પ્રિય મિત્રો,

ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા.  

શ્રી પ્રેમચંદ ચંદરયા અને શ્રીમતી પૂંજીબહેન ચંદરયાના પનોતા પુત્ર શ્રી રતિલાલ ચંદરયાનો જન્મ 24ઓક્ટોબર, 1922ના થયો હતો. પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે નૈરોબી અને મોમ્બાસામાં લીધું હતું. શૈક્ષણિક કાળ દરમ્યાન તેઓ યુવા પ્રવૃત્તિઓ, રમતગમત, યોગવિદ્યા વગેરે પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયેલા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ જૈન યુથ લીગ, નૈરોબીના એક સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સપરિવાર તેમણે ભારતમાં સ્થળાંતર કર્યું. આ સમયગાળા દરમ્યાન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે તેમણે પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાવવાનું નક્કી કર્યું. ભારતમાં તેમણે ઘણાં નવાં ઔદ્યોગિક સાહસોની સ્થાપના કરી અને પોતાની દૂરંદેશી અને સૂઝબૂઝથી આયાત–નિકાસનો ધંધો વિકસાવી તેનું વિસ્તરણ પણ કર્યું.

નૈરોબીમાં જન્મેલાં વિજ્યાલક્ષ્મીબહેન સાથે તેમનાં લગ્ન, ઈ.સ. 1943માં જામનગર મુકામે થયાં. એક પુત્રી, ત્રણ પુત્રો અને આઠ પૌત્ર–પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓનો બહોળો પરિવાર તેઓ ધરાવે છે. 1946માં તેઓ નૈરોબી પાછા ફર્યા અને સક્રિય રીતે પોતના વ્યવસાયમાં જોડાયા અને વ્યાવસાયિક કારણોસર તેઓ અવારનવાર પૂર્વ અને મધ્ય આફ્રિકાની સફર ખેડતા રહ્યા. તેમની પચાસીના શરૂઆતના વર્ષોમાં તેમના પરિવારજનોએ કેન્યા અને બીજા દેશોમાં વ્યાવસાયિક વિસ્તરણ કરવાનો રસ દાખવ્યો. તેમણે 1960માં દાર-એ-સલામમાં વસવાટ કર્યો અને ત્યારબાદ 1965માં યુરોપીય દેશોમાં વ્યાપારના વિસ્તરણ માટે લંડન ખાતે વસવાટ કર્યો. લંડનના વસવાટ દરમ્યાન અમેરિકામાં ધંધાકીય શક્યતાઓ તેમણે ચકાસી. દક્ષિણ-પૂર્વ એશિયામાં ધંધાકીય વિસ્તરણ કરવા માટે સિંગાપોરમાં તેમણે 1975માં વસવાટ કર્યો તે પહેલાં ટૂંકા ગાળા માટે તેઓ જીનીવા રહ્યા હતા. સ્થાનાંતરણ અને વિસ્તરણના સમગ્ર ગાળા દરમ્યાન તેઓ એક સશક્ત ઉદ્યોગસાહસિક તરીકે ઊભરી આવ્યા અને તેમણે વિવિધ ખંડો અને દેશોમાં પોતાની પારિવારિક મૂડી અને સંપત્તિનું રોકાણ કર્યું.

વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય તેઓ છેલ્લાં 65 વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન,કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે મહાત્મા ગાંધી એવોર્ડસ, ભારતીય જીમખાના, જૈન સેન્ટર, જૈન ફેલોશીપ સેન્ટર વગેરેમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. સમાજના પુનુરુત્થાન માટેની પ્રવૃત્તિઓ માટે પોતાનો સમય અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવાના તેઓ હંમેશાં હિમાયતી રહ્યા છે.

આ સિવાય તેમનું પ્રદાન નીચે જણાવેલી અન્ય સંસ્થાઓમાં પણ રહ્યું છે :


ઓશવાલ એસોશિયેશન યુકેના ચેરમેન અને બોર્ડ ઑફ ટ્રસ્ટી તરીકે બે વખત ચૂંટાયા

'ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ, લંડન'ના ટ્રસ્ટી