Stories

Add Your Entry

એક રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય પુત્રો પુખ્ત ઉંમરના થયા છે. રાજા વૃધ્દ્ર થવા લાગ્યા છે. રજવાડાના નિયમ પ્રમાણે જ્યેષ્ઠ પુત્ર રાજગાદીનો વારસ બને, પરંતુ રાજા આ પ્રણાલીમાં માનતા નથી. રાજ્યશાસન ચલાવવાની લાયકાતવાળો પુત્ર રાજા બને તેવું તેઓ ઈચ્છે છે. તેમણે પોતાના મનની વાત ગુરુને કહી. ગુરુએ કહ્યું,”રાજન, તે માટે કસોટી કરીએ.” ત્રણેય પુત્રોને બોલાવવામાં આવ્યા.ત્રણેયને એક એક રૂપિયો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે દરેક રાજકુમાર તેમને આપવામાં આવેલો રૂપિયો તેમની મરજી મુજબ વાપરી શકે છે.
પહેલો રાજકુંવર મનમાં વિચાર કરે છે કે હું રાજાનો દિકરો,એક રૂપિયોની મારે મન શું કિંમત? તે મોજશોખ પાછળ તે રૂપિયો વાપરી નાખે છે.
બીજો રાજકુંવર વિચાર કરે છે કે એક રૂપિયામાં વધુમાં વધુ શું આવે? તે નકામી કચરા જેવી ચીજો ખરીદવામાં રૂપિયો વાપરી નાખે છે.
ત્રીજો રાજકુંવર વિચાર કરે છે કે આ એક રૂપિયો આપવા પાછળ કંઈક ઉદ્દેશ છે. મારે તેનો સારામાં સારો ઉપયોગકરવો જોઈએ. તે એક રૂપિયાનું પુસ્તક ખરીદે છે અને વાંચી જાય છે.
એક સપ્તાહ પછી ત્રણેય રાજકુંવરોને બોલાવવામાં આવે છે. રૂપિયો કઈ રીતે વાપર્યો તે પૂછવામાં આવે છે. પ્રથમ રાજકુંવર જણાવે છે કે તેણે મોજશોખમાં વાપર્યો. બીજો કહે છે તેણે આ બધી વસ્તુઓ ખરીદી. વસ્તુઓ સાવ કચરા જેવી હતી.
ત્રીજો રાજકુંવર કહે છે તેણે પુસ્તક ખરીઘું અને તેના દ્વારા તેણે જ્ઞાન મેળવ્યું છે.
આપણે સમજી શકીએ છીએ કે રાજા અને ગુરુએ રાજ્યનું શાસન કોને સોંપ્યું હશે? ત્રીજા પુત્રને રાજ્યનું શાસન સોંપવામાં આવે છે.
આપણને પણ આપણો પરમપિતા દરરોજ એક રૂપિયો એટલે કે એક દિવસ આપે છે. સાંજે આપણી પાસે હિસાબ માંગવામાં આવે છે કે આપણે તે રૂપિયાનું-દિવસનું શું કર્યું? તેનો કઈ રીતે ઉપયોગ કર્યો?
મોટાભાગનાં તેને મોજમજામાં વેડફી નાખે છે. તેને મન એક દિવસની કાંઈ કિંમત નથી. દરરોજ એક એક દિવસ વેડફતાં સમગ્ર જીવન વેડફાઈ જાય છે.
બીજા કેટલાક એવા છે જે ક્ષુલ્લક બાબતોમાં, બિનમહત્વની બાબતોમાં પોતાનો સમય વ્યતીત કરે છે. તે સમયને વાપરે તો છે પણ તેનું જોઈએ તેટલું સારું પરિણામ મળતું નથી. આખરે અફસોસ થાય છે કે જે કરવાં જેવું હતું તે ન કર્યું અને ન કરવા જેવાં કામોમાં જિંદગી વ્યતીત થઈ ગઈ.
આપણામાંથી ઘણા ઓછા માણસો પોતાને મળેલા દિવસનો મહત્તમ અને ઉત્તમ ઉપયોગ કરે છે. તે દરેક ક્ષણને જીવે છે. તેના ઉપયોગ કરે છે. તેની પાસે સમયનું આયોજન હોય છે. તેને કયા અગત્યનાં કાર્યો, નિર્ધારિત કાર્યો પૂરાં કરવાનાં છે. તેનો ચોક્કસ ખ્યાલ હોય છે. પરિણામે તેના સમગ્ર જીવન દરમિયાન તે જે કરવા ઈચ્છે છે, જે મેળવવા ઈચ્છે, જે સમૃધ્ધિ, સિધ્ધિ કે સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે મેળવે છે અને જીવનની સાર્થકતાની અનુભૂતિ કરે છે. પરમ પિતાએ પોતાને આપેલ રૂપિયાનો હિસાબ આપતા તેના ચહેરા પર એક પ્રકારનો સંતોષ જોઈ શકાય છે.
જીવન ઉત્સવ (જીવન જીવવાની દિશા)

