GL Goshthi - શ્રી ધીરુભાઈ પરીખ

ધીરુભાઈ પરીખ – પ્રસિદ્ધ કવિ, વિવેચક તથા વાર્તાકાર

 

જન્મ : ૩૧ - ૮ - ૧૯૩૩, વીરમગામ. ૧૯૫૧માં મૅટ્રિક, ૧૯૫૫માં બી.એ., ૧૯૫૮માં એમ.એ., ૧૯૬૭માં પી.એચ.ડી., ૧૯૫૫થી સી.યુ.શાહ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭થી ૧૯૬૯ સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન. વઢવાણની મહિલા આર્ટસ કૉલેજમાં આચાર્ય પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ૧૯૭૧માં કુમારચંદ્રક.

એમની પ્રથમ કૃતિ ૧૯૫૧માં પ્રગટ થયેલી વાર્તા 'પહેલું રુદન' છે. વાર્તાસંગ્રહ 'કંટકની ખુશબો'(૧૯૬૪)માં બાવીસ વાર્તાઓ છે. કાવ્યસંગ્રહ 'ઉઘાડ'(૧૯૭૯)ની કવિતામાં પંખી કે વૃક્ષનાં ભાવપ્રતીકો છે. 'અંગ પચીસી'(૧૯૮૨)માં છપ્પા શૈલીનાં પચીસ કટાક્ષ કાવ્યો છે. છપ્પાની મધ્યકાલીન પરંપરાનો સ્વીકાર કરીને કવિએ 'આચાર્ય અંગ', 'અધ્યાપક અંગ', 'વિદ્યાર્થી અંગ' વગેરે પર નર્મમર્મપૂર્ણ છપ્પા રચ્યા છે. 'આગિયા'(૧૯૮૨) એમનો હાઇકુ સંગ્રહ છે.

ગુજરાતી ગ્રંથાકાર શ્રેણી અંતર્ગત એમણે ‘રાજેન્દ્ર શાહ’(૧૯૭૭) પુસ્તક લખ્યું છે. ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’(૧૯૭૮) એમનો શોધપ્રબંધ છે. ‘અત્રત્ય તત્રત્ય’(૧૯૭૮)માં ગુજરાતી કવિઓની સાથે પરદેશી કવિઓ વિશેના પરિચય લેખો છે. ‘નરસિંહ મહેતા’(૧૯૮૧)માં નરસિંહના જીવનકવનનું વિસ્તૃત અવલોકન છે. ‘ક્ષરાક્ષર’(૧૯૮૨)માં એમણે દયારામ, દલપતરામ, નર્મદથી માંડી પ્રિયકાંત મણિયાર, જગદીશ જોષી, મણિલાલ દેસાઈ સુધીના દિવંગત ગુજરાતી કવિઓનાં જીવનકવનનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. ‘સમકાલીન કવિઓ’(૧૯૮૩)માં લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્વન્દ્ર, રાજેન્દ્ર શુક્લ, રાવજી પટેલ, આદિલ મન્સુરી વગેરે આધુનિક કવિઓની કવિતાને મૂલવી છે. ‘તુલનાત્મક સાહિત્ય’(૧૯૮૪)માં સાહિત્ય-અભ્યાસી તુલના, ભૂમિકાનો ઇતિહાસ અને પરિચય છે. ‘ઉભયાન્વય’(૧૯૮૬)માં વિવેચનલેખો છે. ‘કાળમાં કોર્યા નામ’(૧૯૭૭)માં કાવાબાતા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ. મોટા જેવા મહાનુભાવોનાં પ્રેરક ચરિત્રો આલેખાયાં છે.

‘નિષ્કુળાનંદ પદાવલી’ (૧૯૮૧), ‘સાત મહાકાવ્યો’ (૧૯૮૩), ‘પંચ મહાકાવ્યો’ (૧૯૮૪) અને ‘ટી. એસ. એલિયટ’ (૧૯૮૯) એમના સંપાદનગ્રંથો છે.

હાલ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના પ્રમુખ. ગુજરાતીના ૯૦ વર્ષ જૂના માસિક ‘કુમાર’ના તંત્રી. કવિલોક ટ્રસ્ટ અને કુમાર ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી તથા ગુજરાતી કવિતાના પ્રથમ દ્વિમાસિક ‘કવિલોક’ના તંત્રી. ગુજરાતની ૮૦ વર્ષ જૂની ‘બુધસભા’નું સંચાલનકાર્ય સંભાળી રહ્યા છે.

 

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

માતૃભાષા દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો અને ઊર્મિઓ સચોટ અને સભ્યક રીતે રજૂ કરી શકે છે.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

‘કેવડિયાનો કાંટો’ (રાજેન્દ્ર શાહ)

આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?

‘ખેમી’, ‘મળેલા જીવ’

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ - આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

ભાષા સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ભાષાની લિપિ તથા મરોડમાં અને શબ્દભંડોળમાં જે તે પ્રદેશની સંસ્કૃતિની છાપ હોય છે.

કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?

‘વડીલોના વાંકે’ (જૂની રંગભૂમિ)

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે...)

ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ, મકરંદ દવે વગેરે...

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

સો આંધળામાં કાણો રાજા, જોત કરવત મોચીના મોચી

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

માતૃભાષાના વાચન અને લેખન ઉપરાંત શુદ્ધતાથી બોલવામાં.

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

શાળા-કોલેજમાં ગુજરાતી ફરજિયાત ભણાવવું જોઈએ. ઘરમાં ગુજરાતી સારાં પુસ્તકોનો નાનો સંગ્રહ રાખવો અને પુસ્તકાલયોમાં સંતાનોને વધુ ને વધુ મોકલવાં. ગુજરાતીમાં વિચારો વ્યક્ત કરવા લેખનની તાલીમ આપવી.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ.

ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.

હું ડૉકટરનો પુત્ર હોવા છતાં પિતાના આગ્રહથી વિરુદ્ધ જઈને મેં સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ ગુજરાતી મુખ્ય વિષય રાખ્યો અને પી.એચ.ડી. ગુજરાતી વિષયમાં કર્યું. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં એમ. એ. કક્ષાએ ગુજરાતીનું અધ્યાપન કાર્ય કર્યું.