( વ્યાકરણ ) આંકડાનો બોધ કરનારું; સંખ્યા જણાવનારું. અંકગણિતના મુખ્ય પાયારૂપ સંખ્યાવાચક અંકો અને દશાંશની પદ્ધતિ એ બંને શોધનું માન પ્રાચીન હિંદુઓને ઘટે છે. યરપીય ઇતિહાસકારો આ જ્ઞાનના આઘ સંપાદકો તરીકે આરબો અને ગ્રીકો ને પૂજે છે, પરંતુ પ્રાચીન આરબો અને ગ્રીકો હિંદુઓ પાસેથી ઘણું શીખ્યા હતા. ઉત્તર યરપના કેટલાએક પ્રદેશો સાથે હિદને સીધો સંબંધ નહિ હોવાને લીધે પ્રાચીન હિંદી સંસ્કૃતિનો પ્રચાર યરપમાં તે સમયના આરબો, ગ્રીક અને મિસર દેશના વેપારીઓની મારફત જ થયેલો હોવાથી તેવી ભ્રાંતિ થાય એ સ્વાભાવિક છે. અશોકના સમયના કીર્તિસ્તંભોમાં સંખ્યાવાચક અંકોનો ઉપયોગ થયેલો જોવામાં આવે છે; એટલે ઈસ્વીસન પૂર્વે ત્રણસો વર્ષ પહેલાં આ અંકો હિદંમાં પ્રચલિત હતા. આ અંકો હાલમાં અંગ્રેજીમાં અરેબિક અંકો તરીકે ઓળખાય છે, કારણકે તેની શોધ હિંદમાંથી અરબ વિદ્વાનોની મારફત યરપની પ્રજાને મળી હતી. રોમન સંખ્યાંક કરતાં અરબ ગુણાતા સંખ્યાંક વધારે સરળ અને સુગમ છે, તેથી યરપના ઇતિહાસકો તેનાં ખૂબ વખાણ કરે છે. આરબોએ અંકપદ્ધતિ અને ગણના રીતિ વિષે હિંદુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું એ નિઃશંક છે; ખલીફ વાલીદના સમય સુધી આરબોને સંખ્યાવાચક અંકોનું જ્ઞાન ન હતું અને તેઓ અંકોને બદલે મૂળાક્ષર વાપરતા. સિંધમાંથી કેટલાએક હિંદુ વિદ્વાનો ખલીફ મન્સુરના દરબારમાં ગયા હતા અને હિંદુ જ્યોતિષ અને ગણિતનું જ્ઞાન અરબોને આપ્યું હતું.