Other

Add Your Entry

કેળાના લાડુ

સામગ્રી :
કાચા કેળાની મોળી કાતરી : 1 કપ
બૂરૂ ખાંડ : 1/2 કપ
ઘી : 1/4 કપ
ઈલાયચી : 1 ચમચી
જાયફળ : ચપટી.

રીત :
સૌપ્રથમ કાચાકેળાની મોળી વેફર અથવા કાતરીને ઘીમાં તળી લો. હવે તેને મિક્સરમાં વાટી લો. આ રીતે તૈયાર થયેલ કાતરીમાં બૂરૂ ખાંડ, ઘી, ઈલાયચી, જાયફળ ઉમેરીને તેને લાડુનો આકાર આપો. ઉપવાસના દિવસોમાં આ વાનગીનો ઉપયોગ કરી શકાય છે.

કાજુ કતરી

સામગ્રી :
કાજુ : 250 ગ્રામ
ખાંડ : 150 ગ્રામ
ગુલાબનું એસેન્સ : 3 ટીપાં
વરખ

રીત:
સૌપ્રથમ કાજુને વાટી લો. એ પછી તેને બરાબર ચાળી લો. બીજી બાજુ ખાંડમાં ડૂબે એટલું પાણી લો. કાજુકતરી ચાસણી કરીને અથવા માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. ચાસણી કરીને કાજુકતરી બનાવવી હોય તો 1-1/2 તારની ચાસણી કરવી. માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવવા માટે ખાંડના પાણીને માઈક્રોવેવમાં મહત્તમ તાપમાન પર દસ મિનિટ માટે મૂકો. એ પછી તેને બહાર કાઢો. હવે તેમાં કાજુનો ભૂકો અને એસેન્સ ઉમેરો. આ રીતે તૈયાર થયેલા મિશ્રણને બે પ્લાસ્ટીક વચ્ચે વણીને કાજુકતરી તૈયાર કરો. છેલ્લે તેની પર વરખ લગાવીને કાપા પાડો. તહેવારો માટે આ એક ઉત્તમ મિઠાઈ છે અને બાળકોને પ્રિય છે.

રૉલકટ ચેવડો

સામગ્રી :
બે પડની રોટલી : 6 નંગ
કાચી શીંગ : 2 ચમચા
કાજુ : 1 ચમચા
દ્રાક્ષ : 1 ચમચા
દાળીયા : 2 ચમચા
બૂરૂ : 2 ચમચા
મીઠું : 1 ચમચી
લીલામરચાં : 4 નંગ
લીમડો : 20 પાન
ચાટ મસાલો : 1 ચમચી
પ્રેપીક (મરચાંની ભૂકી) : 1 ચમચી
ચોખાનો લોટ (પેસ્ટ માટે) : 1/4 કપ

રીત :
સૌપ્રથમ બે પડની રોટલી તૈયાર કરો. બીજી બાજુ ચોખાના લોટમાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ રીતે તૈયાર કરેલી પેસ્ટને રોટલી વચ્ચે લગાવી ને રોટલીના રોલ બનાવો. આ રોલને નાના ટૂકડાઓમાં કાપી લો. એ પછી શીંગ, કાજુ, દ્રાક્ષ, દાળીયા, લીમડો અને લીલામરચાંને થોડું તેલ મૂકીને તળી લો. એ પછી રોટલીના ટુકડાઓમાં આ તમામ વસ્તુ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. હવે તેની પર બૂરૂ, મીઠું, મરચાંની ભૂકી અને ચાટમસાલો નાંખીને પીરસો.

શાહીસેફરોની

સામગ્રી :
કન્ડેન્સ દૂધ : 1/2 કપ
બાંધેલું મોળું દહીં : 1/2 કપ
પનીર છીણેલું : 1/2 કપ
કેસર : ચપટી
વરખ : 2 નંગ
બદામ-પિસ્તા કતરણ : 2 ચમચી

રીત:
સૌપ્રથમ કન્ડેન્સ દૂધ, બાંધેલું મોળું દહીં, પનીર અને કેસરને મિશ્ર કરીને ઈડલીના વાસણમાં ભરીને વરાળથી દશ મિનિટ માટે બાફો. આ રીતે તૈયાર થયેલ મિશ્રણ પર બદામપિસ્તાની કતરણ ભભરાવો તેમજ વરખ લગાડો અને ઉપયોગમાં લો.

સ્ટોબેરી ડ્યુ

સામગ્રી :
દૂધપાવડર : 1/2 વાટકી
પનીર : 1/4 વાટકી
બૂરૂ : 1 ચમચી
સ્ટોબેરીસીરપ : 1 ચમચો

રીત :
સૌપ્રથમ દૂધપાવડર, બૂરૂ અને પનીરને મિક્સ કરો અને તેનો લોટ બાંધો. ત્યાર બાદ તેના ગોળા વાળી લો. હવે સ્ટોબેરીસીરપ ને ગરમ કરીને તેમાં દૂધપાવડર ઉમેરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. ઉપરોક્ત તૈયાર કરેલા ગોળામાં વચ્ચે કાણું પાડીને આ મિશ્રણ ભરો અને ઉપયોગમાં લો.

– પૂર્વા મહેતા 

Author: Gurjar Upendra Read More...

મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની ભૂમિ જ કેમ પસંદ કરાઈ…?

