Kavita

Add Your Entry

ના હસી આજે શક્યા પાછા અમે….
ના રડી આજે શક્યા પાછા તમે….

રોજ રાતી વાદળી ગાજ્યા કરે…
ના પડી આજે શક્યા પાછા અમે…

ને હવાને શું હવા વાતી હશે ?
ના હલી આજે શક્યા પાછા તમે…

કોનું છે આ નામુ બાકી યાદ કર..
ના ભરી આજે શક્યા પાછા અમે…

નામના તારી ભુલાશે આ જ તો…
ના ખસી આજે શક્યા પાછા તમે…

રોજ તારી જાતને પૂછો તમે….
ના સહી આજે શક્યા પાછા અમે….!!

સંદિપ એ. નાયી

Author: Gurjar Upendra Read More...

 કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો

ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.

– આદિલ મન્સૂરી 

Author: Gurjar Upendra Read More...

બી, પછી કૂંપળ, પછી ડાળી, પછી ઉપર કળી મૂક;
એમ મારી જિંદગીને પણ વ્યવસ્થિત સાંકળી મૂક.

બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.

ખૂબ તરણાં ગોઠવ્યાં માળો થયો નહિ, થાય ક્યાંથી?
જ્યાં સુધી ના લાગણીની લીલીછમ તારી સળી મૂક!

એકઃ હું છું, બેઃ નથી, ત્રણઃ હું છું પણ ને હું નથી પણ;
આ ત્રણેમાંથી ગમે તે એક ઉપર આંગળી મૂક.

આમ લોહીઝાણ એ ના થાય તો એ થાય શું, બોલ?
ખૂબ સમજાવ્યો હતો સૌએ ન શ્રદ્ધા આંધળી મૂક.

આબરુ ખોઈ દીધેલા દીકરીના બાપ જેવું-
એક રણ છું; હે ગગન મારા શિરે તું વાદળી મૂક.

– અનિલ ચાવડા

Author: Gurjar Upendra Read More...

જાણું છું હું વર્ષો થી એ શ્વાસ ને

હરદમ તારા હોવાના અહેસાસને .

 

નસ-નસમાં ઉતરી લોહીમાં વણાય છે

 સીંચે છે જિંદગી યાદો ની લાશને.

 

રાખો નહી જીવલેણ હોઠોની ક્ષિતિજ માં

 નક્કર સ્મિતની  મધમધતી સુવાસ ને.

 

સ્પર્શો તમે તો થાય ફળદ્રુપ હવે 

કરચલી જેમ મારામાં ભળી પીળાશ ને .

 

આશ્લેષમાં લ્યો ટળવળતા આંસુઓ 

કંઈ કળ વળે આંખોની સળગતી ભીનાશને.

 

અંધારા  વિસ્તર્યા છે   ધબકારા સુધી 

ફૂંકી તિખારો પાથરો ઉરે  ઉજાસને. 

 

ક્યારેય કોઈ પર ના મૂકી શકું  

એટલી વાર તોડો 'સપ્ત'ના  વિશ્વાસને 

  

                             'સપ્ત' હિમાંશુ પરમાર  

Author: Gurjar Upendra Read More...

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

- અનિલ ચાવડા
 

 

Author: Gujaratilexicon Web Read More...

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોશી

Author: Upendra Gurjar Read More...

મજા જિંદગી છે હસો ને હસાવો,
પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

 

વહી જાય તો કાળ પાછો ન આવે,

લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
બધાં બંધનો એહ દૂરે ફગાવો.

જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
જિગર-બીન એવું તમેયે બજાવો.

ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.

ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
અરે મોતને પણ હસીને હસાવો.

–  ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’

Author: Upendra Gurjar Read More...

એક મિત્ર ની શોધ માં નીકળ્યો હું, ને મિત્રતા નું ભાન નહિ,

પળે પળે રડતો હું, ને સ્મિત ની ચહેરે ભાન નહિ…

રાહ માં ચાલતા રેત ગરમ લાગે, ને પાણી નું ભાન નહિ,

કાંટા પગ માં અઢળક વાગે, ને રક્ત વહે તેનું ભાન નહિ,

ભાવભીની આંખો માં એક જ સ્વપ્ન, પણ ક્યાં નું સ્વપ્ન એનું ભાન નહિ……

શોધતો રહ્યો હું મારા મિત્ર ને, ને મિત્રતા નું ભાન નહિ………

નદીઓ ના સેહ્વાસે ચાલતો હું, ને ઠોકર વાગે તેનું ભાન નહિ,

પડતા તો પડી ગયો હું, પણ હૈયું રડે તેનું ભાન નહિ…

રસ્તે ચાલતા મુસાફરો એકીટસે જોયા કરે, ને ક્યાં છે મારી મંઝીલ એનું ભાન નહિ…….

એક મિત્ર ની શોધ માં નીકળ્યો હું, ને મિત્રતા નું ભાન નહિ,

 

બેભાન અવસ્થા મો હું પોકારતો રહ્યો, અદભુત ઘટના ત્યાં બની,

પ્રિયતમા સંભાળ લેતી મારી, ને શ્વાસ નું મને ભાન નહિ…..

મિત્ર ત્યાં મળ્યો જે મને, સુખે દુર રહી દુઃખ સંભારતો,

ખુશી ના અચંબા માં ડૂબ્યો એ સુરજ,

જ્યાં જીવ ચાલ્યો ગયો ને સગવાહલા ને ભાન નહિ……

એક મિત્ર ની શોધ માં નીકળ્યો હું, ને મિત્રતા નું ભાન નહિ…….

– અભિનવ

Author: Abhinav Parmar Read More...

Most Viewed Kavita

Most Viewed Author