Author: Minal Mewada Read More...

આગ્રા પાસેના એક ગામમાં એક સાધારણ પરિવારમાં બીરબલનો જન્મ થયો હતો. એની પંદર વર્ષની ઉંમરે એનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. એ વખતે એની પાસે પચાસ રૂપિયા હતા. એણે વિચાર્યું કે, ગામડાગામમાં રહીને શો ધંધો કરીને જીવન ગુજારીશ? ખૂબ વિચાર કર્યા પછી એણે આગ્રાના કિલ્લાની બાજુમાં પાનની દુકાન કરી. એની પાનની જમાવટ અને મળતાવડા સ્વભાવને કારણે થોડા સમયમાં એની દુકાન જામી ગઈ.

એ સમયે આગ્રાના કિલ્લામાં અકબર બાદશાહ રહેતો હતો.

એક દિવસ બપોરને સમયે બીરબલની દુકાને રસૂલ નામનો શાહી નોકર આવીને બોલ્યો : ‘લાલા! તૈયાર કરેલો પાશેર (100 ગ્રામ) ચૂનો આપો.’

એકી સાથે આટલો ચૂનો લેવા આવનાર ગ્રાહક સામે જોઈ બીરબલે પૂછ્યું : ‘આ ચૂનો કોણ મંગાવ્યો છે?’

રસૂલ બોલ્યો : ‘બાદશાહ સલામતે મંગાવ્યો છે.’

બીરબલે પૂછ્યું : ‘બાદશાહને ઓચિંતી ચૂનાની શી જરૂર પડી? કોઈ કારણ તો હશેને?’

રસૂલે કહ્યું : ‘લાલા! પડાપૂછ કર્યા વગર મને ચૂનો આપોને? મારે મોડું થાય છે. બાદશાહના જમ્યા પછી મેં એમને પાન ધર્યું. એ ખાતાં જ એમનું મોં બગડી ગયું અને આસન પર બેસી ગયા. તરત જ એમણે હુકમ કર્યો : પાશેર ચૂનો લઈ આવ.

બીરબલે પૂછ્યું : ‘તમે બાદશાહની શી સેવા બજાવો છો?’

રસૂલે કહ્યું : ‘બાદશાહને બે વખત પાન બનાવી આપવાની નોકરી કરું છું.’

‘કેટલાં વરસથી નોકરી કરો છો?’

‘પંદર વરસથી.’

‘આમ છતાં તમને પાન બનાવતાં આવડતું નથી. ચૂના સાથે કફન પણ લેતા જજો.’

‘લાલા! આમ કેમ બોલો છો? તમારી વાતમાં મને કંઈ ન સમજાયું.’

‘હવે સમજાશે. આ પાશેર ચૂનો તમને ખવડાવવામાં આવશે.

