Dictionary

રાજકોટ

અર્થ
એ નામનું મધ્ય સૌરાષ્ટ્રમાં આવેલું સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર; કાઠિયાવાડના કેંદ્રમાં આજી નદીને તીરે આવેલું એક શહેર. ઈ. સ. ૧૬૬૭માં રાજુ નામના સિંધીએ પોતાનો નેસ આજુ નદીને કાંઠે શ્રીવિભાજીની પરવાનગીથી વસાવ્યો હતો. ધીરેધીરે એમાંથી ગામડું બન્યું. આ રાજુના નામ ઉપરથી આ સ્થળનું નામ રાજકોટ પડ્યું. ઈ. સ. ૧૭૦૨સુધી રાજુ સિંધીના વંશજોના તાબામાં રાજકોટ રહ્યું. જાડેજા વંશના પરાક્રમી રાજા વિભાજીના રાજ્યમાં ક્રમેક્રમે તે આબાદ બનતું ગયું અને છેવટે રાજ્યનું પાટનગર બન્યું. ઇ. સ. ૧૭૨૨માં માસુમખાન નામના સરદારે રાજકોટનો કિલ્લો બંધાવ્યો. ઈ. સ. ૧૭૮૯માં પાટવીકુંવર શ્રીરમણમલજીએ માસુમખાને મારી રાજકોટ કબજે કર્યું. અને તે શ્રીમેરામણજી બીજાને હાથ ગયું. શ્રીમેરામણજી જબરાં સાહિત્યપ્રેમી હતા. તેમણે હિંદીસાહિત્યનો માતબર ગ્રંથ પ્રવીણસાગર લખ્યો અને એમ આ ભૂમિમાં સાહિત્યનાં અંકુરો ઉગાડ્યાં. ઈ. સ. ૧૮૨૨માં રાજકોટમાં અંગ્રેજ કોઠી નાખવામાં આવી. ઇ. સ. ૧૮૪૪માં કાઠિયાવાડના કેટલાક રાજવીઓએ રાજકોટમાં જમીન ખરીદી ઉતારા બંધાવવાનું શરૂ કર્યું. ઈ. સ. ૧૮૪૬માં રાજકોટમાં પહેલવહેલી અંગ્રેજીશાળા સ્થપાઈ. ઇ.સ. ૧૮૬૩માં એજંસિની કોઠીનો વિકાસ થયો. ઇ. સ. ૧૮૮૮માં પહેલીવાર રાજકોટમાં રેલવે સ્ટેશન બન્યું અને વઢવાણ સાથે જોડાયું. ઇ. સ. ૧૮૯૩માં રેવલેમાર્ગથી રાજકોટ જેતલસર સાથે જોડાયું આમ ધીરેધીરે રાજકોટનું મહત્ત્વ વધતું ગયું અને રાજકોટમાં એજંસિનું થાણું સ્થાપાયા પછી તેનું મહત્ત્વ કાઠિયાવાડના કેંદ્રરૂપે સ્વયંસિદ્ધ બન્યું. વેપારરોજગાર પણ રાજકોટમાં સારા પ્રમાણમાં ચાલે છે. અહીં ઉદ્યોગનાં કારખાનાં, ફેકટરિઓ, મિલો, છાપખાનાં, વીમાકંપનિની શાખાઓ, બેંકો, કલાવિજ્ઞાનની કોલેજ, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, રાજકુમાર કોલેજ, ટ્રેનિંગ કોલેજ, હાઈસ્કૂલો, રાષ્ટ્રીય શાળા, બાલમંદિરો વગેરે આવેલાં છે. પ્રજાવત્સલ શ્રી લાખાજીરાજના સમયથી શાસન, શિક્ષણ, સામાજિક ઉન્નતિ, સુંદર નગરરચના વગેરે માટે રાજકોટ વધુ અને વધુ જાણીતું થયું અને તેથી તેની વસતીમાં વધારો થતો ગયો. અહીં શ્રી લાખાજીરાજે પહેલવહેલી સાર્વત્રિક મતાધિકારની સ્થાપના કરી હતી. મોહનદાસ ગાંધીજીનો શિક્ષણકાળ પણ અહીં જ વીત્યો હતો અને તે પછી પણ રાજકોટ એમનું નિવાસસ્થાન હતું. આ ઘટના યે રાજકોટ માટે મહત્ત્વની છે. અહીંની ધર્મેંદ્રિસિંહજી કોલેજનું આકર્ષણ કાઠિયાવાડ પૂરતું સારા પ્રમાણમાં વધ્યું છે અને તેથી કચ્છ, કાઠિયાવાડ તેમ જ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અહીં સારી સંખ્યામાં આવે છે. કોલેજમાં વિજ્ઞાનવિભાગ છે અને તેથી ભવિષ્યમાં કોલેજનું મહત્ત્વ વધશે. રાજકોટનાં જોવા લાયક સ્થળોમાં સર લાખાજીરાજ સ્મારક મંદિર, વોટસન મ્યુઝિયમ, લેંગ લાઇબ્રેરિ, લાખાજીરાજ પુસ્તકાલય, અનેક મંદિરો, પ્રદ્યુમ્નસિંહજી પાર્ક, આજીના ત્રણ પુલો, રાંદરડાનાં તળાવો, કૈવલ્યધામ આશ્રમ, રામકૃષ્ણાશ્રમ વગેરે ગણાવી શકાય. અહીંની રાષ્ટ્રીય શાળા તેમ જ વ્યાયામશાળાઓ પણ સુંદર કામ કરી રહી છે. ઉપરાંત સૌરાષ્ટ્રનું એકમ રચાતાં રાજકોટનું મહત્ત્વ વધ્યું છે. તે સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે. શ્રી લાખાજીરાજ જેવા આદર્શ રાજવી, પ્રવીણસાગરના કર્તા સ્વ. મહેરામણજી વગેરે ઉપરાંત દુકાળમાં ગુજરાતને અનાજ પૂરૂં પાડનાર જગડુશા જેવા દાનવીર પણ અહીં જ થઇ ગયા છે. કવિવર નાનાલાલ, શ્રી બળવંતરાય ઠાકોર તથા આદ્ય વિવેચક સ્વ. નવલરામ જેવાએ અહીં એમનાં જીવનનો પલ્લવકાર કે પરિપાકકાળ વિતાવ્યો છે. મહાત્મા ગાંધીજી, સર પ્રભાશંકર પટ્ટણી, કવિ કાંત તથા કલાપી જેવી ખ્યાતનામા વ્યક્તિઓએ અહીં શિક્ષણ લીધું છે. સંસારસુધારક કરસનદાસ મૂળજી જેવા અહીં કારભારી તરીકે કામ કરી ગયા છે. ભારત સ્વતંત્ર થતાં સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં રાજ્યનું એકમ થયું અને તેની રાજધાની તરીકે રાજકોટની પસંદગી કરવામાં આવી. આથી કરીને રાજકોટનો મહિમા ઘણો જ વધ્યો છે અને તે એક નમૂનેદાર શહેર બની રહ્યું છે.