Kavita

Add Your Entry

ચૂંટણી આવી આંગણે મારે, પોખો’ને વધાવો રે,

સેવાના નામે મેવા ખાવા ઉમેદવારી નોંધાવો રે.

ઉમેદવારે ટીલાં તાણ્યા, ચોટલી ખેંચી તાણી રે,

ધોળા ઝભ્ભા, ટોપી પહેરી ગાંધી યાદ આવ્યા રે.

નીંદરું એણે વેરણ કરી, આંખ્યું આવી ઓળે રે,

નારા લખવા કવિયું’ને લેખક લાવ્યા તાણી રે.

એક-બીજાને ગાળો દઈને વાતાવરણ બગાડ્યું રે.

છેલ્લે પાટલે બેસી જઈને દેશનું નામ ઉજાડ્યું રે.

સાઈઠ વરસની આઝાદીમાં કૉંગ્રેસે શું ઉકાળ્યું રે,

ચારે કોરથી ઉસળી લઈને સ્વીસ બેંકોને તારી રે,

ઘરનો છોકરાં ઘંટી ચાટે અને પડોશીને આટો રે.

મંત્રીઓને બંગલા મોટર,ગરીબની થાળી ખાલી રે,

મોંઘવારીએ ભરડો લીધો, ગરીબ વલખાં મારે રે,

છત-છાપરા માટે તલસે, પાણી-વીજળી ક્યારે રે?

ભ્રષ્ટાચાર’ને ભ્રષ્ટાખોરથી દેશ આખો ઊભરાતો રે

ખૂરશી ખાતર જૂઠ બોલીને, સચનું આણું વાળ્યું રે,

આઈ પી એલની મેચો જોવા મફત પાસ મેળવે રે,

એસી કેબિન સોફામાં બેસી મોજ્યું સૌ  છે માણે રે.

કાજૂ-બદામ-પીસ્તાની તો ત્યાં તો ઉડ્યે છોડો રે,

દેશી અને વિદેશી દારુ, બીઅર ચીઅર્સ  મારે રે.

રમત-ગમતમાં રમતું માંડી કૉમનવેલ્થ અભડાવ્યું રે,

ટુ-જી, થ્રી-જી ટેલિફૉનમાં ગફલાં બાજી મારી રે.

પેટ્રોલ-વીજળી વધતાં રહેતા, કેરોસીનના સાંસા રે,

કોલસામાં પણ કરી દલાલી, હાથ ચોખ્ખા રાખ્યા રે.

કટકી કરનારાને ત્યાંતો રોકડા રુપિયા ફરતા રે,

ધાડ પાડી પકડી લેવા આંખ આડા કાન કરતા રે.

(રચનાકાર: નટુભાઈ મોઢા, મૈસૂર, તા: 7-5-2014)

 

Author: Natwarlal Modha Read More...

યાદ આવે છે...

જ્યારે હું માના ગર્ભમાં હતો

માના પેટ પર કાન મૂકીને

તમારું મારી વાતોને  સાંભળવું

 

યાદ આવે છે...

જ્યારે હું છ માસનો હતો

મધરાતે તમારા વાળનું

નાજુક હાથોથી ખીંચવું

યાદ આવે છે...

તમારું ભરઊંઘમાંથી ઊઠવું

મારી સાથે કલાકો રમવું

અને થાકીને મારું સૂઈ જવું

યાદ આવે છે...

જાણીતી સ્કૂલમાં મારો દાખલો કરાવવા

કલાકો સુધી લાઈનમાં તમારું ઊભું રહેવું

પ્રવેશ પરીક્ષામાં હું નાપાસ થતાં

પ્રિન્સીપાલને કરગરી... પગે પડી

ડોનેશન આપી એડમીશન કરાવવું

 

યાદ આવે છે

અનેક પરીક્ષાઓમાં મારું નાપાસ થવું...રોવું

રૂમ બંધ કરીને ખાવા-પીવાનું છોડી દેવું

તમારું હળવેથી પાસે આવવું

હળવેથી માથે હાથ પ્રસારી

ઊઠાડવું...જમાડવું..સૂવડાવવું અને સરકી જવું

 

યાદ આવે છે

બેંકમાંથી લોન લઈને મને

મોંધી એન્જિનિઅરિંગ કૉલેજમાં ભણાવવું

પોતાના બગડેલા સ્કૂટરને કલાકો કીક મારીને

થાકીને તમારું પરસેવે રેબઝેબ થઈ જવું

છતાં મને સારી બ્રાન્ડનું લેપટોપ લઈ આપવું

 