39

જ્યારે મહાભારતનું યુદ્ધ ટાળવાનું અશક્ય થઈ પડ્યું ત્યારે યુદ્ધ માટે યોગ્ય સ્થળ શોધવાનું ભગવાન શ્રીકૃષ્ણને કહેવામાં આવ્યું. મહાભારતનું યુદ્ધ ધર્મ માટે હતું. ભગવાન શ્રીકૃષ્ણ નહોતા ઇચ્છતા કે કૌરવો અને પાંડવો વચ્ચે લાગણીવશ કોઈ સંધિ થાય, માટે શ્રીકૃષ્ણે પોતાના દૂતોને અનેક દિશામાં અતિ ક્રૂર ઇતિહાસ ધરાવતી ભૂમિ શોધવા દોડાવ્યા. પરત આવ્યા બાદ એક દૂતે કુરુક્ષેત્ર પર એક ભાઈ દ્વારા અન્ય ભાઈ પર આચરેલી ક્રૂરતા વિશે સંભળાવ્યું. જે મુજબ કુરુક્ષેત્રમાં એક મોટા ભાઈએ તેના નાના ભાઈને ખેતરમાંથી વહી જતું વરસાદી પાણી રોકવા માટે પાળ બાંધવાનું કહ્યું, જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં આવી મોટા ભાઈએ નાના ભાઈની છરા વડે હત્યા કરી દીધી. એટલું જ નહીં તેણે ક્રૂરતાની તમામ હદ પાર કરી નાના ભાઈના મૃતદેહને ઢસડી, વહી જતા પાણીવાળી જગ્યાએ લઈ ગયો અને મૃતદેહને પગથી કચડી વહી જતા પાણીવાળી જગ્યા પર નાખી અને તેની પાળ બાંધી દીધી અને પાણી રોકી દીધું. આ સાંભળી શ્રીકૃષ્ણે તરત જ કુરુક્ષેત્ર પર જ આ ધર્મયુદ્ધ લડાશેની જાહેરાત કરી. મહાભારતની આ કથાથી સ્પષ્ટ થાય છે કે, શુભ અને અશુભ વિચારો અને કર્મોના સંસ્કાર ભૂમિ કે સ્થાન પર લાંબા સમય સુધી રહેતા હોય છે.

આ પવિત્ર ઉપવેદમાંથી જ વાસ્તુશાસ્ત્ર ઉદ્ભવ્યું છે

40

હિન્દુ ધર્મમાં ચાર વેદ છે, જેમાંનો એક અથર્વવેદ છે. તેનો એક ઉપવેદ છે ‘આપત્યવેદ’. આ ઉપવેદ જ હાલના વાસ્તુશાસ્ત્રનો આધાર મનાય છે. બ્રહ્માજીના માનસપુત્ર શ્રી વિશ્ર્વકર્માએ જે વાસ્તુ સંસાર માટે કહ્યું તે જ વાસ્તુશાસ્ત્રને આધારે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાવાસીઓ માટે એક નવું નગર વસાવવાનો વિચાર કર્યો હતો. ત્યારે ભગવાન વિશ્ર્વકર્માએ દ્વારિકાનું નિર્માણ કર્યું જેના તમામ મહેલો અને ઘરો સોનાનાં હતાં.

ચીનમાં હરેકૃષ્ણા હરે હરે…

41

ચીન સરકારે ચીનને નાસ્તિક દેશ જાહેર કર્યો છે. ચીનના ૭૦ ટકા લોકો પોતાને નાસ્તિક તરીકે ઓળખાવે છે ત્યારે અહીંની રાજધાની બીજિંગ એક ફાઇવ સ્ટાર હોટલમાં હરેકૃષ્ણ પંથના અનુયાયીઓ દ્વારા ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ કલાક સુધી ચાલેલ આ અનુષ્ઠાનમાં ૨૫૦થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો અને ૧૦૦થી વધુ ચીની મહિલાઓ પરંપરાગત ભારતીય પોશાકમાં હરેકૃષ્ણ હરે… હરે…ના જાપ કરી રહી હતી. અહીંના લોકોને ‘ભગવદ્ ભજન’ની ચાઈનીઝ નકલ પણ મફતમાં વહેંચવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નાસ્તિક ચીનમાં આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ યોજાય અને એમાં સારી એવી સંખ્યામાં લોકો ભાગ લે એવું ભાગ્યે જ બને છે.

ફિલ્મ જોતી વખતે રડી પડશો તો સારું લાગશે

લાગણીશીલ થઈ જવાથી રડવું આવે એવી શક્તિ માત્ર માણસોને જ મળી છે. જો આંસુ સારી લેવામાં આવે તો એ પછી તમારો મૂડ સારો થઈ જાય છે. નેધરલેન્ડસની યુનિવર્સિટી ઓફ ટિલબર્ગના રિસર્ચરોનું કહેવું છે કે માણસ રડીને હળવો થઈ જાય તો એનાથી થોડીક વાર પછી તેને ઘણું સારું ફીલ થતું હોય છે. અભ્યાસ માટે રિસર્ચરોએ ૬૦ લોકોને લાગણીશીલ કરી દે એવી ફિલ્મ બતાવી હતી.

રિસર્ચરોએ નોંધ્યું હતું કે ફિલ્મ જોતી વખતે કોણ રડ્યું હતું અને કોણ નહીં ? ૨૮ પાર્ટિસિપન્ટ્સની આંખમાંથી ગંગા-જમના વહી હતી અને ૩૨ લોકોએ એમ જ કોરી આંખે ફિલ્મ જોઈ લીધી હતી.

