Shayri

Add Your Entry

જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર
તો દ્રશ્ય પણ વહી શકે નસનસની આરપાર

અજવાળું ઊગશે, હજારો વાર ઊગશે
અંધારું નીકળ્યું ભલે ફાનસની આરપાર

એણે કહેલો માર્ગ ક્યાં સમજી શક્યું કોઈ
ખીલાની જેમ સૌ ગયા જીસસની આરપાર

પૂછો નહીં કે એ પછી આકાર શું થયો
ચારેય રેખા વિસ્તરી ચોરસની આરપાર

સાચી ગઝલ હશે તો કશું પણ થશે નહીં
તલવાર જઈ શકે નહીં તાપસની આરપાર

સંબંધ આપણો કદી જાહેર ના થયો
એક આગ આવી નૈ કદી બાક્સની આરપાર

– કુલદીપ કારિયા

Author Gurjar Upendra Read More...

ઘણા ચહેરા, ઘણી વાતો ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું.

ઘણી મશહુર છે સ્ટોરી, ‘ટપકતી છત હતો પહેલાં’
પછી વરસ્યો ઘણો વરસાદ ને તૂટી ગયો છું હું

વિચારૂં છું હજી ભીનાશ જેવું શું હશે અંદર !?
નહીં તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું

અરે હું ચાંદ છું પૂનમ તણો જાણે છે આખું જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું

વટાવી ગઈ હદો સઘળીય મજબૂરી અમારી, કે -
હતું મારૂં જ એ ઘર ‘પ્રેમ’ ને લૂટી ગયો છું હું

 

- જિગર જોષી ‘પ્રેમ’

 

Author Gurjar Upendra Read More...

જિંદગી ની હર એક પલ સરખી નથી હોતી ,
સમુદ્ર મા રોજ ભરતી નથી હોતી,
મિલન અને જુદાય એ બે પ્રસંગ છે જિંદગી ના,
જેમાં આંસુ ની કીમત સરખી નથી હોતી

 

 

અમિતકુમાર એમ. રાવલ (સુરત)

Author Hitendra Vasudev Read More...

કેટલાં હૈયાં મહીં કીધો વિસામો, દોસ્તો !
યાત્રીએ જોવાં મજાનાં તીર્થધામો, દોસ્તો.

સંસ્મરણનાં પુષ્પો હું સૂંઘી રહ્યો, વાંચી રહ્યો;
પાંદડીઓ પર હતાં અગણિત નામો, દોસ્તો !

હોઠ પર હરદમ બિરાજો સ્મિતની થઈને લહેર;
પાંપણે બિંદુ બની ક્યારેક ઝામો, દોસ્તો !

મારી દુનિયામાંય ધરતી છે, ને અવકાશ પણ,
પગ મૂકો, પ્રગતિ કરો, વિસ્તાર પામો દોસ્તો !

પ્રેમ જેવા શસ્ત્રથી ઘાયલ થવું સહુને ગમે,
એ ગમે ત્યાં ને ગમે ત્યારે ઉગામો, દોસ્તો !

દોસ્તો – ગની દહીંવાલા

Author Gurjar Upendra Read More...

જેવો તેવોય એક શાયર છું,
દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું.

શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,
યાને હું નિત્ય છું, નિરંતર છું.

હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,
જે કશું છું, હું દોસ્ત, અંદર છું.

સત્ય છું, શિવ છું, હું સુંદર છું,
પરથી પર યાને હું પરાત્પર છું.

હું હતો, છું, હજીય હોવાનો;
હું સનાતન છું, હું સદંતર છું.

બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને;
કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું.

હું છું સંદેશ ગેબનો સંદેશ;
પત્ર વાહક નથી, પયંબર છું.

ઉન્મત્ત આનંદનો છું હું સાગર;
દત્ત અવધૂત છું, દિગમ્બર છું.

ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’,
રિન્દાના-સ્વાંગમાં હું શંકર છું.

-અમૃત ઘાયલ

Author Gurjar Upendra Read More...

પ્રેમભીનાં ગુલાબ મોકલું છું,

જાગરણના જવાબ મોકલું છું;

પાંપણો સહેજ પણ ખુલી ના શકે,

એવાં ગમતીલાં ખ્વાબ મોકલું છું.

– વિવેક મનહર ટેલર

 

અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે,

હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;

અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,

તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

– બેફામ સાહેબની એક રચના

 

 

કોણ મોહતાજી વસંતોની કરે

તમને સંભારુંને ખીલે છે ગુલાબ !

Author Gurjar Upendra Read More...

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

- શૂન્ય પાલનપુરી 

Author Gurjar Upendra Read More...

મારા મરણ વખતે બધી
મિલકત અહીં પથરાવજો
મારી નનામી સાથ
કબ્રસ્તાનમાં પણ લાવજો
જે બાહુબળથી મેળવ્યું
એ ભોગવી પણ ના શક્યો
અબજોની દોલત આપતાં
પણ એ સિકંદર ના બચ્યો.
(૨)
મારું મરણ થાતાં બધા
હથિયાર લશ્કર લાવજો
પાછળ રહે મૃતદેહ
આગળ સર્વને દોડાવજો
આખા જગતને જીતનારું
સૈન્ય પણ રડતું રહ્યું
વિકરાળ દળ ભૂપાળને
નહિ કાળથી છોડાવી શક્યું.
(૩)
મારા બધાં વૈદો હકીમોને
અહીં બોલાવજો
મારો જનાજો એ જ વૈદોને
ખભે ઉપડાવજો
કહો દર્દીઓના દર્દને
દફનાવનારું કોણ છે ?
દોરી તૂટી આયુષ્યની તો
સાંધનારું કોણ છે ?
(૪)
ખુલ્લી હથેળી રાખીને
જીવો જગતમાં આવતાં
ને ખાલી હાથે સૌ જનો
આ જગતથી ચાલ્યા જતાં
યૌવન ફના, જીવન ફના
જર ને જવાહર છે ફના
પરલોકમાં પરિણામ ફળશે
પુણ્યનાં ને પાપનાં.

Author Gurjar Upendra Read More...

Most Viewed Shayri

Most Viewed Author