પ્રિય મિત્ર,
મે મહિનો એટલે વેકેશનનો મહિનો, પરિવાર સાથે વિતાવવાનો આ સમય. મારાં તમારાં માટે જેટલો ખાસ છે આ સમય તેટલો જ ખાસ આપણાં ગુજરાત રાજ્ય માટે પણ આ મહિનો છે, કેમ કે વર્ષ 1960ની પહેલી મે એ આપણાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. આ દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી મરાઠી અને ગુજરાતી ભાષા બોલતાં બે અલગ રાજ્યોની સ્થાપના થઈ. વાત આજની કરીએ તો, આપણા રાજ્યની એક આગવી ઓળખ છે આપણી આગવી જીવનશૈલી, તહેવારો, આપણી આવડત, ખમીર, સાહસ અને આપણી મીઠડી ભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા.

દેશ દુનિયાની સફર કરતાં હોઈએ ત્યારે પણ કોઈ અજાણ્યા વ્યક્તિની બોલી જ પૂરતી છે એ સમજવા માટે કે તે ગુજરાતી છે. આપણી આ ઓળખ સમાન ગુજરાતી આજે અંગ્રેજી સામે નબળી પડી રહી છે, અંગ્રેજીની ઘેલછા એ ગુજરાતી ભાષાને ‘ગુજલીશ’માં બદલી નાંખી છે ત્યારે આ ગુજરાતીને જીવંત રાખવાના ભગીરથ કાર્યમાં ગુજરાતીલેક્સિકન વર્ષોથી જોડાયેલું છે, પણ હવે સમય આવ્યો છે કે દરેક ગુજરાતીએ પોતાની ભાષાને જીવંત રાખવા માટે સજાગ થવું પડશે. ઘણી વખત એવું થાય કે ઉતવાળ હોય એટલે જોડણી સુધારવાની જરા આળસ આવે, સાચા શબ્દનો ઉપયોગ કર્યો છે કે નહીં તે ચકાસવાનો થોડો કંટાળો આવે. પણ મિત્રો, હવે જરા આ આળસને ખંખેરવી પડશે. આપણે પોતાની ભાષાને થોડું મહત્ત્વ આપવું પડશે. કેટલાંક દેશમાં ત્યાંના સ્થાનિક લોકો પોતાની ભાષામાં જ રોજિંદો વ્યવહાર કરવાનું પસંદ કરે છે, અન્ય ભાષાને કોઈ અવકાશ જ નથી. આપણે એવા જડ નથી થવું પણ પોતાની ભાષાની ગરિમા તો વધારી જ શકીએ!. આ કામમાં ગુજરાતીલેક્સિકન તમને મદદરૂપ થઈ શકશે. આ વેબસાઇટ ઉપર સાર્થ જોડણી કોશ, ભગવદ્ગોમંડલ જેવા શબ્દકોશ છે જેની મદદથી નવાં નવાં શબ્દો અને તેના અર્થ વિશે માહિતી મેળવી શકાય.

ગુજરાતીલેક્સિક્ન: http://www.gujaratilexicon.com

ભગવદ્ગોમંડલ: http://www.bhagvadgomandal.com/

આ ઉપરાંત ગુજરાતી ભાષા સાથે જોડાયેલી કેટલીક મોબાઇલ ઍપ્લિકેશન્સ પણ છે જેનાથી ભાષા શુદ્ધતા કેળવી શકાશે. આ ઍપ્લિકેશન વિશે વધુ માહિતી નીચે આપેલી લિંક ઉપરથી મેળવી શકશો.

ઍપ્લિકેશન: http://www.gujaratilexicon.com/mobile/

તો ચાલો નક્કી કરીએ કે આજથી શક્ય બને ત્યાં સુધી શુદ્ધ ગુજરાતીનો ઉપયોગ કરીશું, રોજનો એક નવો શબ્દ શીખશું જેથી આપણા જ્ઞાનની ક્ષિતિજ પણ વિસ્તારી શકીએ અને ગુજરાતીપણાનું ગૌરવ વધારી શકીએ.

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલી શકો છો અથવા 079 - 48 90 97 58 અમારો સંપર્ક કરી શકો છો.

જય ગુજરાત.. જય ગુજરાતી...