Stories

Add Your Entry

આભાસ

 

રાતભર વરસીને વરસાદે થોડો વિસામો લીધો. રચનાને આવું વાતાવરણ ખૂબ ગમતું પણ અત્યારે એ માણવાનો સમય જ ક્યાં છે પ્રશાંતની ઓફિસ ઘરથી ઘણી દૂર હતી એટલે તે સવારે વહેલો નીકળી જતો. રચના સીધી રસોડામાં ઘૂસી ગઈ. એકતરફ ચાનું પાણી ચડાવી રીંકુને અને કરણને ઉઠાડ્યા. પ્રશાંતને માટે ટિફિન બનાવી તેને ઓફિસે મોકલ્યો. રીંકુને સ્કૂલે અને કરણને કોલેજ મોકલી રચના પોતાને માટે કોફી લઈ ગેલેરીમાં આવી. સવારનો આઠ વાગ્યા સુધીના સમયે તો જાણે કામની ગોળીઓનો વરસાદ વરસતો.. દરેકની ચીજ વસ્તુઓ સામે પડી હોય તોય ન દેખાય. સવારે દોડાદોડી ન થાય માટે તે બધું રાત્રેજ તૈયાર કરી દેતી પણ બધાને હાથમાં ને હાથમાં વસ્તુઓ આપવાની પોતે પાડેલી ટેવ તેને હેરાન કરી રહી હતી. પણ બધાજ જાય પછી તેને ત્રણ કલાક મળતા પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવા માટે.. આજે તે આઇપોડ લઈ તેના પ્રિય ગુજરાતી ગીતો સાંભળવા બેઠી. ફ્લેટની ગેલેરીમાંથી સામે વિશાળ સમુદ્ર દેખાતો. તેને આ રીતે ગીતો સાંભળતા સમુદ્ર જોવો ગમતો.

જવાબ દેને ક્યાં છે તું ? ઓ મારા દિલની આરઝુ... ગીત વાગી રહ્યું હતું ને ત્યાંજ એક કબૂતર ગેલેરીની પાળી પર આવીને બેઠું. તેને પંખીઓ પણ ગમતા પણ આમ આટલા વરસમાં કદી કોઇ પક્ષી પાળી પર આવી બેસતાં તેણે જોયું નહોતું. એક નજર તેની પર કરી રચનાએ ફરી સમુદ્ર પર નજર સ્થિર કરી ને .. ને તેને એનો ચહેરો દેખાયો. ક્યાંથી ? પોતે સુખી લગ્નજીવનના સત્તાવીસ વર્ષ પાર કરી ચૂકી હતી અને આમ અચાનક આટલા વરસે તેની યાદ ? તેણે આંખો ચોળી. ચહેરો ગાયબ.

મન તારો સાથ અનુભવે તને આંખો દેખવા ચહે,

 એકવાર આવો રુબરુ ઓ મારા દિલની આરઝુ... જવાબ દેને ક્યાં છે તું..”

પેલું કબૂતર જવાબ દેને .. કડી વખતે ઘું..ઘું..’ કરતું ગોળ ગોળ ફરતું. જાણે કહી રહ્યું હોય હું અહી છું. રચનાએ વિચાર્યું કે તે તેનો ભ્રમ માત્ર છે. એણે ફરી દરિયા પર નજર સ્થિર કરી તો.. તો એને હાથ લંબાવી બોલાવતો દેખાયો અને પલક ઝપકતાં જ ગાયબ.

તું ચાહે તે તને દઉં અસત ય ન જરી કહું

હું તારો એ ગુલામ છું તું મારા દિલની આરઝુ....  જવાબ દેને ક્યાં છે તું..

રચનાએ ધ્યાન આપ્યું તો ખરેખર તે પંક્તિ વખતે કબૂતર ગોળ ફરતું જ હતું. આ કબૂતર પણ સંગીતપ્રેમી લાગે છે. છતાં પોતાનો ભ્રમ છે કે શું એ જાણવા રચનાએ બે ત્રણ વાર ગીત રીપીટ કર્યું પણ પેલું કબૂતર બીજી પંક્તિઓ વખતે સ્થિર થઈ પોતાને જોતું અને જવાબ દે.. વખતે ગોળ ફરતું.  તેણે કબૂતરની આંખો સાથે આંખો મેળવી તો તેના દિલમાં પરિચિતતાના વમળ ઊઠ્યા. રચનાને સમજ ન પડી કે આ શું છે ? કેમ તેને એમ લાગી રહ્યું છે કે તેની આસપાસ છે.. આ રમતમાં કોફી પણ ઠંડી થઈ ગઈ. એકી ઘુંટડે કોફી પીને તે આઇપોડ લઈ રસોડામાં ગઈ. કપ મૂક્યો ને શાક સમારવાનું લઇ ડાઇનીંગ ટેબલ પર બેઠી પેલું કબૂતર તેની સામે ડાઇનીંગ ટેબલ પર બેઠું. રચનાએ તેને ઉડાડ્યું તો પાછું આવ્યું. એ ઉઠીને નહાવા ગઈ તો બાથરૂમના કાચની બહાર એનો પડછાયો. ઘરમાં એ જ્યાં જ્યાં જતી પેલું પાછળ પાછળ આવતું. બરાબર સમર્થની જેમ જ તો.

સમર્થ તેની કઝીન તૃષાનો ક્લાસમેટ. રચનાની કોલેજનો એ પહેલો દિવસ હતો. તેની કઝીન તૃષા તેના કરતાં એક વર્ષ મોટી હતી. પહેલા દિવસે રચના તૃષાના ગૃપમાં જ ઊભી હતી. સમર્થ પણ ત્યાં જ હતો. રચનાને પહેલી નજરે તે ગમી ગયો. સરસ કદ કાઠી, ગૌર વર્ણ, લહેરાતા વાળ ને એકદમ ભૂખરી આંખો. કોઇ ફિલ્મી હીરો જેવો જ દેખાતો હતો. અવાજ પણ એકદમ પહાડી હતો. પણ તે થોડો અભિમાની લાગ્યો. જુનિયર સાથે વાત કરવામાં એને રસ હોય એમ લાગ્યું નહીં. ત્યાર પછી તો રચનાએ પોતાના ક્લાસમાં પોતાનું ગૃપ બનાવી દીધું એટલે હવે તે તૃષાના ગૃપમાં જતી નહોતી. તૃષાની હાજરીમાં શરીફ બનતા સમર્થે જ્યાં રચના જાય ત્યાં જવાનું ચાલુ કર્યું. એ લાયબ્રેરી હોય કે કેંટીન.. રચનાને એ પીછો કરે તે ગમતું પણ તેણે જણાવા ન દીધું જાણે કોલેજના પહેલા દિવસનો બદલો લીધો. સમર્થ તેને મળવા માગતો તેની સાથે વાત કરવા માગતો પણ રચના તેનાથી દૂર રહેતી એનું બીજું પણ એક કારણ હતું. રચના તેના પિતાને ખૂબ પ્રેમ કરતી. એની બહેને જ્યારે લવમેરેજ કર્યા ત્યારે તેના પિતાને આત્મહત્યા કરતા રોકવા તેણે વચન આપ્યું હતું કે પોતે તેમની પસન્દગીથી જ લગ્ન કરશે. એટલે તે સમર્થ ગમતો હોવા છતાં એની સાથે પરિચય વધારવા માગતી નહોતી. એક તૃષાને તે દિલની વાત કરતી. તૃષા એને કહેતી કે પોતે અંકલને સમજાવશે પણ...

હલ્લો રચના, કેમ બહાર બેઠી છે ? તને રમવાનું નથી ગમતું ?” નવરાત્રિમાં જોડી ન આવવાથી બહાર સ્કૂટર પર બેઠેલી રચના અવાજ સાંભળી ચમકી. એ સમર્થ હતો. એના ધબકારા એકદમ વધી ગયા. શું જવાબ આપવો એ સમજી ના શકીને બાઘાની જેમ તેની સામે જોઇ રહી. સમર્થે એના ચહેરા આગળ હાથ હલાવ્યો..

હલો... હ...લો.....

હં.. હા, મારી જોડી નથી અને જોડી વિના તો કેમ રમવા જવાય ?” બોલી રચનાએ મોં ફેરવી લીધું.     

એને સમર્થ સાથે મન મુકીને રમવાની ઇચ્છા થઈ ને સમર્થે કહ્યું મારી પણ જોડી નથી તને વાંધો ન હોય તો આપણે જોડી બનાવી રમી શકીએ. રચનાને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. તે દિવસે રચના મન મુકીને રમી. બીજા દિવસે પણ.. બે દિવસથી પપ્પા બહારગામ ગયેલા એટલે સમર્થને નજીક જોઇ પોતાનું પિતાને આપેલું વચન ભૂલાઇ ગયું ને ત્રીજે દિવસે પપ્પા આવ્યાને રચનાને પોતાની ભૂલ સમજાઈ. કોલેજમાં સમર્થે હિમ્મત કરીને રચનાને બોલાવી.

હલ્લો રૂચિ.

રૂચિ ?”

સોરી, રચના.

જુઓ મિસ્ટર, બે દિવસ મારી જોડી નહોતી આવી ને મારે રમવું હતું એટલે.. પણ એ બહાને તમે પરિચય વધારવાની કોશિશ ન કરતા. આપણી મુલાકાત બસ નવરાત્રિ પૂરતી જ સીમિત રાખશો તો સારું.”

પણ..”

મને તમારી સાથે પરિચિતતા વધારવાની કોઇ ઇચ્છા નથી. આટલું બોલી રચના ત્યાંથી ચાલી ગઈ.  ત્યાર પછી ઘણી વાર સમર્થે વાત કરવાની કોશિશ કરી પણ કદી રચનાએ સમર્થ સાથે વાત નહોતી કરી. એ ત્રાંસી નજરે કદીક તેને જોઇ લેતી ને કાયમ તેની ચોરી પકડાઈ જતી. સમર્થ એની સામે જોતો જ હોય. પછી તો એ પણ બંધ થઈ ગયું. સમર્થ ગ્રેજ્યુએટ થઈ ગયો ને નોકરીએ લાગી ગયો. સમર્થે તૃષા મારફત પણ એકાદવાર વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ..

 પ્રશાંત જ્યારે રચનાને જોવા આવ્યો હતો ત્યારે તૃષાએ રચનાને સમજાવી હતી પણ રચનાને એ પિતાનો વિશ્વાસભંગ કરેલું લાગતું એટલે તૃષાને તેમ કરવા ન દીધું ને પ્રશાંત સાથે લગ્ન કરી લીધાં. આજે એ સુખી લગ્નજીવન ગાળી રહી હતી. બે સુંદર બાળકોની માતા હતી. પ્રશાંત તેને ખૂબ પ્રેમ કરતો. કોઇ વાતનું દુઃખ નહોતું. ત્યાં આજે આટલા વર્ષે કેમ સમર્થની યાદ આવી ને એ દેખાયો તે રચનાની સમજમાં ન આવ્યું. એનું ધ્યાન રહી રહીને પેલા કબૂતરમાં જતું. રસોઇ બનાવવાનો કોઇ મૂડ નહોતો. એ બેડરૂમમાં જઈને આડી પડી પેલું કબૂતરું પાછળ આવીને ડ્રેસિંગ ટેબલના કાચ પર બેઠું. સમર્થ પોતાનો પીછો કરતો ને ગમતું એમ હવે આ કબૂતરનું પાછળ પાછળ ફરવું તેને ગમવા લાગ્યું.

ડીંગ..ડોંગ.. ડોરબેલ વાગ્યો ને રચના ઝબકીને જાગી. ઘડિયાળમાં જોયું રીંકુના સ્કૂલેથી પાછા આવવાનો સમય પણ થઈ ગયો ને હજુ રસોઇ નથી બની. દરવાજો ખોલ્યો ને રીંકુજ હતી.

મમ્મી આજે શું બનાવ્યું છે ?” બોલતી રીંકુ સીધી રસોડામાં ગઈ.

ત્યાં કંઈ જ તૈયાર ન જોઇને મમ્મી હજુ કશું બનાવ્યું નથી ? તને ખબર છેને મારે ટ્યુશન જવાનું છે.” બોલતી પગ પછાડતી બહાર આવી.

બેટા એવું છે ને કે.. રચના બોલવા ગઈ પણ..

….હો.. રીંકુ રીસાઈ.

ઓકે રીંકુ, રોટલીને જામ ખાઇશ ?” રચના જાણતી હતી કે રીંકુને જામ અને રોટલી બહુ ભાવે છે.

હા..” રીંકુ ખુશ થતાં બોલી ને પછી શંકાથી રચના સામે જોયું મમ્મી ?”

હા બેટા, ચલ ગરમ રોટલી બનાવી દઉં. રચના રસોડામાં જવા લાગી. રીંકુએ ડાઈનીંગ ટેબલ પરનો રોટલીનો ડબ્બો ખોલ્યો ને કહ્યું,

મમ્મી, આ કાલની રોટલી પર જામ લગાડી આપશે તો પણ ચાલશે. રચનાએ સારુ કહ્યું ને ફ્રીઝમાંથી જામની બોટલ લેવા ગઈ. રીંકુને ખૂબ નવાઈ લાગી. કાયમ મમ્મી જમવાના સમયે જામ અને રોટલી ખાવાની ના પડતી અને આજે સામેથી ?

રચનાને ખાવાની ઇચ્છા નહોતી અને કરણ ને પ્રશાંત તો સાંજે આવશે.. કામવાળી કામ કરીને ગઈ પછી રીંકુને ટ્યુશનમાં મુકી આવીને ગેલેરીના સમુદ્રને જોવા લાગી. ત્યાં પાળી પર સામે જ પેલુ કબૂતર આવી બેઠું. રચના એની સામે જોઇ રહી. આમને આમ કેટલો સમય વીતી ગયો એ ખબર ન પડી ને બધાનો ઘરે આવવાનો સમય થઈ ગયો. પ્રશાંત આજે ચાર વાગ્યામાં આવી ચડ્યો.

રચના મારી બેગ તૈયાર કરીદે આજે રાતે મારે દસ દિવસ માટે ટુર પર જવાનું છે. રચના માટે આ કંઈ નવી વાત નહોતી. પ્રશાંતને ઘણી વાર ઓફિસના કામથી ટુર પર જવું પડતું શરૂઆતમાં તે રચનાને પણ સાથે લઇ જતો દિવસે કામ અને સાંજે બન્ને ફરતા. પણ બાળકો થયા પછી હવે રચના જ ના પાડતી. એ ટુર પર જવાનો હોય ત્યારે જમતો નહી ખાલી ફ્રુટ જ્યુસ કે મિલ્ક્શેક પી લેતો. કરણ અને રીંકુને બહારથી ખાવાનું મંગાવી લેવાનું કહ્યું ત્યારે કરણને નવાઇ લાગી મમ્મી બહારનું ખાવાની એકદમ વિરોધી હતી. જે ખાવું હોય તે એજ ઘરમાં બનાવતી ને આજે ?

મમ્મી ? તારી તબિયત તો સારી છે ને ?” રીંકુએ પૂછ્યું

કેમ ? મને શું થયું છે ?”

આ તો સવારે તેં મને જામ ને રોટલી આપી અને અત્યારે બહારનું...”

