Stories

Add Your Entry

ગંગામાને દીકરા તો હતા નહિ.  કુટુંબમાં કહી શકાય તો માત્ર બે દીકરીઓ હતી. ગંગામાની તબિયત એકાએક બગડી જવાનાં સમાચાર સાંભળીને એ બંને સાસરેથી આવી ગઈ હતી.

છેવટે, જે ઘડીને સૌ રાહ જોતાં હતાં એ ઘડી આવી પહોંચી. માના મોઢામાં બંને દિકરીઓએ ગંગાજળ મૂક્યું…. ને ગંગામામાં શક્તિનો સંચાર થયો. એમના હોઠ ફફડ્યા. એટલું જ નહિ, અવાજ પણ આવ્યો: ‘રા…..મજી.’

ખાટલાની ચારે તરફ ઉભેલાં લોકોની ખૂશીનો પાર ન રહ્યો. જેણે આખી જિંદગી વ્યાજવટાવનો ધંધો કર્યો હોય અને કૈંકની આંતરડી કકળતી રાખીને પૈસા વસૂલ કર્યા હોય એ ડોશીના મોઢામાં અંત સમયે ભગવાનનું નામ! નાનકડા ગામમાં વિધવા બ્રાહ્મણીના પૈસા તો કોણ રાખે? એટલે ગંગામાં પટારામાં ઘણું ધન ભેગું થયું હતું. આવા ગંગામા મરતી વખતે બધી માયા છોડીને ભગવાનને યાદ કરે એનાથી મોટો ચમત્કાર આ કળીયુગમાં કયો હોઈ શકે?

દયાળજી શેઠે ગંગામાના કાન પાસે પોતાનું મોઢું લઈ જઈને મોટેથી પૂછ્યું: “કાંઈ ભલામણ કરવાની છે?” તો ગંગામાએ જવાબ ઉચ્ચાર કર્યો: ‘રા…મજી.‘

લોકો કહેવા લાગ્યા: ‘રહેવા દો શેઠ, દોશી પૂણ્યશાળી જીવ છે. એને બધી માયા છોડી દીધી છે.’

… ને ત્યાર પછી થોડા કલાકોમાં જ ગંગામા પરલોક સિધાવ્યાં. લોકો ગંગામાના ભાગ્યના વખાણ કરવા લાગ્યા: ‘ડોશીનો જીવ નક્કી પૂણ્યશાળી. નહિ તો મરતી વખતે મોઢામાં ઈશ્વરનું નામ કાંઈ રેઢું પડ્યું છે? આખી જિંદગી માળા ફેરવનારના મોઢામાં પણ અંત સમયે ભગવાનનું નામ નસીબમાં હોય તો જ આવે! આ ડોશીએ બધી જ માયા મૂકી દીધી હતી. એમાં શંકાને જરાય સ્થાન નથી.’

પરંતુ, શંકા હતી દયાળજી શેઠને. એમને એ શંકા અત્યારે રજૂ કરવાનું ઠીક ન લાગ્યું.

વાત આમ હતી…

ચારેક  મહિના પહેલાં ગામના એક ગરીબ કોળીને પાંચસો રૂપિયાની જરૂર પડી. એ ગંગામા પાસે ગયો. ગંગામાએ કહ્યું: ‘ઘરેણાં મૂકી જા અને પૈસા લઈ જા.’ કોળી પાસે ઘરેણાં તો હતાં નહિ. એ ગયો દયાળજી શેઠ પાસે. દયાળજી શેઠની પહેલાં ખૂબ જાહોજલાલી હતી પણ હવે ખલાસ થઈ ગયાં હતા. જો કે, ગામમાં એમનું માન પહેલાં જેટલું જ હતું. લોકો એમના શબ્દો પર વિશ્વાસ રાખતા. દયાળજી શેઠે વચ્ચે રહીને ગંગામા પાસેથી કોળીને પાંચસો રૂપિયા છ મહિનાના વાયદે અપાવ્યા. પૈસા લઈને કોળી બીજા મલકમાં મજુરી કરવા જતો રહ્યો. જતી વખતે કહેતો ગયેલો કે: ‘છ મહિનામા કમાઈને આવીશ અને ડોશીના પૈસા ચૂકવી દઈશ.’