‘પરંતુ મારી કસૂર?’

‘તમે પાનમાં ચૂનો વધારે નાખી દીધો હતો, જેથી બાદશાહના મોંમાં જબરી બળતરા ઊપડી હતી. ચૂનાની બળતરાનો જાતઅનુભવ કરાવવા તમને ચૂનો લેવા મોકલ્યા હતા. આ પાશેર ચૂનો તમને ખવડાવવામાં આવશે. જેથી મેં તમને કહ્યું કે, ચૂના સાથે કફન પણ લઈ જજો.’

રસૂલ ગભરાઈને બોલ્યો : ‘તો તો હું મરી જઈશ. લાલા! ભાઈસા’બ! તમે તો જબરા જાણકાર લાગો છો. આમાંથી બચવાનો કોઈ ઉપાય બતાવો, જેથી મારો જાન બચી જાય.’

બીરબલે કહ્યું : ‘મિયાં! હવે તમારે બચવાનો એક જ ઉપાય છે. આ ચૂનાની સાથે મોદીની દુકાનેથી એક શેર (500 ગ્રામ) ઘી પણ લેતા જજો. બાદશાહની પાસે જતાં પહેલાં તમે શેર ઘી પી જજો. બાદશાહ ચૂનો ખાવાનું કહે ત્યારે બેધડક ચૂનો ખાઈ જજો. જેમ ઝેરનું મારણ ઝેર છે, એમ ચૂનાનું મારણ ઘી છે. ઘીને લીધે તમારી જીભ કે કાળજાને કોઈ અસર થશે નહિ અને તમે બચી જશો.’

બીરબલનો આભાર માનતો રસૂલ ત્યાંથી રવાના થયો.

બાદશાહ પાસે જઈ રસૂલે ચૂનાનું પાત્ર મૂક્યું અને અદબ વાળીને ઊભો રહ્યો.

બાદશાહે હુકમ કર્યો : ‘આ ચૂનો મારી સામે બેસીને ખાઈ જા.’

બીરબલની સલાહ અનુસાર રસૂલ ચૂનો ખાઈ ગયો. સાંજે રસૂલ બાદશાહને પાન આપવા હાજર થયો ત્યારે બાદશાહે આશ્ર્ચર્યથી પૂછ્યું : ‘રસુલિયા! તું હજી જીવે છે?’

‘હા, નામદાર! આપ્ની મહેરબાનીથી બચી ગયો.’

બાદશાહે એના બચવાનું કારણ પૂછ્યું. રસૂલે બીરબલ સાથે થયેલી વાતચીત બાદશાહને કહી સંભળાવી. બાદશાહને પણ થયું કે, આ માણસ જબરો બુદ્ધિશાળી લાગે છે!

બાદશાહે રસૂલને કહ્યું : ‘કાલે દરબારમાં એ પાનવાળાને લેતો આવજે.’

બીજે દિવસે બીરબલને લઈને રસૂલ દરબારમાં હાજર થયો. બાદશાહને સલામ કરી અદબ વાળી ઊભો રહ્યો.

બાદશાહે પૂછ્યું : ‘તમારું નામ શું? આ નોકરને ઘી પીવાની તમે સલાહ આપી હતી?’

બીરબલ બોલ્યો : ‘મારું નામ બીરબલ છે. એની વાત ઉપરથી હું સમજી ગયો હતો કે, એણે આપ્ના પાનમાં ચૂનો વધારે નાખી દીધો છે.’

બાદશાહે કહ્યું : ‘તમે જબરા અક્કલમંદ લાગો છો!’

બીરબલ બોલ્યો : ‘સરસ્વતીદેવીની કૃપા છે.’

‘મારે તમને થોડા સવાલ પૂછવા છે. જો બધાય સવાલોના જવાબ સાચા હશે તો તમને ઇનામ આપવામાં આવશે.’