નથી ખાવું તમારે બહારનું ? તો લાવ ઘરમાં બનાવી દઉ શું ખાવું છે ?” જરા ઊંચા અવાજે બોલી રચના ઊભી થઈ. રીંકુ અને કરણ બંને ચમકી ગયા. આટલા વરસમાં કદી મમ્મીનો ઊંચો અવાજ સાંભળ્યો નહોતો. કાયમ પ્રેમથી જ સમજાવતી. ભલે પછી એનું ગમતું ના કર્યું હોય તો પણ.

એવું નથી મમ્મી પણ તારી તબિયતની ચિંતા થાય છે એટલે રીંકુએ પૂછ્યું.” કરણે એને પાછી બેસાડી.

કંઈ નહી જરા માથું દુખતું હતું.” રચના સોફા પર માથું પાછું ટેકવીને આંખ બંધ કરી પડી રહી.

અરે ! મમ્મી ! આ કબૂતર અહી ક્યાંથી આવ્યું ?” રીંકુ બેડરૂમમાંથી બામ લેવા ગઈ ને તેણે ડ્રેસિંગ ટેબલ પર કબૂતર જોયું. કરણ ઉડાડતો રહ્યો ને પેલું પાછું આવતું રહ્યું. આમ જેમ તેમ ચાર દિવસતો વીતી ગયા. ચોથે દિવસે રવિવાર હતો. કરણે રસોડાનો કારભાર ઉઠાવી લીધો.

રીંકુ મમ્મીની તબિયત ઠીક નથી ને આજે એને ભાવતી પાણી પુરી બનાવીએ. તું મને મદદ કર.”

પણ ભાઈ પુરી ? આપણને પુરી બનાવતા ક્યાં આવડે છે ?”

પુરી બહારથી લઈ આવીશું ઓકે ?” પણ પોતાને ખૂબ ભાવતી પાણીપુરી ખાવાનો પણ મૂડ નહોતો.

મમ્મી અમે કેટલા પ્રેમથી બનાવી છે ને તું..” રીંકુ રીસાઈ. રચનાએ એક પુરી ખાધી ખરેખર કરણે પાણી તો સરસ બનાવ્યું હતું પણ વધારે ખાવાની મરજી નહોતી થતી. એ તો બસ પોતાના વિચારોમાં જ ખોવાયેલી રહેતી. ચાર દિવસથી કબૂતરને બહાર કાઢવાના દરેક પ્રયત્નો નિષ્ફળ ગયા હતા પણ આજે સવારથી એ દેખાતું નહોતું.

તારા વિના મૃત્યુ ગમે ને તારી સાથે જિન્દગી ને તારી સાથે જિન્દગી

હ્રદયનાં હિંચકે ઝુલાવું આવો તમે પ્રેમથી ઓ મારા દિલની આરઝુ....  જવાબ દેને ક્યાંછે તું....”

ગીતની પંક્તિઓ રચનાના કાનમાં ગૂંજી ઊઠી પણ પેલું કબૂતર......

એટલામાં તૃષાનો ફોન આવ્યો.

રચના તને ખબર છે ને હું બેંગલોર ગઈ હતી ?”

હા” રચનાએ ટૂંકો જવાબ આપ્યો.

ત્યાં છાપામાં સમર્થનો ફોટો જોયો. એ કોઇ કંપની નો મેનેજીંગ ડીરેક્ટર હતો. એ હોસ્પિટલમાં હતો. હું એની ખબર જોવા ગઇ હતી. ખરેખર મારાથી એની હાલત જોવાતી નહોતી. આપણી કોલેજનો એ હીરો, એકદમ કાળો પડી ગયેલો ચહેરો, પાતળી લાકડી જેવું શરીર, ઊડી ઉતરી ગયેલી આંખો ને એકદમ તરડાઈ ગયેલો અવાજ. મને જોતા એની આંખોમાં ચમક આવી. એની બાજુમાં એની પત્ની બેઠી હતી. એણે મને કહ્યું કે :થોડા સમય પહેલા એને કેંસર ડાયોગ્નાઈસ થયું. ત્યારથી એ રૂચિને યાદ કરે છે. એના વિશે મને ઘણી વાતો કરી છે. એક વાર તેને મળવા માગે છે. જાણવા માગે છે કે રૂચિને એને માટે પ્રેમ હતો કે નહી?” રચના હતપ્રભ થઈને આ સાંભળી રહી હતી એના ગળામાંથી અવાજ જ નહોતો નીકળતો.

રચના.. રચના તું સાંભળે છે ને ?” તૃષાને તો રચનાની હાલતની જાણ ક્યાંથી હોય !

સાચું કહું રચના તો મારાથી એની દશા જોવાતી નહોતી. ત્રણ દિવસ નિયમિત હું એની ખબર જોવા ગઈ હતી. એની આંખોમાં આજીજી હતી. હું તારુ વચન પાળી ન શકી રચના. મેં એને કહી દીધું કે તું પણ એટલી જ ઉત્કટતાથી એને પ્રેમ કરતી હતી. આ સાંભળીને તરત જ સમર્થનાં મોં પર સ્મિત આવી ગયું એણે એની પત્ની સામે જોયું જાણે કહેતો હોય મેં કહ્યું હતું ને કે રૂચિ મને પ્રેમ કરતી હતી. એની પત્ની બહુ જ સારી છે રચના એણે સમર્થનો હાથ પકડીને એની ખુશીમાં સાથ આપ્યોને એ જ સ્મિત સાથે એનો નિર્જીવ હાથ એની પત્નીના હાથમાંથી છૂટી ગયો.” તૃષાને એક ડૂસકું આવી ગયું ને રચનાના હાથમાંથી ફોન પડી ગયો.

 

*** http://www.pratilipi.com/nimisha-dalal ***

Author: નિમિષા ????? Read More...

તાળીઓનાં ગડગડાટથી આખો હોલ ગુંજી રહ્યો હતો. આજે નંદિની પરીખનાં લેખનકાર્યને બિરદાવવા એનું સન્માન થઈ રહ્યું હતું. નંદિની ખુબજ સરળ ભાષામાં વાર્તાઓ લખતી. જેમાં રોજિન્દા ઉપયોગમાં લેવાતી ભાષાનો ઉપયોગ વધુ થતો. જેને કારણે દરેક વયજુથનાં વાચકો એની વાર્તાઓ પસંદ કરતાં. ખૂબજ ટુંકા ગાળામાં એ ખુબ લોકપ્રિય લેખિકા બની ગઈ હતી.

“પ્રિય મિત્રો., આજે આપણે અહી નંદિનીબેન નું સન્માન કરવા એકઠા થયા છીએ ત્યારે હું એમનો થોડો પરિચય આપી દઉ. ગુજરાતનાં એક નાનકડા ગામમાં એમનો જન્મ થયો.....” સ્ટેજ પર નંદિંની ની ઓળખવિધિ ચાલી રહી હતી.

“નંદિની.. એ બેટા નંદુ... ઝો તો તાર મોટે માસ્ટરજીએ હુ મોકલ્યુ સે ?”

“શું બાપુ ?” બોલતા નંદુ બહાર આવી..

“ઝો એ શહેર જ્યાતા ત્યોંથી તારા માટ આ સોપડીઓ લાયા સે. મન રસ્તામોં મલ્યા તો કહે સે કે તમાર નંદુડી ને વાંસવાનું બહુ ગમે સે તે હું શેર જ્યોતો તે આ સોપડીઓ લાયો સું. તમ એને આલી દેજો.” ચોપડીઓ જોઇને તો નંદુ ખુશ થઈ ગઈ.

“થેંક્યુ બાપુ..” બોલતી ચોપડીઓ લઈને એ અંદર જતી રહી. એના બાપુને સમજ નહી પડી નંદુ શું બોલીને ગઈ પણ અંગ્રેજીમાં કશુંક બોલી એટલી સમજ પડી.

“તે કહું સું આ સોરીને તમારે સોપડીઓ વંસાવીને હું કરવું સે. હવે કોઇ હારો સોરો ગોતી ન સોરીન પૈણાઈ દો. આ સોપડીઓ લઈન આખો દા’ડો પડી રહે સે ને ઘરનાં કોઈ કોમ કરતી નથ. તે હા..હરે જાહેને તે હાહુ કા..ઢી મેલહે. ” નંદિનીની બાએ એના બાપુને પાણીનું પવાલું આપતાં કહ્યું.

“તે મારી સોરી આટલી હુશિયાર સે તે એને ઓ’ય ગોમડાનાં સોરા હારે નથ પૈણાવવી. એને મોટે તો સહેરનો કોઈ સાયેબ લાઈસ. ને એટલો પૈહો અહે ને ક એને કોમ કરવાની ઝરુર જ નો પડે.”

“ઓ..હો..હો..! તે એવો સાયેબ તમને ચ્યોંથી મલહે ?”

“એ તારે હુ કોમ ? મેં માસ્ટરજીન કહી દીધું સે કે સહેરમાં મારી નંદુ ને લાયક કોઈ હોય તો કેઝો.” નંદિનીના બાપુએ ધોતિયાથી મોં લુછ્તાં કહ્યું.  અને સાચેજ એક દિવસ માસ્ટરજી નીરવની વાત લઈને આવ્યા.

“નીરવ અનાથ છે. જાતે જ મહેનત કરી ધંધો ઉભો કર્યો છે. બિલ્ડર છે. મોટા મોટા મકાનો બાંધે ને એ. ખૂબ પૈસો છે. ઘરમાં નોકરચાકર ગાડીઓ બધું જ છે. એને સુંદર દેખાવડી છોકરી જોઇએ છે તે મેં આપણી નંદુની વાત કરી છે. રાજ કરશે તમારી નંદુ.”

નીરવે નંદિનીને જોઇ. નંદિની દેખાવે ખૂબ જ સુંદર હતી. ગૌરવર્ણી પાતળી નમણી કાયા. લંબગોળ ચહેરો. મૃગનયની કહી શકાય એવી અણિયાળી આંખો ગુલાબી પાતળા હોઠ અને લાંબા વાળ એનાં સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દેતા. ગામડાના સાદા કપડામાં પણ એનું રૂપ ખીલી ઉઠતું હતું. નીરવને નંદિની પસંદ આવી અને નીરવ સાથે પરણીને નંદિની શહેરમાં આવી.

તાળીઓનાં અવાજથી ગામડાની નંદુ પાછી શહેરની નંદિની બની ગઈ.

“એમણે એમનાં ૪ વાર્તાસંગ્રહો માટે રાજ્ય સરકારનાં પુરસ્કાર મેળવ્યાં છે. તેમજ એમના વાર્તાસંગ્રહ ‘તરસ’ ને તો ગયા વર્ષનો બેસ્ટ સેલીંગ એવોર્ડ પણ મળ્યો છે………

હવે હું પ્રમુખશ્રી અને એક જાણીતા લેખિકા શ્રીમતિ કુસુમબેન દેસાઈને શ્રીમતિ નંદિનીબેન નું સન્માન કરવા આમંત્રિત કરીશ. કુસુમબેન..” અને પ્રમુખશ્રીએ શાલ ઓઢાડી નંદિનીબેન નું સન્માન કર્યું. આખો હોલ ફરીથી તાળીઓનાં અવાજથી ગૂંજી રહ્યો. તાળીઓનાં અવાજ વચ્ચે પ્રમુખશ્રી કુસુમબેને એ માઈક સંભાળ્યું ને હોલમાં શાંતિ થઈ ગઈ.

“મિત્રો આજે મને ખૂબ જ આનંદ થાય છે. એક નારીનાં સહિત્ય ક્ષેત્રના પ્રદાન માટે એને સન્માનિત કરાઈ રહી છે. મને હંમેશા ખુશી થાય છે જ્યારે કોઈ નારી, એક ગૃહિણિ કોઇ સાહિત્ય સર્જન કરે. એક નારી એ એક પત્ની, એક માતા.. હોય છે. એને ઘરને સાચવતાં સાહિત્યને માટે સમય કાઢવાનો હોય છે અને જે નારી આમ કરી શકે છે તે સન્માન ને પાત્ર તો છે જ. હું પણ એક નારી છું ને જાણું છું કે સંસાર અને સાહિત્યમાં સંતુલન રાખવું કેટલું અઘરું છે. નંદિનીબેન આ કરી શક્યા છે. સાહિત્ય પરિષદનાં સામાયિકમાં મેં એમની વાર્તાઓ વાંચી છે. એ સમાજનાં પ્રશ્નોને ખૂબ જ સરળ ભાષામાં વાર્તા સ્વરૂપે આપણા વાચકો સમક્ષ મૂકે છે. એમની આ સિધ્ધિ માટે હું એમને ખુબ અભિનંદન આપું છું. આમ જ સાહિત્ય ક્ષેત્રે એ ખૂબ પ્રગતિ કરે એવા એમને મારા આશિર્વાદ છે.” ફરી તાળીઓના અવાજો વચ્ચે પ્રમુખશ્રીએ પોતાનું વ્યાખ્યાન પૂરું કર્યું. અને સંચાલકે નંદિનીબેન ને એમના ચાહકોને કંઈક કહેવા વિનંતિ કરી.

“માનનીય પ્રમુખશ્રી, લેખકમિત્રો અને મારા પ્રિય પ્રશંસકો,

આજે જ્યારે મને આ સન્માન મળી રહ્યું છે ત્યારે પ્રથમ તો હું મારા બાપુ અને અમારા ગામનાં માસ્ટરજી નો આભાર માનીશ. એમણે મને નાનપણથી જ પુસ્તકોની વચ્ચે જીવવાની તક આપી અને મારી બા, જેણે એની નામરજી છતાં મને વાંચવાની સગવડ કરી આપી. આ મંચ પરથી હું એમનો આભાર માનું છું. આજે સદેહે તો એ લોકો મારી સાથે નથી પણ જ્યાં હશે ત્યાં એમનો આત્મા જરુર ખુશ થતો હશે. બીજો આભાર મારા લેખકમિત્ર એવા મયુરભાઈ ભટ્ટનો. જેમણે મને લખવાની પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું......

છેલ્લે, મુખ્ય આભારતો હું મારા વાચકોનો માનીશ. જેમણે મારી દરેક વાર્તાઓને રસ પ્રુર્વક વાંચી અને પસંદ કરી. મને આ સન્માન આપવા બદલ ફરીથી આપ સૌનો આભાર માનું છું ” તાળીઓનાં ગડગડાટ થી હોલ ગૂંજી રહ્યો. કાર્યક્રમ પતાવી નંદિની બહાર નીકળી. મયુર એની રાહ જોતા હતા.

“અભિનંદન નંદિની આજે તેં મારું એક સપનું પુરું કર્યું. મેં કહ્યું હતું ને કે તું આ કરી શકશે.” મયુરે હાથ મિલાવતાં નંદિનીને કહ્યું.

“હા. અને એની પાછળ તમારી પણ તો એટલી જ મહેનત છે ને !” નંદિનીએ મયુરને કહ્યું.

“તો આજે સાંજની આપણી પાર્ટી પાક્કીને ?” મયુરે પાર્ટી માગી.

“હા, પાક્કી. તો મળીએ સાંજે.” કહી નંદિની પોતાની ગાડીમાં બેઠી.. “ચાલો , હું તમને તમારા ઘરે ડ્રોપ કરી દઉ.”