દયાળજી શેઠને  એ કોળી પર પૂરો વિશ્વાસ હતો. પરંતુ, ગંગામાએ તો દયાળજી શેઠ સિવાય ગામમાં કોઈના પર વિશ્વાસ રાખ્યો ન હતો. તેઓ અવારનવાર ચિંતા વ્યક્ત કરતાં ત્યારે દયાળજી શેઠ કહેતા: ’માડી, ચિંતા ન કરો. તમારા પૈસા ખોટાં નહિ થાય. છ મહિના પૂરા થાય ને તમારા પૈસા નહિ પતે તો હું ચૂકવી દઈશ.’

છ મહિના પૂરાં થાય તે પહેલાં તો અચાનક ગંગામાની તબિયત બગડી. દયાળજી શેઠને થયું કે, પોતે હમણાં, કોળી વતી ગંગામાને  પાંચસો રૂપિયા ચૂકવી દે તો સારું.  દયાળજી શેઠ વેંત કરવામાં રહ્યા ને ગંગાએ તો જીવ છોડી દીધો. રામજીના રટણ સાથે.

હકીકત એ હતી કે, પેલાં ગરીબ કોળીનું નામ રામજી હતું.

દયાળજી શેઠને એ જ શંકા હતી કે, મારતી વખતે ગંગામા ખરેખર રામજી ભગવાનને યાદ કરતાં  હતાં કે પછી પેલા રામજી કોળીને?

[ભાગવત કથામાં સાંભળેલા દૃષ્ટાંત પરથી.]

Author: Gurjar Upendra Read More...

એક પળ માં નિખરવાનું,એક પળ માં વીખરવાનું,
આ ફૂલ જે ખીલ્યું,તે ખીલીને તો ખરવાનું,
હોડી ન હલેસાં હો, ન શઢ હો ન સુકાની હો,
દરિયોય જ દેખાતો ને પાર ઉતારવાનું…….. ‘આદિલ’ મન્સૂરી

એક શેઠ પાસે પુષ્કળ ધન હતું પણ મનની શાંતિ નાં હતી એ સતત ચિંતાતુર રહેતા હતા.પોતાની આ સમસ્યા લઈને તેઓ એક સાધુ પાસે ગયા.સાધુ એ કહ્યું,” ઈશ્વર માં મન પરોવો શાંતિ જરૂર મળશે”આમ કહીને સાધુએ શેઠ ને ધ્યાન ની વિધિ સમજાવી.શેઠે એ પ્રમાણે કર્યું પણ શેઠ નું મન ધ્યાનસ્થ ના થઇ શક્યું એમણે ફરી સાધુ પાસે આવીને સમસ્યા કહી,સાધુ કઇજ બોલ્યા નહિ.

શેઠ આશ્રમ માંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમના પગ માં કાંટો વાગ્યો.એ દર્દ થી બુમો પાડવા લાગ્યા.સાધુ બહાર આવ્યા ને શેઠ ને જાતે જ કાંટો કાઢવાનું કહ્યું શેઠે એમ કર્યું તો એમને રાહત થઇ.પછી

સાધુ એ સમજાવ્યું કે,”તમારા પગમાં એક નાનકડો કાંટો વાગ્યો એટલામાં તમે બેચેન થઇ ગયા અને એ નીકળ્યા પછી જ તમને શાંતિ થઇ તો એજ રીતે તમારા મન માં લોભ,ક્રોધ,મોહ,ઈર્ષ્યા જેવા મોટા કાંટાઓ વાગ્યા છે એ નીકળશે નહિ ત્યાં સુધી શાંતિ કઈ રીતે મળશે.??”

આ રીતે શેઠ ને શાંતિ મેળવવાનો સાચો માર્ગ મળી ગયો.

Author: Gurjar Upendra Read More...

ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગે રહેતી હતી જ્યાંથી અનાજથી ભરેલી ગાડીયો પસાર થતી.


ચોખા, મગ ,તુવેરના દાણા જ્યાં-ત્યાં વિખરેલા રહેતા હતા. તે મન ભરી દાણા ચણતી. એક દિવસ તેને વિચાર્યુ કે મને એવું કાંઈક કરવું જોઈએ કે અન્ય પક્ષી આ રાસ્તા પર ના આવે નહિતર,મને દાણા ઓછું મળશે .

તે બીજી ચકલીઓને કહેવા લાગી રાજમાર્ગે ના જશો ત્યાં મોટુ સંકટ છે. ત્યાં થી જંગલી હાથી-ઘોડા અને દોડતા બળદોની ગાડી નીકળે છે. ત્યાંથી તરત ઉડીને સુરક્ષિત સ્થાન પણ જઈ શકાતુ નથી. 