ભારતીયો લાંબુ જીવે છે પરંતુ માંદગી પર વધુ ખર્ચ કરે  છે

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય લોકો વધારે જીવે છે, પરંતુ માંદગી પર તે વધારે નાણા ખર્ચ કરે છે. માત્ર ભારતમાં જ નહીં બલ્કે વિશ્વમાં હવે લોકો વધુ આયુષ્ય ધરાવતા થયા છે, પરંતુ સૌથી નિરાશાજનક બાબત એ છે કે તેમના પર માંદગીના કરાણે બોજ વધી રહ્યો છે. જુદી-જુદી સામાન્ય માંદગી પર વધારે રકમ ખર્ચ કરવામાં આવે છે. માંદગીમાં ડાયાબિટીસ અને સાંભળવાની શક્તિ ગુમાવી દેવાની બાબત સામેલ છે. આંતરરાષ્ટ્રીય સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ડાયાબિટીસ અને અન્ય સ્નાયુ સંબંધિત વિકારના કારણે લોકો વધારે પરેશાન થયેલા છે. તેઓ વધારે નાણા બીમારી પર ખર્ચ કરી રહ્યા છે. આરોગ્યના કારણે લોકોના બજેટમાં વધારો થાય છે. વર્ષ ૧૯૯૦ અને ૨૦૧૩ વચ્ચેના ગાળામાં ડાયાબિટીસ સાથે ગ્રસ્ત મહિલામાં વિકલાંગતા વધી રહી છે.

(સંદર્ભ સ્રોત – સૌજન્ય : સાધના સાપ્તાહિક)

 

Author: Gurjar Upendra Read More...


 
સામગ્રી - 100 ગ્રામ લીલી કોથમીર(બારીક કાપેલી), 500 ગ્રામ તાજું પનીર, 200 ગ્રામ ડુંગળી, 10 ગ્રામ આદું, 1 ચમચો કાપેલા લીલા મરચાં, ચપટી હળદર, 250 ગ્રામ કાપેલા ટામેટા, દોઢ ચમચા દેશી ઘી.

બનાવવાની રીત - એક મોટા વાસણમાં પનીરને બરાબર મસળી લો કે પછી સાવ નાના-નાના ટૂકડાં કરીને અલગ રાખો. આદુંને સાફ કરી પીસી લો.

કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં કાપેલી ડુંગળી નાંખી સોનેરી રંગની થાય ત્યાંસુધી સાંતળો. હવે તેમાં કાપેલા ટામેટા, આદું, લીલા મરચાં નાંખી સાંતળો. ઉપરથી હળદર અને મીઠું છાંટી ટામેટા ઓગળે ત્યાંસુધી સાંતળો. પછી તેમાં પનીર નાંખી એ રીતે હલાવો કે બધું મિશ્રણ એકસાર થઇ જાય. દસ મિનિટ સુધી ગેસની ચાલુ આંચે રંધાવા દો. પછી તેને ગેસ પરથી ઉતારી લીલી કોથમીરના પાંદડાની ગાર્નિશ કરી સર્વ કરો.

 

Author: Gurjar Upendra Read More...

મને જાણીને આનંદ થયો કે દિકરીનાં જનમ પર એક વૃક્ષ વાવવું જોઈએ એવી મારી ટ્વીટ ઘણા લોકોને પસંદ પડી. પર્યાવરણની રક્ષા માટે તમને રસ પડે છે એ વાત સરાહનીય છે. તમને આ બાબતમાં રસ પડે છે તો ચાલો હું તમને બાગકામ કે ખેતકામ કરતી વખતે પાણીની બચત કેવી રીતે થઈ શકે તે અંગેની એક સરસ ટીપ આપું.

environment

 
ગ્લેઝ કર્યા વિનાનું એક માટલું લો, તેમાં પાણી ભરીને ઢાંકી દઈને તેને વૃક્ષ કે છોડનાં મૂળિયા પાસે જમીનની અંદર મૂકી દો. એકાદ અઠવાડિયા સુધી તમારે છોડને પાણી પાવાની જરૂર નહિ રહે. માટલું ટપક સિંચાઈનાં એક સાધન તરીકે કામ કરશે. યાદ રાખો, તમારે માટલામાં કાણા પાડવાની જરૂર નથી. અને હજી વધારે સારું પરિણામ મેળવવું હોય તો માટીથી વાસણ ઘસ્યા બાદ જે પાણી વધ્યું હોય તે પાણી માટલામાં ભરી દો. આ પધ્ધતિનો ઉપયોગ ગુજરાતનાં ઘણા ભાગોમાં થાય છે. જો આપણે સંકલ્પ કરીએ તો આટલું નાનું કામ ઘણું મોટું પરિણામ આપી જાય છે.
 