“ના...  ના.. હું મારી ગાડી લાવ્યો છું ને મારે એક કામ પણ છે. તું નીકળ. સાંજે તો મળીએ જ છીએ ને !”

“ઓકે ધેન સી યુ ઇન ઈવનીંગ. બાય.” નંદિનીએ કાર હંકારી મૂકી.  

નંદિનીનાં કાનમાં એ તાળીઓનો અવાજ ગૂંજી ઉઠ્યો જે વર્ષો પહેલાં મયુરને માટે હતો. મયુર સ્ટેજ પર વક્તવ્ય આપતાં હતાં. ત્યારે પણ આમ જ તાળીઓનો ગડગડાટ હતો પણ એ મયુર માટે હતો. પ્રેક્ષકગણની છેલ્લી હરોળમાં નંદિની બેઠી હતી. એનાં હાથમાં હતો એક કાર્ડ જેમાં વક્તાઓની યાદી અને એમનાં વક્તવ્યનાં વિષયો લખેલાં હતાં. સ્ટેજ પર વક્તા તરીકે મયુર હતાં અને એમનો વિષય હતો ‘ સાહિત્ય અને શિક્ષણ’. એ બોલી રહ્યાં હતાં ને નંદિની એમનાં વાણી પ્રવાહમાં તણાતી જતી હતી. નંદિની મયુરની વાક્છટાથી ખૂબજ પ્રભાવિત થઈ ગઈ. આમ તો એક લેખક તરીકે એ એમને ઓળખતી જ હતી. એમની વાર્તાઓ,એમની કવિતાઓ,એમનાં નિબંધો, એ અનેક વિષયો પર લખતાં ને મોટે ભાગે એમનું દરેક લેખન નંદિની વાંચતી પણ એમને રૂબરૂ સાંભળવાનો મોકો એને પહેલી વાર જ મળ્યો હતો. કાર્યક્રમ પૂરો થતાં એ મયુરને મળવાની તક શોધતી બહાર એક કારને ટેકે ઉભી હતી. એના આશ્ચર્ય વચ્ચે મયુર એની તરફ જ આવતાં હતાં. નંદિનીના ધબકારા એકદમ વધી ગયાં.

“એક્ષક્યુઝ મી....” એને કાને અવાજ પડ્યો ને એ ચમકી. મયુર ક્યારે એની પાસે આવી ગયાં એની એને ખબરજ નહોતી પડી. એ મયુરની જ ગાડીનો ટેકો લઈ ઉભી હતી.

 “સોરી” બોલી એ ખસી ને મયુરને સ્માઈલ આપી. કારમાં બેસી ગયેલ મયુરને કહ્યું “ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું તમે. શિક્ષણનાં આવા મુદ્દા પર તો તમારા જેવા લેખક જ વિચારી શકે.”

“થેંક યુ. બાય ધ વે તમે....?”

“મારું નામ નંદિની છે. નંદિની નીરવ પરીખ. મેં તમારા બધા જ વાર્તાસંગ્રહો વાંચ્યા છે.”

“ઓ....હ ! થેંક્યુ. તો તમે શહેરનાં મોટા બિલ્ડર નીરવ પરીખનાં પત્ની છો ?” નંદિનીએ હકારમાં ડોકું હલાવી હા કહ્યું. “એક બિલ્ડરનાં પત્નીને સાહિત્યમાં પણ રસ છે. ગુડ.. ગુડ ” થોડીવાર મૌન રહ્યા પછી “ ચાલો તો હું રજા લઉ ? ફરી કોઇ સાહિત્યનાં કાર્યક્રમમાં ભેગા થઈશું.” કહી મયુરે કાર હંકારી મુકી.

મયુરની કાર નજરથી ઓઝલ ના થઈ ત્યાં સુધી નંદિની એને જોતી રહી.

                             *     *     *     *      *

“આજે તો બહુ જ થાકી ગઈ. હવેથી આવી પાર્ટીઓમાં મને ના લઈ જશો.” મોડી રાત્રે પાર્ટીમાંથી આવી બેડમાં પડતાં નંદિનીએ કહ્યું.

“અરે ! આવી પાર્ટીઓમાં મારો વટ પડે, મારી પાર્ટનર સુંદર હોય એ માટે તો તારી સાથે લગ્ન કર્યા છે અને તું મને મારી સાથે પાર્ટીઓમાં આવવાની જ ના પાડે છે ?” નીરવે એને આલિંગનમાં લેતાં કહ્યું.

“આજે નહીં નીરવ. બહુ થાકી ગઈ છું.” પણ નીરવ સાંભળે તો ને. એને માટે નંદિનીની મરજીનું કોઇ મહત્વ નહોતું.  નંદિનીએ એને વશ થવું જ પડતું. નંદિનીનાં કાનમાં નીરવનાં શબ્દો ગુંજતા રહ્યાં “પાર્ટીઓમાં વટ પડે એટલે.......” શું નીરવે પોતાની માત્ર સુંદરતા જ જોઇને એની સાથે લગ્ન કર્યા હતાં ? એને પોતાની નીરવ સાથે વીતેલી રાતો યાદ આવી. નીરવનો પોતાના દેહ પ્રત્યેનો જ લગાવ સમજાયો.

“નીરવ મને એક બાળક જોઇએ છે.” એક સવારે  નંદિનીએ ગ્લાસમાં ફ્રુટ જ્યુસ રેડતાં કહ્યું.

“અરે નંદુ ડાર્લિંગ, આ તો આપણા મજા કરવાનાં દિવસો છે અત્યારે ક્યાં બાળક ને તું વચ્ચે લાવે છે. આપણે અત્યારે બાળક નથી જોઇતું. ” જ્યુસ પીતાં પીતાં નીરવે કહ્યું.

“પણ નીરવ તમે સવારનાં જાઓ છો ને છેક રાતે આવો છો. મને ઘરમાં એકલાં નથી ગમતું. એક બાળક હોય તો મને પણ ઘરમાં ગમે.”

“તે તને કોણ કહે છે કે ઘરમાં પડી રહે. કોઇ કલબમાં જા.. શોપીંગ કર ...” નીરવ થોડા ઉગ્ર સ્વરે બોલ્યો.

“ પણ…….”

“ બસ . હવે કોઇ ચર્ચા નહીં. મેં કહ્યું ને કે બાળક નહી જોઈએ એટલે નહી જોઇએ. આટલા વર્ષ થયાં લગ્નને પણ હજુ તને સમજ નથી પડતી કે મને શું જોઇએ છે ? તારી આ કાયાને જ તો હું પરણ્યો છું. બાકી ગામડાંની છોકરી સાથે શું કામ પરણું ? બાળક લાવીને તારે તારી આ કાયા બગાડવી છે ?” મોં લૂછી નેપકીન ટેબલ પર પછાડી નીરવ ઉભો થઈ ગયો. નંદિની ભીની આંખે એને જતો જોઇ રહી.

પોતાની એકલતા દૂર કરવા નંદિની પુસ્તકો વાંચતી. એક વાર ‘નારી જગત’ નામના સામયિકમાં એક અધુરી વાર્તા આપી હતી જેનો અંત લખવા વાચકોને કહેવામાં આવ્યું હતું. નંદિનીએ આમ જ એક વાર્તાનો અંત લખીને મોકલી આપ્યો. એ પસંદ થયો ને સામયિક માં છપાયો પણ ખરો. ત્યારે નંદિનીએ પોતાની ખુશી નીરવ સામે વ્યક્ત કરી તો એણે કહ્યું ,

“નંદિની, આ વાર્તા લખવામાં તને કેટલા રુપિયા મળે.”

“૨૦૦—૨૫૦ કેમ આમ પુછો છો ?” નંદિનીને નવાઈ લાગી.

“તને માત્ર ૨૦૦-૫૦૦ રુપિયામાં જ રસ છે ૨૦૦-૫૦૦ કરોડમાં નહીં ?” મયુરે સવાલ કર્યો.

“ એટલે ? હું સમજી નહીં.”

“પેલી પાર્ટીમાં એક મીનીસ્ટર આવ્યાં હતાં. એને તું ગમી ગઈ. જો તું એમને ખુશ કરે તો એક ૫૦૦ કરોડનો સરકારી પ્રોજેક્ટ મને મળે એમ છે.” નીરવે ખંધાઈથી સ્મિત કરતાં નંદિનીનાં શરીરને રમાડતાં કહ્યું.

“નીર…..વ....” નંદિનીએ ગુસ્સામાં નીરવને ધક્કો મારતાં લગભગ ચીસ જ પાડી... “તમે મને સમજો છો શું ? હું તમારી પત્ની છું.”

“તો હવે આવી સાહિત્યની સસ્તી વાતો મારી સાથે નહીં કરતી..” નીરવનો લાડ ગુસ્સામાં પરિવર્તિત થઈ ગયો.. અને એ બેડરૂમનો દરવાજો પછાડી રૂમની બહાર નીકળી ગયો.

નંદિની અવાક બનીને એને જતો જોઇ રહી.

સામયિકમાં પોતાની વાર્તા છપાયાની એની ખુશી આંસુ બની ગઈ પણ નીરવ એની સામે પણ જોયા વિના ઘરની બહાર જતો રહ્યો. નીરવને મન પુસ્તકો એ પસ્તી હતી. એને સાહિત્યમાં કોઇ જ રસ નહોતો.

એક દિવસ કંટાળો દૂર કરવા નંદિની કોમ્પ્યુટર પર ફેસબુક  ખોલીને બેઠી હતી. ત્યાં જ એની નજર સામે મયુરની પ્રોફાઈલ આવી. એણે ફ્રેંડ્સ રીક્વેસ્ટ મોકલી. ને એના આશ્ચર્ય વચ્ચે એમણે તરત જ એમણે એ સ્વીકારી લીધી. એ ઓનલાઈન જ હતાં. નંદિનીએ એમનો આભાર માન્યો ને મયુરે પણ કહ્યું કે એને નવા મિત્રો બનાવવા ગમે છે. એ દિવસે વાત ત્યાં જ પુરી થઈ ગઈ. બીજે દિવસે જ્યારે નંદિની કોમ્પ્યુટર પર વાર્તા લખવા બેઠી ત્યારે આમ જ એને મયુર ઓનલાઈન છે કે નહી એ જોવાનું મન થયું. અને મયુર ઓનલાઈન હતાં.

“કેમ છો ?” નંદિની એ મેસેજ મુક્યો.

“મઝામાં. તમે ?” મયુર

“હું પણ. ઓળખાણ પડી ? ” નંદિની

“ના.. સોરી....”

“ હું નંદિની.. નંદિની પરીખ. ”

“ઓહ... હા. બિલ્ડર નીરવ પરીખનાં પત્ની. બોલો બોલો કેમ છો ? શું ચાલે છે ? કંઈ નવું વાંચન ? ”

“મને નંદિની તરીકે ઓળખશો તો વધુ ગમશે.” કહી નંદિનીએ નવા વાંચેલા પુસ્તકો વિશે વાત કરવી શરુ કરી.  

“ તમારા વિશે કંઈક વધારે જણાવો.” મયુરને નંદિનીની વાતોમાં રસ પડ્યો.

“હું તો એક ગૃહીણી છું. વાંચનનો શોખ ધરાવું છું ને હમણાં હમણાં લેખનનું ભૂત વળગ્યું છે. હું પણ કંઈક લખવા માગું છું. હા... હા...”

“સરસ. તમે આગળ કશું લખ્યું છે ?” મયુરે પુછ્યું.

“ હા. મેં  ‘ નારી જગત ’ નામના સામયિકમાં ‘અધુરી વાર્તાનો અંત’ વિભાગમાં વાર્તાનો અંત લખીને મોકલ્યો હતો અને એમણે એ પસંદ કરીને છાપ્યો પણ હતો.” નંદિનીએ કહ્યું.

“ઓ..હો ! તો એ નંદિની તમે જ છો ? એ સામયિકમાં વાર્તાઓનાં અંત પસંદ કરવાનું કામ એમણે મને જ સોંપેલું હતું. તમારો લખેલો અંત વાંચ્યા પછી તમને મળવાની ઇચ્છા હતી પણ એમાં તમારા નામ સિવાય તમારી બીજી કોઇ માહિતી નહી હતી. સરસ, ચાલો આખરે મળી તો ગયા. મારે તમને મળીને કહેવું હતું કે આમ ટુકડામાં લખો એના કરતાં આખી વાર્તા લખો ને ..”

“ખરેખર ? થેંક્સ… પણ મને લેખનનો ખાસ અનુભવ નથી બસ લખવાની ખાલી ઇચ્છા માત્ર છે.” નંદિનીએ કહ્યું.

“કંઈ પણ મેળવવા માટે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા તો પહેલાં જ જોઇએ. માર્ગ તો પછી મળતાં જ રહે છે. તમે લખો અને જરુર પડે તો હું માર્ગદર્શન આપીશ.”

નંદિનીની ખુશી નો પાર નહોતો. એને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવુ થયું.

મયુરે ફોન નંબર આપ્યો ને કહ્યું ગમે ત્યારે ફોન કરીને નંદિની એમના ઘરે આવી શકે છે.

એક દિવસ નંદિનીએ મયુરને ફોન કરી તેને મળવાનો સમય લીધો પોતાની વાર્તાઓ લઈ મયુરને ત્યાં પહોંચી ગઈ. મયુરે કેટલાંક સૂચનો કર્યા એ પ્રમાણે નંદિનીએ પોતાની વાર્તામાં થોડાં સુધારા કર્યા. અને આમ મુલાકાતો વધતી ગઈ.

મયુર નંદિનીથી ઘણાં મોટા હતાં. પણ દેખાવે લાગતાં નહોતાં. એમનાં વ્યક્તિત્વમાં , એમનાં શબ્દોમાં એક પ્રકારનું ખેંચાણ હતું. નંદિની હંમેશા એમાં ખોવાઈ જતી. વારંવાર મળવાને કારણે નંદિની મયુરનાં વિચારોમાં જ ખોવાયેલી રહેવા લાગી. ક્યારેક એ મયુરનાં શબ્દો વાગોળતી તો ક્યારેક એમનાં નામ લખેલા શબ્દો પર હાથ ફેરવતી.. ક્યારેક એમની તસવીર પર હાથ ફેરવતી તો કદીક એમની તસવીરને ચુમતી તો ક્યારેક વળી એ તસવીરને છાતીએ વળગાડીને સૂઈ જતી. નંદિની મયુર માટેનું પોતાનું આવું વર્તન સમજી નહોતી શકતી. હમણાં હમણાં તો પોતાનો જ હાથ પોતાના દેહ પર ફેરવતી ત્યારે કલ્પના કરતી કે એ મયુરનો હાથ છે અને એના શરીરમાં એક અજબ ઝણઝણાટી અનુભવતી. હવે તો મયુરને પણ નંદિનીની આંખોમાં પોતા માટેનું એ ગાંડપણ વંચાઈ રહ્યું હતું. સમજદાર મયુરે નંદિનીથી થોડું અંતર વધારી દીધું તો નાના બાળકની જેમ નંદિની જાણીજોઇને ભુલો કરી મયુરનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવા લાગી. પોતાનું લક્ષ્ય લેખનની જગ્યાએ ક્યારે મયુર થઈ ગયું એ નંદિનીને ખબર જ નહી પડી. પણ મયુરની સમજમાં આવી ગયું હતું. મયુરના બતાવેલા સૂચનો થી નંદિની નું લેખન સુધર્યુ તો હતું. એટલે પોતાનો ધ્યેય ચૂકેલી નંદિનીને ફરી લેખનમાં કાર્યરત કરવા એક સાંધ્ય દૈનિકમાં નિયમિત વાર્તાઓ આપવાનું કામ મયુરે અપાવ્યું. હવે નંદિનીએ ફરજિયાત વાર્તા લખવી પડતી. એને આ કામ નહી કરવાનો વિચાર આવ્યો પણ મયુરની નારાજગી નો વિચાર કરી તેમ ન કર્યું. મયુર નિયમિત તેની વાર્તાઓ વાંચવાનો સમય કાઢતો અને ફોન પર નંદિનીની સૂચનો કરતો. નંદિનીનું મન લેખન માં પરોવાઈ તો ગયું પણ મયુરમાંથી હટ્યું નહીં. એ હંમેશા મયુરને ઝંખતી. રાતે તો એની હાલત ખૂબ ખરાબ થતી નીરવનો સ્પર્શ એ સહન નહોતી કરી શકતી. એક વાર એણે માંદગીનું બહાનું કરી મયુરને પોતાને ઘરે બોલાવ્યા. આજે તો પોતે મયુરમાં સમાઈને જ રહેશે. મયુરના આવતાં જ નંદિની એને વળગી પડી. મયુર ચમકી ગયા. એમણે પોતાની જાત સંભાળી ને નંદિની ને પોતાનાથી દૂર કરી.

