GL Goshthi - શ્રી યશવન્ત મહેતા

યશવન્ત મહેતા –   જાણીતા લેખક, પત્રકાર અને સંપાદક

 

જન્મ : 19 – 6 – 1983, જન્મ સ્થળ : લીલાપુર, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર, પિતા : દેવશંકરભાઈ, માતા : ભાગીરથીબા

ખેડૂત પિતાના ઘરે જન્મેલા અને ઝાલાવાડના દુકાળિયા મુલકની હાડમારીઓ વેઠીને વિધવા માતા સાથે અથડાતા-કુટાતા લખતર-વિરમગામ થઈને 1951માં અમદાવાદ પહોંચેલા યશવન્ત મહેતા શાળાજીવનથી જ લેખનને રાહે ચડેલા. વર્ષો સુધી હસ્તલિખિત પત્ર પ્રગટ કરતા. 1956માં 'સ્ત્રીજીવન'માં પ્રથમ વાર્તા છપાવ્યા પછી અનેક સામયિકોમાં લખતાં લખતાં 1959થી 'ગુજરાત સમાચાર'માં જોડાયા, જ્યાં અનેકવિધ સામયિકોનું સફળ સંપાદનકાર્ય સંભાળતા રહ્યા. આખરે 1989થી પૂરા સમયના લેખક બનવા નોકરીમુક્ત બની ગયા. હાલમાં સંખ્યાબંધ દૈનિકોમાં તેઓ નિયમિતપણે લખે છે.

1964માં એમની પહેલી જ પુસ્તિકાને રાજ્ય પુરસ્કાર મળ્યા પછી રાજ્યના મળી શકતા મહત્તમ પાંચ પુરસ્કાર, સાહિત્ય પરિષદના ત્રણ પુરસ્કાર તેમજ સંસ્કાર પરિવાર, પ્રેમાનંદ સાહિત્યસભા, રૂપાયતન-અમરેલી, નેશનલ કાઉન્સિલ ઑફ ચાઇલ્ડ ઍજ્યુકેશન, ગુજરાત અખબાર સંઘ, ગુજરાત પત્રકાર સંઘ આદિ સંસ્થાઓના વિશિષ્ટ સેવા ઍવૉર્ડ એમને મળ્યા છે. શિક્ષણ અને સાહિત્ય માટેની રાષ્ટ્રિય શિક્ષણ સંશોધન-તાલીમ સંસ્થા (NCERT)ના ત્રણ રાષ્ટ્રિય પુરસ્કારો મેળવનાર તેઓ કદાચ એકમાત્ર ગુજરાતી લેખક છે. નવલિકા લેખન માટે પણ રાષ્ટ્રિય રાજાજી પુરસ્કાર અને 'નવચેનત' નવલિકા-ચંદ્રક એમને પ્રાપ્ત થયેલ છે. ગુજરાતી સાહિત્યસભાનો પ્રતિષ્ઠિત ધ. કા. ગાંધી સુવર્ણચંદ્રક 2006ના વર્ષ માટે એમને એનાયત કરાયો છે અને રાષ્ટ્રિય સાહિત્ય અકાદમીનો વર્ષ 2010નો રૂ. 50,000નો બાલસાહિત્ય પુરસ્કાર પણ એમને ફાળે આવ્યો છે. અર્ધી સદીના અર્થપૂર્ણ પત્રકારત્વ અને 440 ઉપરાંત પુસ્તકોના લેખનનો વિપુલ અનુભવ ધરાવતા યશવન્ત મહેતા બાળકો માટેના પત્ર 'બાલઅનંદ’ના સંપાદક છે. ગુજરાતી લેખક મંડળના 2003થી 2013 સુધી અધ્યક્ષ હતા અને મંડળની પુસ્તિકા-શ્રેણી 'લેખક અને લેખન'ના સંપાદક મંડળમાં હતા. છેક 1977 થી 2004 સુધી પત્રકારત્વના વર્ગોમાં, નવગુજરાત, સહજાનંદ, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન કરાવતા રહ્યા. વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા સભ્ય હતા. સને 1994થી બાલસાહિત્ય અકાદમીના સ્થાપક કન્વીનર તરીકેની તેઓ સેવાઓ બજાવી રહ્યા છે.

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ...

 

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

ભાષાભાષકોની સંખ્યાની દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં 23મો અને ભારતમાં 7મો ક્રમ ધરાવતી ગુજરાતી ભાષા વિશ્વની એક પ્રમુખ ભાષા છે. આપણી ભાષા ઘણી સમૃદ્ધ છે અને દીર્ધજીવી રહેશે.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમ જનમ અવતાર’ - નરસિંહ મહેતા

આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?

ટૂંકી વાર્તા – લોહીની સગાઈ (ઈશ્વર પેટલીકર) નવલકથા – સોરઠ તારાં વહેતાં પાણી (ઝવેરચંદ મેઘાણી)

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

ગુજરાતી ભાષા સરળ, ઋજુ અને સમજાવટકારી છે. આ પ્રદેશની ઘણીખરી જનતા વ્યાપારપ્રધાન, નફાપ્રધાન છે. એને આવી સુંવાળી ભાષા જ પરવડે. કઠોર ઉચ્ચારો અને અઘરા શબ્દો કઠોર સંસ્કૃતિવાળાને પરવડે.

આપને ગમેલું ગુજરાતી ભાષાનું કોઈ ચલચિત્ર ? જેમનો અભિનય ગમ્યો હોય તેવા અભિનેતા ?

ફિલ્મ – ભવની ભવાઈ

કલાકાર – દીના પાઠક

કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?

નાટક : કાકાની શશી (ક. મા. મુનશી)

ટીવી શ્રેણી – ટેલી ફિલ્મ : આંસુ ભીનો ઉજાસ (વાર્તા – દિલીપ રાણપુરા)

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે...)

મુનશી, મેઘાણી, ગુણવંતરાય, ચંદ્રભાઈ ભટ્ટ, ત્રિભુવન વ્યાસ, ગિજુભાઈ બધેકા

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

મનગમતું પુસ્તક : સોરઠ તારાં વહેતાં પાણી (ઝવેરચંદ મેઘાણી)

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન

ચડે તે પડે

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

માતૃભાષામાં સંતાનોને ભણાવીને. જો લેખક હોઈએ તો માતૃભાષામાં લખવાનો આગ્રહ રાખીને. માતૃભાષામાં પુસ્તકો વાંચીને. માતૃભાષાના પ્રોત્સાહન માટે કામ કરતી સંસ્થાઓને ટેકો કરીને.

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

ઉપર્યુક્ત જવાબ ઉપરાંત – પ્રાથમિક શિક્ષણ બાળકોને માતૃભાષામાં જ અપાય એવા કાનૂન માટે રાજ્ય પર દબાણ કરવું જોઈએ. એવા દબાણ માટે દેખાવો, સરઘસો, સહી ઝુંબેશ, ઉપવાસ સહિત આંદોલનો અને ધારાગૃહોમાં સહાનુભૂતિશીલ પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો કરાવવી જોઈએ.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

સંસ્થાઓ : માતૃભાષા અભિયાન, ગુજરાત વિદ્યાપીઠ