‘ફરમાવો નામદાર! મારી બુદ્ધિ પ્રમાણે આપ્ના સવાલોના જવાબ આપીશ.’

બાદશાહે પૂછ્યું. : ‘બારમાંથી ચાર જાય તો શું રહે?’

બીરબલે કહ્યું : ‘હજૂર! કંઈ બાકી ન રહે.’

‘એમ કેમ? એનું શું કારણ?’

બીરબલ બોલ્યો : ‘બાર મહિનામાંથી ચોમાસાના ચાર મહિના કાઢી નાખવામાં આવે તો વરસાદ વગર પ્રાણી માત્ર જીવી ન શકે.’

બાદશાહે જવાબ સાંભળી ખુશ થઈને બીજો સવાલ પૂછ્યો : ‘એક ને એક કેટલા થાય?’

બીરબલે કહ્યું : ‘એક ને એક અગિયાર થાય.’

બાદશાહે પૂછ્યું : ‘એ કેવી રીતે?’

બીરબલે કહ્યું : ‘જો તમારા જેવા બાદશાહ હોય અને સાથે મારા જેવો માણસ હોય તો બંનેની બુદ્ધિ-શક્તિ બેને બદલે અગિયાર જેટલી થઈ જાય.’

બાદશાહે ખુશ થઈને કહ્યું : ‘શાબાશ! મારા દરબારમાં રત્ન-સમાન આઠ વિદ્વાન મંત્રીઓ છે. આજે હું તમને નવમા મંત્રી બનાવું છું, જેથી મારા દરબારમાં નવરત્ન સમાન વિદ્વાનોની ગણત્રી થાય.’

બીરબલ બોલ્યો : ‘નામદાર! આપે મારી કદર કરી એ બદલ આપ્નો આભારી છું.’

આમ બીરબલને પોતાની હાજરજવાબી અને બુદ્ધિચાતુર્યથી મંત્રીપદ મળ્યું.

અકબર બાદશાહ અને બીરબલ છત્રીસ વર્ષો સુધી સાથે રહ્યા. બીરબલ જેવો બુદ્ધિશાળી હતો, એવો જબરો લડવૈયો પણ હતો. અફઘાનો સાથે કાબુલની લડાઈમાં એનું મૃત્યુ થયું. ત્યારે બાદશાહ ખૂબ રડ્યો હતો.

નાનપણથી સરસ્વતી દેવીની આરાધના કરી બીરબલે પોતાની બુદ્ધિ-પ્રતિભાને લીધે લોકવાર્તાઓમાં અને ઇતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે.

(લેખકઃ વસંતલાલ પરમાર)

Author: Minal Mewada Read More...

એક સુંદર ગામ હતું. ગામમાં એક સુંદર શાળા. આ શાળામાં એક બહુ જ ભલા, જ્ઞાની અને રમૂજી સ્વભાવના શિક્ષક શાંતિલાલ રહે. શંતિલાલ બાળકોને પ્રેમથી ભણાવે. સારી-સારી વાર્તાઓ કહે. તેમની વાતો સાંભળી તોફાની છોકરાય શાંત થઈ જાય. એક દિવસ શાંતિલાલ સાહેબે એક સુંદર વાર્તા કહી. આ વાર્તા હતી મહાભારતના સમયની.

શાંતિલાલે કહ્યું : એક મહાન રાજા થઈ ગયા. આખી પ્રુથ્વી ઉપર તેમનું રાજ્ય હતું. બહુ જ સુંદર રાજ્ય-વહીવટ ચાલતો હતો. રાજા ખૂબ પ્રજાપ્રેમી હતા. તેઓ પ્રજાકલ્યાણનાં અનેક કામો કરતા હતા. તેથી પ્રજા પણ તેમના પર ખુશ હતી. આમ તેમણે ઘણાં વર્ષો રાજ્ય-વહીવટ ચલાવ્યો, પણ પછી રાજાનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેમણે સંન્યાસ લેવાની ઈચ્છા થઈ ગઈ !

