Kavita

Add Your Entry

તમે જેને ચાહો છો એ કદી તમને ન ચાહે
તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે
જિન્દગી સસ્તી નથી
ને એ મળી તમને અમસ્તીયે નથી
વેડફો શાને નિરર્થક આંસુ ને નિ:શ્વાસ ને આઘાત આહે !
તમે આગે ચલો !
આગ છોને અંતરે છૂપી જલો
પણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો.

આજ જે તમને ન ચાહે
છો ન આવે એક રાહે
એ જ જો દીવો હશે સાચો હ્રદે
તો આપ મેળે આવશે દોડી પથે.

ને જિન્દગીમાં જો નહીં તો-
ના હવે એ વેડફો નિ:શ્વાસ ને આઘાત આહે-
રાખજો વિશ્વાસ કે એ આવશે આખર નકી
ઉજ્જવળ તમારા આત્મની આરામગાહે .

-મકરંદ દવે

Author: Gujaratilexicon Web Read More...

મારી આ આંગળીઓની ટોચે

આખી પક્ષીઓની નાત છે.

 

કાગડાનો ‘કાં’ ને ચકલીનું ‘ચીં’

અહીં સાવ સહજ વાત છે.

 

પાંખો પર પાંખો ફેલાય ને

પગલાની નીત નવીન ભાત છે.

 

મોરલાનું નર્તન ને, સુગરીનું સર્જન

કલાની અહિં જ તો સોગાત છે.

 

આંગળી આ ફેલાયે પુરાયે આભે

આ તો ભાઇ! પર્યાવરણની વાત છે.

Author: Gujaratilexicon Web Read More...

ગુજારે જે   શિરે  તારે  જગતનો નાથ તે સ્હેજે

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે

 

દુનિયાની  જૂઠી વાણી વિષે  જો  દુ:ખ વાસે છે

જરાયે  અંતરે  આનંદ  ના  ઓછો  થવા  દેજે

 

કચેરી  માંહી  કાજીનો   નથી  હિસાબ  કોડીનો

જગતકાજી  બનીને  તું  વહોરી  ના પીડા લેજે

 

જગતના  કાચના  યંત્રે  ખરી વસ્તુ નહિ  ભાસે

ન  સારા  કે  નઠારાની  જરાયે   સંગતે  રહેજે

 

રહેજે   શાંતિ  સંતોષે   સદાયે   નિર્મળે   ચિત્તે

દિલે જે  દુ:ખ  કે  આનંદ  કોઈને  નહિ  કહેજે

 

વસે  છે  ક્રોધ  વૈરી  ચિત્તમાં  તેને  તજી  દેજે

ઘડી  જાયે  ભલાઈની  મહાલ્રક્ષ્મી  ગણી  લેજે

 

રહે ઉન્મત્ત સ્વાનંદે  ખરું એ  સુખ  માની  લેજે

પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો  પ્યાલો ભરી  લેજે

 

કટુ  વાણી  જો  તું  સુણે  વાણી મીઠી તું કહેજે

પરાઈ   મૂર્ખતા  કાજે   મુખે  ના ઝેર તું  લેજે

 

અરે  પ્રારબ્ધ  તો  ઘેલું  રહે  છે  દૂર માંગે તો

ન  માંગે  દોડતું આવે  ન  વિશ્વાસે  કદી રહેજે

 

અહો શું પ્રેમમાં રાચે? નહિ ત્યાં સત્ય તું પામે!

અરે  તું  બેવફાઈથી   ચડે   નિંદા  તણે  નેજે

 

લહે છે  સત્ય  જે સંસાર  તેનાથી  પરો  રહેજે

અરે એ  કીમિયાની જે મઝા છે  તે પછી કહેજે

 

વફાઈ તો નથી  આખી  દુનિયામાં  જરા દીઠી

વફાદારી  બતાવા  ત્યાં નહિ  કોઈ  પળે જાજે

 

રહી  નિર્મોહી  શાંતિથી રહે  એ સુખ મોટું  છે

જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે

 

પ્રભુના  નામના  પુષ્પો  પરોવી કાવ્યમાળા તું

પ્રભુની પ્યારી  ગ્રીવામાં  પહેરાવી  પ્રીતે  દેજે

 

કવિરાજા  થયો  શી છે  પછી પીડા તને  કાંઈ

નિજાનંદે હમ્મેશાં  ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે

-બાલાશંકર કંથારિયા

 

Author: Gujaratilexicon Web Read More...

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,
કાં તો સ્કુલમાં ,કાં ટયુશનમાં ,કાં ટેન્શનમાં રહીએ

નથી એકલા પાસ થવાનું ટકા જોઇએ મોટા .
નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા

એચ ટુ ઓ ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ ?
રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

થાકું, ઊંઘું ,જાગું ત્યાં તો સામે આવે બોર્ડ
હોઉં રેસનો ઘોડો જાણે એમ લગાવું દોડ

પ્રવાસ ચાલુ થાય નહી એ પહેલા હાંફી જઈએ .
રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

રામ, કૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા ?
એના પપ્પા ક’દિ માંગતા એડમીશનની ભિક્ષા ?

કોની છે આ સીસ્ટમ જેમાં અમે ફસાયા છઈએ
રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ...

- કૃષ્ણ દવે 

Author: Gujaratilexicon Web Read More...

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.
- પ્રીતમદાસ

Author: Gujaratilexicon Web Read More...

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

-રમેશ પારેખ

 

Author: Gujaratilexicon Web Read More...

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઈ ગામે;
ગીગુભાઈ નાગજી નામે.
લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા'ડા? 
ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે'રે
પાણી જેમ પૈસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે ક્યાંથી કાઢશું બાપ!
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઈ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દિ' પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દિ' દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળી દીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
-ઈન્દુલાલ ગાંધી 

Author: Gujaratilexicon Web Read More...


જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ
જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત
જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ
ખંડ ખંડ જઈ ઝૂઝે  ગર્વે  કોણ  જાત ને  કોમ
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

અણકીધાં કરવાના કોડે  અધૂરાં  પૂરાં થાય
સ્નેહ શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય

જય જય જન્મ સફળ ગુજરાતી
જય જય ધન્ય અદલ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

- અરદેશર ફરામજી ખબરદાર

Author: Gujaratilexicon Web Read More...

Most Viewed Kavita

Most Viewed Author