તેની વાત સાંભળી બધા પક્ષી ગભરાય ગયાં અને તેનુ નામ અનુશાસિકા મુકી દીધું.

એક દિવસ તે રાજપથે ચણી રહી હતી. ત્યારે ઝડપથી આવતી ગાડીનો હોર્ન સાંભળી પાછળ વળીને જોયું, અરે હજુ તો આ બહુ જ દૂર છે થોડુંક ચણી લઉં, વિચારી દાણા ચણવામાં એટલી મગ્ન થઈ ગઇ કે તેને ખબર ના પડી કે ગાડી કયારે તેની નજીક આવી ગઇ. તે ઉડી પણ ના શકી અને પૈંડા નીચે કચડી મૃત્યુ પામી. 

થોડા સમય પછી ખળભળ મચી ગઈ કે અનુશાસિકા ક્યાં ગઇ. શોધતા-શોધતા છેવટે તે મળી ગઇ.

બધા પક્ષી કહેવા લાગ્યા - અરે આ શુ આ તો એ રાજમાર્ગે મરેલી પડી છે જ્યા અમને આવવાથી રોકતી હતી અને પોતે ચણવા આવી ગઇ. 

શિખામણ - જે ઉપદેશક પોતાને નિયંત્રણમાં ન રાખી શકે તેનો હાલ આ ચકલી જેવો જ થાય છે.

 

Author: Gurjar Upendra Read More...

એક વાર અકબર બાદશાહ ને મનમાં પ્રશ્ન થયો કે મારા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે કે જે પોતાની પત્નીના હુકમ પ્રમાણે ચાલે છે. તેમણે તરત જ બિરબલ ને બોલાવ્યો અને પુછ્યું બિરબલ આપણા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે જેના ઘરમાં એની પત્નીનું ચાલતુ હોય.?

બિરબલ બોલ્યો જહાપનાહ આપણા રાજ્યની વાત છોડો આખી દુનિયાના ઘરોમાં પત્નીનું જ રાજ ચાલતું હોય છે પતિ તો બિચારો બહાર બડાશ મારે તેટલું જ બાકી ઘરમાં એનું કાંઇ ના ચાલે. પણ બિરબલ ના આવા જવાબથી બાદશાહને સંતોષ ના થયો તેમણે કહ્યું બિરબલ હું આ વાત નથી માનતો તારે મારી જોડે શરતમાં આવવુ પડશે જો હું હારુ તો હું મારી મુંછો મુંડાવી નાખીશ પણ બિરબલ જો તું હારે તો તારે તારી મુછો મુંડાવી નાંખવી પડશે. બિરબલે કહ્યું ઠિક છે જહાપનાહ કાલે વાત. બિરબલે તરત જ રાજ્યમાં ઢંઢેરો પિટાવી નાખ્યો કે આ રાજ્યના અતિ મહત્વ ના પ્રશ્ન માટે રાજ્યના સર્વે પરણીત પુરુષોએ રાજ દરબારના ક્રીંડાંગણમાં કાલે સવારે હાજર થવાનું છે.

વાત વાયુવેગે ફેલાઇ ગઇ ને બીજા દિવસે રાજયના તમામ પરણીત પુરુષો નો જમાવડો થઇ ગયો .પછી તરત જ બિરબલે કહ્યું કે ભાઇઓ અહીંયા સ્ટેજની એક બાજુ એક સરસ પાણીદાર ઘોડા છે અને બીજી બાજુ સરસ લાલ ઉંચી જાતના સીમલાથી મંગાવેલા સફરજન છે. અહીંયા જેના ઘરમાં પત્નીનું ચાલે છે તેણે સફરજન લઇ નીચે ઉતરી જવાનુ છે અને જે વીરપુરુષ પત્નીનું નથી માનતો તેને આ પાણીદાર ઘોડો આપી નવાજવામા આવશે. પણ જે કોઇ ખોટુ બોલશે તેને કડક મા કડક સજા કરવામા આવશે. થોડીવારમાં તો સફરજન ફટાફટ ખાલી થવા માંડ્યા .કોઇ જોખમ લેવા માંગતુ નહોતુ. બાદશાહની મુંઝવણ વધતી જતી હતી ને બિરબલ મનમાં ને મનમાં મલકાતો હતો. ત્યાં જ અચાનક બાદશાહના મોંઢા પર ચમક આવી.