“નંદિની, મારે તને એક સારી નામી લેખિકા તરીકે જોવી છે. હું તારી ભાવનાઓ નથી સમજતો એવું નથી. પણ હું આને તારી નાદાનિયત કહીશ. અત્યારે તું તારું લક્ષ્ય એક જ રાખ કે તારે સારું લેખન કરી નામના મેળવવી છે. હું તને બનતી મદદ કરીશ પણ હવે જ્યાં સુધી તું એક નામી લેખિકા બની નહી જાય ત્યાં સુધી આપણે મળીશું નહીં.”

નંદિનીએ વધુ ને વધુ સમય લખવામાં વીતાવવા માંડ્યો. શરુઆતમાં મયુરને મળવાની લાલચે અને પછી જેમ જેમ નામના મળતી ગઈ એમ નંદિની લેખનને સમર્પિત થઈ ગઈ. મયુર સાયકોલોજી જાણતા હતા. નંદિનીને એમણે લેખનમાં બીઝી કરી દીધી. એને પરિણામે આજે નંદિની એક સફળ લેખિકા તરીકે ઓળખાઇ રહી હતી.

સાંજે ડીનર પર બંને મળ્યાં ત્યારે નંદિનીએ ખુબ વાતો કરી. લોકો , પ્રકાશક , પ્રશંશકો... સાથેના પોતાના અનુભવો વિશે બસ એ બોલતી જ રહી બોલતી જ રહી... ને મયુર શાંતિથી એને સાંભળતા રહ્યાં...

રોજ કલાક બે કલાક સાહિત્ય ચર્ચા કરવી એ નંદિની અને મયુરનો નિત્યક્રમ બની ગયો.. કદીક ફોન પર તો કદીક રેસ્ટોરંટમાં. અને એક દિવસ સાંજે ...

“નંદુ. ચાલ આપણે સાથે ચાર-પાંચ દિવસનાં વેકેશન પર જઈએ.” નંદિનીએ મયુરની આંખોમાં જોયું. જે પ્રેમ એ વર્ષોથી ઝંખતી હતી એ જ પ્રેમ એણે મયુરની આંખોમાં જોયો. એ કંઈ બોલી નહીં ને બસ મયુરની સામે જોયા કર્યું. મયુરે ટેબલ પર મુકેલા નંદિનીનાં હાથને પ્રેમથી દબાવ્યો. નંદિની મયુરનાં વેકેશનનો અર્થ સમજતી હતી અને એક વખત હતો જ્યારે એની પણ તો એ જ ઇચ્છા હતી. પણ કોણ જાણે કેમ આજે આ સાંભળી એને ખુશી નહોતી થતી. નંદિનીએ મયુર પરથી નજર હટાવીને આમ તેમ જોયું ત્યાં એની નજર રેસ્ટોરંટનાં પ્રવેશદ્વાર પર પડી. નીરવ કેટલાક ક્લાયંટ્સ સાથે રેસ્ટોરંટમાં પ્રવેશ્યો...એણે નંદિનીને જોઇ અને જોયો નંદિનીનાં હાથ પર મયુરનો હાથ…………

 

*** http://www.pratilipi.com/nimisha-dalal *** 

Author: નિમિષા ????? Read More...

દૂરતા છે એટલી તારી હવે , આવવા છે જ ક્યાં રસ્તા મને.

એણે બારીનો પરદો હટાવ્યો ને સુર્યપ્રકાશ આખા ઓરડામાં ફેલાઈ ગયો. એની નજર બહાર સ્વીમીંગપુલ તરફ ગઈ. પુલમાં પાણી નહોતું. એ દોડી… નળમાં પાઈપ લગાવી પુલ ભરવા નળ ખોલ્યો પાઈપમાં પાણી નહોતું આવતું એટલે કશાકાકાને બૂમ મારવા મોં ખોલ્યું પણ અવાજ ન નીકળ્યો.. એણે શંકરને અને પછી બંસરીને પણ બૂમ મારી જોઈ પણ અવાજ કોણ જાણે ક્યાં જતો રહ્યો હતો ?... એનું ગળુ સુકાતું હતું એ પાણી પીવા રસોડા તરફ જવા ગઈ પણ પગ જમીનમાં જડાઈ ગયા હતા ને એ ત્યાંજ ફસડાઈ પડી. પડવાની સાથે જ અલ્પના સફળી જાગી ગઈ. ગળુ તો સૂકાતું જ હતું. પાસે ટેબલ પર પડેલા ગ્લાસ પરથી ડીશ હટાવી પાણી પીવા ગ્લાસ મોઢે માંડ્યું પણ ગ્લાસમાં પાણી નહોતું એણે પાણીનો જગ ઊઠાવ્યો.. ખાલી....

  એણે બારી તરફ નજર કરી પરદામાંથી થોડો ઉજાસ દેખાતો હતો. સવાર પડી ગઈ હતી. એ ઊભી થઈ. એણે બારી પરથી પરદો હટાવ્યો.. સુર્યપ્રકાશથી આખો ઓરડો અજવાળાય ગયો. એણે બહાર પુલ તરફ નજર કરી ..ખાલી હતો.....

   એ કશાકાકાને કહેવા ઓરડામાંથી બહાર આવી ને સાચવીને બારણું બંધ કર્યુ રખેને વિશાલ જાગી જાય.. વાઘ તો સૂતેલો જ સારો. બહાર આવી રૂમથી થોડે દૂર જઈ એણે ધીમેથી બૂમ મારી “કશાકાકા.......”

કશાકાકા , તમને ખબર છે ને આજે રજા છે ? ને રજાને દિવસે વિશાલ મોડે સુધી સ્વીમીંગ કરે છે. તો પુલ સાફ કરાવવાનું કામ આજે કેમ રાખ્યું ? પુલ કેમ ખાલી છે ?

બેટા, એ તો કાલે જ સાફ કરવી દીધો હતો. આ શંકર પાણી ભરવાનું ભૂલી ગયો લાગે છે. હું જોઈ લઉ છું.” કશાકાકાએ અલ્પના પર શક કરવાનું કોઇ કારણ જ નહોતું. શંકરને બૂમ મારતા કશાકાકા પુલ તરફ ગયા ને એ રસોડામાં આવી. રજાને દિવસે વિશાલ એના જ હાથની ચા પીવાનું પસંદ કરતો. એણે ફીઝ ખોલ્યું. આ ખાલી તપેલીઓ ફ્રીઝમાં શું કામ રાખી મુકતા હશે ? અને દુધ ? અરે ! એક ટીપું દૂધ નથી ને ખાલી તપેલીઓ મૂકી રાખી છે ફ્રીઝમાં..  આ કશાકાકા પણ... અને આ શાકભાજીનું ખાનું પણ ખાલી .. મૃણાલી ઉઠશે ને ઘરમાં શાક નહી હોય તો આખું ઘર માથે લેશે. આજે એનાં મોટા કાકા-કાકીને એણે પોતાને હાથે બનાવેલી રસોઈ જમવા બોલાવ્યાં છે.

કશાકાકા...............” એ બરાડી ઊઠી.....

જી બેટા” કશાકાકા દોડતા આવ્યા.

કશાકાકા આ શું છે ? દૂધની તપેલી ખાલી, આ શાકનું બાસ્કેટ પણ ખાલી...? તમને ખબર છે ને આજે મૃણાલી રસોઈ બનાવવાની છે ? પછી ? ને તમે શંકરને પૂછ્યું કે પુલ કેમ ખાલી છે ? કશાકાકા એને જોઈ જ રહ્યાં.. પુલ તો ભરેલો જ છે. એ પોતે જોઇને આવ્યા. દુધની તપેલી પણ.. ને શાક પણ મૃણાલીએ કાલે જ મંગાવ્યુ હતું. આજે અલ્પના કેમ આમ કહી રહી છે ? કશાકાકાએ ખુલાસો કર્યો તો એ વધુ ચીડાઈ.

તો શું મારી આંખો ખરાબ થઈ ગઈ છે કે આંખે દેખાતું બંધ થઈ ગયું છે મને.? જાઓ દૂધ લઈ આવો.. વિશાલ ઊઠશે એટલે એને ચા જોઈશે.” કશાકાકાને એમ જ ઉભેલા જોઇને એણે ઘાંટો પાડ્યો .

જા….ઓ” ને ફીઝમાં તપેલી ભરીને દૂધ હોવા છતાં કશાકાકાને એણે દૂધ લેવા મોકલ્યા. પોતે ચા મૂકવાની તૈયારી કરવા લાગી.

ચા-ખાંડનાં ડબ્બા કાઢીને પ્લેટફોર્મ પર મૂક્યાં ને ચાનું વાસણ લઈ પાણી લેવા ડોયો માટલીમાં નાખ્યો ડોયો તળિયે અથડાયો. માટલી ખાલી હતી.. ચાનો ડબ્બો ખોલ્યો... ખાલી.... ખાંડનો ડબ્બો... એણે બંસરીને બૂમ મારી.

બંસરી..બંસરી...”  બંસરીને આવતાં વાર લાગી.

આ લોકોને ઘરના માણસની જેમ રાખીએ તો પણ કંઈ કદર નથી.. કોઇએ પણ કામ તો કરવું  જ નથી.”સ્વગત બબડી અને બંસરી આવતાંજ એના પર તડૂકી...

આ ચા-ખાંડ સાવ ખલાસ થઈ જાય ત્યાં સુધી લવાતું નથી ? કેટલી વાર કહ્યું છે કે છેલ્લો ડબ્બો કઢાય ત્યારે જ લાવીને મુકી દો. હવે વિશાલને તું જ ચા મુકી આપજે. બધાએ મળીને આખો મુડ ખરાબ કરી નાખ્યો સવાર સવારમાં.” પ્લેટફોર્મ પર ચાનું વાસણ પછાડી એ રસોડા માંથી બહાર નીકળી ગઈ. 

સ્વીમીંગ પુલ ખાલી...ફ્રીઝ ખાલી... ને આ ચા-ખાંડના....’ એ બબડતી બબડતી રોજનાં ક્રમ મુજબ લાયબ્રેરીમાં ગઈ. બૂમ મારીને બંસરીને કૉફી લાયબ્રેરીમાં જ આપી જવાની સુચના આપી. સવારની શાંતિમાં રોજ એ પોતાનું લેખન કરતી પણ આજે લખવાનો કોઇ મૂડ નહોતો. માઈંડને ફ્રેશ કરવા સારું પુસ્તક વાંચવાની ઇચ્છાથી એણે લાયબ્રેરીનો દરવાજો ખોલ્યો. પુસ્તકોનાં રેક પર નજર જતાં જ એણે શંકરને બૂમ મારી.

 “શંકર..શંકર..”

 “જી દીદી ? ” શંકર તરત જ સામે આવીને ઉભો રહ્યો.

તને વાંચવાનો શોખ છે એટલે તને અહીં આવવાની છુટ આપી છે એનો મતલબ એ નથી કે તું મારા બધાજ પુસ્તકો ગાયબ કરી દે. એક સાથે બધા વાંચવાનો છે કે પછી પૈસાની જરુર હતી એટલે બધા પસ્તીમાં વેચી કાઢ્યા ? ” શંકર અવાચક બનીને ઘડીક અલ્પનાને અને ઘડીક પુસ્તકોના રેકને જોતો રહ્યો કારણકે બધાજ પુસ્તકો રેકમાં વ્યવસ્થિત ગોઠવાયેલા જ હતા. આજે અલ્પનાની વર્તણુંક સૌને વિચિત્ર લાગી રહી હતી અને અલ્પના પણ કંઈક અજીબ બેચેની અનુભવી રહી હતી. શંકરને મુંગો જોઇને વાંચવાનું પણ માંડી વાળી એ પગ પછાડતી બબડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. વિશાલ હજુ ઉંઘતો હતો. કેટલો માસુમ લાગતો હતો એ ઉંઘતો ને કદી જો એની સગવડ ના સચવાય તો...? તો.... તો...

એને એ દિવસ યાદ આવી ગયો જ્યારે એ નવી નવી પરણી ને આ ઘરમાં આવી હતી. અલ્પનાનાં પિતાએ હજુ વકીલાતનું ભણીને સ્ટ્ર્ગલ કરતા છોકરા ઇલેશ કરતાં નાની ઉમરમાં જ એક સફળ બીઝનેસમેન બનેલા વિશાલ સાથે પોતાને પરણાવી હતી. સફળતાનો કેફ વિશાલનાં મગજ પર હંમેશા હાવી રહેતો. એની પોતાની દરેક સગવડ બધા જ સાચવે હંમેશા એ એનો દૂરાગ્રહ રહ્યો હતો. વિશાલનાં લગ્ન પહેલાં રોજ વિશાલની માતા વિશાલની સગવડ સાચવતી. વહુ ઘરમાં આવતાં એમણે એ જવાબદારી અલ્પનાને સોંપી દીધી. જાણે વિશાલનાં ગુસ્સામાંથી મુક્તિ મેળવી લીધી. ઘરનાં બધાંજ વિશાલનાં ગુસ્સાથી ડરતાં પણ અલ્પનાનો સ્વભાવ ખૂબ સારો હતો. એ કદી પણ ઘરનાં નોકરો ને નોકર ગણતી નહીં. એ નોકરોને  ઘરનાં સભ્ય જ માનતી. પણ એ તો વિશાલની ગેર હાજરીમાં. વિશાલની હાજરી માં તો બધાં ટેંશનમાં જ રહેતાં..ક્યારે, કઈ બાબત પર વિશાલ ગુસ્સે થઈ જાય કોઇને ખબર નહીં પડે. વિશાલની હાજરીમાં તો અલ્પના પોતે પણ ટેંશનમાં જ રહેતી. અલ્પનાનાં ઘરમાં તો બધાં જાતેજ પોતપોતાનું કામ કરતાં એટલે એક દિવસ ભૂલથી એ વિશાલને રૂમાલ આપવાનું ભૂલી ગઈ તો વિશાલે કેટલો ઝગડો કર્યો હતો ! નાસ્તાની ડીશો પણ ફેંકી દીધી હતી. માતાની વિદાય પણ એનો સ્વભાવ બદલી ના શકી. રોજ અલ્પના વહેલી ઊઠીને વિશાલ ઊઠે એ પહેલાંજ એની જરુરિયાતની વસ્તુઓ તૈયાર જ રાખતી. આજે પણ એણે એમ જ કર્યુ હતું. એને થોડો થાક જેવો લાગતો હતો એટલે એ વિશાલની બાજુમાં આડી પડી અને ક્યારે એની આંખો મીંચાઈ ગઈ ખબર જ ન પડી. જ્યારે બારણે ટકોરા પડ્યાં ત્યારે એ જાગી અને એણે હોંકારો કર્યો. મૃણાલી અંદર આવી.