એક દિવસ રાજાએ જાહેરાત કરી,‘ હવે હું જંગલમાં જઈ તપ કરવા ઈચ્છું છું. મારું રાજ્ય મારા પુત્રને સોંપું છું. તે હવેથી રાજ્ય‌-વહીવટ ચાલાવશે’ . પહેલાંના વખતમાં રાજા અમુક ઉંમર પછી રાજ્યનો કારભાર છોડી જંગલમાં જતા. ત્યાં ભગવાનનું ભજન કરતા અને સંન્યાસી જેવું જીવન જીવતા.

આપણી સત્ય વાર્તાના રાજાનું નામ છે : ભરત રાજા. ભરત રાજાએ રાજ્યનો ત્યાગ કર્યો. વનમાં ગંડકી નદીના કિનારે એક સુંદર આશ્રમ બાંધ્યો અને ભગવાનનાં જપ, તપ અને વ્રત કરવા લાગ્યા. સવારે બ્રાહ્મમુહૂર્તમાં તેઓ જાગી જાય. ગંડકી નદીના નિર્મળ જળમાં સ્નાન કરે.પૂજા-પાઠ અને જપ-તપ કરે.

એક દિવસ રાજા વહેલા ઊઠીને નદીએ સ્નાન કરવા ગયા. તેઓ ભગવાનનું નામ લેતાં-લેતાં સ્નાન કરતાં હતાં. સામા કિનારે એક હરણી પાણી પીતી હતી. તેવામાં દૂરથી એક વિકરાળ સિંહ ત્યાં આવ્યો. આ જોઇને હરણીને ફાળ પડી. સિંહની ત્રાડ સાંભળી હરણી ગભરાઈ ગઈ અને તે ગંડકી નદીના ધસમસતા પાણીમાં ભાગી. ગભરાટથી મૃત્યુ પામી.પણ પેલું બચ્ચું જીવતું હતું. ભરત રાજા કિનારા પર બેઠાં નાહતાં હતા. તેમણે આ બચ્ચાને ઊંચકી લીધું. બચ્ચું નાનું અને નમણું હતુ. તેની સુંદરતા જોઈ, જોનારાને તેના ઉપર તરત જ હેત ઊપજે, તેવાં તેનાં રૂપરંગ હતાં. ભરત રાજાને પણ આ બચ્ચાં ઉપર ખૂબ પ્રેમ આવ્યો. પછી તેઓ બચ્ચાંને પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા.

પછી તો તેઓ રોજ બચ્ચાને પોતાની સાથે સ્નાન કરાવા લઈ જાય. તેને સારું-સારું ઘાસ ખવરાવે. બચ્ચું પણ ભરત રાજા સાથે દોસ્તબનીને રહેવા લાગ્યું. હવે ભરત રાજાને ભગવાન કરતાં વધુ બચ્ચાના વિચાર થવા લાગ્યા! ‘ કોઈ બચ્ચાંને કાંઇ કરી તો નહીં નાંખેને!’ તેવી તેમને અખંડ ચિંતા રહેવા લાગી. આમ ને આમ ઘણો સમય પસાર થયો . એવામાં એક દિવસ ભરત રાજાના દિવસ આવ્યો. ભરત રાજાને વિચાર આવ્યો,‘ હું મરી જઈશ, પછી આ બચ્ચાંનું શું થશે?’ વાર્તા આટલે અટકાવી શાંતિલાલે બાળકોને પૂછ્યું,‘ બોલો બાળકો આ વિચાર સાચો કે ખોટ્ટો?’

