GL Goshthi - શ્રી જગદીશ ત્રિવેદી

શ્રી જગદીશ ત્રિવેદી – ગુજરાતી રમૂજનો રાજા

 

જન્મ : તા. 12-10-1967, વતન - વઢવાણ, જિલ્લો - સુરેન્દ્રનગર  

અભ્યાસ : સુરેન્દ્નનગરની એમ.પી.શાહ આર્ટ્સ કૉલેજમાં બી.એ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ., નવલકથાકાર, સ્વ. દેવશંકર મહેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે એમની નવલકથાઓ ઉપર એકવાર પી.એચ.ડી. કર્યું અને પોતાના ગુરુ શાહબુદ્દીન રાઠોડને ભાવાંજલિ આપવા માટે એમના જીવન અને હાસ્ય ઉપર બીજીવાર પી.એચ.ડી. કર્યું.

વ્યવસાય : છેલ્લાં ૧૩ વર્ષથી હાસ્યના કાર્યક્રમો આપી તથા હાસ્યના પુસ્તકો લખીને સંપૂર્ણ વ્યવસાયના સંતોષ સાથે પરીવારનું ગુજરાન ચલાવે છે.

તેમના નામે આશરે 1500 જેટલાં જાહેર કાર્યક્રમો, 21 વિદેશ યાત્રાઓ, 35 પુસ્તકો અને આશરે 75 જેટલી કેસેટ, સી.ડી., વી.સી.ડી. અને ડી.વી.ડી. બોલે છે. માત્ર બેતાલીસ વરસની ઉંમરમાં ચોર્યાસી વરસ જેટલું કામ કરનાર જગદીશ ત્રિવેદી ગરવી ગુજરાતના ગૌરવવંતા ગુજરાતી છે.

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

ગુજરાતી ભાષામાં ભરપૂર શબ્દભંડોળ છે તેથી એક શબ્દના અનેક સમાનાર્થી શબ્દો છે, કર્ણપ્રિય નાદ વૈભવ છે તથા મનહર મીઠાશ છે.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના...

આપને ગમતી કોઈ ટૂંકી વાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?

ટૂંકી વાર્તા : મુકુન્દરાય

નવલકથા : પારસમણિ

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

સમાજની સારી–નરસી તમામ બાબતો, એનો ઇતિહાસ, સમાજનું અન્ય સમાજ સાથેનું જોડાણ વગેરે બાબતો પરથી જે તે સમાજની સંસ્કૃતિનું દર્શન થાય અને એક ખાસ સમાજની સંસ્કૃતિને જે ભાષામાં સર્વશ્રેષ્ઠ રીતે સમજાવી શકાય તે જે તે સમાજની ભાષા.

ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?

ગુજરાતી ફિલ્મ : જેસલ-તોરલ

કલાકાર : ઉપેન્દ્ર ત્રિવેદી

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ લેખક નાટ્યકાર નવલકથાકાર વગેરે...)

કવિ : નાઝીર દેખૈયા

લેખક : જગદીશ ત્રિવેદી (હું પોતે)

નાટ્યકાર :  ભરત યાજ્ઞિક

નવલકથાકાર :  દેવશંકર મહેતા

વિવેચક :  કોઈ નહીં (સાહિત્ય માણવાની ચીજ છે એનું વિવેચન થાય તે મુદ્દો જ પસંદ નથી)

આપને ગમેલું કોઈ ગુજરાતી નાટક ? ગુજરાતી ટીવીશ્રેણી ? ગુજરાતી ટેલિફિલ્મ ? અન્ય કોઈ ગુજરાતી પ્રોગ્રામ ?

ગુજરાતી નાટક : અમે બરફનાં પંખી

ગુજરાતી ટીવી શ્રેણી : અમે એક ડાળનાં પંખી

ગુજરાતી ટેલિફિલ્મ : ગરીબી

ગુજરાતી પ્રોગ્રામ : ગમ્મત-ગુલાલ

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

સત્યના પ્રયોગો

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

ન બોલ્યામાં નવ ગુણ, બોલે તેનાં બોર વેચાય

આપણે માતૃભાષાને ચાહીએ છીએઆ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

માતા અને માતૃભૂમિને ચાહીએ છીએ તો માતૃભાષાને ચાહીએ જ, કારણ ત્રણે આપણી માતા છે.

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં ફરજિયાત કરવું પડે.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

મોરારીબાપુ, ગુણવંત શાહ, શાહબુદ્દીન રાઠોડ

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

હસો, હસાવો અને હસી નાખો.

જીવનને નાટક અને નાટકને જીવન માનો.

ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.

પુના મારો કાર્યક્રમ હતો. મેં પૂછ્યું કે રેલવે સ્ટેશન ઉપર માણસોની ભીડમાં ગુજરાતી સમાજના આગેવાનોને કેવી રીતે ઓળખી શકીશું ? એક વિદ્વાને કહ્યું કે જે અંગ્રેજીમાં વાતો કરતા હશે તે ગુજરાતી હશે, મરાઠા તો પોતાની માતૃભાષામાં જ બોલતા હશે.