મને એક બીજો હ્રદયસ્પર્શી પ્રસંગ યાદ આવે છે. કોઈકે એકવાર મને પત્ર લખીને આ પ્રસંગ જણાવ્યો હતો. પ્રસંગ છે સૌરાષ્ટ્રનાં વેરાવળ નજીકનાં એક ગામનો. ગામની એક શાળાનાં શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો વાવવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં પાણીની અછત હતી એટલે ત્યાં વૃક્ષો માટે પાણી મેળવવાનો પ્રશ્ન હતો. એટલે શિક્ષકે વિદ્યાર્થીઓને તેમની માતા માટીથી વાસણો ઘસી લે પછી તે માટીવાળુ પાણી એક બોટલમાં ભરી લાવવાનું કહ્યું. પ્રત્યેક વિદ્યાર્થી દરરોજ માટીનાં પાણીવાળી એક બોટલ ઘેરથી લઈ આવવા માંડ્યો. શિક્ષકે વિદ્યાર્થીઓને આ જ પાણી ઝાડને પીવડાવવા માટે કહ્યું. દિવસો વીતતા ગયા અને શાળાની સામે એક લીલોછમ બગીચો તૈયાર થઈ ગયો. એક શિક્ષકનાં નાનકડા પ્રયોગે નકામા પાણીનાં ઉપયોગથી સૂકા પ્રદેશમાં હરિયાળી લાવી દીધી અને વળી આ પ્રયોગનાં માધ્યમથી શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રકૃતિમાતા સાથે મિત્રતા કેળવવાનું પણ શીખવી દીધું. મને આ ઘટના ઘણી સ્પર્શી ગઈ. આશા છે કે તમને પણ એ સ્પર્શી જશે.
 
પર્યાવરણની રક્ષા માટે આ પ્રકારની ટીપ્સ અને પ્રયોગોની જાણકારી પરસ્પર આપતા રહીએ. ચાલો આપણે સૌ પર્યાવરણની જાળવણીમાં આપણો ફાળો આપીએ.

 

Author: Gurjar Upendra Read More...

 

Coca-Cola

પ્રતિકાત્મક તસવીર

લંડન – એક બ્રિટિશ મહિલાએ એવો દાવો કર્યો છે કે તેણે કોકા કોલા પીવાનું સદંતર બંધ કરી દઈને તેના શરીરનું વજન ૧૧૨ પાઉન્ડ (૫૦ કિલો) જેટલું ઘટાડી દીધું છે.

સારાહ ટર્નર નામની મહિલા કહે છે કે તે એક સમયે દરરોજ ચાર લીટર કોકા કોલા પીતી હતી. એ વખતે તેનું વજન ૨૪૫ પાઉન્ડ હતું, પણ કોકા કોલા પીવાનું બંધ કરી દીધા બાદ તેનું વજન ઘટીને ૧૨૬ પાઉન્ડ થઈ ગયું છે.

બર્મિંઘમની ટર્નરે આ જાણકારી કેટર્સ ન્યૂઝને આપી છે.

તેનું કહેવું છે કે તે દરરોજ કોક ડ્રિન્ક પીને ૪૨૪ ગ્રામ સુગર પેટમાં પધરાવતી હતી. તે પીવાનું બંધ કરી દેતા અને સુગરનો વપરાશ ઘટી જતાં તે શરીરે એટલી બધી પાતળી થઈ ગઈ છે કે તેના ડ્રેસની સાઈઝમાં આઠ ગણો ઘટાડો થયો છે.

આ મહિલા ત્રણ સંતાનની માતા છે. તેણે કહ્યું કે તેને કોક પીવાનું વ્યસન લાગુ પડી ગયું હતું તેનાથી તેના શરીર પર કેવી હાનિકારક અસર પડશે એનું તેણે વિચાર્યું નહોતું. પરંતુ હવે વજન નાટ્યાત્મક રીતે ઘટી ગયા બાદ તે હવે બટેટા, બાફેલા મગ સહિત પૌષ્ટિક આહાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Author: Gurjar Upendra Read More...

શાસ્ત્રો મુજબ આ શિવલિંગ તમારી મનોકામના પૂરી કરી શકે છે

29.jpgશાસ્ત્રોમાં શિવલિંગનાં અનેક પ્રકારનાં વર્ણનો છે. જો કોઈ પોતાની મનોકામના મુજબ જે-તે શિવલિંગની પૂજા કરવામાં આવે તો તેની ઇચ્છા ખૂબ જ જલદી પૂરી થાય છે ત્યારે આવો, જાણીએ કયું શિવલિંગ તમારી કઈ ઇચ્છા પૂરી કરે છે. ભૂમિ ખરીદવાની ઇચ્છાવાળા વ્યક્તિએ ફૂલોનું શિવલિંગ બનાવી તેની પૂજા કરવી જોઈએ. ખાંડ (મોરસ)નું શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી માનસિક અને પારિવારિક સુખશાંતિ મળે છે. વાંસની કૂંપળોને ફૂટીને તેનું શિવલિંગ બનાવી પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે. ચાંદીથી બનેલા શિવલિંગ અને તેનો રુદ્રાભિષેક કરવાથી આર્થિક સંકટો દૂર થાય છે. ધન અને સમૃદ્ધિની ઇચ્છાવાળા લોકોએ પિત્તળ અથવા તો સોનામાંથી બનેલ શિવલિંગની પૂજા કરવી જોઈએ, પારાથી બનેલ શિવલિંગની પૂજા કરવાથી ધન, સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘાસને પીસી તેમાંથી બનાવેલ શિવલિંગની પૂજા અને રુદ્રાભિષેક કરવાથી અકાળ મૃત્યુનો ડર દૂર કરે છે અને આયુષ્યવૃૃદ્ધિ કરે છે.

બોલો... માણસ દર્દીને ભેંસનો બાટલો ચઢાવી દીધો...

