Stories

Add Your Entry

જૂઠની હાર

Author: Gurjar Upendra

Date: 25-08-2015   Total Views : 415

35.jpg

રતનપુર નામનું એક ગામ હતું. અહીં એક ડોશીમા રહેતાં હતાં. એમની ઉંમર ૭૦ વર્ષ. તેઓ એકલાં જ રહેતાં હતાં. આ ગામનો સીમ વિસ્તાર એટલો મોટો કે ન પૂછો વાત! અહીં ખેડૂતલોકો દરેક પ્રકારના પાકનું વાવેતર કરતા. ઘઉં, જુવાર, ડાંગર, બાજરી વગેરે. ડોશીમા તેમના ખેતરમાં શાકભાજીનું વાવેતર કરતાં. ટામેટાં, મેથી, મૂળા, બટાટા, રીંગણ વગેરે. એમના ખેતરના શેઢે એક ઘટાદાર બોરડી હતી. શિયાળાની શરૂઆત થતાં જ બોરડી ઉપર બોર આવી જતાં. આ બોર શરૂઆતમાં નાનકડાં હોય. જેમ જેમ દિવસો પસાર થતા જાય તેમ તેમ બોર મોટાં થવા લાગે. પ્રારંભે લીલા રંગનાં બોર સમય જતાં લાલ રંગનાં થઈ જાય તેની કોઈને ખબર પણ ન પડે...! આ બોરડી ઉપર પક્ષીઓ આવતાં. દરેક પક્ષી લાલ રંગનું બોર જ પસંદ કરે. લીલા રંગના બોરને કોઈ સ્પર્શે પણ નહીં.

એક દિવસની વાત. પંકજ નામનો એક પોપટ બીજા ગામથી રતનપુરમાં આવ્યો. તેણે જોયું કે એક ડોશીમા ખેતરમાં કામ કરતાં હતાં. તેમના માથાના ધોળા વાળ અને કરચલીવાળો ચહેરો જોઈને પંકજ પોપટને તેમની પાસે જવાની ઇચ્છા થઈ. પહેલાં તો તે પેલી ઘટાદાર બોરડી ઉપર બેઠો. અહીં લાલ, પીળાં અને લીલા રંગનાં બોર જોઈ એ તો ખુશ જ થઈ ગયો. તેણે બોર ખાધાં. પછી ઊડીને ડોશીમા પાસે આવ્યો. ડોશીમાએ આંખો ઉપર હાથ રાખી પંકજ પોપટ સામે જોયું અને પૂછ્યું. ‘અલ્યા પોપટ, તું ક્યાંથી આવ્યો અમારે ગામ?’ ‘કાનપુરથી આવ્યો છું દાદી.’ પંકજ પોપટ બોલ્યો. ડોશીમાએ પૂછ્યું ‘તારું નામ શું છે?’ ‘પંકજ પોપટ’ પોપટે ઉત્તર આપ્યો. બંને જણ વાતો કરતાં હતાં એવામાં બીજા કોઈ એક ગામમાંથી ચીકી ચકલી ઊડતી ઊડતી આવી. એણે પણ પંકજ પોપટની જેમ બોરડી ઉપરનાં બોર ખાધાં. ત્યારબાદ ડોશીમા પાસે આવી. ડોશીમાએ આંખો ઉપર હાથ રાખી પૂછ્યું ‘અલી ચકલી, તું ક્યાંથી આવી અમારે ગામ?’ ‘સુંદરપુરથી આવી છું દાદી’ ચીકી ચકલીએ જવાબ આપ્યો. ડોશીમાએ પૂછ્યું, ‘તારું નામ શું છે?’ ‘ચીકી ચકલી’ ચકલીએ ઉત્તર આપ્યો. ડોશીમા માટે પંકજ પોપટ અને ચીકી ચકલી, બંને જણ મહેમાન હતાં. ઘરડાં ડોશીમા ૭૦ વર્ષની વયે પણ ખેતરમાં કામ કરતાં; એ જોઈને પંકજ પોપટને પ્રશ્ર્ન થયો : ‘દાદી, તમે આટલી ઉંમરે પણ ખેતરમાં કાળી મજૂરી કરો છો એનું રહસ્ય શું છે?’ ડોશીમા બોલ્યાં, ‘એમાં રહસ્ય જેવું કશું નથી. મને બાળપણથી જ કામ કરતા રહેવામાં મજા આવે છે. નવરું મન એ તો શેતાનનું કારખાનું છે. ઠંડી હોય કે ગરમી, હું દરેક ઋતુમાં મારા કામ પ્રત્યે ક્યારેય આળસ કરતી નથી. વહેલી સવારે ઊઠી જવું અને દાતણ પાણી કરી, ભગવાનનું નામ લેવું એ મારો નિત્યક્રમ છે અને એટલે હું આટલી ઉંમરે પણ ખેતરની કાળી મજૂરી કરી શકું છું.’ સાંજ પડી એટલે ડોશીમાએ શિરામણ તૈયાર કર્યું. થાળીમાં દાળ, ભાત અને શિરો જોઈ ચીકી ચકલી અને પંકજ પોપટ તો ખુશ ખુશ થઈ ગયાં. બંને જણે ધરાઈને ખાધું પછી સૂઈ ગયાં.