બિરબલે જોયું તો એક જણ ઉભો થઇ ઘોડા તરફ આગળ વધ્યો બાદશાહે તેને બોલાવી પીઠ થાબડી ને ખેશ પહેરાવી સન્માન કર્યુ ને ઘોડો આપી રવાના કર્યો. બાદશાહે બિરબલ સામે જોયું ને મુછો પર તાવ દિધો જોયું બિરબલ રાજ્યમાં બધાય કાંઇ જોરુ ના ગુલામ ના હોય. બિરબલે નીચુ જોયું. સમારોહ સમાપન સુધી આવી ગયો પણ પછી કોઇ માઇ નો લાલ ઉભો ના થયો. દરબાર ખાલી થઇ ગયો બાદશાહ બોલ્યા બિરબલ હજામ ને બોલાવુ હવે?

બિરબલ કાંઇ બોલે ત્યાં તો પેલો ઘોડાવાળો પાછો આવતો દેખાયો બિરબલ પાસે આવી સલામ કરી કહેવા લાગ્યો બિરબલજી આ ઘોડો પાછો લઇ લ્યો ને મને સફેદ ઘોડો આપો ને. બિરબલે પુછ્યું કેમ ભાઇ આમા સુ ખરાબી છે.? તો પેલો ભાઇ બોલ્યો બિરબલજી મારી પત્ની ને સફેદ ઘોડો પસંદ છે એટલે તમે આ કાળો ઘોડો લઇ લ્યો ને મને સફેદ ઘોડો આપો.!

આ સાંભળી બિરબલ ના મોઢા પર ચમક આવી ગઇ ને તરત જ બોલ્યો સિપાહીઓ આને કેદ કરી નાખો.પછી બિરબલ તરત જ બાદશાહ સામે જોયુ ને કહ્યું કે રહેવા દેજો જહાપનાહ હજામ ને ના બોલાવતા કારણ કે મુંડાયેલી મુંછોમા તમે સારા લાગશો નહીં ને રાણી સાહેબા પાછા તમને રાણીમહેલમા આવવા નહીં દે આટલું બોલ્યા પછી તરત જ બિરબલે મુંછ પર તાવ દિધો. બિરબલની વાત સાંભળી બાદશાહે તરત જ નીચું જોયુ. અને પછી બિરબલ પાસે આવી તેની પીઠ થાબડી.

તો બોલો હવે તમે પણ નક્કી કરો કે તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા….

 

Author: Gurjar Upendra Read More...

સુલતાનની કુર્નિશ બજાવવાની સ્પષ્ટ ના

12.jpgબાળ શિવાજીને એક વખતે પિતા શાહજી ભોંસલે સાથે બિજાપુરના સુલતાનના દરબારમાં જવાનું થયું. શાહજી અને શિવાજી દરબાર તરફ જતા જ હતા ત્યાં તેઓએ જોયું કે, એક ખૂણે કસાઈ ગાયનો વધ કરવા તત્પર બન્યો હતો. ગાય માથું હલાવી ભાંભરડા દેતી હતી. શાહજી આગળ નીકળી ગયા હતા. એટલે સલાહ લેવાનો સમય ન હતો. શિવાજી કસાઈ અને ગાય તરફ આગળ વધ્યા. અલમસ્ત શરીરવાળા કસાઈનો હાથ ગાય પર પ્રહાર કરવા ઊંચકાયો કે તરત જ શિવાજીની ટચૂકડી તલવારના એક જ ઝાટકે તેને અધ્ધર જ કાપી નાખ્યો. બાવડામાંથી કપાયેલ હાથ હેઠો પડ્યો. બાળ શિવાજીએ મારતે ઘોડે પિતા શાહજીને આ બધી વાત કહી. ઘડીવાર તો શાહજી સુન્ન થઈ ગયા, પરંતુ પછી તેઓએ પોતાની જાતને સંભાળી લીધી. બંને સુલતાનના દરબારમાં પહોંચ્યા. દરબારમાં પહોંચતાં જ શાહજી લળી-લળી સુલતાનને કુર્નિશ બજાવી પોતાના સ્થાને બેસી ગયા, પરંતુ બાળ શિવાજીએ કુર્નિશને બદલે સાદા નમસ્કાર કર્યા. સુલતાન ધુંધવાયો, શાહજી આ સમજી ગયા. તેઓએ શિવાજીને કહ્યું, ‘બેટા, બાદશાહ સલામતને કુર્નિશ બજાવો.’ શિવાજીએ ભરદરબારમાં મક્કમપણે જવાબ આપ્યો. ‘પિતાજી, બાદશાહની નોકરી આપ કરો છો, હું નહીં.’ શિવાજીનો જવાબ સાંભળી શાહજી મનોમન ખુશ થયા.