મમ્મી, કાકા-કાકી આવી ગયા છે. મેં બધી રસોઈ પણ બનાવી લીધી છે. કાકી તને બોલાવે છે. આતો કશાકાકાએ તારી વાત કરી હતી એટલે પપ્પાએ તને ઉઠાડવાની ના કહી હતી. શું થયું છે તને મમ્મી ? તબિયત સારી નથી ?

ના .. ના એવું કંઈ નથી જરા બેચેની લાગતી હતી હવે સારું છે.”

ઓકે, તો તું તૈયાર થઈને નીચે આવ.” મૃણાલી ગઈ.

 અલ્પનાએ ઘડિયાળ સામે જોયું. ૧૨.૩૦ વાગી ગયા હતા. એ જલ્દી જલ્દી બાથરૂમમાં ગઈ ગીઝર ઓન કર્યું ને નળ ખોલ્યો નળમાં પાણી નહોતું આવતું. એનો પિત્તો ગયો પણ અહી બાથરૂમમાં કોણ એની મદદ કરે બધા જ નીચે... એણે ફ્રેશવનથી ચહેરો સાફ કર્યો ને પોતાની પસંદગી નો ડ્રેસ કાઢવા વોર્ડરોબ ખોલ્યો. આ પણ ખાલી.. ? બધાં કપડાં ક્યાં ગયા ? એ ચીડાઈને બંસરીને બૂમ મારવા ફરી ત્યાં જ એની નજર પલંગ પર પડેલા ડ્રેસ પર ગઈ. વિશાલે પોતાની પસંદગીનો ડ્રેસ તૈયાર કરીને મુક્યો હતો. એના ૨૦ વર્ષનાં લગ્નજીવન માં પહેલી વાર આવું બન્યું હતું. એણે તો કાયમ વિશાલનો ગુસ્સો જ જોયો હતો. એને ખુશી થઈ. પણ આ મલ્ટીકલર ડ્રેસ અત્યારે બેરંગ કેમ દેખાય છે ? ખેર ! એ વિચારવાનો આ સમય નથી.

તૈયાર થઈ અલ્પના નીચે આવી અને એ બધા સાથે વાતો માં જોડાઈ ગઈ. એ બધાનાં અવાજ સાથે પાછળ ‘ અલ્પુ..અલ્પુ ’ નો ધીમો અવાજ કેમ સંભળાતો હતો એને ? જાણે ‘ એ ’ એને બોલાવતો હોય ! ધીરે ધીરે એ અવાજ મોટો થતો ગયો ને પછી તો એના સિવાય કંઈ જ સંભળાતું બંધ થઈ ગયું. બહારથી આવતો ‘અલ્પુ’નો અવાજ એને પોતાની દિશામાં ખેંચી રહ્યો હતો. એ અવાજની પાછળ પાછળ બંગલાની બહાર નીકળીને ગાર્ડનમાં આવી. અવાજ ક્યાંથી આવતો હતો ? આ સુકાયેલી લોન માંથી કે સુકી જુઈની વેલમાંથી...? ગાર્ડનમાં તો આ વસંત ઋતુમાં પણ પાનખર આવી ગઈ હતી કે શું..? ચંપાનું ઝાડ, ગુલાબ અને મોગરાના છોડ... ને પેલી બોગનવેલ... પેલું ગરમાળાનું ઝાડ.. ગુલમહોર.. આસોપાલવ... કેટલા પ્રેમથી એ એની માવજત કરતી ને આજે બધું જ સૂકાઈ ગયેલું હતું... પણ એ દરેકમાંથી પેલો અવાજ નહોતો આવતો..એ અવાજ હવે એકદમ તીવ્ર બની ગયો હતો. અલ્પના અવાજની પાછળ દોડી રહી હતી ને... ને બહારનાં ગેઈટ સાથે અથડાઈને પડી.

ધડામ ! અવાજ આવતાં ઘરમાંથી બધા દોડતાં આવ્યાં.

અલ્પના...અલ્પના...” અલ્પનાને બેહોશ જોઇ વિશાલ બહાવરો થઈ ગયો. કશાકાકા અને શંકરની મદદથી અલ્પનાને પોતાના રૂમમાં લાવી સૂવાડી. મૃણાલી એ ડૉ.અંકલને ફોન કર્યો. ડૉ.એ ચેક અપ કર્યું અને ગભરાવા જેવું નથી કહી ગયા. કોઇને સમજ પડતી નહોતી કે આજે સવારથી અલ્પનાને શું થઈ રહ્યું હતું ? સાંજે તો વિશાલ અલ્પનાની સામે જ બેસી રહ્યો હતો. અલ્પનાને જે જોઇએ તે એના હાથમાં આપતો.. અલ્પનાને  તો પથારીમાંથી ઉભી થવા દેતો જ નહોતો. અરે ત્યાં સુધી કે અલ્પના જો બાથરૂમમાં જાય તો એ નીકળે નહી ત્યાં સુધી બાથરૂમની બહાર જ ઉભો રહેતો. અલ્પનાની આટલી કાળજી તો એણે જ્યારે અલ્પના પ્રેગ્નંટ હતી ત્યારે પણ નહોતી લીધી.. જોકે અલ્પનાને વિશાલનું આ રૂપ ગમ્યું.

અલ્પનાની બીજા દિવસની સવાર થોડી મોડી પડી. અલ્પનાની નવાઈ વચ્ચે એણે જાણ્યું કે જાતે જ પોતાની વસ્તુઓ લઈને વિશાલ ઓફિસે જઈ ચૂક્યો હતો. અલ્પનાએ કોફી ગાર્ડનમાં મંગાવી .. આજે ગાર્ડન લીલો છમ્મ હતો. અલ્પનાને નવાઈ લાગી. કાલે મન શા માટે બેચેન હતું ? જાણે એક ખાલીપો મહેસુસ થતો હતો ! બંસરી કોફી આપી ગઈ. કોફીનો એક ઘુંટડો લઈ એણે છાપું ખોલ્યું. મોટા અક્ષરે છપાયેલાં એક સમાચારે એને ચોંકાવી..

શહેરનાં જાણીતા એડવોકેટ અને સમાજ સેવક ઇલેશ કોઠારી ને શ્વાસની તકલીફ થતાં સવારે હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન એમનું નિધન થયું છે. ’

 

*** http://www.pratilipi.com/nimisha-dalal ***

Author: નિમિષા ????? Read More...

 

મારી ચાવી થી દરવાજો ખોલી હું અંદર આવી. હોસ્પિટલમાં મમ્મીની હાલત મારાથી જોવાતી નહોતી. પપ્પા હજુ હોસ્પિટલમાં મમ્મી પાસે જ હતા. મૌલિક અમેરિકાથી આવ્યો નહોતો. મારે પણ મમ્મી પાસે જ રહેવું હતું પણ પછી ઘર નું ધ્યાન રાખવાનું હતું ને ! ઘરનું કે... પછી... પપ્પાએ શિખામણોનું પોટલું બાંધીને મને ઘરે મોકલી દીધી.

હજુ તો અંદર આવી ને સહેજ આંખ બંધ કરી સોફા પર બેઠી કે અવાજ આવ્યો..

મ...મ... મને ખૂબ ગુસ્સો આવ્યો.. એ ખૂબ નજીક આવી મને ઢંઢોળવા લાગી..

મ...મ... સિવાય બીજું કશું એ બોલી જ નહોતી શકતી. મેં આંખ ખોલ્યા વિના જ જોરથી એને ધક્કો માર્યો.. એ દૂર ફંગોળાઈ, રડવા લાગી. મેં આંખ ખોલી એની સામે જોયું. એક વખત તો દયા પણ આવી. બીજી જ પળે મમ્મી દેખાઈ. મમ્મીની આ સ્થિતિ માટે એ જ જવાબદાર છે. ન તો એ હોત.. ન તો એ મારી વસ્તુઓને અડતે..  ન તો મને ગુસ્સો આવતે..  ન તો હુ એને મારતે... ન તો મમ્મી એને બચાવવા આવતે.. ન તો મમ્મી આજે હોસ્પિટલમાં હોતે... એક એ ના હોત તો દુનિયામાં શું ઓછું થઈ જવાનું હતું  ? હું ત્યાંથી ઉઠીને મારા રૂમમાં જતી રહી અને ફેન ચાલુ કરી બેડ પર પડી. બે દિવસ પહેલાનો એ બનાવ મારી આંખ સામે આવી ગયો.   

હું કોલેજથી આવીને મારા રૂમમાં ગઈ તો...

મમ્મી.. મમ્મી.. બોલતી  હું મમ્મીને શોધતી રસોડામાં ગઈ.

મમ્મી જો દીદીએ મારા મેક અપ બોક્ષનું સત્યાનાશ વાળી નાખ્યું.

કંઈ નહીં બેટા, હું તને નવો અપાવી દઈશ. મમ્મીએ મારી સામે જોયા વિના ભાખરી બનાવતા જવાબ આપ્યો. આ મમ્મી, કદી દીદીને કંઈ કહેશે નહી. હું પગ પછાડતી રૂમમાં આવી. દીદી જાણતી હતી કે મમ્મી તેને કંઈ કહેવાની નથી એટલે એ તો બિન્દાસ મેક અપ કરતી હતી. મેં એના હાથમાંથી મેક અપ બોક્ષ ઝુંટવવાની કોશિશ કરી પણ એ બોક્ષ લઈને ઘસડાતી રસોડા તરફ ભાગી.. ખબર નહી મારા મગજ પર ઝનૂન સવાર હતુ. નાનપણથી મનમાં ને મનમાં ઘૂંટાતો ગુસ્સો એ દિવસે નીકળી ગયો. ને મેં દીદીને વાળ ખેંચી ખેંચીને મારી.. મમ્મી રસોડામાંથી આવી મને અટકાવવાની વ્યર્થ કોશિશ પણ કરી.. દીદીને લોહી નીકળ્યું એટલે હું મારા રૂમમાં ભાગી ગઈ.

જ્યારથી સમજણી થઈ છું ત્યારથી દીદીને જોઉં છું.. બધા એને ખૂબ લાડ કરે. મને જે અપાવે તે એને માટે લેવાનું જ હોય. હું સ્કૂલે જતી ને મારે માટે સ્કૂલબેગ લવાતી તો તે રડીને માગતી અને પપ્પા લાવી આપતા.. સ્કૂલબેગ ખભા પર ભરાવીને એ આખા ઘરમાં ફરતી. મારે મારી જાતે ખાવાનું ને તેને મમ્મી લાડથી કોળિયા કરીને ખવડાવતી.. એક વાર તો મારી સ્કૂલની રીક્ષામાં બેસવાની એવી જીદ કરી કે એ રીક્ષામાં સ્કૂલે આવી અને પપ્પા એને કારમાં પાછી ઘરે લઈ ગયા. અને મૌલિક ? મારો નાનો ભાઈ, એ પણ એને વહાલ કરતો. એની સાથે રમતો. એ એમેરિકા ભણવા ગયો ત્યારે રોજ એ ત્યાંથી ફોન કરતો અને માત્ર દીદી સાથે વાત કરતો. દીદી અહીથી ખાલી મ..મ.. કર્યા કરતી ને ફોન પર એની લાળ લાગ્યા કરતી.

ગન્દી દીદી.. પગ પર ઉભી ન થઈ શકતી, મોં માંથી હંમેશા લાળ પડ્યા કરે.. હાથ પણ કોણીએથી વળેલા. અને સિવાય તો કશું બોલતા આવડે નહી. એની ભાષા ખાલી મમ્મી અને પપ્પા જ સમજી શકતા. મેં કદી સમજવાનો પ્રયત્ન નહોતો કર્યો. હું એને ખૂબ નફરત કરતી. અને તે દિવસે મારી વસ્તુને એ અડી એટલે મારો ગુસ્સો જ્વાળામુખીની જેમ ભભૂકી ઉઠ્યો. હું બેડ પર પડી રડતી હતી. એ આવીને મને ખેંચવા લાગી

મ...મ... ટેબલ પરથી મમ્મીનો ફોટો લીધો ને બતાવતા મ.. મ.. મેં ફોટો એના હાથમાંથી લઈ લીધો તો એણે મારા કપડા ખેંચ્યા અને બહારના રૂમ તરફ ખેંચવા લાગી.. મમ્મી ના ફોટા તરફ આંગળી કરી ઈશારાથી સમજાવ્યુ કે મમ્મીને કંઈ થયું છે મમ્મી બોલતી નથી. હું ઝડપથી બહારના રૂમ તરફ દોડી મમ્મી બેભાન પડી હતી. બાજુના ઘરમાંથી ડોક્ટરને બોલવ્યા, એમણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. પપ્પાને ફોન કરી સીધા હોસ્પિટલ બોલાવી દીદીને ઘરમાં પૂરી મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરી દીધી.

આજે બે દિવસથી મમ્મી જીવન મરણ વચ્ચે ઝૂલે છે. મને ભાન જ નહોતું રહ્યું કે દીદી પણ એક માણસ છે એને પણ વાગે.. ને મમ્મી તેને ખૂબ પ્રેમ કરે છે. એક વિકલાંગને પ્રેમ સિવાય શું જોઇએ ? દીદી મારાથી ગભરાતી પણ મને કેટલો પ્રેમ પણ કરતી. હું જીમમાંથી આવું ત્યારે પાણીનો ગ્લાસ લઈને આવતી. હું એનો પ્રેમ સમજ્યા વિના એ ગ્લાસ ફેંકી દેતી તો પણ એ બીજે દિવસે પાછી હાજર. તે દિવસે શાક સમારતા જરા ચપ્પુ વાગ્યુ ને લોહી નીકળ્યું તો એ રડવા બેસી ગઈ ને પપ્પાને બોલાવી લાવી. એનો પ્રેમ હું કેમ સમજી શકતી નહોતી ?