30.jpgઆપણા દેશના સરકારી દવાખાનામાં ગરીબ દર્દીઓને માણસની માફક નહીં ઢોરની જેમ સારવાર અપાય છે એવું સાંભળ્યુ તો હતું, પરંતુ આ પ્રકારની સાક્ષાત્ લાલિયા વાડી મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં પ્રકાશમાં આવી છે. અહીંના જિલ્લા સ્તરીય એક દવાખાનામાં પુરુષ વિભાગમાં મુન્ના નામનો એક ગરીબ દર્દી સારવાર લેવા ગયો ત્યારે ત્યારે તેને ઇન્જેક્શન લગાવ્યા બાદ ગ્લુકોજની બોટલ ચડાવવામાં આવી જેના પર લખેલું હતું ‘ઓન્લી ફોર એનિમલ’ (ફક્ત પ્રાણીઓ માટે જ). આ વાંચી દર્દીના પરિવારજનોએ ભારે ધાંધલ મચાવી હતી. વિવાદ વધતો જોઈ સત્તાવાળાઓએ એ જ જૂનો જવાબ આપ્યો, મામલાની તપાસ કરીશું. દોષીઓ બચશે નહીં.

વાહ વિજય ઠાકુર, વટ છે તમારો...!

31.jpgમુંબઈમાં એક ટૅક્સીચાલક એવા છે જે મુશ્કેલ સમયમાં દર્દીઓને હૉસ્પિટલમાં પહોંચાડે છે, તે પણ એકદમ વાજબી દરે. જ્યારે હૉસ્પિટલમાં દાખલ લોકોના તો તે પૈસા પણ લેતા નથી. ૭૩ વર્ષના ટૅક્સીચાલક વિજય ઠાકુર અગાઉ જામેલા એન્જિનિયર હતા અને આજે કમાય છે તેના કરતાં ત્રણગણું કમાતા. થોડાં વર્ષો અગાઉ તેમના પત્ની પ્રસૂતિની પીડાથી તરફડિયાં મારતાં હતાં અને રાતના સમયે હૉસ્પિટલ લઈ જવા કોઈ જ તૈયાર ન થતાં પત્નીનું તેમની નજર સામે જ અવસાન થતાં તેઓએ ૧૮ વર્ષ જૂની પોતાના એન્જિનિયરિંગની નોકરી છોડી ટૅક્સીચાલક બની ગયા અને દિવસ-રાત જરૂરિયાતમંદ લોકોને હૉસ્પિટલ પહોંચાડી રહ્યા છે.

અહીં એક ઢોલી પાછળ ૧૪૦ આહીર યુવતીઓ સતી થઈ હતી

32.jpgઢોલીડાનો ઢોલ : રાપર પાસે વૃજવાણી નામનું ગામ છે, જ્યાં એક ઢોલી પાછળ ૧૪૦ આહીર યુવતીઓએ કટાર ખાઈ જીવ દીધો હતો. સાડા પાંચસો વર્ષ જૂની આ વાત છે. વૃજવાણીમાં એક ઢોલીએ એટલો સરસ ઢોલ વગાડ્યો કે ગામની આહીર યુવતીઓ ઘર-પરિવારને ભૂલી સળંગ ત્રણ-ત્રણ દિવસ સુધી રાસ રમતી રહી.

માલ, ઢોર, છોકરાં, છૈયાંને રેઢાં મેલી રાસ રમતી અને ઢોલીના ઢોલની પાછળ  ઘેલી આહીર યુવતીઓને પાછી વાળવા ગામના આહીર યુવકોએ ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ કહે છે કે, ઢોલ ઢબૂકે કે તરત યુવતીઓ ઘેલી બની અને તેના તાલે નૃત્યમાં જોડાઈ જતી હતી. આખરે યુવાનોએ ઢોલીને મારી નાખ્યો. આહીરાણીઓને આહીરોનું આ કૃત્ય માફક ન આવ્યું અને ઢોલી તરફનો તેમનો પ્રેમ ગણો કે તેમના આહીરો દ્વારા એક કલાકારનો જીવ લેવાના પાપ બદલનું પ્રાયશ્ર્ચિત્ત ગણો, રાસ રમતી બધી આહીરાણીઓ સતી થઈ. વૃજવાણીમાં આહીર સ્મારકમાં બધી આહીરાણીઓનાં નામ સાથેની મૂર્તિઓ મૂકવામાં આવી છે.

અપરાધી મુર્ગા હાજિર હો...

33.jpgકાનપુરના કર્નલગંજ વિસ્તારમાંના એક મરઘા વિરુદ્ધ યુપી પોલીસે મારપીટ અને શાંતિભંગ કરવાનો કેસ નોંધ્યો છે. પોલીસ મુજબ મરઘાને કારણે બે પક્ષના લોકો સામ-સામે આવી ગયા હતા જેના કારણે રમખાણ મચ્યું હતું, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. બનાવ એવો હતો કે, કાનપુરના કર્નલગંજ વિસ્તારના લુથૌરા મહોલ્લાના રામઉગ્રહ નામના વ્યક્તિનો પાલતુ મરઘો એટલો ઉગ્ર બની ગયો કે, તેણે ગુલજાર નામના એક યુવકને ચાંચ મારી જેથી પેલા યુવકે તેને સામે લાત મારી. આ જોઈ રામઉગ્રહના પુત્રે ગુલઝારને લાફો ઝીંકી દીધો, જેના જવાબમાં ગુલઝારના સમર્થનમાં તેની સંબંધી મહિલાઓએ મોરચો સંભાળ્યો ત્યાં મરઘા અને રામઉગ્રહ પક્ષની મહિલાઓએ પણ યુદ્ધનું બ્યૂગલ ફૂંક્યું અને જોત-જોતામાં આખો વિસ્તાર થોડીવાર માટે પથ્થરયુગમાં પહોંચી ગયો. હવે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામ-સામે ફરિયાદ નોંધાવી છે જેના લઈને ગમે ત્યારે મરઘા મહાશયને કોર્ટનું તેડું આવી શકે છે.

