Dictionary

અર્થ
ભારતીય વર્ણમાળાનો પહેલો સ્વર. (૨) પૂર્વગ. નકારાર્થે:એ છ પ્રકારે વ્યકત થાય છે: [૧] સાદૃશ્ય એટલે સમાનતા: અબ્રાહ્મણ=બ્રાહ્મણ સિવાય અન્ય વર્ણનું, પણ બ્રાહ્મણ જેવું જનોઈવાળું; [૨] અભાવ: અફળ=ફળ રહિત; [૩] અન્યત્વ એટલે ભિન્નતા: અઘટ=ઘટથી ભિન્ન પટ વગેરે; [૪] અલ્પતા: અબુદ્ધ=ઓછી સમજવાળું; [૫] નિંદિતપણું: અધન=ખરાબ ધન; [૬] વિરોધ: અધર્મ=ધર્મથી વિરુદ્ધ આચરણ. (૩) પું○ ગુજરાતી વર્ણમાળાનો પહેલો સ્વર, એ ગુણાત્મક સ્વરિત વિવૃત 'અ' અને સાદા અસ્વરિત સંવૃત 'અ' ઉચ્ચારણો લેખનમાં બતાવવા એકલો યા વ્યંજનમાં અંતર્ગત થયેલો પ્રયોજાય છે; કોઈ પણ સ્વરિત શ્રુતિ પછીની શ્રુતિમાં લખવામાં આવતો વ્યંજનાંતર્ગત 'અ' ઉચ્ચારણની દૃષ્ટિએ અભાવાત્મક અનુભવાય છે, જેને કમળાશંકર પ્રા. ત્રિવેદીએ 'શાંત', કેશવ હર્ષદ ધ્રુવે 'દ્રુત' અને નરસિંહરાવ દિવેટિયાએ 'લઘુપ્રયત્ન' કહેલ; 'કાર્ય', 'હિંસ્ત્ર', 'પ્રશ્ન' જેવા અનેક તત્સમ શબ્દોમાં સ્વરિત શ્રુતિ પછી સંયુક્ત વ્યંજનોમાંનો 'અ' શ્રાવ્ય છે અને એ અસ્વરિત સંવૃત ઉચ્ચરિત થાય છે. (૪) પૂર્વગ. નકારાર્થે: અજાણ્યું=જાણવામાં ન આવેલું; અયોગ્યાર્થે: અખાજ=ખાવા માટે યોગ્ય નહિ તેવું. (૫) પૂર્વગ. અતિશયના અર્થનો ગુજરાતી પૂર્વગ : અલોપ=અત્યંત લોપ, અભાવ; અઘોર=અત્યંત ઘોર, ભયાનક (જેનાંથી વધુ ઘોર નથી તેવું નઞ બ.વ્રી.)