Kavita

Add Your Entry

 

હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ, જે હું જોઈ નહીં શકું, તું હમણાં જ ફૂલો મોકલને ! હું મૃત્યુ પામીશ અને તારાં આસું વહેશે, જેની મને ખબર નહીં પડે, તું અત્યારે જ થોડું રડને ! હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહીં શકું, તું એ બે શબ્દો હમણાં જ બોલને ! હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ, જે હું જાણી નહીં શકું, તું મને હમણાં જ માફ કરીદેને ! હું મૃત્યુ પામીશ અને તું મને યાદ કરીશ, જે હું અનુભવી નહીં શકું, તું મને અત્યારે જ યાદ કરને ! હું મૃત્યુ પામીશ અને તને થશે કે મેં એની સાથે થોડો વધારે સમય વીતાવ્યો હોત તો ! તું અત્યારે જ અવું કરને ! એટલે જ કહેવાનું મન થાય છે કે રાહ ન જુઓ, રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જાય છે !

 

Author: Hitendra Vasudev Read More...

ભારે ભારે શાને ફરીએ ?
………….. આજે ચાલો હળવા થઈએ.

ઝરણાનું જળ હળવે વહે છે
કહે : ભલાઓ, વહેતા રહીએ
માથા પરનો ચાંદો બોલે
………….. થઈને શીતળ રેલી રહીએ… આજે ચાલો…

વ્યોમ મહીં જે ઊડતાં પંખી
કહે કાનમાં ઊડતાં રહીએ,
પાંદડીઓ ઉપરનું ઝાકળ
………….. કરે ઈશારા, ઝુમતાં રહીએ…. આજે ચાલો….

આફત છો વળ ખાતી આવે,
જ્યાફત એની ઝટઝટ કરીએ
હૈયેહૈયાં ભીંસી દઈને
………….. આજે હવે સૌ ભેળાં રહીએ…. આજે ચાલો….

-  ડૉ. મોહનભાઈ પટેલ

Author: Upendra Gurjar Read More...

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

– આદિલ મન્સૂરી

Author: Upendra Gurjar Read More...

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે  મોતી  લેવા, માંહી  પડ્યા મરજીવા  જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા  જુએ  તમાસો, તે  કોડી  નવ પામે જોને.

પ્રેમપંથ  પાવકની  જ્વાળા, ભાળી  પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં  રાતામાતા પૂરા  પ્રેમી  પરખે  જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.
- પ્રીતમદાસ

Author: Gujaratilexicon Web Read More...

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

-રમેશ પારેખ

 

Author: Gujaratilexicon Web Read More...

અમૃત  ભરેલું  અંતર  જેનું,  સાગર જેવડું  સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઈ ગામે;
ગીગુભાઈ નાગજી નામે.
લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે  કેટલા દા'ડા? 
ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું  ખેંચવા  રાતે  હોટલમાં  ખાય,
નિત નવાં લૂગડાં પે'રે
પાણી જેમ  પૈસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના  દોકડા  આપણે  ક્યાંથી  કાઢશું  બાપ!
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઈ જ છે મૂડી.
ખોરડું  વેચ્યું  ને  ખેતર વેચ્યું, કૂબામાં કર્યો  છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દિ' પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું  ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી  તે  દિ'  દળણાં-પાણી  કરતી  ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ  વીજળી દીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી  અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે  નથી  જીવવા  આરો,
આવ્યો ભીખ માગવા વારો.
-ઈન્દુલાલ ગાંધી 

Author: Gujaratilexicon Web Read More...


જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં  ગુર્જરીની મહોલાત

ઉત્તર  દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ  જ્યાં ગુર્જરના વાસ
સૂર્ય તણાં  કિરણો દોડે ત્યાં  સૂર્ય તણો જ પ્રકાશ
જેની ઉષા હસે હેલાતી  તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત

ગુર્જર  વાણી  ગુર્જર  લહાણી  ગુર્જર  શાણી  રીત
જંગલમાં  પણ  મંગલ  કરતી  ગુર્જર  ઉદ્યમ  પ્રીત
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત

કૃષ્ણ  દયાનંદ  દાદા  કેરી  પુણ્ય  વિરલ  રસ  ભોમ
ખંડ  ખંડ  જઈ  ઝૂઝે   ગર્વે   કોણ   જાત  ને   કોમ
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત

અણકીધાં  કરવાના  કોડે   અધૂરાં   પૂરાં  થાય
સ્નેહ  શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય

જય જય જન્મ સફળ ગુજરાતી
જય જય ધન્ય  અદલ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત

- અરદેશર ફરામજી ખબરદાર

Author: Gujaratilexicon Web Read More...

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોષી

Author: Gujaratilexicon Web Read More...

Most Viewed Kavita

Most Viewed Author