ત્યાંતો પાછો મ..મ.. અવાજ આવ્યો ને એ અવાજે હું વર્તમાનમાં આવી ને મેં અવાજની દિશામાં જોયું તો દીદી પાણીનો ગ્લાસ લઈને મને ધરતી હતી. આ વખતે મેં એ પાણી ઢોળી નહી નાખ્યું ને એની સામે જોતા જોતા પી ગઈ. એની આંખમાં ખુશીની કેટલી ચમક હતી. હું રડી પડી. એણે ઈશારાથી મને એના મોં પાસે બોલાવી ને મારા ગાલ પર પપ્પી કરી. મેં એની સામે મજાકભર્યા ગુસ્સાથી જોયું એ બીને થોડી પાછળ ખસી. મે મારો ગાલ લૂછ્યો અને એનું મોં પણ. પછી મારા ગાલને એના હોઠ સામે ધર્યો એ ખુશ થઈ મને વળગી પડી અને ક્યાંય સુધી એના હોઠ મારા ગાલ પર રહ્યા. રાતે એની પથારીની સાથે મારી પથારી કરી બંને બહેનો વળગીને સૂઈ રહી. મમ્મીના ખોળામાં જેવી હૂંફ લાગતી તેવી હૂંફ મને લાગી રહી હતી.

બીજે દિવસે સવારે પપ્પા આવ્યા તે પહેલા દીદીને ઉઠાડી મેં તૈયાર કરી દીધી હતી. દૂધ પીવડાવતા મેં પૂછ્યું, દીદી, મમ્મીને મળવા આવીશ ?” એણે ખુશીમાં ડોકું હકારમાં ધૂણાવ્યું.

આજે લઈ જઈશ હું તને. અમે બંને બહેનો પપ્પાની રાહ જોવા લાગ્યા. પપ્પા આવ્યા ને અમને બંનેને તૈયાર જોઈ એમને નવાઈ તો લાગી પણ બોલ્યા વિના રૂમમાં જતા રહ્યા. પપ્પાને હોસ્પિટલે મુકવા જતા દીદી તૈયાર થઈ.

દીદી, હું પપ્પાને મૂકીને આવું છું તને લેવા. પપ્પાને સરપ્રાઈઝ આપીશું. મેં દીદી ના કાનમાં કહ્યું. પપ્પા આ જોયા કરતા હતા પણ બોલ્યા નહી. હોસ્પિટલે પપ્પાને ઉતાર્યા,

પપ્પા મારે થોડું કામ છે હું ગાડી લઈ જાઉં છું.

તુ મમ્મી પાસે નથી આવતી ?”

કામ પતાવીને આવું છું.

ઓકે.” પપ્પા અંદર જતા રહ્યા ને હું દીદીને લેવા ઘરે પાછી આવી.

હોસ્પિટલમાં વ્હીલચેરમાં બેસાડી હું દીદીને આઈ.સી.યુ.માં મમ્મી પાસે લઈ ગઈ. પપ્પા આ જોઈ કંઈ બોલે એ પહેલાં જ મેં કહી દીધું,

પપ્પા, પાંચ મિનિટ માટે ડો.ની પરમીશન મેં લઈ લીધી છે. પપ્પાને સવારથી જ મારું વર્તન વિચિત્ર લાગતું હતું પણ બસ એ બોલ્યા વિના મને જોઈ જ રહ્યાં હતાં.. કદાચ આઘાતમાં હશે પણ એમની આંખોમાંથી છલકાતી ખુશી હું જોઈ શકતી હતી.

મ..મ.. દીદીએ મમ્મીને બોલાવી. મમ્મીએ કોઈ હરકત નહીં કરી. દીદી મમ્મીને ઢંઢોળતી રહી

મ્..મ્.. પણ મમ્મી આંખ ખોલી નહોતી રહી અને દીદીને મમ્મી પાસે આવી તેના કરતા ખૂશી એની વધારે હતી કે હું તેને અહી લાવી હતી. તેને કહેવું હતું કે,

મમ્મી, જો પૂજા મને અહી લાવી છે, એણે મને તેનો ડ્રેસ પણ પહેરવા આપ્યો છે, મને પાવડર લગાવી ચાંલ્લો પણ કર્યો છે, મારા માથામાં તેની હેરબેંડ નાખી આપી છે, જોને હું કેટલી સુંદર દેખાઉ છું.. મને પૂજાએ તૈયાર કરી છે.  મને અરીસામાં પણ બતાવ્યું હતું.એ પોતાની મ...મ.. ની ભાષામાં કેટલું બધું બોલી.. આજે મને એની ભાષા સમજાઈ રહી હતી. મમ્મીએ આંખ ન ખોલી. એટલે મેં એનો હાથ પકડ્યો અને તે મને વળગી પડી. મેં પણ દીદીને પ્રેમથી મારા શરીર સાથે ભીંસી. પછી એણે પપ્પાનો હાથ પકડીને હચમચાવ્યા ને જાણે કહ્યું, પપ્પા તમે મમ્મી ને ઉઠાડોને, આજે તો મને દૂધ પણ પૂજાએ પાયું મમ્મી, અને મેં એક પણ ટીપું ઢોળાયા વિના એ પીધું. મમ્મી, આજે હું ખૂબ ખૂશ છું મમ્મી, જોને. પૂજા અને મારી દોસ્તી થઈ ગઈ છે મમ્મી. હવે પૂજા મારા પર કદી ગુસ્સે નહી થાય. પપ્પાએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. એમની આંખો ભીની થઈ ને મારી પણ આંખોમાં ઝળઝળિયાં આવ્યાં અને એનો મ..મ.. નો અવાજ ધીરે ધીરે ધીમો પડતો ગયો. એ થાકી ગઈ હોય એમ લાગ્યું. એના મોંમાંથી લાળ પડતી હતી..

મમ્મી, જો હું દીદીને લાવી છું મમ્મી, સોરી મમ્મી. મેં દીદીને પણ સોરી કહ્યું મમ્મી. એણે મને માફ કરી દીધી હેં નેં દીદી. ?” દીદી એ ખુશ થઈને માથું હકારમાં ધૂણાવ્યું. મ.. મ..

મમ્મી હવે તો આંખો ખોલ. ને હું રડી પડી. દીદી પણ મને વળગી. એની પણ આંખો માંથી આંસુ પડી રહ્યાં હતાં. થોડી વાર રહીને એણે ફરી મ્..મ્. કહી મમ્મીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પણ....

પછી તે મમ્મીના શરીર પર હાથ ફેરવતા ફેરવતા ઢળી પડી.

ત્યાં તો મમ્મીના દેહમાં સળવળાટ થયો ને મમ્મીએ આંખો ખોલી...

દીદી જો મમ્મીએ આંખો ખોલી.. દીદી... દીદી, તું બોલતી કેમ નથી ? જો દીદી, તું બોલશે નહી તો હું ગુસ્સે થઈ જઈશ હોં. પણ દીદી કંઈ બોલી નહીં.. દી...દી... મેં દીદી ને ઢંઢોળી... પણ એનો દેહ વ્હીલચેર માંથી જમીન પર ઢળી પડ્યો.

 

***   http://www.pratilipi.com/nimisha-dalal  ***

Author: નિમિષા ????? Read More...

૨૩ જાન્યુઆરી, ૨૦૧૪ બપોરે લગભગ ૧:૧૫ થી ૧:૩૦ વાગ્યે..

આ દિવસ મારાં જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. હું ઘરમાં એકલો પોતાનાં વિચારોમાં મસગુલ બેઠો હતો. અચાનક ભૂતકાળમાં વિતી ગયેલી પળો યાદ આવવા લગી અને ગુસ્સો આવવા લાગ્યો. હું અંદર રૂમમાં ગયો અને બ્લેડ લઈને પાછો મેઈન રૂમમાં આવ્યો.

મારાં જીવનનો પ્રથમ એવો દિવસ હતો આ જ્યારે હું આટલા ધૈર્ય સાથે કઈંક કરવા જઈ રહ્યો હતો. બ્લેડ લીધી; ડાબાં હાથ પર મુકી અને ધીરેથી સરકાવી. પેહલી વખતમાં લોહિ ઓછું નીકળ્યું એટલે ફરી-ફરીને ૭ થી ૮ વખત આ જ રીતે બ્લેડ સરકવી. પણ હજી પણ સંતોષ નહોતો થતો કેમકે લોહિ હજી પણ ઓછું નીકળ્યું હતું અને મોત પામવાની આશાઓ પણ નહિવત જ હતી. એટલાંમાં મગજમાં એક એવી પળ અને વ્યક્તિની યાદ આવી ગઈ કે મને હોશ જ ન રહ્યો.. કારણ કે ગુસ્સો સીમાથી પર થઈ ગયો હતો અને.. બ્લેડ એ રીતે કસ્સીને પકડી જાણે તલવાર અને પોતાના જ હાથ પર એવી રીતે જોરથી વાર કર્યા જાણે કોઈ દુષ્મન પર વાર કર્યો હોય અને એ ૨-૩ વાર(ઘા) એવા હતાં જેમાં લોહિનાં ફુંવારાં નીકળી આવ્યાં હતાં.

ઠંળીની એ મોસમમાં જ્યારે ગુસ્સાનો મિજાજ જામ્યો હતો ત્યારે એકાએક લોહિ હાથ પર પડ્યું ને ભાન આવ્યું અને વિચારોની દુનિયાંમાંથી હું વાસ્તવિક દુનિયાંમાં આવી ગયો અને જોયું તો જમીન પર લોહિ જ લોહિ હતું. એ જોઈને મને વિશ્વાસ થઈ ગયો હતો કે હવે હું મોતથી વધું દૂર નથી પણ મારે હજી લગભગ ૨-૩ કલાકનો સમય પસાર કરવાનો છે એટલે હું ઈયરફોન લગાવીને મ્યુઝિક સાંભળતો-સાંભળતો સુઈ ગયો.

બપોરનાં લગભગ ૩:૦૦ કે ૩:૩૦ વાગ્યાં હશે.. અને અચાનક જ કંઈક અલગ પ્રકારનો ઘોંઘાટ સંભળાવવા લાગ્યો મને એટલે મને એહસાસ થયો કે હું હજી જીવુ છું. મારાં ઈયરફોન્સ ઢીલા પડી ગયાં હતાં એટલે કઈ બરાબર સંભળાતું નહોતું પણ એવું લાગ્યું કે કોઈક ચીસો પાડી રહ્યુ હોય અને દરવાજો ખખડાવી રહ્યું હોય. મને એહસાસ થઈ રહ્યો હતો કે હું હવે પેહલાંની જેમ નોર્મલ તો નથી જ રહ્યો કેમ કે મારું શરીર ઠંડું પડી ગયું હતું અને મને અતીશય ઠંડી લાગી રહી હતી એટલે હું એકદમ સાફ નહોતો જોઈ કે સાંભળી શકતો. પણ મેં થોડું ધ્યાનથી સાંભળ્યું અને પ્રયત્ન કર્યો એ ઘોંઘાટને સમજવાનો ત્યારે મને ખબર પડી કે ઘણાં બધાં લોકો ઘરની બહાર ચીસા-ચીસ કરી રહ્યાં હતાં અને કોઈક દરવાજો તોડી રહ્યું હતું એટલે મને સમજાઈ ગયું કે નક્કી કોઈ આવી ગયું છે અને અંદાજે તો એ મમ્મી જ હતાં. મને ખુબ જ ડર લાગવા લાગ્યો કારણ કે હું ૨-૨:૩૦ કલાક થયાં પછી પણ મોત નથી પામ્યો. એમાંય આટલો શોર-બકોર હતો બહાર જેનાં કારણે મારી ધડકનો ખુબ જ વધી ગઈ હતી. મને જાણે હાર્ટ એટેક આવી જ ગયો હોય એમ લાગી રહ્યું હતું. એટલી જ વારમાં એકદમથી દરવાજો તુટ્યોને કોઈક અંદર આવી ગયું. ખબર નહિ કોણ હતું પણ કોઈક છોકરો હતો એ. અંદર આવતાં વેંત જ એના મોંમાંથી ચીસ નીકળી પડી કે..

અરે! આ શુ!?

એ છોકરાંની ચીસ સાંભળીને બહાર હાજર દરેક વ્યક્તિ વિજ ગતિએ ઘરમાં ઉમટી પડ્યાં. હું આંખો બંધ કરીને પડી રહ્યો હતોને લોકોને લાગ્યું કે હું મૃત છું. પણ ફક્ત હું જ જાણું છું કે હું હજી પણ જીવુ છું અને ત્યાં હાજર દરેક વ્યક્તિની મનોવ્યથા હું અનુભવી રહ્યો હતો. લોકો વિચિત્ર-વિચિત્ર વાતો કરી રહ્યાં હતાં..

અરે! તને શું થયું એકદમ કે આવું કર્યું?

મને તો કહેવું હતું.

આવું કરાય ગાંડા!

વિગેરે વિગેરે..

કેટલાંક લોકોએ મમ્મીને ઘરની બહાર જ રોકી રખ્યાં હતાં કેમ કે ઘરમાં લોહિ જ લોહિ હતું અને તે આ જોઈ ના શકે અને એ ઘરની બહાર ઊભા-ઊભા માતમ મનાવી રહ્યાં હતાં. ત્યાં હાજર દરેક વ્યક્તિના હૃદય પર આઘાત લાગ્યો હતો કે આ વ્યક્તિએ આવું કર્યું. અને ઘણાંની આંખો આંસુંઓથી ભરેલી હતી. કમનસીબે કેટલાંક લોકો અંતરમાં જ ખુસ હતાં, ને કેટલાંક લોકો દુ:ખી છે એવુ પ્રતિત કરાવી રહ્યાં હતાં. પણ મને નથી ખબર કે એમાંથી કોણ મારું પોતાનું હતું ને કોણ પારકું.

આખાંય ઘરમાં જાણે માતમનો માહોલ છવાઈ ગયો હતો. અને એટલાંમાં જ એક વ્યક્તિએ મારાં ધબકારાં તપાસ્યા હાથ વડે અને બધાંને એક આશા આપી કે હું હજી જીવું છું. તો કોઈકે એમ્બ્યુલન્સને ફોન કર્યો. અને એક વ્યક્તિએ મારાં હાથ પર રૂમાલ બાંધ્યો અને હાથ ઉંચો પકડી રખ્યો જેથી લોહિનો પ્રવાહ ઓછો થઈ જાય. એમ્બ્યુલન્સની રાહ જોવાંમાં સમય વેડફાઈ રહ્યો હતો એટલે આસપાસમાંથી કોઈકની કારની વ્યવસ્થા કરી અને મને હોસ્પીટલ લઈ જવાંમાં આવ્યો.

હું એ વિસ્તારમાં વર્ષોથી રહેતો હતો એટલે ઘણાં બધાં ઓળખીતાં લોકો હતાં જે દોડી આવ્યાં અને પોત-પોતાના ૨ વ્હિલર્સ લઈને રોડ પર જાણે રેલી નીકળી હોય એવો માહોલ બનાવી દિધો હતો અને આને કારણે આખાં વિસ્તારમાં વાત ફેલાઈ ગઈ કે મેં સ્યુસાઈડ અટેમ્પ્ટ કર્યું છે. લગભગ ૭-૮ ૨ વ્હિલર્સ અને ૧-૨ કાર્સ, જેમાંથી એકમાં મને લઈ જઈ રહ્યાં હતાં. ખૂબ જ શરમનો એહસાસ થઈ રહ્યો હતો પણ હું કઈં કહિ પણ નહોતો શકતો.

લગભગ સાંજનાં ૪:૩૦-૫ વાગ્યે ઈમરજન્સી ટ્રીટમેન્ટ રૂમ (ઈ.ટી.આર.)