બાળકો કહે,‘સાચો’ શાંતિલાલ કહે,‘ વિચાર આમ સાચો, પણ આમ ખોટો.’ બાળકોએ પૂછ્યું,‘ એ કેવી રીતે સાહેબ?’ સાહેબ કહે,‘ જુઓ બાળકો, મૃત્યુ સમયે આપણને ભગવાન યાદ આવવા જોઈએ અથવા ભગવાનના સાચા સંત યાદ આવવા જોઈએ. તો જ આપણને ભગવાનનું ધામ મળે. જ્યારે આતો ભરત પોતે રાજા હતા. તપ કરતા હતા. રાજપાટ બધું છોડી દીધું. છતાં એક મૃગના બચ્ચાને પ્રેમ કરી બેઠા અને મૃત્યુ સમયે તેમને આ બચ્ચાનો જ વિચાર આવવા લાગ્યો.’

પછી સાહેબે ઉમેર્યું,‘ શું આખી દુનિયામાં જેટલાં હરણનાં બચ્ચા હશે, તેનું બધાનું ધ્યાન ભરત રાજા રાખતા હતા?’ બાળકો કહે,‘ ના.’ સાહેબે પૂછ્યું,‘ તો પછી તેનું ધ્યાન કોણ રાખે છે?’ બાળકો કહે ‘ ભગવાન.’ તેથી સાહેબ કહે,‘ તો પછી આ બચ્ચાનું ધ્યાન ભગવાન ન રાખત? રાખત.પરંતુ ભરતજી એવો વિચાર ન રાખી શક્યા અને ‘મૃગ, મૃગ…’ કરતાં મૃત્યુ પામ્યા, આખી દુનિયાનું રાજ્ય છોડ્યું, સાવ સાદાં કપડાં પહેર્યા, તેઓ નીચે જમીન ઉપર સૂતા,આવું બધું તપ કર્યુ, પરંતુ છેલ્લે ભગવાન ન યાદ આવ્યા,તો ખબર છે શું થયું?‘ સાહેબ કહે,‘ ભરત રાજાને બીજો જન્મ મૃગનો લેવો પડ્યો.’

‘હેં સાહેબ ! એવું કેમ થયું?’ એક બાળકે જિજ્ઞાસાથી પૂછ્યું. શાંતિલાલે તેનો જવાબ આપ્યો,’ બાળકો!૧૦૦માંથી ૧૦૦માર્કસ આવે એવું પેપર એક બાળકલખે અને તોપણ તેને ‘ ૦’ માર્કસ આવે, તો કેવું લાગે?’

બધા બાળકો કહે,‘ દુ:ખ થાય … પણ આવું થાય ખરું? સાહેબ.’ સાહેબ કહે,’ થાય. જો તમે આખું પેપર લખો, પરંતુ તમારા પેપરના પ્રથમ પાને તમારું નામ,તમારો સીટ નંબર – આ બધું ન લખો અને કોરું રાખો તો . તમને કેટલા માર્કસ મળે?’

બાળકો કહે,’ ‘ ૦’ શિક્ષક કહે,‘ કારણ? નામ વગર માર્કસ કોને આપવા? તેમ ભગવાન ભજવા નીકળ્યા અને ભગવાનનેજ ભૂલી ગયા તો ‘ ૦’ માર્ક આવે. એવું ભરતજીનું થયું.’

છેવટ વાર્તાનું સમાપન કરતાં શંતિલાલ બોલ્યા,‘ તો સારું ભણીએ અને પરીક્ષા વખતે તે ભણેલું યાદ રાખીને લખીએ. અને ભક્ત થઈએ તોપણ સાચા ભક્ત થઈને મૃત્યુ સુધી ભગવાન તથા ભગવાનનાં સાચાં સંતને ન જ ભૂલીએ. આખું વર્શ ભણીને સારું પેપર લખીએ, તે ભણતરનો ફાયદો. તેમ આખી જિંદગી ભગવાનનું ભજન કરી, છેલ્લે તેમને યાદ કરીને મૃત્યુ પામીએ તે જીવનનો ફાયદો.’

Author: Minal Mewada Read More...

Most Viewed Stories

Most Viewed Author