યાદ આવે છે

આપની જીવનમૂડી સમા ઘરને ગીરવે મૂકવું

મને પરદેશમાં સારી નોકરીએ વળગાળવું

મોબઈલ પર થાકું નહીં ત્યાં સુધી

તમારી સાથે કલાકો વાતે વળગવું

અને તમારી યાદોમાં ખોવાઈ દવું

યાદ આવે છે

તમારા અંતિમ શ્વાસોની સમાચારનું સાંભળવું

અને...તમારી અંતિમ યાત્રામાં પણ

રજા ન મળવાથી આવી ન શકવું

તમને યાદ કરીને દીવાલે માથું પછાડવું

આંસુઓનું અનરાધાર વરસવું

 

યાદ આવે છે

ઘરની એક ભીંત પર

તસવીર બનીને તમારું ટીગાઈ જવું

 અશ્રુભરી આંખે એકીટશે મારું જોઈ રહેવું

અને....ઈશ્વરને યાદ કરી એટલું જ માગવું

 હે ઈશ્વર ! ન ભૂલતા તમે

આવતા જન્મે આપને જ મારા પિતા તરીકે સર્જવું...

-     ઉપેન્દ્ર ગુર્જર

(7 જાન્યુઆરી, 2015)

Author: Gurjar Upendra Read More...

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, 

સામે રાણા સિંહ મળ્યા ને આફત દીઠી મોટી. 

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ:

”મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;

નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું!”

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,

સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

“ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમેલૂમ.”

ખાવા જાતા રાણાજીએ પાડી બૂમેબૂમ!

 

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;

બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર!

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;

”ખાધો બાપ રે!” કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;

સામે રાણા સિંહ મળ્યા રે, આફત ટાળી મોટી.

-રમણલાલ સોની

Author: Maitri Shah Read More...

હું નારી છું,આકાશે રમતાં વાદળની,

રૂપેરી તેજ કિનારી છું…….હું નારી…..

માં બાપના આંગણ માં પૂજાતી,

તુલસી કેરી ક્યારી છું……હું નારી…

હું પત્ની છું,હું માતા છું,હું બહેન છું,હું બેટી છું,

કૈક રહસ્યો છુપાય એવી તાળાં વાળી પેટી છું.

જો ઝાંકવું હોય મનની ભીતર,

તો ત્વરિત ખુલતી બારી છું……હું નારી…..

હું ચંચલ છું કો હરણી શી, ખળખળ વહેતી કો ઝરણી શી,

ગમે તેટલા પત્થર ફેંકો,ચૂપચાપ સહુ હું ધરણી શી.

સુર મેળવો તો મીઠા સૂરે,

ઝંકૃત થતી સિતારી છું……હું નારી…..

કોમળ છું મૃણાલ દંડ સમી,મેઘધનુ ના સાતે રંગ સમી,

રીઝું તો વરસું ઝરમર ને ખીજું તો બારે ય ખંગ સમી.

જો છંછેડે કોઈ મુજને તો,

સો મરદોને ભારી છું…..હું નારી…..

સમર્પણ છે મુજ રગરગ માં,વિશ્વાસ છલોછલ હર ડગ માં,

સદાય જલતો રહે તે કાજે,પ્રેમ પૂરું હું દીપ શગમાં

મળવા સાગરને તલતલ તલસે એ,

નિર્મળ ગંગા વારિ છું……હું નારી…..

Author: Deval Talati Read More...

 
રે પંખીડા ! સુખથી ચણજો , ગીત વા કંઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છુ,
ના ના કો દી તમ શરીરને કંઈ હાનિ કરું હું.  
ના પાડી છે તમ તરફ  કૈઇ ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડા સર્વને  છે,
રે રે ત્હોયે  કુદરતી  મળી ટેવ બીવા   જનોથી,
છો બીતા  તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.
જો ઉડો તો જરૂર દર છે ક્રૂર કો હસ્તનો હા!
પા’ણો ફેંકે તમ તરફ રે ! ખેલ એ તો જનોના!
દુ:ખી છુ કે કુદરત તાના સામ્યનું એક્ય  ત્યાગી,
 રે  રે ! સત્તા તમ પર   જનો  ભોગવે  ક્રૂર આવી.

કવિ શ્રી “કલાપી

Author: Deval Talati Read More...


જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર;
પર્વત ઉપરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સહુ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-કવિ નર્મદ

Author: Minal Mewada Read More...

સદા સૌમ્યશી વૈભવે ઊભરાતી,

મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,

સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.

કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,

રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમાઆશિષ, નરસિંહ-મીરાં,

થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.

પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,

સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી,

નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

-ઉમાશંકર જોષી

Author: Minal Mewada Read More...

વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે …

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે …

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે …

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે ….

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયોં તેનું દર્શન કરતા, કુળ ઇકોતેર તાર્યા રે

-“નરસિંહ મહેતા

Author: Minal Mewada Read More...

Most Viewed Kavita

Most Viewed Author