ઈ.ટી.આર.માં હું, ડોક્ટર્સ અને ૨-૩ વોર્ડ બોય્ઝ હતાં. મારો શર્ટ કાપીને કાઢી નાંખવામાં આવ્યો અને આવી કડકડતી ઠંડીના સમયમાં મને સ્ટીલના સ્ટ્રેચર પર શર્ટલેસ સુવડાવી દીધો. એક વોર્ડ બોયે મારાં લોહિમાં લથપથ હાથને સાફ કર્યો અને બીજી બાજું બીજો વોર્ડ બોય મારાં બીજા હાથમાં સોય લગાવીને ગ્લુકોઝની બોટલ લગાવી રહ્યો હતો. એક જુનીયર ડોક્ટર મારાં ધબકારાં તપાસી રહ્યાં હતાં. અને એક ડોક્ટરે મારાં બ્લેડ લાગેલ હાથ પર મલમપટ્ટી કરી. હવે બધાં રાહ જોઈ રહ્યાં હતાં કે આંતરીક રક્તસ્ત્રાવ બંધ થાય અને ઓપરેશન કરી શકાય. એટલાંમાં ડોક્ટર્સ અને વોર્ડ બોય મારાં જોડે વાતચીત કરવાં લાગ્યા અને તર્ક-વિતર્ક કરીને મને પરેશાન કરવા લાગ્યા કેમ કે મે એક ભૂલ કરી હતી કે મારી આંખો થોડી-થોડી ખોલી દીધી હતી.

ડોક્ટર: શું થયું’તું લ્યાં? કોઈ છોકરીનું લફરું છે? કે નાપાસ થયો છે?

હું એક્દમ ચુપચાપ બધું જ સાંભળી રહ્યો હતો કઈં જ બોલી નહોતો રહ્યો ફક્ત ઈશારાંમાં “ના” કહી દીધું.

ત્યારબાદ મને નામ પૂછવાં લાગ્યાં. આ વખતે મેં જવાબ અપ્યો પણ એમને સંભળાયો નહી એટલે એમણે મારાં મોં પાસે પોતાનો કાન લાવીને સાંભળવાની કોશીશ કરી પણ એટલાંમાં જ એમની નજર મારાં ગળામાં પહેરેલાં લોકેટ પર પડી અને એમાં લખેલું નામ વાંચી લીધુ.

થોડીક વાર બાદ અમારી સોસાયટીનાં પાડોશી અંકલ અંદર આવ્યાં મારી હાલત જોવાં અને મારાં સાથે વાત કરવાની કોશિશ કરી..

પડોશી અંકલ: આવું કરાય ગાંડા!? અમને કહેવાયને કંઈ તકલીફ હોય તો.

હું કંઈ બોલ્યો નહિ. એટલે એ ૨-૫ મિનિટમાં એક વાત કહીને ચાલ્યાં ગયાં..

પડોશી અંકલ: બધું હારું થઈ જશે તું ચિંતા ના કરતો હવે. આરામ કર.

થોડી વાર પછી એક ડોક્ટરે કહ્યું કે થોડીક વારમાં પોલીસ અધિકારી આવશે એમને બધું જ સાચે-સાચું સ્ટેટમેન્ટમાં લખાવી દેજે જે હોય એ. ત્યાર બાદ મારાં હાથનું ઓપરેશન કરવામાં આવ્યું અને મને આઈ.સી.યુ. માં શીફ્ટ કરી દેવામાં આવ્યો. આઈ.સી.યુ.માં હું શાંતિ અનુભવી રહ્યો હતો કેમ કે આટલો બધો ઘોંઘાટ અને લોકોના સવાલ-જવાબ સાંભળ્યાં બાદ કેમકે ત્યાં મને પરેશાન કરનાર કોઈ નહોતુ.

થોડીક વાર પછી ૨ પોલીસ અધિકારી આવ્યા મારું સ્ટેટમેન્ટ લેવા અને એમણે મને ૨-૩ વખત પૂછ્યું કે શું થયું હતું? અને એ બન્ને પણ તર્ક-વિતર્ક કરવા લાગ્યા કે..

કોઈ પ્રેમનું લફડું છે? કે નપાસ થયો છે?

પણ મેં કંઈ જ જવાબ ન આપ્યો એટલે એ મને ડરાવવા માટે કહેવા લાગ્યા કે સ્ટેટમેન્ટમાં સાચી વાત લખાવી દે નહિતો અમારે તારાં વિરુદ્ધમાં ગુન્હો દાખલ કરવો પડશે. ત્યારે મેં એમને કહ્યું કે કઈ નહોતુ થયું અને મારે કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપવું. તો એ કહેવા લાગ્યા કે કઈ નહોતુ થયુ તો તને એવો તો કેવો શોખ લાગ્યો તો કે ખુદનાં જ હાથની નસો કાપી નાખી!? તારાં પાસે ૫ મિનિટનો સમય છે વિચારી લે કે સ્ટેટમેન્ટમાં શું લખાવવુ છે અને તે બન્ને બહાર ચાલ્યાં ગયાં.

હું સ્ટેટમેન્ટ નહોતુ આપવા માંગતો અને સ્ટેટમેન્ટ આપુ તો પણ શું લખાવુ! કેમે કે સાચું બોલી નહોતો શકતો કે મને મારી જ જીંદગીથી જ નફરત થઈ ગઈ છે અને હું મારી જ આસપાસનાં માણસોથી કંટાળી ગયો છું. આવું વિરોધાભાષી સ્ટેટમેન્ટ આપીને હું મારી જ જીંદગી વધું મુશ્કેલ બનાવી દે’ત. અર્થાત મારાં પાસે તક સારી હતી પણ વિચાર ખોટો હતો. અને વળી પાછો વિચાર આવ્યો કે જો સ્ટેટમેન્ટ ના આપ્યું અને અધિકારીએ સાચે જ ગુન્હો દાખલ કરી દીધો તો મારી જીંદગી જીવવા લાયક પણ નહિ રહે.

થોડીક વારમાં અધિકારી અંદર આવ્યાં. મેં સ્ટેટમેન્ટમાં શું લખાવવું તે વિચારી લીધું હતું છતાં પણ મેં એક આખરી વાર કોશિશ કરી કે સ્ટેટમેન્ટ ના આપુ પણ અધિકારીએ ઈમોશનલ અત્યાચાર કર્યો કે તું સ્ટેટમેન્ટ નહિ આપે તો તારાં માં-બાપની જ તકલિફો વધારીશ તું. ત્યારે મેં આખરી સવાલ પૂછ્યો કે તમે આ સ્ટેટમેન્ટનું શું કરશો? ત્યારે એમણે મને કહ્યું કે તારું સ્ટેટમેન્ટ અમે રેકોર્ડ માટે ફાઈલ કરી દઈશું.

 

સ્ટેટમેન્ટ આવું હતું કે..

છેલ્લાં ૩-૪ વર્ષથી હું જે ભણવા માંગતો હતો અને ઘરેથી કોઈ તૈયાર નહોતા થતાં અને મને જાત-જાતની વાતો સંભળાવતાં કે આટલો ખર્ચો કરીને તો ભણાતું હશે! નપાસ થયો તો? પેઢીઓ ચાલે છે તમારાં બાપાની?!! વિગેરે વિગેરે. એટલે આ વર્ષે હું ઘરેથી નહિ પણ મારાં મિત્રો સાથે મળીને મારાં ભણતર માટેની ફીસ અરેન્જ કરવાનો હતો અને ભણવાનું શરૂં કરવાનો હતો. આજે શીટ રજીસ્ટર કરાવવાનો છેલ્લો દિવસ હતો પણ હું ફી અરેન્જ નહોતો કરી શક્યો. જો આ વર્ષે હું મારી ઈચ્છાં પ્રમાણે આ કોર્ષમાં એડમીશન ના લઈ શક્યો તો મારે પણ બીજાની જેમ જ મજુરી કરીને જીંદગી ગુજારવી પડે જે મને મંજૂર ન હતું. આવાં વિચારો અને જીંદગીની ગંભિર ચિંતા ચાલી રહી હતી મારાં મગજમાં છેલ્લાં કેટલાંય સમયથી ને આજે તક મળી ગઈ તો વિચર્યું કે જીંદગી નહિ તો શું થયું હું મોત તો કમાઈ જ શકું છું! એટલે આવું પગલું ભર્યું.

સ્ટેટમેન્ટ તો લખાવી દીધું સાચુ-ખોટું-અર્ધસત્ય જે કંઈ પણ હતું એ. પણ મને ક્યાં ખબર હતી કે મારું આ જ સ્ટેટમેન્ટ મારી જીંદગીમાં મુશ્કેલીઓનો ઘોડાપૂર લઈ આવશે!

અધિકારીએ મારું સ્ટેટમેન્ટ બહાર ફેમિલિનાં માણસોને વંચાવી દિધું અને ત્યાં જેટલાં પણ અન્ય બહારનાં મિત્રો કે પડોશીઓ હતાં એમાંય વાત ફેલાઈ ગઈ કે મેં ભણવા માટે સ્યુસાઈડ અટેમ્પ્ટ કર્યું છે. અને ત્યાર બાદ જે કોઈ પણ મને મળવા-જોવાં આઈ.સી.યુ. મા આવતાં તે લોકો મને કંઈને કંઈ વાત સંભળાવી જતાં કે;

મને તો કહેવું હતું! હું મદદ કરતોને તારી.

અન્ય કોઈએ કહ્યું કે.. તું બીજા લોકોને શીખામણ આપતો હોવ છે કે સ્યુસાઈડ ના કરવું જોઈએ અને આજે તે ખુદ જ! અને એણે તો મને તમાચો પણ માર્યો!

અને કેટલાંક નાસમજ લોકોએ મારાં સ્ટેટમેન્ટને ગોસિપ બનાવી દીધું અને કેટલાંક વિચારવા લાગ્યાં કે આ તો ડરપોક છે. સાવ વિચિત્ર અને વિકૃત વિચારસરણી વાળો માણસ છે.

આ બધું હું ચુપ-ચાપ જોઈ-સાંભળી રહ્યો હતો. કેમ કે કંઈ કરવા લાયક રહ્યું જ નહોતું.

ઘરના લોકોએ મારો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો કેમ કે એમને હજી પણ એમ હતું કે મારું કોઈક છોકરી સાથે લફડું છે પણ એ નાસમજ લોકોને શું ખબર કે મારે અને છોકરીઓને તો દૂર-દૂર સુધી કંઈ સંબંધ જ નથી. હું તો બસ છોકરાંઓ સાથે દોસ્તિ કરું છું. અને એમને એવું વિચારી રહ્યાં હતા કે તે લોકો આ બધું કરશે એટલે હુ માનસિક રીતે સાજો થઈ જઈશ અને આવું પગલું નહિ ભરું પણ હકિકત પ્રમાણે એ લોકો મારી જીંદગી વધું મુશ્કેલ બનાવી રહ્યાં હતાં.

૩ દિવસ હોસ્પીટલમાં રહીને ડોક્ટર્સની કમાણી વધારી દીધી અને બોનસમાં મેં લોકોની ખરી-ખોટી સાંભળી.

૩ દિવસ બાદ જ્યારે હું ઘરે ગયો એક આશા સાથે કે કદાચ હવે મારી જીંદગી થોડીક સારી અને શાંતિસભર હશે પણ મને ક્યાં ખબર હતી કે મુશ્કેલીઓ ઓછી નહિ પણ વધું વધી ગઈ છે.

ઘરે જતાં જ અડોશ-પડોશનાં લોકો મને જોવા આવવા લાગ્યાં જાણે જંગલમાંથી કોઈ પ્રણી લાવવામાં આવ્યું હોય. અને એક પણ વ્યક્તિ મને કંઈક ને કંઈક સંભળાવવાથી ન ચૂકતી. એમાની કોઈ વ્યક્તિ એ નહોતિ વિચારતી કે મારાં મન પર શું વિતિ રહી છે.

પરેન્ટ્સે મારાં સાથે વાત કરવાની કોશિશ કરી પણ એ વ્યર્થ કોશિશ હતી અમની કેમ કે જે લોકો સાથે હું ફક્ત રહેવા ખાતર રહેતો હોવ અને જેમની સાથે ક્યારેય વાત જ નહોતી કરી તો અત્યારે કેવી રીતે વાત કરી શકું! અને વાત કરું તો પણ શું કરું? એમને એવું તો કહી ન શકાય કે હું આ જીંદગીથી કંટાળી ગયો છું અને એનું કારણ તમે લોકો છો. અને એ સિવાય પણ બીજી કેટલીક બાબતો હતી જે હું એ લોકોને નહોતો કહી શકતો કારણ કે જે લોકો મારી ખામોશી સમજી નહોતા શક્યા એ મારાં શબ્દો કેવી રીતે સમજવાના હતાં.

હું સમયનાં વહેણ સાથે જીવવા લાગ્યો. મારે જે ભણવું હતું એમાં મને પરેન્ટ્સે એડમિશન કરાવી દીધું. થોડાંક મહિના પછી મેં એક નોકરી પણ શરૂં કરી દીધી જેથી હું વધું સમય ઘરથી અને ઘરનાં લોકોથી દુર રહી શકું.

આજે આ બનાવને લગભગ ૧ વર્ષ પૂર્ણ થવા આવ્યું પણ ફક્ત ૧ જ વર્ષમાં જીંદગી પહેલાં હતી તેવી જ થઈ ગઈ હતી પણ હવે મારી જીંદગીમાં ક્યારેક-ક્યારેક કોઈક દિવસ સારો આવી જતો અને પછી ફરીથી જીવવાની ઈચ્છા થઈ જતી કે થોડુંક જીવી લઉ; જેમ મોબાઈલ સિમ કાર્ડ રીચાર્જ કરાવ્યા પછી એની વેલિડિટી વધી જાય એમ. હવે જીવનમાં એવો સમય આવી ગયો હતો અને મને એહસાસ થયા કરતો કે મારે જીવવા માટે કોઈ કારણ જ નથી રહ્યું કેમ કે મને કંઈ કરવાનું મન જ નથી થતું હવે અને જાણે એ સ્યુસાઈડ અટેમ્પ્ટમાં હું તો જીવી ગયો પણ મારી ઈચ્છાઓ ન જીવી શકી. મારી જીંદગીમાં એક પણ એવી વ્યક્તિ નથી કે જેને મારી હયાતીનો કંઈક ફર્ક પડતો હોય અને જેની હાજરીથી મને ફર્ક પડતો હોય. આસપાસનાં દરેક માણસો મારાં પાસેથી ફક્ત પોતાનો સ્વાર્થ સંતોષવા માંગતા. આવી જીંદગી કેવી રીતે કોઈ જીવી શકે? એટલે આજે ફરીથી મને વિચાર આવ્યો કે હું સ્યુસાઈટ કરૂં પણ હવે તો એ રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે એટલે વિચાર્યું કે હું મનની વાત કાગળ સાથે તો કરી જ શકું છું. એટલે હું મારી જીંદગીની આ કથની મારાં કાગળ મિત્ર સાથે કરી રહ્યો છું, કદાચ કોઈક વાંચે! અને હવે હું ખુદની અંદર કંઈક સારી બબતો તલાસુ છું જે થકી હું મારાં નાદાન-નાસમજ મનને સમજાવીને જીવવા પ્રેરિત કરી શકું

એટલે જ ક્યારેક જીંદગી જીવવાની ઈચ્છા વધી જાય છે ને ક્યારેક ઘટી જાય છે પણ હે! મિત્ર, જ્યારે ઈચ્છા નહિવત થઈ જાય ત્યારે??!!

