GL Goshthi - શ્રી ગુલાબરાય જોબનપુત્રા

ગુલાબરાય જોબનપુત્રા – જાણીતા ગુજરાતી નિબંધકાર તથા વાર્તાકાર

 

નામ : ગુલાબરાય જોબનપુત્રા

જન્મ : 07 – 11 – 1943

ગુલાબરાય જોબનપુત્રા એક નિષ્ઠાવાન આચાર્ય તરીકે કારકિર્દી સંપન્ન કરી નિબંધકાર, વાર્તાકાર તથા લેખકના રૂપમાં સાહિત્યની અવિરત સેવાઓ કરી રહ્યા છે. સને 2002માં નિવૃત્ત થઈ પોતાનું સમગ્ર ધ્યાન સાહિત્ય પર કેન્દ્રિત કર્યું છે.

અનેક શૈક્ષણિક લખાણો દ્વારા તેમણે પોતાની કલમ તેજવંતી બનાવી છે, તો બીજી તરફ ફૂલમાલા (વાર્તાસંગ્રહ), ‘નમામિ દેવી નર્મદે’ (પરિચય પુસ્તિકા), સ્વસ્તિ અને સાકરનો પડો (બાળકિશોર વાર્તાઓ) જેવી કૃતિઓ અને છૂટક લખાણો દ્વારા એક બળકટ કલમના સ્વામી હોવાની પ્રતીતિ કરાવી છે.

જીવનના સાત દાયકા પૂરા થયા છે છતાં આ નમ્ર વ્યક્તિ એક યુવાન જેવો થનગનાટ ધરાવે છે. એમના વ્યક્તિત્વનું એ નોંધપાત્ર પાસું છે.

અભ્યાસ અને વિશેષ યોગ્યતાઓ :

એમ.એ. બી.એડ, સેવક, સાહિત્યરત્ન, ભૂતપૂર્વ આચાર્ય, માધ્યમિક શાળાઓ  ગુજરાત,

શૈક્ષણિક કાયદાઓ અને વહીવટી તંત્રનાં 35 પુસ્તકો લખ્યાં છે, 8 પુસ્તકો સર્જનાત્મક સાહિત્યનાં લખ્યાં છે. સામયિકોમાં લેખન, વહીવટી કાર્યો અને લેખન, શોખના વિષયો – સાહિત્ય અને ફિલસૂફી તથા નૃવંશ શાસ્ત્ર.

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ...

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

પંદરમી સદીમાં ગૌર્જર અપભ્રંશમાંથી અવતરેલી ગુજરાતી ભાષા એટલે ગુજરાતી

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

રંગ મોરલી – લોકગીત

આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો 

ધૂમકેતુ રચિત – પોસ્ટ ઑફિસ

ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

સંસ્કાર અને સભ્યતા એટલે સંસ્કૃતિ.

ઘણી સંસ્કૃતિઓ આવી, જેણે ભાષા પર એક આગવી છાપ ઉપસાવી અને તેવી ભાષાઓએ નવલાં રૂપો ધારણ કરીને સમાજમાં પ્રસાર કર્યો.

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે...)

મકરંદ દવે, ઝવેરચંદ મેઘાણી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કે. કા. શાસ્ત્રી, બાળસાહિત્યકાર ગિજુભાઈ બધેકા

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

અમૃતા – રઘુવીર ચૌધરી

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

રૂઢિપ્રયોગ : અડુકિયો દડુકિયો (બંને પક્ષે રહેનાર)

કહેવત  : બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

વ્યવહારમાં (બોલચાલ અને લેખનમાં) વિનિયોગ કરીને

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

માતૃભાષાને શિક્ષણના માધ્યમ તરીકે અપનાવવી.  સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો ઉપયોગ કરી પ્રચાર – પ્રસાર કરવો, ગુજરાતી ભાષાની કૃતિઓનું ડિજિટલાઇઝેશન કરવું.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

કવિ નર્મદ, ચંદરયા ફાઉન્ડેશનના રતિલાલ ચંદરયા

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

વાદે વાદે જાય તે તત્ત્વબોધ (તર્કની કસોટી પર ખરું ઊતરે તે જ્ઞાન)

અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?

થિસોરસ, સરસ સ્પૅલ ચેકર

માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં(GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?

બદલાતા સમયની સાથે ગુજરાતને કદમ મિલાવવા અદ્ભુત કાર્ય કર્યું છે.