Dictionary

જૂનાગઢ

અર્થ
સૌરાષ્ટ્રનું જૂનામાં જૂનું શહેર; ગિરિનાર; જીર્ણનગર. પાછળથી આ શહેરનું નામ જૂનાગઢ, જીર્ણદુર્ગ પડ્યું. જૂનાગઢનાં પ્રાચીન નામોનો રસિક ઇતિહાસ છે. મણિપુર, ચંદ્રકેતુ, રૈવત, પૌરાતન, ગિરિનગર, ઉદયંત, ઉર્જયંત, જીર્ણનગર, અસીવદુર્ગ, કર્ણકુબ્જ વગેરે જૂનાગઢનાં પ્રાચીન નામ છે. કાઠિયાવાડમાં જૂનાગઢ સંસ્થાનનું જૂનાગઢ એ રાજનગર છે. ગીરના જંગલમાં ઇમારતી લાકડાંને ફળફળાદિ થાય છે તથા બીજી જમીન ફળદ્રુપ છે. સમુદ્ર કિનારા ઉપરનો પ્રદેશ સારી હવાવાળો છે. જૂનાગઢનાં નવાબ વાડાસિનોર અને રાધનપુરા ભાયાત બાબી કુટુંબના મુસલમાન છે. તેમાં જૂના કાળનાં સંસ્મરણો જગવતાં અનેક સ્થળો છે. આ સંબંધે આર્યાવર્ત યાત્રામાં વર્ણન છે કે: જૂનાગઢનું પ્રાચીન નામ ગિરિનાર હતું, પાછળથી જીર્ણદુર્ગ ઉપરથી જૂનાગઢ પડ્યું. તેની પૂર્વે ગિરનાર નામનો મોટો પ્રખ્યાત પર્વત છે. તેનું મૂળ નામ રૈવતાચળ હતું. શહેરની અંદર નાના પહાડ કે ટેકરા ઉપર ઉપરકોટનો કિલ્લો છે, જેમાં અડીકડીની વાવ, નોંઘણ કૂવો, ખાપરાકોડિયાનાં ભોંયરાં તથા જૂના વખતની બે લાંબી અને મોટી તોપો જોવા લાયક છે. આ શહેર શ્રીકૃષ્ણના પરમ ભક્ત નરસિંહ મહેતાનું જન્મસ્થાન છે. તેના રહેવાના મૂળ સ્થાનને નરસિંહ મહેતાનો ચોરો કહે છે. ગિરનાર જતાં રસ્તામાં અશોકનો શિલાલેખ આવે છે. અશોક રાજાએ એક મોટી શિલા ઉપર રાજ્યનીતિ અને સામાન્ય નીતિનાં વચનો પાલી ભાષામાં કોતરાવ્યાં છે. આગળ ચાલતાં દામોદર કુંડ આવે છે. કુંડમાં થઇને નદી ચાલી જાય છે. આ કુંડ પવિત્ર મનાય છે. હિંદુઓ પોતાનાં મરેલ સગાવહાલાંનાં શેષ રહેલાં જૂજ હાડકાં કે ફૂલ તેમાં પધરાવે છે. એ કુંડથી થોડે દૂર જતાં રેવતી કુંડ આવે છે. બળદેવજીની પત્ની રેવતીના સંભારણામાં આ કુંડ બંધાયો છે. તેની પાસે જ અશ્વત્થામાના ડુંગરમાં દામોદરજીનું મંદિર છે. આ મંદિરમાં જૂનાગઢના રાજા રા`માંડલિકે નરસિંહ મહેતાને કેદમાં નાખી દામોદરાય પાસેથી હાર મેળવવાની ફરજ પાડી હતી એમ કહેવાય છે. શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે આ મંદિર બંધાવ્યું છે. ત્યાંથી આગળ ચાલતાં ભવનાથ મહાદેવનું મંદિર આવે છ. આ ભવેશ્વર મહાદેવનો મહિમા ઘણો છે અને દર વર્ષે શિવરાત્રિને દિવસે ત્યાં મોટો મેળો ભરાય છે. મૃગી કે મરઘી કુંડ પણ આ ભવનાથની લગોલગ છે. એ કુંડના પાણીમાં વાઇનો રોગ મટાડવાની શક્તિ હોવાનું કહેવાય છે. ત્યાંથી આગળ ચાલતાં ગિરનાર ઉપર ચડવાનાં પગથિયાં આવે છે. દરિયાની સપાટીથી ૨૭૦૦ ફૂટની ઊંચાઇએ કોટ, દેવકોટ કે ઉપરકોટ આવે છે. આ કોટમાં અસલ ચૂડાસમા રાજવંશના મહેલો હતા. હાલના આ કોટમાં નેમિનાથ, ઋષભદેવ વગેરેનાં જૈન મંદિરો છે. તેની બહાર બાજુમાં રા`ખેંગારના મહેલના નામથી ઓળખાતું જૈન મંદિર છે. ત્યાંથી ડાબા હાથ તરફ થોડાંક પગથિયાં ચડતાં ગૌમુખી ગંગાનું પવિત્ર સ્થળ આવે છે. ત્યાંથી જમણા હાથ તરફનો માર્ગ ઠેઠ અંબાજી માતાના શિખર સુધી જાય છે. ગિરનારની પહેલી ટૂક ઉપરકોટ, બીજી ટૂક ગૌમુખી ગંગા અને ત્રીજી ટૂક અંબાજીનું મંદિર ગણાય છે. અંબાજીના મંદિરની નજીકમાં રાજુલાની ગુફા, સાતપુડાનું તળાવ વગેરે કુદરતી સ્થાનો છે. ચોથી ટૂક ગોરખનાથની નાની ડેરી છે. ત્યાંથી પાંચમી ટૂકે ગુરુ દત્તાત્રેયનું મંદિર છે. છઠ્ઠી અને સાતમી ટૂકનો રસ્તો વિકટ છે. ગૌમુખીથી ડાબા હાથ તરફ બીજો રસ્તો જાય છે, ત્યાં થોડે છેટે સેવાદાસની જગ્યા અને પથ્થરચટી આવે છે. આ બે જગ્યાની વચ્ચેથી નીચેની ખીણમાં ઊતરી શેષાવન અને છેવટ ભરતવનમાં જવાય છે. વચ્ચે જતાં થોડે નીચે ઊતરતાં હનૂમાનધારા આવે છે. ભરતવનને છેડે રામચંદ્રજીની જગો તથા તેનું સુંદર મંદિર આવે છે અને ત્યાં ગિરનારની તળેટીમાંથી અહીં આવતાં પાણીનો ભરતકુંડ નામે કુંડ છે. આ બંને વનોની વનરાજી ઘાટી અને સુંદર છે.