સ્યુસાઈડ

Author: Aarryann Shah Read More...

એક ચકો હતો. 

તેનું નામ હતું બકો

એક ચકી હતી 

તેનું નામ હતું બકી. 

બકો અને બકી પાછળ આખી દુનિયા પાગલ હતી. 

લોકો કોએ પણ વાત રજૂ કરવા તેમના નામનો સહારો લેતા જેમકે  : જો બકા વાર્તા એ વાર્તા કહેવાય. નાની મોટી ના જોવાય

Author: Maitri Shah Read More...

એક હતું સરોવર; મોટા દરિયા જેવડું, એને કાંઠે એક મોટો વડ હતો. એની ઉપર એક કાગડો રહે.

કાગડો તો કાળો મેશ; એક આંખે કાણો ને એક પગે ખાંગો, કાગડો બોલે : “કો-કો.” કાગડો ઊડે તો જાણે પડ્યો કે પડશે. તોય કાગડાનો ગો માય નહિ. મનમાં તો એમ કે, મારા જેવું કોઈ ના ઊડે, મારા જેવું કોઈ ના બોલે !

એક વાર સરોવરને કાંઠે હંસ આવ્યા. આવીને વડ ઉપર રાત રહ્યા. સવાર પડી ત્યાં કાગડે ભાળ્યા. કાગડો વિચારમાં પડ્યો: “અરે, આ વળી કોણ હશે ? આ નવતર પ્રંખી ક્યાંનાં ?  કાગડે બાપગોતર હંસ ભાળ્યા હોય તો ને ! કાગડે એક પાંખ ફેરવી, એક પગ ઊંચો કર્યો ને રોફથી પૂછ્યું: “અલ્યા એ, કોણ છો તમે ? અહીં કેમ આવ્યા છો ? પૂછ્યા વિના કેમ બેઠા ?”

હંસ કહે :“ભાઈ ! અમે હંસ છીએ. ફરતા ફરતા આવ્યા છીએ; થાક ખાઈને હમણાં ચાલ્યા જશું.”

કાગડો કહે : “ એ તો બધું જાણ્યું. પણ કાંઈ ઊડતાં–કરતાં આવડે છે ? કે ફક્ત મોટાં શરીર જ વધાર્યા છે ?”

હંસ કહે: “ થોડુગણું આવડે ખરું ! ”

કાગડો કહે : “વારું, ઊડવાની કાંઈ જાતો-બાતો આવડે છે ? – આપણને તો એકાવન ઊડ આવડે છે.”

હંસ કહે: “એકાવન તો શું…અમે તો એકાદ ઊડ ઊડી જાણીએ.”

કાગડો કહે: “ઓયવોય ! એમાં તે શું મોટું ?”

હંસ કહે: “ એ તો અમને તો એવું જ આવડે ના ?”

કાગડો કહે: “કાગડા જેવું કોઈ થયું છે ? ક્યાં એકાવન, ને ક્યાં એક ! કાગડો તે કાગડો, ને હંસ તે હંસ !”

હંસો સાંભળી રહ્યા ને મનમાં ને મનમાં હસી રહ્યા. પણ એક હંસ જુવાન હતો;એનાથી ન રહેવાયું, એનું લોહી ઊકળ્યું. એ બોલ્યો: “કાગડાભાઈ ! હવે બસ થઈ. નકામી વાત શી કરવી ? ચાલોને આપણે જરાક ઊડી જોઈએ. તમારી એકાવન ઊડ બતાવો તો ખરા ! પછી જોઈએ, ને પછી ખબર પડે કે કાગડો તે કાગડો અને હંસ તે હંસ છે કે નહિ ?”

કાગડો કહે : “ચાલો.”

હંસ કહે : “ ત્યારે બતાવો.”

કાગડે તો ઊડો બતાવવા માંડી. ઘડીક ઊંચે ચડ્યો ને કહે: “ આ એક ઊડ.”  પાછો નીચે આવીને કહે : “ આ બીજી ઊડ.” પાછો પાંદડે પાંદડે ઊડીને બેઠો ને કહે: “આ ત્રીજી ઊડ.” વળી પાછો એક પગે જમણી કોર ઊડ્યો ને કહે: “આ ચોથી ઊડ.” પાછો ડાબી કોર ઊડ્યો ને કહે: “આ પાંચમી.”

કાગડે તો આવી ઊડો કરવા માંડી, પાંચ, સાત, પંદર, વીસ, પચીસ, પચાસ ને એકાવન ઊડો કરી બતાવી. હંસ તો ટગર ટગર જોઈ રહ્યા. મનમાં ને મનમાં હસી રહ્યા.

એકાવન ઊડ પૂરી થઈ એટલે કાગડાભાઈ મલકાતા આવ્યા ને કહે: “કાં હંસભાઈ ! કેમ, કેવી લાગી ઊડ ?”

હંસો કહે: “ ઊડ તો ભારે ! પણ એક અમારી ઊડ પણ હવે જોશો ના ?”

કાગડો કહે: “હવે એક ઊડમાં તે શી જોવી’તી ! આમ પાંખો ફફડાવીને આમ કરીને ઊડવું – એમાં જોવું’તું શું ?”

હંસો કહે: “એ તો ઠીક, પણ આ એક જ ઊડમાં સાથે ઊડવા આવવું હોય તો આવી જુઓ… જરા ખબર તો પડે કે એક ઊડ પણ કેવી છે ?”

કાગડો કહે: “ચાલો ને, તૈયાર જ છું ! એમાં ક્યાં સાવજ મારવો છે ?”

હંસ કહે: “ પણ તમારેય સાથે જ રહેવું પડશે. તમે સાથે રહો, તો બરાબર જોઈ શકો ને ?”

કાગડો કહે: “સાથે શું-આગળ ઊડું, પછી કાંઈ ?”

 તે આગળ ઊડ્યો ને હંસ તેની પાછળ ઊડ્યો.

કાગડે તો ફડફડ પાંખો ફફડાવીને મારી મૂક્યું. હંસ પાછળ સાવ ધીરે ધીરે પાંખો ફફડાવતો ચાલ્યો. ત્યાં કાગડો પાછો વળીને કહે: “ કાં ? આ જ ઊડ છે ને ! બીજું કાંઈ બતાવવું બાકી છે ?”

હંસ કહે: “ભાઈ, જરા ઊડ્યા જાઓ, ઊડ્યા જાઓ, હમણાં ખબર પડશે.”

કાગડો કહે: “હંસભાઈ ! વાંસે વાંસે કાં ચાલ્યા આવો ? આવા ધીરા શું છો ? ઊડવાના કાયર લાગો છો !”

હંસ કહે: “ઊડો તો ખરા; ધીરે ધીરે ઠીક છે.”

કાગડાની પાંખમાં હજી જોર હતું. કાગડો આગળ ને હંસ પાછળ ઊડ્યે જતા હતા. કાગડો કહે: “ કાં ભાઈ ! આ જ ઊડ બતાવવી છે ને ? લ્યો,ચાલો હવે થાક્યા હશો : પાછા વળીએ, આમાં કાંઈ માલ નથી.”

હંસ કહે: “જરા આગળ તો ઊડો ! હજી ઊડ બતાવવી બાકી છે.”

કાગડો તો આગળ ઊડવા લાગ્યો. પણ કાગડાભાઈ હવે થાકી ગયા હતા. પોતે આગળના પાછળ થઈ ગયા. હંસ કહે: “કાં કાગડાભાઈ ! પાછળ કાં રહો ?ઊડ તો હજી થવાની છે.”

કાગડો કહે: “ઊડો ઊડો; હું જોતો આવું છું, ઊડ્યો આવું છું.” પણ કાગડાભાઈ ઢીલા થઈ ગયા હતા, પંડમાં જોર નહોતું રહ્યું. ભાઈની પાંખો હવે પાણીને અડવા માંડી હતી.

હંસ કહે: “ કાગડાભાઈ ! આ પાણીને ચાંચ અડાડીને ઊડવું –એ ક્યા પ્રકારની ઊડ ભલા ?” કાગડો જવાબ શો આપે ?

હંસ તો આગળ ઊડ્યો, ને કાગડાભાઈ પાછળ પાણીમાં ડૂબકાં દેવા લાગ્યા. હંસ કહે : “કાં કાગડાભાઈ, હજી મારી ઊડ તો જોવાની બાકી છે ! થાક્યા ક્યાં ?”કાગડો પાણી પીતો પીતો પણ આગળ ઊડવા મહેનત કરતો હતો. જરાક આગળ ગયો, પણ પછી તો પાણી ઉપર પડી ગયો. હંસ કહે: “કાગડાભાઈ ! આ વળી ક્યો પ્રકાર કર્યો ? બાવનમો કે ત્રેપનમો ?”

પણ કાગડો તો પાણીમાં ગળકાં ખાવા લાગ્યો હતો; રામશરણની તૈયારી થઈ હતી. હંસને દયા આવી. ઝટ લઈને પાસે આવ્યો, ને કાગડાને પાણીમાંથી કાઢી લઈ પીઠ ઉપર બેસાર્યો. પછી હંસ તેને લઈને ઊંચે આકાશ સુધી ઊડ્યો.

કાગડો કહે: “ એ ભાઈ ! આ તું શું કરે છે ? મને તો ચક્કર આવે છે. આ તું ક્યાં ચાલ્યો ? હેઠો ઊતર, ભાઈ ! હેઠો ઊતર. “ કાગડો ધ્રૂજતો હતો.

હંસ કહે :  “ભાઈ! જો તો ખરો ? આ હું તને એક ઊડ બતાવું છું ”

કાગડો ભોંઠો પડ્યો ને કરગરવા લગ્યો. પછી હંસ હેઠે આવ્યો ને કાગડાને વડલા ઉપર મૂક્યો, ત્યારે કાગડાને થયું કે, “હાશ, હવે જીવ્યા !” પણ તે દિવસથી કાગડો સમજી ગયો અને અભિમાન છોડી દીધું.

(સ્રોતઃ ગિજુભાઈની બાળવાર્તાઓમાંથી)

Author: Deval Talati Read More...

એક રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય પુત્રો પુખ્ત ઉંમરના થયા છે. રાજા વૃધ્દ્ર થવા લાગ્યા છે. રજવાડાના નિયમ પ્રમાણે જ્યેષ્ઠ પુત્ર રાજગાદીનો વારસ બને, પરંતુ રાજા આ પ્રણાલીમાં માનતા નથી. રાજ્યશાસન ચલાવવાની લાયકાતવાળો પુત્ર રાજા બને તેવું તેઓ ઈચ્છે છે. તેમણે પોતાના મનની વાત ગુરુને કહી. ગુરુએ કહ્યું,”રાજન, તે માટે કસોટી કરીએ.” ત્રણેય પુત્રોને બોલાવવામાં આવ્યા.ત્રણેયને એક એક રૂપિયો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે દરેક રાજકુમાર તેમને આપવામાં આવેલો રૂપિયો તેમની મરજી મુજબ વાપરી શકે છે.
પહેલો રાજકુંવર મનમાં વિચાર કરે છે કે હું રાજાનો દિકરો,એક રૂપિયોની મારે મન શું કિંમત? તે મોજશોખ પાછળ તે રૂપિયો વાપરી નાખે છે.
બીજો રાજકુંવર વિચાર કરે છે કે એક રૂપિયામાં વધુમાં વધુ શું આવે? તે નકામી કચરા જેવી ચીજો ખરીદવામાં રૂપિયો વાપરી નાખે છે.
ત્રીજો રાજકુંવર વિચાર કરે છે કે આ એક રૂપિયો આપવા પાછળ કંઈક ઉદ્દેશ છે. મારે તેનો સારામાં સારો ઉપયોગકરવો જોઈએ. તે એક રૂપિયાનું પુસ્તક ખરીદે છે અને વાંચી જાય છે.
એક સપ્તાહ પછી ત્રણેય રાજકુંવરોને બોલાવવામાં આવે છે. રૂપિયો કઈ રીતે વાપર્યો તે પૂછવામાં આવે છે. પ્રથમ રાજકુંવર જણાવે છે કે તેણે મોજશોખમાં વાપર્યો. બીજો કહે છે તેણે આ બધી વસ્તુઓ ખરીદી. વસ્તુઓ સાવ કચરા જેવી હતી.
ત્રીજો રાજકુંવર કહે છે તેણે પુસ્તક ખરીઘું અને તેના દ્વારા તેણે જ્ઞાન મેળવ્યું છે.
આપણે સમજી શકીએ છીએ કે રાજા અને ગુરુએ રાજ્યનું શાસન કોને સોંપ્યું હશે? ત્રીજા પુત્રને રાજ્યનું શાસન સોંપવામાં આવે છે.
આપણને પણ આપણો પરમપિતા દરરોજ એક રૂપિયો એટલે કે એક દિવસ આપે છે. સાંજે આપણી પાસે હિસાબ માંગવામાં આવે છે કે આપણે તે રૂપિયાનું-દિવસનું શું કર્યું? તેનો કઈ રીતે ઉપયોગ કર્યો?
મોટાભાગનાં તેને મોજમજામાં વેડફી નાખે છે. તેને મન એક દિવસની કાંઈ કિંમત નથી. દરરોજ એક એક દિવસ વેડફતાં સમગ્ર જીવન વેડફાઈ જાય છે.
બીજા કેટલાક એવા છે જે ક્ષુલ્લક બાબતોમાં, બિનમહત્વની બાબતોમાં પોતાનો સમય વ્યતીત કરે છે. તે સમયને વાપરે તો છે પણ તેનું જોઈએ તેટલું સારું પરિણામ મળતું નથી. આખરે અફસોસ થાય છે કે જે કરવાં જેવું હતું તે ન કર્યું અને ન કરવા જેવાં કામોમાં જિંદગી વ્યતીત થઈ ગઈ.
આપણામાંથી ઘણા ઓછા માણસો પોતાને મળેલા દિવસનો મહત્તમ અને ઉત્તમ ઉપયોગ કરે છે. તે દરેક ક્ષણને જીવે છે. તેના ઉપયોગ કરે છે. તેની પાસે સમયનું આયોજન હોય છે. તેને કયા અગત્યનાં કાર્યો, નિર્ધારિત કાર્યો પૂરાં કરવાનાં છે. તેનો ચોક્કસ ખ્યાલ હોય છે. પરિણામે તેના સમગ્ર જીવન દરમિયાન તે જે કરવા ઈચ્છે છે, જે મેળવવા ઈચ્છે, જે સમૃધ્ધિ, સિધ્ધિ કે સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે મેળવે છે અને જીવનની સાર્થકતાની અનુભૂતિ કરે છે. પરમ પિતાએ પોતાને આપેલ રૂપિયાનો હિસાબ આપતા તેના ચહેરા પર એક પ્રકારનો સંતોષ જોઈ શકાય છે.
જીવન ઉત્સવ (જીવન જીવવાની દિશા)

Author: Minal Mewada Read More...

Most Viewed Stories

Most Viewed Author