પરથમ ગણેશ બેસાડો રે (ગણેશ સ્થાપના-૧)

Listen :

Lyrics :

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા,

ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા,    

ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા.

 

કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો,   

ઘોડલે પિત્તળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા,

કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો, 

હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા.

 

કૃષ્ણની જાને રૂડા જાનીડાં શણગારો,   

જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા,

કૃષ્ણની જાને રૂડા ધોરીડા શણગારો,   

ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા.

 

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો,   

વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા,

વાવલિયા વાવ્યા ને મેહુલા ધડૂકયા,   

રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા.

 

તૂટ્યા તળાવ ને તૂટી પીંજણિયું,    

ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા,

ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર,    

તમે આવ્યે રંગ રેશે રે મારા ગણેશ દુંદાળા.

 

અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા,   

અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા,

અમારે જોશે સવા મણનો રે લાડુ,  

અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા.

 

વીવા, અઘરણી ને જગવને જનોઈ,   

પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા.

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto