Stories

Add Your Entry

રાજા ભરત અને હરણનું બચ્ચું

Author: Minal Mewada

Date: 13-01-2015   Total Views : 457

એક સુંદર ગામ હતું. ગામમાં એક સુંદર શાળા. આ શાળામાં એક બહુ જ ભલા, જ્ઞાની અને રમૂજી સ્વભાવના શિક્ષક શાંતિલાલ રહે. શંતિલાલ બાળકોને પ્રેમથી ભણાવે. સારી-સારી વાર્તાઓ કહે. તેમની વાતો સાંભળી તોફાની છોકરાય શાંત થઈ જાય. એક દિવસ શાંતિલાલ સાહેબે એક સુંદર વાર્તા કહી. આ વાર્તા હતી મહાભારતના સમયની.

શાંતિલાલે કહ્યું : એક મહાન રાજા થઈ ગયા. આખી પ્રુથ્વી ઉપર તેમનું રાજ્ય હતું. બહુ જ સુંદર રાજ્ય-વહીવટ ચાલતો હતો. રાજા ખૂબ પ્રજાપ્રેમી હતા. તેઓ પ્રજાકલ્યાણનાં અનેક કામો કરતા હતા. તેથી પ્રજા પણ તેમના પર ખુશ હતી. આમ તેમણે ઘણાં વર્ષો રાજ્ય-વહીવટ ચલાવ્યો, પણ પછી રાજાનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેમણે સંન્યાસ લેવાની ઈચ્છા થઈ ગઈ !

એક દિવસ રાજાએ જાહેરાત કરી,‘ હવે હું જંગલમાં જઈ તપ કરવા ઈચ્છું છું. મારું રાજ્ય મારા પુત્રને સોંપું છું. તે હવેથી રાજ્ય‌-વહીવટ ચાલાવશે’ . પહેલાંના વખતમાં રાજા અમુક ઉંમર પછી રાજ્યનો કારભાર છોડી જંગલમાં જતા. ત્યાં ભગવાનનું ભજન કરતા અને સંન્યાસી જેવું જીવન જીવતા.

આપણી સત્ય વાર્તાના રાજાનું નામ છે : ભરત રાજા. ભરત રાજાએ રાજ્યનો ત્યાગ કર્યો. વનમાં ગંડકી નદીના કિનારે એક સુંદર આશ્રમ બાંધ્યો અને ભગવાનનાં જપ, તપ અને વ્રત કરવા લાગ્યા. સવારે બ્રાહ્મમુહૂર્તમાં તેઓ જાગી જાય. ગંડકી નદીના નિર્મળ જળમાં સ્નાન કરે.પૂજા-પાઠ અને જપ-તપ કરે.

એક દિવસ રાજા વહેલા ઊઠીને નદીએ સ્નાન કરવા ગયા. તેઓ ભગવાનનું નામ લેતાં-લેતાં સ્નાન કરતાં હતાં. સામા કિનારે એક હરણી પાણી પીતી હતી. તેવામાં દૂરથી એક વિકરાળ સિંહ ત્યાં આવ્યો. આ જોઇને હરણીને ફાળ પડી. સિંહની ત્રાડ સાંભળી હરણી ગભરાઈ ગઈ અને તે ગંડકી નદીના ધસમસતા પાણીમાં ભાગી. ગભરાટથી મૃત્યુ પામી.પણ પેલું બચ્ચું જીવતું હતું. ભરત રાજા કિનારા પર બેઠાં નાહતાં હતા. તેમણે આ બચ્ચાને ઊંચકી લીધું. બચ્ચું નાનું અને નમણું હતુ. તેની સુંદરતા જોઈ, જોનારાને તેના ઉપર તરત જ હેત ઊપજે, તેવાં તેનાં રૂપરંગ હતાં. ભરત રાજાને પણ આ બચ્ચાં ઉપર ખૂબ પ્રેમ આવ્યો. પછી તેઓ બચ્ચાંને પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા.

પછી તો તેઓ રોજ બચ્ચાને પોતાની સાથે સ્નાન કરાવા લઈ જાય. તેને સારું-સારું ઘાસ ખવરાવે. બચ્ચું પણ ભરત રાજા સાથે દોસ્તબનીને રહેવા લાગ્યું. હવે ભરત રાજાને ભગવાન કરતાં વધુ બચ્ચાના વિચાર થવા લાગ્યા! ‘ કોઈ બચ્ચાંને કાંઇ કરી તો નહીં નાંખેને!’ તેવી તેમને અખંડ ચિંતા રહેવા લાગી. આમ ને આમ ઘણો સમય પસાર થયો . એવામાં એક દિવસ ભરત રાજાના દિવસ આવ્યો. ભરત રાજાને વિચાર આવ્યો,‘ હું મરી જઈશ, પછી આ બચ્ચાંનું શું થશે?’ વાર્તા આટલે અટકાવી શાંતિલાલે બાળકોને પૂછ્યું,‘ બોલો બાળકો આ વિચાર સાચો કે ખોટ્ટો?’

બાળકો કહે,‘સાચો’ શાંતિલાલ કહે,‘ વિચાર આમ સાચો, પણ આમ ખોટો.’ બાળકોએ પૂછ્યું,‘ એ કેવી રીતે સાહેબ?’ સાહેબ કહે,‘ જુઓ બાળકો, મૃત્યુ સમયે આપણને ભગવાન યાદ આવવા જોઈએ અથવા ભગવાનના સાચા સંત યાદ આવવા જોઈએ. તો જ આપણને ભગવાનનું ધામ મળે. જ્યારે આતો ભરત પોતે રાજા હતા. તપ કરતા હતા. રાજપાટ બધું છોડી દીધું. છતાં એક મૃગના બચ્ચાને પ્રેમ કરી બેઠા અને મૃત્યુ સમયે તેમને આ બચ્ચાનો જ વિચાર આવવા લાગ્યો.’

પછી સાહેબે ઉમેર્યું,‘ શું આખી દુનિયામાં જેટલાં હરણનાં બચ્ચા હશે, તેનું બધાનું ધ્યાન ભરત રાજા રાખતા હતા?’ બાળકો કહે,‘ ના.’ સાહેબે પૂછ્યું,‘ તો પછી તેનું ધ્યાન કોણ રાખે છે?’ બાળકો કહે ‘ ભગવાન.’ તેથી સાહેબ કહે,‘ તો પછી આ બચ્ચાનું ધ્યાન ભગવાન ન રાખત? રાખત.પરંતુ ભરતજી એવો વિચાર ન રાખી શક્યા અને ‘મૃગ, મૃગ…’ કરતાં મૃત્યુ પામ્યા, આખી દુનિયાનું રાજ્ય છોડ્યું, સાવ સાદાં કપડાં પહેર્યા, તેઓ નીચે જમીન ઉપર સૂતા,આવું બધું તપ કર્યુ, પરંતુ છેલ્લે ભગવાન ન યાદ આવ્યા,તો ખબર છે શું થયું?‘ સાહેબ કહે,‘ ભરત રાજાને બીજો જન્મ મૃગનો લેવો પડ્યો.’

‘હેં સાહેબ ! એવું કેમ થયું?’ એક બાળકે જિજ્ઞાસાથી પૂછ્યું. શાંતિલાલે તેનો જવાબ આપ્યો,’ બાળકો!૧૦૦માંથી ૧૦૦માર્કસ આવે એવું પેપર એક બાળકલખે અને તોપણ તેને ‘ ૦’ માર્કસ આવે, તો કેવું લાગે?’

બધા બાળકો કહે,‘ દુ:ખ થાય … પણ આવું થાય ખરું? સાહેબ.’ સાહેબ કહે,’ થાય. જો તમે આખું પેપર લખો, પરંતુ તમારા પેપરના પ્રથમ પાને તમારું નામ,તમારો સીટ નંબર – આ બધું ન લખો અને કોરું રાખો તો . તમને કેટલા માર્કસ મળે?’

બાળકો કહે,’ ‘ ૦’ શિક્ષક કહે,‘ કારણ? નામ વગર માર્કસ કોને આપવા? તેમ ભગવાન ભજવા નીકળ્યા અને ભગવાનનેજ ભૂલી ગયા તો ‘ ૦’ માર્ક આવે. એવું ભરતજીનું થયું.’

છેવટ વાર્તાનું સમાપન કરતાં શંતિલાલ બોલ્યા,‘ તો સારું ભણીએ અને પરીક્ષા વખતે તે ભણેલું યાદ રાખીને લખીએ. અને ભક્ત થઈએ તોપણ સાચા ભક્ત થઈને મૃત્યુ સુધી ભગવાન તથા ભગવાનનાં સાચાં સંતને ન જ ભૂલીએ. આખું વર્શ ભણીને સારું પેપર લખીએ, તે ભણતરનો ફાયદો. તેમ આખી જિંદગી ભગવાનનું ભજન કરી, છેલ્લે તેમને યાદ કરીને મૃત્યુ પામીએ તે જીવનનો ફાયદો.’

Most Viewed Stories

Most Viewed Author