જે મજા મરવામાં છે તે મજા જીવવામાં ક્યાં છે ?
ખુશ્બુ જો પ્રસરી ના શકે તો મજા ખીલવામાં ક્યાં છે ?
દુઃખના સમુદ્રમાં સુખ લાવે એવી ભરતી ક્યાં છે ?
મુજને પણ મળી રહે ખુશી એટલી સસ્તી ક્યાં છે ?
ક્યાં છે એ સપના જે પુરા થઈ ગયા ?
અહી તો બધા જ સપના અધૂરા રહી ગયા.
કોઈ હર પલ યાદ કરે એવી વજાહ ક્યાં છે ?
કોઈની યાદથી પીછો છૂટી જાય એમાં મજા ક્યાં છે ?
વગર માંગે બધું આપી દે એવા સખા ક્યાં છે ?
માંગે બધું મળી જાય તો એમાં મજા ક્યાં છે ?
ધાર્યું બધું થઇ જાય એવા વચન ક્યાં છે ?
વચન બધા પુરા કરે એવા સ્વજન ક્યાં છે ?
હવે રૂઠેલાને મનાવવાની પ્રથા ક્યાં છે ?
કોઈને માફ કરી દેવામાં વ્યથા ક્યાં છે ?
બની શકે તો થોડા વખાણ કરી લેજો ,
બાકી બુરાઈ સાંભળવામાં મજા ક્યાં છે ?
-HARIT
આજ આડે કાલ પણ કાયમ હશે,
અહીં સમયના દાવ પણ કાયમ હશે.
સૂર્ય જેવો સૂર્ય સાંજે આથમે,
દિન પછી તો રાત પણ કાયમ હશે.
કામ આખી જિન્દગી રહેવાનું છે,
ઊંઘ, ને આરામ પણ કાયમ હશે.
હસ્તરેખાઓ હશે છેવટ સુધી,
એમ તો બે હાથ પણ કાયમ હશે.
રક્ત વહેતું, દિલ ધડકતું રહે સદા,
લાગણીના સ્રાવ પણ કાયમ હશે.
- પ્રવીણ શાહ
મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.
જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.
હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.
મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
કબરનો આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.
સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.
કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?
– મરીઝ
“ કેમ રહો છો આઘા ”
સ્નેહની સરવાણી રેલાવી કેમ રહો છો આઘા ?
વાંસળીના સૂરોથી મોહિત કરી ગયા છો, ઓ માધા !
કેમ રહો છો આઘા ?
રાત-દિવસઘેલી થઈ ફરુ છું તમને શોધવા ;
પ્રેમનો એક તંતુ તો યાદ કરો, ઓ માધા !
કેમ રહો છો આઘા ?
શેરીએ-શેરીઓ સ્વચ્છ કરી રસ્તાઓ કર્યા સીધા
કણ-કણમાં શોધવા મથી તને , ઓ માધા !
કેમ રહો છો આઘા ?
કેટલાય યુગોથી શોધું; હવે તો કળીયુગ આવ્યો;
Google પર સર્ચ મારી લખ્યું નામ ‘માધા’
કેમ રહો છો આઘા ?
Fecbook, twitter, Email આ બધુ જ ખાલી
ભગવદગીતામાં ફોટા જોઈને પૂછું છું માધા
કેમ રહૂ છો આઘા ?
રક્તપીપાસોને હણવા અવશ્ય આવશો, જોતી;
તેમાંય ક્યાય પણ દેખાયા નહિ, ઓ માધા !
કેમ રહો છો આઘા ?
દુનિયા ઉવેખી નાખી તમને શોધવા કાજ ;
તમે તો મળ્યા મનુષ્ય જીવના હૃદયમાં માધા
વહેલું તો કેવું’તું માધા
આવું કેમ કરો છો માધા ?
è મેઘનાથી પરેશગર એસ. “રત્ન”
શ્રી ગાંગડી વાડી શાળા-1
પ્રશ્નો ઘણા વિકટ છે,
રસ્તો છતાં નિકટ છે.
દેખાય તે બધુંયે-
ભાવિની ચોખવટ છે.
થાપે છે થાપ પાંપણ
આંખોય માણભટ છે.
ફોટો પડ્યો પવનનો
કોની ઊડેલ લટ છે ?
છે મંચ પર છતાંયે
નાટક વગરનો નટ છે.
– અંકિત ત્રિવેદી
સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું
મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.
સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.
જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.
એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.
– હરિશ્ચન્દ્ર જોશી