બીજા દિવસે સવારે ડોશીમા ઊઠ્યાં. એમના નિત્યક્રમ મુજબ એમણે દાતણપાણી કરી ભગવાનના નામનું સ્મરણ કર્યું. પછી પંકજ પોપટ અને ચીકી ચકલી પાસે આવ્યાં અને પૂછ્યું ‘અહીં મારા ખેતરમાં રહેવાનું કેવું લાગ્યું?’

બંને જણ બોલ્યાં, ‘સરસ લાગ્યું દાદી, ગઈકાલે રાત્રે તમે જે ભોજન તૈયાર કર્યું હતું એ ખાઈને અમે તો ખુશ ખુશ થઈ ગયાં છીએ.’

ત્યાર બાદ ડોશીમાએ પૂછ્યું ‘પંકજ તું કેટલા દિવસ રહેવાનો છું?’ પંકજ પોપટે પેટછૂટી વાત કરતાં જણાવ્યું, ‘દાદી, મારું ખેતીવાડીનું ભણવાનું પૂરું થઈ ગયું છે. મારી ઇચ્છા છે કે હું તમારી સાથે જ રહું અને ખેતીકામમાં મદદ કરું.’ પંકજની વાત સાંભળી ડોશીમાને સારું લાગ્યું. તેમણે ફરી પૂછ્યું ‘પણ કેટલા દિવસ રહીશ?’ પંકજ પોપટે કહ્યું, ‘અહીં જ રહીશ. મહિનામાં એક વખત ઘરે જઈશ.’ ડોશીમાએ કહ્યું ‘સારું’. ચીકી ચકલીનો વારો આવ્યો એટલે એણે કહ્યું, ‘દાદી, હું પણ ખેતીવાડીનું ભણી છું અને હું પણ મહિનામાં એક વખત મારા ઘરે જઈશ.’

ત્યારબાદ ડોશીમાએ બંનેને પોતાના ખેતરમાં કામ કરવા માટે રાખી લીધાં. ડોશીમાએ અત્યાર સુધી એકલે હાથે કામ કર્યું હતું. પંકજ પોપટ અને ચીકી ચકલી આવતાં એમને વિચાર આવ્યો કે બંનેને કામે રાખી લેવાં જોઈએ. અહીં એ જાણી લેવું જોઈએ કે ચીકી ચકલીએ ડોશીમાને જે વાત જણાવી હતી તે તદ્દન ખોટી હતી. ચીકી ચકલી અભ્યાસ કરતી ન હતી એટલે નાપાસ થતી હતી. તે સ્વચ્છંદી વર્તન કરવા લાગી હતી. તેનામાં આળસનો દુર્ગુણ ઘર કરી ગયો હતો. તે ખેતીવાડીનું કશું જ જાણતી નહોતી. ખેર, એક સવારે ડોશીમાએ બંનેને બોરડી નીચે બોલાવ્યાં. ત્યારબાદ જેમ એક કંપનીનો માલિક તેને ત્યાં નોકરી શરૂ કરનારા કામદારનો પગાર અને કામ નક્કી કરે તેમ એમણે બંનેના પગાર અને કામ નક્કી કરતાં કહ્યું, ‘બંને જણ મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે બંને ખેતીવાડીનું ભણેલાં છો. ભણવાનો સમય પૂરો થઈ ગયો છે. અત્યાર સુધી તમારાં માબાપે તમારું ભરણપોષણ કર્યું, તમને મોટાં કર્યાં અને હવે તમારી જવાબદારી છે કે તમે તેમને સંભાળો. તમને બંનેને અહીં દર મહિને ૫૦૦૦ રૂપિયા પગાર મળશે. તમારે અહીં તનતોડ મહેનત કરવાની રહેશે. આ દુનિયામાં કશુંયે મફત મળતું નથી એ હકીકત બને એટલા વહેલાં સમજી લો એ સારું છે.’

