટલું સોનું નહિ.
૨. આત્મારામ = અંત:કરણમાં રહેલો રામ; આત્મા પોતે જ રામ છે તેવું માનવું તે.
૩. જેને રામ રાખે તેને કોણ ચાખે = જેને ઈશ્વર સહાયભૂત હોય તેને કંઇ અડચણ આવતી નથી.
૪. રામ ઊડી જવા = (૧) ઉચ્ચ તત્ત્વ, સારપણ કે હિમત જતાં રહેવાં (૨) મરણ પામવું.
૫. રામ કરવું = ઓલવવું; ઠારી નાખવું.
૬. રામ ગાંડિયું = વેતા વગરનું; ઢંગધડા વિનાનું; વ્યતીપાત; ઘેલછાવાળું.
૭. રામચરણ પામવું = મરણ પામવું; મરી જવું.
૮. રામ જાણે = ભગવાન જાણે; મને ખબર નથી.
૯. રામ ઝરૂખે બેઠ કર સબકા મુજરા લેત જૈસિ જિનકી ચાકરી, વૈસા ઉનકુ દેત = જેવી કરણી તેવું ફળ.
૧૦. રામ થઈ જવું-રામ બોલી જવા-રામ રમી જવા = (૧) ઊંઘી જવું. (૨) ટાઢું પડી જવું. (૩) દુર્દશામાં આવી જવું; પાયમાલ થવું. (૪) વસ્તુના ભાંગીને ચૂરેચૂરા થઈ જવા. (૫) મરણ પામવું; પ્રાણ ઊડી જવા; મરી જવું. (૬) સત્ત્વહીન થઇ જવું.
૧૧. રામ નામ જપના, પરાયા માલ ખપના = મુખમેં રામ, બગલમેં છૂરી, ભગત ભયા ભી દાનત બૂરી. આ ધર્મઠગને માટે વપરાય છે.
૧૨. રામ નામ જપવું = છાનામાના બેસી રહેવું; બેઠાં બેઠાં ચૂપચાપ જોયા કરવું.
૧૩. રામ નામ દેવું = (૧) બીજાનું બૂરું બોલવાનું છોડી દઈ મનને સારા વિચાર તરફ દોરવું; માયા છોડી શાંત રહેવું. (૨) વાત છોડી દેવી.
૧૪. રામ નામે પથ્થર તરે = મોટાને નામે કામ થાય; મોટાને નામે બોર વેચાય.
૧૫. રામ બોલવા = મરી જવું.
૧૬. રામ બોલો થવું = (૧) આવી બનવું; માર્યા જવું; છેક જ નુક્સાનીમાં આવી પડવું. (૨) પડી ભાંગવું. (૩) મરી જવું.
૧૭. રામ બોલો ભાઈ રામ ! = (૧) થઈ રહ્યું ! સત્યાનાશની પાટી ! (૨) મડદાને સ્મશાને લઇ જતી વખતે બોલાતો બોલ.
૧૮. રામ રમાડી દેવા = મારી નાખવું.
૧૯. રામ રમી જવું-રામ બોલવા-રામશરણ કરવું. = (૧) ટાઢું પડી જવું. સત્ત્વ જતું રહેવું. (૨) મરણ પામવું; મરી જવું. (૩) સાધુ થવું; વિરક્ત થવું.
૨૦. રામરામ = (૧) રજપૂત રજપૂતને મળતાં કે છૂટા પડતી વેળા સન્માનસૂચક રામરામ બોલે છે. (૨) રજા લેતાં કરવામાં આવતી સલામ; જેગોપાલ; નમસ્કાર; જય જય. મેળાપ કે વિદાય વખતે તેમ બોલાય છે.
૨૧. રામરામ કરવા = (૧) ચાલુ વાતને જવા દેવી. (૨) છેવટના પ્રણામ કરવા. (૩) ભગવાનનું નામ જપવું.
૨૨. રામરામ કરો = એ વાત જવા દો; હવે કંઈ વળવાનું નથી.
૨૩. રામરોટલો થવો = (૧) કનકવાનો પેચ થવો. (૨) ભાંગી જવું; ચૂરા થઇ જવા.
૨૪. રામલક્ષ્મણની જોડ = રામલક્ષ્મણના જેવી સરખેસરખાની કે અરસપરસ હેતપ્રીતિવાળાની જોડી.
૨૫. રામ વગરનું = જિગર કે હિંમત વગરનું.
૨૬. રામશરણ પહોંચાડવું = મારી નાખવું.
૨૭. રામનું નામ દો = (૧) ભગવાનનું ભજન કરો; કંઇ સારું કામ કરો (૨) હવે કંઇ વળવાનું નથી.
૨૮. રામનું નામ લેવું = માયા છોડી દેવી; શાંત રહેવું.
૨૯. રામનું બાણ = (૧) કદી નિષ્ફળ ન જાય તેવું રામનું બાણ (૨) નિષ્ફળ ન નીવડે તેવું; અમોધ.
૩૦. રામનું રખવાળું-રખોપું = નિર્ભય સ્થિતિ.
૩૧. રામનું રાજ = (૧) પ્રજાને સુખ અને અભય હોય તેવું રાજ્ય; તેના જેવું ન્યાયથી ચલાવાતું સુખી રાજ્ય; લોકોને સ્વતંત્રતા અને ઇન્સાફ મળે અને તેમનું રક્ષણ થાય તેવું રાજ. (૨) રામચંદ્રજીનું રાજ્ય.
૩૨. રામનું રામાયણ = નહિ જેવી વાતનું મોટું પીંજણ; વાતનું વતેસર.
૩૩. રામનું સોણું ભરતને ફળ્યું-ભાવ્યું = જોઈતું હતું ને વૈદે બતાવ્યું; એકની ભાવના બીજાને ફળવી; ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ.
૩૪. રામને રળવું નહિ અને સીતાને દળવું નહિ = (૧) કંગાલ સ્થિતિમાં હોવું. (૨) બેઉ પક્ષ આળસુ હોવા; બંને સરખા હોવા.
૩૫. સો તારી રામદુવાઈ અને એક મારું ઊંહું = ઊંહું નું ઓસડ નહિ; ના પાડ્યા પછી હા ન થવી.