પુરુષપ્રધાન સમાજ વિરુદ્ધ ફ્રાન્સની મહિલાઓનું અનોખું પ્રદર્શન

34.jpgકોઈપણ બાબતનો વિરોધ દર્શાવવા લોકો પોત-પોતાની રીતો ક્યારેક તો અજીબો-ગરીબ રીતે અપનાવતા હોય છે. ફ્રાન્સની મહિલાઓ પણ હાલ કાંઈક આવા જ અજીબો-ગરીબ મૂડમાં જણાય છે. ફ્રાન્સની પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો વિરોધ કરવા હમણાં અહીંની મહિલાઓનાં ટોળેટોળાં ચહેરા પર નકલી દાઢી લગાવીને પુરુષોના વર્ચસ્વવાળી બેઠકોમાં વિરોધની ધડબડાટી બોલાવી રહી છે. લા બાર્બે નામના આ મહિલા સંગઠન મુજબ ફ્રાન્સની પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં પાછલાં ૧૦૦ વર્ષોમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. પહેલાં પુરુષો દાઢી-મૂછ રાખતા હતા, જ્યારે આજના પુરુષો દાઢી-મૂછ રાખતા નથી. પુરુષોમાં બસ આટલું જ પરિવર્તન આવ્યું છે. બાકી તેમની માનસિકતા તો આજે પણ ૧૦૦ વર્ષ જૂની છે, માટે અમે દાઢી-મૂછ લગાવીને આ વ્યવસ્થાનો વિરોધ કરી રહ્યાં છીએ.

મગરના મોંમાંથી હેમખેમ બહાર આવ્યો આ ટેણિયો

35.jpgઅમેરિકાનો નવ વર્ષનો એક બાળક આજકાલ તેની બહાદુરીથી અનેક બાળકો માટે આદર્શ બની ગયો છે. જેમ્સબોર્ન  નામનો આ ટેણિયો થોડા સમય પહેલાં ફ્લોરિડાના એક તળાવમાં તરવા માટે ગયો હતો ત્યારે તળાવના એક મગરે તેનો પગ પકડી લીધો, પરંતુ આ ટેણિયાએ ડર્યા વગર પોતાની સૂઝબૂઝથી પોતાની તમામ તાકાતથી મગરના જડબામાં જોરદાર મુક્કા પર મુક્કા વર્ષાવ્યા અને મદદ માટે બૂમાબૂમ કરી. આ સાંભળી કેટલાક લોકો તેની મદદે આવ્યા અને તેને બચાવી લીધો. તેના પગ અને શરીર પર મગરના કરડવાનાં અનેક નિશાનો છે અને પગમાં મગરનો એક દાંત પણ તૂટી ભરાઈ ગયો હતો, જેને ડૉક્ટરોએ ઑપરેશન થકી કાઢી લીધો હતો. જેમ્સ એ દાંતને પોતાની બહાદુરીના પ્રતીક રૂપે હંમેશા પોતાની પાસે રાખવા માંગે છે.

હિન્દુ મહિલાની સારવાર માટે હજના પૈસા ખર્ચી નાખ્યા

36.jpg૫૦ વર્ષ પહેલાં જમશેદપુરની ઉમાદેવી નામની મહિલાએ કોમી તોફાનોમાં અમીના બી નામની મુસ્લિમ મહિલાને જીવના જોખમે તોફાનીઓથી બચાવી લીધી હતી. તો હવે આ અમીના બી એ પોતાની એ મદદગારનો જીવ બચાવવા માટે પોતાની આજીવન બચાવેલી મૂડી દાવ પર લગાવી દીધી છે, ત્યાં સુધી કે આ નેકદિલ મહિલાએ હજ પઢવા માટે પાઈ પાઈ કરી બચાવેલા રૂપિયા પણ ઉમાદેવીની સારવાર માટે ખર્ચી કાઢ્યા છે. ૭૫ વર્ષનાં ઉમાદેવીની કિડની ખરાબ થઈ ગઈ છે. પુત્રો છે પણ તેમને છોડી અમેરિકા ચાલ્યા ગયા છે અને ઉમાદેવીનું ઘર પણ તેઓએ વેચી માર્યું છે. હાલ આ એકાકી મહિલાને ૭૦ વર્ષનાં અમીના બી એ આશરો આપ્યો છે. તે હવે ઉમાદેવીને બચાવવા પોતાની કિડની આપવા પણ તૈયાર છે. હરપળ ઉમાદેવીની સંભાળ રાખનાર અમીના બી કહે છે કે, ઉમા સાજી થઈ જાય તો હું સમજીશ કે, મેં હજ પઢી લીધી છે.

- સૌજન્ય : સાધના સાપ્તાહિક 

Author: Gurjar Upendra Read More...

diet for diabiticગળપણથી રહો દૂર.... 
 
