Kavita

Add Your Entry


ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય
આ તો વરસે ગગનભરી વ્હાલ
ગમતાંનો કરીએ ગુલાલ

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી
સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી
આવે તે આપ કરી પળમાં પસંદગી
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને
વેર્યે ફોરમનો ફાલ
ગમતાંનો કરીએ ગુલાલ

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં
રણકી ઊઠે કરતાલ
ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ

-મકરંદ દવે

Author: Gujaratilexicon Web Read More...

મંગલ મન્દિર ખોલો,

દયામય! મંગલ મન્દિર ખોલો!

જીવન વન અતિ વેગે વટાવ્યું,

દ્વાર ઊભો શિશુ ભોળો,

દયામય! મંગલ મન્દિર ખોલો!

તિમિર ગયું  ને જ્યોતિ પ્રકાશ્યો,

શિશુને ઉરમાં લ્યો, લ્યો,

દયામય! મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરન્તર,

શિશુ સહ પ્રેમે બોલો,

દયામય! મંગલ મન્દિર ખોલો!

દિવ્ય-તૃષાતુર  આવ્યો  બાલક,

પ્રેમ-અમીરસ ઢોળો,

દયામય! મંગલ મન્દિર ખોલો!

- નરસિંહરાવ દિવેટિયા

Author: Unkown Read More...

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખૂટે ન એની લહાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ 

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ 

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

Author: Unkown Read More...

ગુજારે જે  શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે

દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે

કચેરી માંહી કાજીનો  નથી હિસાબ કોડીનો
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે
ન સારા કે નઠારાની જરાયે  સંગતે રહેજે

રહેજે  શાંતિ સંતોષે  સદાયે  નિર્મળે  ચિત્તે
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ કહેજે

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલ્રક્ષ્મી ગણી લેજે

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લેજે
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે

કટુ વાણી જો તું સુણે વાણી મીઠી તું કહેજે
પરાઈ  મૂર્ખતા કાજે  મુખે ના ઝેર તું લેજે

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો
ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે

અહો શું પ્રેમમાં રાચે? નહિ ત્યાં સત્ય તું પામે!
અરે તું બેવફાઈથી  ચડે  નિંદા તણે નેજે

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી
વફાદારી બતાવા ત્યાં નહિ કોઈ પળે જાજે

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે

કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમ્મેશાં ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે

-બાલાશંકર કંથારિયા

Author: Unkown Read More...

સાગર અને શશી
આજ, મહારાજ! જલ ઉપર ઉદય જોઈને 
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરલ તરણી સમી સરલ તરતી, 
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
-મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ 

Author: Unkown Read More...

પ્રભો અંતર્યામી...

પ્રભો  અંતર્યામી,  જીવન  જીવના દીનશરણા

પિતા  માતા  બંધુ, અનુપમ સખા  હિતકરણા

પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ,  સર્વસ્વ જનના

નમું છું  વંદું છું  વિમળમુખ  સ્વામી જગતના

 

સહુ અદ‌્ભુતોમાં તુજ સ્વરૂપ અદ‌્ભુત નીરખું

મહા જ્યોતિ  જેવું નયન શશિ ને સૂર્ય સરખું

દિશાની ગુફાઓ પૃથ્વી  ઊંડું આકાશ ભરતો

પ્રભો  તે સૌથીએ પર  પરમ તું  દૂર ઊડતો

 

પ્રભો તું આદિ છે  શુચિ પુરુષ પુરાણ તું જ છે

તું સૃષ્ટિ ધારે  છે સૃજન પ્રલયે  નાથ તું જ છે

અમારા  ધર્મોનો  અહર્નિશ  ગોપાલ  તું જ છે

અપાપી પાપીનું  શિવ સદન કલ્યાણ તું જ છે

 

પિતા છે એકાકી  જડ સકલ ને ચેતન  તણો

ગુરૂ છે મોટો છે જનકુલ તણો પૂજ્ય તું  ઘણો

ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે

વિભુરાયા તુંથી  અધિક પછી તો કોણ જ હશે

 

વસે બ્રહ્માંડોમાં  અમ ઉર વિશે વાસ  વસતો

તું આઘેમાં આઘે પણ સમીપમાં નિત્ય હસતો

નમું આત્મા ઢાળી નમન લળતી દેહ  નમજો

નમું કોટિ વારે  વળી પ્રભુ નમસ્કાર જ  હજો

 

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા

ઊંડા અંધારેથી  પ્રભુ પરમ તેજે  તું લઈ જા

મહામૃત્યુમાંથી અમૃત સમીપે  નાથ લઈ જા

તું હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા

 

પિતા પેલો  આઘે  જગત વીંટતો સાગર રહે

અને  વેગે  પાણી સકલ નદીનાં તે ગમ વહે

વહો એવી  નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી

દયાના  પુણ્યોના  તુજ પ્રભુ મહાસાગર ભણી

 

થતું  જે  કાયાથી  ઘડીક ઘડી વાણીથી ઉચરું

કૃતિ  ઇંદ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્મરું

સ્વભાવે બુદ્ધિથી  શુભ અશુભ  જે કાંઈક  કરું

ક્ષમાદષ્ટે જોજો  તુજ  ચરણમાં  નાથજી ધરું

 

-મહાકવિ નાનાલાલ

 

Author: Unkown Read More...

વૈષ્ણવજન તો તેને રે કહીયે

વૈષ્ણવજન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે

સકળ લોકમાં સહુને વંદે  નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે

સમદ્રષ્ટિને  તૃષ્ણા  ત્યાગી  પરસ્ત્રી જેને  માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામશું તાળી રે વાગી સકળ તિરથ તેના તનમાં રે

વણલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતેર તાર્યા રે
-નરસિંહ મહેતા

Author: Gurjar Upendra Read More...

અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં.

પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી,
કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.

થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા,
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા.

અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.

હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.

અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

– ડો. રઇશ મનીઆર

Author: Gurjar Upendra Read More...

Most Viewed Kavita

Most Viewed Author