Dictionary

સંગીતેશૈલી

અર્થ
સંગીતની પ્રચલિત શૈલી. સાહિત્ય, સંગીત કે ચિત્રકળા માટે જગતભરમાં જુદી જુદી શૈલીઓ નિર્માણ થયેલી જોવામાં આવે છે. એવી જ રીતે હિંદમાં ગાવા માટે પણ જુદી જુદી શૈલીઓ જોવામાં આવે છે. પ્રાચીનકાળથી ધ્રુપદ, ધમાર તથા ખ્યાલની ગાયકી ભારતીય સુપ્રસિદ્ધ સંગીતકારોનો પ્રિય વિષય બની રહી છે. દરેક શૈલીમાં તેનું માધુર્ય, રસ તથા ભાવ નિરાળાં હોવાથી તેનું સ્વરૂપ જુદું તરી આવે છે. ધ્રુપદ: એ શૈલીના મહાન ગાયક બૈજુબાવરા તથા તાનસેન વગેરે થઈ ગયા છે. અકબર બાદશાહના સમયમાં ધ્રુપદની શૈલી ખૂબ પ્રચાર પામી હતી. હાલમાં ધ્રુપદ ગાનાર પ્રચારમાં ઓછા માલૂમ પડે છે. બુલંદ તેમ જ દમદાર અવાજ ધ્રુપદને વધારે મધુર બનાવે છે. ખ્યાલ: છેલ્લાં બસો વર્ષથી ખ્યાલ પ્રચારમાં આવ્યા છે. ખ્યાલ ભારતીય સંગીતમાં શ્રેષ્ઠ પ્રકારનું સંગીત મનાય છે. વિવિધ તાનોથી ખ્યાલની ગાયકી વધારે દીપી ઊઠે છે. ટપ્પા: શૌરીયાંમીએ ટપ્પા પ્રચલિત કર્યા હતા. ટપ્પા પંજાબ તરફ બહુ સારી રીતે ગવાય છે. તેમાં શૃંગાર રસ પ્રધાન છે. તેમ જ પંજાબી ભાષાના શબ્દો ટપ્પામાં વધારે જોવામાં આવે છે. બનારસ, લખનૌ અને કલકત્તામાં ઠુમરી ખૂબ જ સાંભળવામાં આવે છે. એમાં વિરહ અને શૃંગારથી ભરેલાં ગીતો જોવામાં આવે છે, તેથી ભાવપ્રધાન મનાય છે. ઠુમરી સ્ત્રીઓના સુરીલા, મધુર તેમ જ કોમળ કંઠમાં વધારે ખીલી ઉઠે છે. હોરી: એ ગીતો ફાગણ માસમાં વધારે સાંભળવામાં આવે છે. શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે હોળી રમ્યા હતા તે વિષેનું વર્ણન હોરીમાં ખાસ કરીને આવે છે. મથુરા તેમ જ વૃંદાવન તરફ હોરી બહુ સારી રીતે ગવાય છે. હોરી શૃંગારરસ પ્રધાન મનાય છે. તરાના: ગીતના શબ્દોને બદલે તરાનામાં તુમ, દેહેના, લનન, તોમ વગેરે અર્થ વગરના શબ્દો વાપરવામાં આવે છે પરંતુ તેમાં તાલ તથા લયનું માધુર્ય અતિશય રહેલું દેખાય છે. નથ્થુખાં તથા તાનરસખાંના તરાનાઓ ખૂબ પ્રસિદ્ધ છે. ગઝલ: ઉર્દૂ ભાષામાં ગઝલ વધારે સાંભળવામાં આવે છે. ગઝલના શબ્દો અથવા કવિતા એટલાં ભાવપૂર્ણ અને શૃંગારથી ભરેલાં હોય છે કે, તેના શ્રોતા કે સાંભળનારને ખૂબ આનંદ આવે છે. ગઝલ-ભજન-પદો વગેરે શાસ્ત્રીય સંગીતથી નિરાળાં છે. ગઝલ એ પદ્યરચનાનો પ્રકાર છે, સંગીતનો નહિ.