ડોશીમા બોલ્યે જતાં હતાં એમ પંકજ પોપટના મનમાં હકારાત્મક વિચારો પેદા થતા હતા. કેમ કે તે ખેતીવાડીનું ભણ્યો હતો. જ્યારે એ જ સમય દરમિયાન ચકી ચકલીના મનમાં ડર પેદા થયો હતો. એના મનમાં નકારાત્મક વિચારો આવતા હતા.

ડોશીમા થોડું ઘણું ભણેલાં એટલે એમણે એક કાગળ લઈ તેમાં પંકજ પોપટ દરરોજ ખેતરનાં કયાં કયાં કામ કરશે તેની વિગતો લખી. એ જ રીતે એમણે ચીકી ચકલી માટે પણ એક અલગ કાગળમાં કામ કરવાની વિગતો લખી. પછી બંનેને એ કાગળ આપ્યા. બંનેના માથે કામ કરવાની જવાબદારી આવી. બંને જણ પોતાની સાથે મોબાઈલ ફોન લાવ્યાં હતાં. પંકજ પોપટે એના પપ્પાને ફોન કરી નોકરી મળી ગઈ હોવાનું જણાવ્યું. ચકી ચકલીએ કોઈનેય ફોન ન કર્યો. એને ચિંતા થવા લાગી. પોતે કશું ભણી નથી ને કેવી રીતે ખેતીનું કામ કરી શકશે એ વિચારે એ મૂંઝવણ અનુભવવા લાગી.

પંકજ પોપટે તો ડોશીમાનો કાગળ મળતાં જ બીજા દિવસથી કામ કરવાનું ચાલુ કરી દીધું. વહેલો ઊઠ્યો અને ખુરપી લઈ ખેતરમાં પહોંચી ગયો. ઊભા પાકની વચ્ચે બિનજરૂરી ઘાસ ઊગ્યું હતું તે કાઢવા લાગ્યો. એ જ સમયે ચીકી ચકલી ઊંઘી રહી હતી. ડોશીમાએ એની નજીક જઈને એને ઉઠાડી. ત્યારબાદ ચીકી ચકલીએ કમને ખુરપી લીધી અને પંકજ પોપટ જ્યાં કામ કરતો હતો ત્યાં પહોંચી ગઈ. તે ધીમે ધીમે કામ કરતી હતી, જ્યારે પંકજ પોપટ ઝડપથી કામ કરતો હતો. પંકજ જે રીતે કામ કરતો હતો એ જોઈને ડોશીમાનો વિશ્ર્વાસ દૃઢ થઈ રહ્યો હતો કે પંકજે પોતે ખેતીવાડીનો અભ્યાસ કર્યાની વાત કરી છે તે સાચી છે. ચકી જે રીતે કામ કરતી હતી એ જોઈને એમને ચીકીએ ખેતીવાડીનો અભ્યાસ કર્યો છે કે કેમ એ અંગે શંકા જાગી. જોકે એ દિવસે ડોશીમાએ એને કંઈ કહ્યું નહીં. એ દિવસે બંને જણે કામ કર્યું. રાત પડી. બધાં સૂઈ ગયાં. સવાર થઈ ત્યારે ડોશીમાએ જોયું કે ચીકી ચકલી જે પથારીમાં સૂતી હતી તે ખાલી હતી. - અમિત ચૌહાણ

Most Viewed Stories

Most Viewed Author