ડાયાબિટીસની સારવારમાં ખોરાકનું નિયંત્રણ ઘણું અગત્યનું છે. ડાયાબિટીસનો દર્દી એક તંદુરસ્ત વ્યક્તિની જેમ જ કાર્ય કરતો હોય છે. તેમનો આહાર સમતોલ અને પુરતા પોષક તત્વોથી ભરપૂર હોવો જરી છે. ડાયાબિટીસમાં આહાર વ્યક્તિની જીવનશૈલી દર્દીની ઉંમર, વજન, તેમની દૈનિક પ્રવૃતિ, રોજીંદી કેલેરીનો તેમની જરિયાત વિગેરે સિધ્ધાંતોને અનુસરીને નકકી કરવો જોઈએ. 
 
* ડાયાબિટીસના દર્દીઓએ ખોરાકમાં શું ન લેવાય ? 
 
ખાંડ, સાકર, ગોળ, મધ, ગ્લુકોઝ, મીઠાઈ, ચોકલેટ, સુકોમેવો (બદામ, કાજુ, અખરોટ, પીસ્તા, કોપ વિગેરે), ચીઝ, ક્રીમ, ડેઝર્ટસ, મીઠા પીણા, ક્ધડેન્સ્ડ મિલ્ક, ફરસાણ એટલે કે તેલમાં તળેલી વસ્તુઓ, અથાણા, સોસ, સૂપ, મેંદો, કોર્ન, ફલાવર, કસ્ટર્ડ, પેસ્ટ્રીકેડ, જામ, જેલી, ગળ્યા બિસ્કિટ, આઈસક્રીમ, ઘી, માખણ, વનસ્પતિ ઘી, પામ ઓઈલ, કોપરેલ, બેકરીની વસ્તુઓ, આલ્કોહોલ, તેલવાળા અથાણા ન લેવાય. 
 
1 .  ડાયાબિટીસના દર્દીએ શું ઓછું ખાવું ? 
 
નીચે જણાવેલી વસ્તુઓ મર્યિદિત જથ્થામાં લઈ શકાય.
 
ઘઉં, મકાઈ, બાજરી, ચોખા, ભાત, કઠોળ, જેવા કે મગ, મઠ, તુવેર, વાલ, અળદ, મગફળી વિ. દૂધ, દહીં, જાડી છાસ, ફિકકકુળ, મોળી બ્રેડ, મોળા બિસ્કિટ, ચરબી વગરનું મટન, માછલી, ઈંડા (સફેદ ભાગ), બટેટા, શકકરીયા જેવા કંદમુળ, કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ જેવા મીઠા ફળ, તેલ તથા ચરબીવાળા ખોરાક (મેદસ્વી લોકોએ ચરબી યુકત ખોરાક ન લેવો). 
 
2.  ડાયાબિટીસના દર્દીઓને શું છૂટથી લઈ શકાય ? 
 
લીલા પાંદડાવાળા શાકભાજી, આમળા, હળદર, કાંદા, લસણ, લીંબુ, મરચા, મોળી પાતળી છાસ, ઉગાવેલા કઠોળ, સફરજન, દાડમ, સંતરા, મોસંબી, ટેટી જેવા ફળો કાચા ટમેટા, કાકડી, મુળા, મોગરી, ગાજર, કોબીચ, ક્રીમ વગરનો વેજીટેબલ સુપ, ટમેટાનો રસ, સોડા, લીલા નારિયેળનું પાણી, ખાંડ વગરના પીણા, મલાઈ વગરનું દૂધ વગેરે છૂટથી લઈ શકાય. 
 
* કિડનીની બિમારીમાં કયો ખોરાક ન લેવાય ? 
 
કિડનીની બિમારીમાં કઠોળવાળો ખોરાક ન લેવાય તથા ફળો પણ ન લેવાય. મીઠાઈનું પ્રમાણ મર્યિદિત રાખવું જોઈએ. માત્રાના પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ. આ ઉપરાંત નારિયેળ, ઠંડા પીણા, ફ્રટ જયુસ, બટેટા, ટમેટા, પાલકની ભાજી, લીંબુ સરબત, સુકો મેવો, શીંગદાણા, તલ કે સુકુ નારિયેળ કે લીલું નારિયેળ જેવા પદાર્થો ન લેવા જોઈએ અને કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ વધારે લેવાની સલાહ છે. 
 
3 કસરત: 
 
ડાયાબિટીસના દર્દી માટે કસરત બહ અગત્યતા ધરાવે છે. દર્દીએ શારિરીક શ્રમ અને નિયમિત કસરતને દિનચયર્નિા ભાગ તરીકે અપ્નાવવા જોઈએ. 
 
કસરતના ફાયદા: લોહીમાં ગ્લુકોઝ અને ચરબીનું પ્રમાણ જળવાય છે. દવા અને ઈન્સ્યુલીનની માત્રા ઘટાડી શકાય છે. હૃદયની તથા ફેફસાની ક્ષમતા વધે છે. વજન ઘટવાથી રોગોમાં ફાયદો થાય છે. માનસિક શાંતિ મળે છે. મન પ્રફુલ્લીત રહે છે. ઉંઘ સારી આવે છે. લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા ઘટે છે. 
 
* કસરતમાં સાવચેતી કઈ રીતે રાખશો ? 
 