મક્કમ મન, રાષ્ટ્ર અને ધર્માભિમાનથી છલોછલ આ બાળકે આગળ જતાં હિન્દુસ્તાનને મુઘલ સામ્રાજ્યના કારમા પંજામાંથી છોડાવ્યું અને મહાન હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી તરીકે પ્રસિદ્ધ થયો.

લેખ સંદર્ભ : સાધના સાપ્તાહિક (11 - 07 - 2015) 

Author: Gurjar Upendra Read More...

 

દોડતાં રાક્ષસનાં મોં પાસે ગયા અને...

01.jpgશ્રીકૃષ્ણ ગોકુલમાં ગોપબાળો વચ્ચે મોટા થઈ રહ્યા હતા. તેઓ હવે પાંચ વર્ષના થઈ ગયા હતા. તેઓ ગોપબાળો સાથે વાછરડાં હાંકી જંગલમાં ચરાવવા જતા હતા. એ સૌની સાથે શ્રીકૃષ્ણ પણ દોડી દોડીને આગળ જતા હતા.

ગાયો-વાછરડાં ચરી રહ્યાં હતાં. શ્રીકૃષ્ણ બાળમિત્રો સાથે ખેલી રહ્યા હતા. સૌ હસી-મજાક કરી રહ્યા હતા. આ બધું દૂર સંતાઈને ઊભા રહેલાં રાક્ષસ આઘાસુરથી સહન થયું નહીં. શ્રીકૃષ્ણે અઘાસુરના ભાઈ બકાસુર અને બહેન પૂતનાનો વધ કર્યો હતો. તે શ્રીકૃષ્ણને મારવા અહીં આવ્યો હતો.

અઘાસુરે રાક્ષસીલીલા આદરી. તેણે અજગરનું રૂપ લીધું. તેણે પોતાની કાયાનો આઠ માઈલ જેટલો વિસ્તાર કર્યો. મોં ઉઘાડ્યું તો તે મોટી ગુફા જેવડું થઈ ગયું. તે એમ જ પડી રહ્યો.

ગાય-વાછરડાં ચરતાં ચરતાં એના મોંમાં પ્રવેશ્યાં. તેની પાછળ રમતાં રમતાં ગોપબાળો પણ પ્રવેશી ગયા. આ સમયે શ્રીકૃષ્ણ એક ઝાડ નીચે બેઠા હતા. અચાનક એમનું ધ્યાન આ તરફ ગયું અને બધાંને રાક્ષસના મોંમાં રમતા જોઈ ચોંકી ગયા.

તે તરત ઊભા થયા. દોડતા રાક્ષસના મોં પાસે ગયા ને અંદર પ્રવેશ્યા. રાક્ષસ આ પળની જ રાહ જોતો હતો. પરંતુ શ્રીકૃષ્ણ કંઈ કમ ન હતા. તેઓ રાક્ષસને મારી ગાયો અને ગોપબાળોને બચાવવા ઇચ્છતા હતા.

શ્રીકૃષ્ણે પોતાની માયા બતાવી. તેમણે પોતાનો દેહ વિસ્તારવા માંડ્યો. રાક્ષસના મોં કરતાંય કદ વધારી દીધું. અજગરરૂપી રાક્ષસનો કંઠ રૂંધાવા લાગ્યો. તેને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તે ગૂંગળાઈ ગયો અને મરી ગયો. શ્રીકૃષ્ણે ગાયો અને ગોપબાળોને સહીસલામત બહાર કાઢ્યા ને પછી જ તેઓ નાનું સ્વરૂપ લઈ બહાર આવ્યા. આમ અઘાસુરનો શ્રીકૃષ્ણે વધ કર્યો.

- નટવર પટેલ

 

Author: Gurjar Upendra Read More...

એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રૉઇંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો.

એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવાં ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતાં એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.

એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’

આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રૉઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું. ‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’ ‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું. ‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું. ‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’

થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી. ‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો. યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ.

મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું. રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે !

આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું. ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ – એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ. બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો.

હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’ પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં ! આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?

‘શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી સાભાર. નવલિકાકાર : ડૉ. આઈ. કે. વીજળીવાળા

Author: Gurjar Upendra Read More...

Most Viewed Stories

Most Viewed Author