GL Goshthi - સુશ્રી અનીતા તન્ના

અનીતા તન્ના – હકારાત્મક પત્રકારત્વનાં નેમી

 

નામ : અનીતા રમેશ તન્ના

ગૂજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવેલ છે. છેલ્લાં વીસ વર્ષથી રચનાત્મક અને વિકાસલક્ષી પત્રકારત્વનું ખેડાણ કરી રહ્યાં છે. મહિલાલક્ષી પત્રકારત્વ પર તેઓ વધારે ઝોક આપે છે. હંમેશાં હકારાત્મક પત્રકારત્વ કરવાનો અભિગમ તથા નેમ રાખેલ છે. ગુજરાત સરકાર અને સમાજની અન્ય સંસ્થાઓએ એમનાં ઉમદા કાર્યોની નોંધ લઈને પ્રસંગોપાત તેમનું સન્માન પણ કર્યું છે.

નઈ તાલીમ દ્વારા સમાજપરિવર્તન, ગુજરાતની નઈ તાલીમની સંસ્થાઓની પરિચય માળા, મણકો, 24 નૂતન ભારતી -મડાણાનું લેખન ઉપરાંત પાંચ જીવન ચરિત્રોનું આલેખન કરેલ છે. જીવન સાથી રમેશ તન્ના સાથે મળીને હાલ ‘રા પોઝિટિવ મીડિયા’ નામની કંપનીનું સંચાલન કરી રહ્યાં છે.

સુશ્રી અનીતા તન્ના ગુજરાતી ભાષાના ચાહક, ભાવક તથા ઋણી છે. પત્રકારત્વ તથા સંપાદનો દ્વારા ગુજરાતી ભાષાની માવજત કરી રહ્યા છે; તદુપરાંત ભાષાના પ્રચાર-પ્રસારમાં ખૂબ જ ઊંડો રસ ધરાવે છે.

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ...

 

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

મારી જન્મ ભાષા મરાઠી પણ કર્મ ભાષા ગુજરાતી છે. આપણા વિચારોની અભિવ્યક્તિ અસરકારક રીતે, શબ્દો ગોઠવ્યા વગર, સરળતાથી, સહજતાથી કરી શકાય એ માતૃભાષા.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા...

સાંવરિયો રે મારો સાંવરિયો,

હું તો ખોબો માગું ને દઈ દે દરિયો...

આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?

ભૂમિપુત્રમાં છપાતી હરીશચંદ્રની ટૂંકી વાર્તાઓ વાંચવી ગમે છે. 

અખેપાતર – બિંદુ ભટ્ટ

અણસાર – વર્ષા અડાલજા 

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ વ્યક્તિત્વનો એક અભિન્ન હિસ્સો છે. વ્યક્તિત્વ ઘડતરમાં ભાષા અને સંસ્કૃતિનું બહુ મોટું પ્રદાન હોય છે. ફાધર વાલેસે એવું લખ્યું છે કે ભાષા જાય તો સંસ્કૃતિ પણ જાય.

ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?

કેટલીક ગુજરાતી ફિલ્મો ગમી છે. જેવી કે માનવીની ભવાઈ, મા-બાપ , બે યાર 

પ્રિય ગુજરાતી કલાકારો - ઉપેદ્ર ત્રિવેદી, હાસ્યકાર – રમેશ મહેતા, મંજરી દેસાઈ 

કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?

ગુજરાતી નાટક – શારદા (પદમારાણી અભિનીત), એકસો બે નોટ આઉટ, કસ્તૂરબા અને સિદ્ધાર્થ રાંદેરિયાનાં કોમેડી નાટક 

ગુજરાતી સિરીયલ – અમે એક ડાળનાં પંખી, સપનાનાં વાવેતર, સુહાસિની – આ બધી સીરિયલ મારાં પ્રભાબા(સાસુ )ની સાથે બેસીને જોઈ છે. એમને કંપની આપવા માટે. જો કે આ સીરિયલો પારિવારિક હોવાથી જોવી ગમતી.

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે...)

ઘણા કવિ-લેખકોને વાંચું છુ એટલે પ્રિય કે ગમતા એવું નથી.પણ હા, જ્યારે કૉલેજમાં ભણતી હતી ત્યારે ગુણવંત શાહ મારા ગમતા લેખક હતા. જેમ જેમ સમજણ કેળવાઈ અને વિવિધ પ્રકારનું વાચન કરતી થઈ તેમ પસંદગી વિશાળ બની.

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

ઊઘડતાં દ્વાર અંતરનાં – ઈશા કુન્દનિકા

પ્રાસંગિક પ્રતિસાદ – કાકાસાહેબ કાલેલકર 

સત્યના પ્રયોગો – મહાત્મા ગાંધી 

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

મન હોય તો માળવે જવાય, અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી, પારકી આશ સદા નિરાશ, પહેલો સગો પાડોશી, મા તે મા બીજા બધા વગડાના વા...

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

રોજબરોજના વ્યવહારમાં બિનજરૂરી અંગ્રેજી ભાષાનો ઉપયોગ ટાળીને, બે ગુજરાતી વ્યક્તિઓ મળે ત્યારે શક્ય હોયતો ગુજરાતી ભાષામાં જ વાતચીત કરવી જોઈએ, મારું કામ લખવાનું છે, મારી લખાણની ભાષા ગુજરાતી જ છે.

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

ગુજરાતી ભાષી લોકોએ પોતાનાં સંતાનોને પ્રાથમિક શિક્ષણ તો ગુજરાતી ભાષામાં અપાય એવો આગ્રહ રાખવો જોઈએ.

શાળાઓમાં ગુજરાતી ભાષાને મહત્ત્વ આપવું જોઈએ. ગુજરાતનાં શહેરોમાં દુકાનના નામ ગુજરાતીમાં લખાય તો સારું.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

ગુજરાતી સાહિત્ય પરિષદ, મહેન્દ્ર મેઘાણી 

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

એકવીસમી સદી બની મારી સખી... 

નવાં નવાં ક્ષેત્રોમાં મેં છલકાવી મારી શક્તિ ......

એકવીસમી સદીની હું છું નારી...

જમા પાસાંની મારી દાવેદારી (2)

ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.

ગુજરાતી ભાષામાં કરેલા પત્રકારત્વ થકી જ મારા કામની નોંધ લેવાઈ છે.

અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?

શબ્દનો અર્થ શોધવા માટે ઉપયોગ કરું છું. શબ્દકોશ સરળ રીતે મુકાયો છે એટલે વાપરવો સહેલો છે.

માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?

ભગીરથ રાજાએ જેમ પૃથ્વી ઉપર ગંગાનું અવતરણ કર્યું એ રીતે ગુજરાતીલેક્સિકને ગુજરાતી ભાષાનું કમ્પ્યૂટર પર અવતરણ કરાવી ને સામાન્ય જન સુધી એને વહેતી કરી છે.