(1) કોઈપણ કસરત કરતા પહેલા તમારા ડોકટરની સલાહ લો. 
(2) કસરત કરવાનો સમય નકકી રાખો. 
(3) ચાલવું એ સૌથી શ્રેષ્ઠ કસરત છે. 
(4) ચાલવા જતી વખતે પીપરમેન્ટ કે બિસ્કિટ પેકેટ સાથે રાખવું જેથી ખાંડ ઘટે તો તરત જ લઈ શકાય. 
(5) જમ્યા બાદ કે તરત કે સાવ ખાલી પેટે અથવા તો દવા ઈન્સ્યુલીન લીધા પછી જ કસરત કરવી યોગ્ય નથી. 
(6) પગની તકલીફ હોય તેવા સંજોગોમાં હાથની કસરત કરી શકાય અથવા યોગ્ય પ્રાણાયામ અથવા ઘરમાં સાઈકલ પણ ચલાવી શકાય. (ઉભી સાઈકલ) 
 
* કસરત સાવચેતી કઈ રીતે રાખશો ? 
 
* ડાયાબિટીસથી સ્વાસ્થ્યને થતું નુકસાન.
* ડાયાબિટીસની નકારાત્મક અસરો શરીરના વિભિન્ન અંગો પર જોવા મળે છે. જેવા કે આંખ, કિડની, હૃદય, પગ-દાંત અને ત્વચા જે લાંબાગાળાની તકલીફો છે. તાત્કાલીક થતી તકલીફોમાં હાઈપોગ્લાસીમિયા અને ડાયાબિટીક એસિડોસીસ અને કોમા છે. 
* હાઈપોગ્લાસીમિયા : 
હાઈપોગ્લાયસીમિયા એટલે લોહીમાં ખાંડ ઘટી જવી (ગ્લુકોઝનું પ્રમાણ) નીચેના કારણોસર હાઈપોગ્લાયસીમિયા થાય : 
- જરૂર કરતા વધુ ઈન્સ્યુલીન આપવાથી રકતમાં ગ્લુકોઝ ખુબ ઘટી જાય છે. 
- દરરોજ ખાતા હોય તેથી ઓછું ખાવાથી કે ખોરાક લેવામાં વિલંબ થવાથી. 
- આપની આવશ્યકતાઓ સાથે મેળ ન ખાતી હોય તેવી ડાયાબિટીસની દવાઓ લેવાથી ઝાડા કે ઊલટીને કારણે ખોરાક નીકળી જાય. 
- કયારેક વધુ પડતી કસરતથી 
- સામાન્ય રીતે હાઈપોગ્લાસસીમિયા થાય ત્યારે ભૂખ લાગે. દર્દી ફિકકો પડે, નબળાઈ લાગે, બેચેની જણાય, ખુબ પરસેવો વળે, ચકકર આવે, માથાનો દુ:ખાવો થાય, થાક લાગે, ઊલટી, ઉબકા, ધુંધળી દ્રષ્ટિ, આંચકી જેવા લક્ષણો જોવા મળે છે. 
હાઈપોગ્લાયસીમીયામાં જો તાત્કાલીક ખાંડ કે ફળના રસ આપી સારવાર કરવામાં ન આવે તો દર્દી બેભાન થઈ જાય છે અને કયારેક મૃત્યુ પણ પામે છે. તેથી આવા સંજોગોમાં તાત્કાલીક દર્દીને ગળી ચીજ ખાંડ, ગ્લુકોઝ, ફળના રસ કે ચમચી મધ આપવું, દર્દી જો બેભાન હોય તો ડોકટરની દેખરેખ નીચે નસ દ્વારા ગ્લુકોઝ આપવું.

Author: Gurjar Upendra Read More...

  માણસને બદામ ખાવાથી નહિ પણ જીવનમાં ઠોકર ખાવાથી અક્કલ આવે છે

  ઊંડામાં ઊંડી લાગણી પણ મૌન વડે વ્યક્ત થઇ શકે છે કારણકે સમયસરનું મૌન વાણી કરતા વધુ બોલકું હોય છે

   પ્રેમ એક એવું પુષ્પ છે જે દરેક ઋતુમાં ખીલી શકે છે

   જો જ્ઞાન પ્રમાણે જીવન ન ઘડાય તો પરિણામે જીવન પ્રમાણે નું જ્ઞાન થઇ જાય છે.

   અભિમાનથી માનવી ફુલાઈ શકે છે પણ ફેલાઈ શકતો નથી.

   વિશ્વાસ એક એવો શબ્દ છે જેને વાચતા એક સેકંડ લાગે છે સમજતા એક મિનીટ લાગે છે અને જીતતા એક દિવસ લાગે છે અને નિભાવતા આખી જિંદગી પણ ઓછી પડે છે

   એકજ ભૂલ આપણે જિંદગી ભર કરતા રહ્યા ધૂળ ચહેરા પર હતી અને આપણે અરીસો સાફ કરતા રહ્યા.

   જિંદગીમાં સંબંધો કોબી જેવા છે જો તમે એને ફોલ્યા જ કરશો તો છેલ્લે હાથમાં કઈ જ નહિ આવશે.

   જિંદગી એવી રીતે ન જીવો કે કોઈ ફરિયાદ કરી જાય જિંદગી એવી રીતે જીવો કે કોઈ ફરી યાદ કરી જાય

   નસીબમાં જે લખ્યું છે એના પર અફસોસ ન કર કેમ કે તું હજુ એટલો સમજણો નથી થયો કે ઈશ્વરના ઈરાદાને સમજી શકે

Author: Gurjar Upendra Read More...

Most Viewed

Most Viewed Author