GL Goshthi - સુશ્રી ભાવિની જાની

ભાવિની જાની – ગુજરાતી ફિલ્મ, ટીવી, સ્ટેજ કલાકાર

 

જન્મદિવસ : 12 ઑગસ્ટ, 1965

જયહિંદ હાઈસ્કૂલ, મણિનગરમાંથી માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવેલ છે. સ્વામિનારાયણ કૉલેજ, શાહઆલમ ખાતે પોતાની સેવા આપેલ છે. પોતાની કારકિર્દી ગુજરાતી અભિનેત્રી તરીકે વિકસાવેલ છે.

ગુજરાતી ભાષાની જાણીતી બનેલી ટીવી શ્રેણી ‘કાકા ચાલે વાંકા’માં તેમણે કાકી તરીકેનો રોલ કરી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. હાલ ‘જાગ્યા ત્યારથી સવાર’ નામની એક જાણીતી ટીવી શ્રેણીમાં મુખ્ય ભૂમિકા ભજવી સામાજિક જાગૃતીની ચેતના જગાવી રહ્યા છે. અમદાવાદમાં દીકરી દિનની ઉજવણી વગેરે જેવી સામાજિક પ્રવૃત્તિઓ અને સામાજિક સેવાઓમાં સતત કાર્યરત છે. સાજણ વિના સૂનો સંસાર, ઢોલો મારા મલકનો વગેરે અનેક ગુજરાતી ફિલ્મોમાં યાદગાર અભિનય આપેલ છે.

35 સીરિયલ, 80 ગુજરાતી ફિલ્મ, 20 સ્ટેજ શૉ તેમજ અનેક રેડિયો પ્રોગ્રામ કરેલ છે. વૃદ્ધ માતાઓ માટે સ્ટેન્ડ-અપ કૉમેડી શો કરે છે. 1997માં ગુજરાત સરકાર તરફથી તેમને બહાદુરી ઍવોર્ડ પ્રાપ્ત થયેલ છે, તેમજ ફિલ્મ, ટીવી, સીરિયલ અને સ્ટેજ શૉના 10થી વધુ ઍવોર્ડ મુંબઈ ટ્રાન્સમીડિયા તરફથી પ્રાપ્ત થયેલ છે.

માતૃભાષા ગુજરાતીનું ખૂબ જ ગૌરવ કરે છે અને પોતે ગુજરાતી હોવાનો ગર્વ વ્યક્ત કરે છે. ખંત, ખમીર અને ખુમારીથી ભરેલ ગૌરવશાળી ગુજરાતી સંન્નારી છે. ગુજરાતી સાહિત્યનો સારો એવો આસ્વાદ માણેલ છે. માતૃભાષા ગુજરાતીનો વિશ્વભરમાં ખૂબ જ સારો એવો પ્રચાર – પ્રસાર અને પુરસ્કાર થાય તેવી શુભભાવના વ્યક્ત કરે છે.

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ...

 

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

મારી ગળથૂથીમાં પીધેલી મારી ભાષા ગુજરાતી પોતીકી ભાષા ગુજરાતી :

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

ઘણાં બધાં ગીતો ગમતાં હોવાથી કોઈ એકનું નામ આપવું મુશ્કેલ છે એકનું નામ આપું તો બીજાને અન્યાય કરી બેસું. રમેશ પારેખનાં ગીતો વધારે ગમે છે.

આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?

ન કૌંસમાં ન કૌંસ બહારમાં - સરોજ પાઠક, ઊર્ધ્વમૂલ, માલવપતિ મુંજ - કનૈયાલાલ મુનશી

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

મા(જનેતા) જેવી મારી ગુજરાતી ભાષા અને ભવ્ય ભાતીગળ ગુજરાતી સંસ્કૃતિ અણમોલ છે.

ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?

માલવપતિ મુંજ, વીર માંગડાવાળો ગમતા કલાકાર - ઉપેન્દ્ર ત્રિવેદી

આપને ગમેલું કોઈ ગુજરાતી નાટક ? ગુજરાતી ટીવીશ્રેણી ? ગુજરાતી ટેલિફિલ્મ ? અન્ય કોઈ ગુજરાતી પ્રોગ્રામ ?

કાકા ચાલે વાંકા, જિંદગી એક સફર, જાગ્યા ત્યાંથી સવાર, ઝરૂખો

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે...)

રમેશ પારેખ, જ્યોતીન્દ્ર દવે, ચીનુ મોદી

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

ઊર્ધ્વમૂલ, રાઈનો પર્વત, સરોજ પાઠકની ટૂંકી વાર્તાઓ

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

ગમતાનો કરીએ ગુલાલ, ગાંજ્યો ન જાય એ ગુજરાતી

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

પોતાની ભાષામાં વાત કરવાનો આગ્રહ રાખીશ અને રખાવીશ.

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

ગુજરાતી શેરીનાટકો ઠેરઠેર થવાં જોઈએ, ગુજરાતી દસ્તાવેજી ફિલ્મો બનવી જોઈએ અને વધુમાં વધુ જોવાવી જોઈએ. ગુજરાતીમાં ગ્રુપચર્ચાઓ થવી જોઈએ

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

આજના તમામ ગુજરાતી કવિ, લેખક, વિવેચક, વાચક, કલાકારો વગેરે વગેરે

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

ખંત, ખમીર અને ખુમારીની ત્રિગુણી રસી જન્મતાંવેંત જેણે પીધી તે ગુજરાતી

માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?

ગુજરાતી ભાષાને જીવંત રાખવાના જે નિઃસ્વાર્થ પ્રયત્નો આપ દ્વારા થઈ રહ્યા છે તેને સલામ કરવાનું મન થાય છે !