GL Goshthi - શ્રી ધ્વનિલ પારેખ

ડૉ. ધ્વનિલ પારેખ – ગુજરાતી ભાષાના સૌમ્ય કવિ

 

નામ: ધ્વનિલ પારેખ, જન્મઃ ૨૮ - ૧૦ - ૧૯૭૬

મદદનીશ અધ્યાપક, મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદરા, જિ.  ગાંધીનગર.

કવિતા, નાટક, વિવેચન, સંપાદનનાં ૧૦ પુસ્તકો પ્રગટ થયાં છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, દિલ્હી સાહિત્ય અકાદમીના વિવિધ પુરસ્કારોથી સન્માનિત.

તેમની એક જાણીતી રચના :

છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો;
ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.

એક રસ્તે જિંદગી આખી ગુજારી તે છતાં, 
લક્ષ્યને ચૂકી ગયો એ આખરે માણસ હતો.

ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ, 
ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.

ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી?
બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.

એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો, 
બસ, બધું ભૂલી ગયો એ? આખરે માણસ હતો. 

ધ્વનિલ પારેખ માતૃભાષા ગુજરાતીના ખરેખરા ચાહક છે. સુંદર કાવ્યો તથા સંપાદનો દ્વારા ગુજરાતી ભાષાની માવજત કરી રહ્યા છે. ભાષાના પ્રચાર-પ્રસારમાં ખૂબ જ ઊંડો રસ ધરાવે છે. 

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ....

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

માતૃભાષા એટલે એવી ભાષા કે જેમાં હું મારી જાતને સૌથી વધુ સારી રીતે અભિવ્યક્ત કરી શકું. જે ભાષા હૂંફ આપે એ માતૃભાષા.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા – કવિ શ્રી રાવજી પટેલ

આપને ગમતી કોઈ ટૂંકી વાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?

લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર, તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

ભાષા અને સંસ્કૃતિ અભિન્ન છે. બંને એકબીજા પર અવલંબિત છે.

ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?

ભવની ભવાઈ 

કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?

માસ્ટર ફૂલમણિ, અભિનેતા – ધર્મેન્દ્ર ગોહિલ (મરીઝ નાટક)

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે...)

ઉમાશંકર જોષી, મરીઝ, મનોજ ખંડેરિયા, ચિનુ મોદી, શિરીષ પંચાલ

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

ઘણાં બધાં નામ છે. કોઈ એક નામ આપવું અઘરું છે.

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

કહેવત : પાશેર દૂધ માટે ભેંસ ન બંધાય

રૂઢિપ્રયોગ : લોહી પી જવું

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

માતૃભાષાનો મહત્તમ વિનિયોગ કરીને

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

વ્યવહારમાં માતૃભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. જાહેર ક્ષેત્રમાં પણ ભાષાનો યોગ્ય રીતે ઉપયોગ થાય એ બાબતની સભાનતા કેળવવી જોઈએ.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક - બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

રતિલાલ ચંદરયા (ગુજરાતીલેક્સિકન), ગુજરાતી સાહિત્ય પરિષદ

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક - બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

જીવન જીવવા માટે છે, સારી રીતે જીવો, મોજ કરો, જલસા કરો.

ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.

ગુજરાતી ભાષાના સર્જક હોવાને કારણે વર્ષ 2011માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો યુવા પુરસ્કાર અંતિમ યુદ્ધ નાટક માટે મળ્યો.