GL Goshthi - શ્રી હરદ્વાર ગોસ્વામી

શ્રી હરદ્વાર ગોસ્વામી – બહુમુખી કવિ પ્રતિભા

 

નામ: હરદ્વાર ગોસ્વામી

જન્મઃ ૧૮ - ૦૭ - ૧૯૭૬

૧૫ વર્ષની કાચી વયે પાકી કવિતાઓ લખવાની શરૂઆત કરી. પિતા ગિરિવરબાપુના મંત્રો અને માતા ચારુલતાનું મૌન કાવ્યસર્જન માટે ઉપકારક રહ્યું. નાના ગામની મોટી લાયબ્રેરીમાં ગાલિબનું ગગન ઊડવા માટે મળ્યું. પૂજ્ય મોરારિબાપુ તેમના માટે પરમ પ્રેરણાદાયી પ્રતિભા રહ્યા છે. આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મભૂમિમાં જન્મ હોવાથી ઝૂલણા છંદ સ્વાભાવિક રીતે જ પ્રિય.

સાહિત્ય સર્જન :

પુસ્તકો : હવાના કિનારે, વીસ પંચા, લાલ મહલ (એપિસોડ નૉવેલ), હમશકલ (એપિસોડ નૉવેલ)

નાટકો : એવરી-ડે એપ્રિલફૂલ, વાંસલડી, પડછાયાનું તાંડવ, કવિ થવાશે કેમ?, ડૉ. અયનવાલા, નાટકનું નાટક


GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ....

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

ગુજરાતી ભાષાનો પરિચય આપતાં તેઓ શ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ ટાંકે છે :

જે જન્મતાં આશિષ હેમચન્દ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં-

અખા તણે નાદ ચડી ઉમંગે

આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની

દ્રઢાય ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે, દલપત પુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી

ઉમાશંકર જોશી (૧૯૧૧ – ૧૯૮૮)

મને ગળથૂથીમાંથી મળેલી ગૌરવવંતી ગુજરાતી ભાષાનું ગૌરવ કરતાં કહું છું કે, હું ઘણો સદ્નસીબ છું કે મને આ ભાષા વારસામાં મળી.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

જય જય ગરવી ગુજરાત (કવિ શ્રી નર્મદ)

આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?

ટૂંકી વાર્તા: ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ, ગુલાબદાસ બ્રોકરની લતા શું બોલે ?, હિમાંશી શેલતની કમળપૂજા

નવલકથા: પન્નાલાલ પટેલ કૃત માનવીની ભવાઈ, કનૈયાલાલ મુનશીની કલમે રચાયેલી જય સોમનાથ, પૃથિવીવલ્લભ, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ તથા ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્ર વગેરે

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

ભાષા જે તે સંસ્કૃતિનું અવિભાજ્ય પાસુ છે. ભાષાની લિપિમાં, મરોડમાં, શબ્દભંડોળમાં તથા બોલચાલમાં જે તે પ્રદેશની સંસ્કૃતિની આભા ઉપસ્યા વગર રહેતી નથી

ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?

ગમેલી ગુજરાતી ફિલ્મ – માનવીની ભવાઈ

ગમતા ગુજરાતી કલાકારો – હિતેનકુમાર, આદરણીય પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી

કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?

ગમેલું નાટક – મિસીસનો મિસ કૉલ

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે...)

કવિ : આદ્ય કવિ નરસિંહ મહેતા ઉપરાંત ઉમાશંકર જોશી, મકરંદ દવે

ગઝલકાર : મરીઝ, ગાલિબ, આદિલ

નવલકથાકાર : પન્નાલાલ પટેલ, કનૈયાલાલ મુનશી, અશ્વિની ભટ્ટ, કુંદનિકા કાપડિયા, હરિલાલ ઉપાધ્યાય વગેરે

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

ગમતા કોઈ એક પુસ્તકનું નામ લખવું કઠીન છે, છતાં તરત યાદ આવી જતા પુસ્તકનું નામ છે : સત્યના પ્રયોગો

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

રૂઢિપ્રયોગો :

ઠેરના ઠેર, દાઢમાં રાખવું

કહેવતો :

ભરોસાની ભેંસે પાડો જણ્યો, રામ ઝરૂખે બેઠકે સબકા મુજરા લેત, જૈસી જાકી ચાકરી વૈસા વાકુ દેત

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ 

એકવાર ગુજરાતી ભાષાને ખરા દિલથી ચાહવાનું શરૂ કરી દઈએ તો સાબિતીઓ આપવાની જરૂર રહેતી નથી. તે આપો આપ બહાર આવવા લાગે છે, જેમકે મનગમતા ગુજરાતી સાહિત્યનું સતત ભાવન થયા કરશે, પછી ભલેને તે કવિતા, વાર્તા, નિબંધ, નાટક, ફિલ્મ કે કોઈ અન્ય સ્વરૂપે કેમ ન હોય !

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

સાંપ્રત આધુનિક યુગમાં ટેકનોલૉજી – મોબાઇલ, કમ્પ્યૂટર, ઇન્ટરનેટ વગેરે દ્વારા ભાષાનો બને તેટલે વધુ પ્રચાર-પ્રસાર કરી શકાય.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિશ્વકોશ, માતૃભાષા અભિયાન, ગુજરાતીલેક્સિકન વેબસાઇટ વગેરે દ્વારા ગુજરાતી ભાષાનો પ્રચાર થઈ રહ્યો છે.

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

મહાત્મા ગાંધીજીના એક સચોટ પ્રેરક વિધાનની અત્યારે મને સ્મૃતિ થઈ આવે છે :

જેને વાચનનો શોખ હોય છે તે બધી જગ્યાએ સુખી હોય છે.

ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.

ઘણી બધી યાદગાર ઘટનાઓ બનેલ છે. દરેકમાં ભાષાનો વૈભવ, વિશેષતા, વિવિધતા તથા ગરિમા છલકાતી જોવા મળી છે.

માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?

આજના ટેકનોલૉજીના આધુનિક યુગમાં મોબાઇલ – કમ્પ્યૂટર વગેરે હાથવગાં ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા લોકભોગ્ય રીતે ભાષાના શબ્દકોશોની વિવિધ ડેસ્કટોપ તથા મોબાઇલ ઍપ્લિકેશન્સ દ્વારા રજૂઆત કરી છે તે ખૂબ જ તારીફ-એ-કાબિલ છે.