पुं.
[ સં. ]
ભારતનો ઇતિહાસ. એ સંબંધે પંડિત સુંદરલાલજી લખે છે કે: સમસ્ત દુનિયાના ઇતિહાસમાં જ્યાં જ્યાં એક પ્રજા બીજી પ્રજા ઉપર શાસન કરે, ત્યાં શાસક પ્રજાના લેખકોનું લક્ષ્ય પોતાની કૃતિઓ દ્વારા પોતાની પ્રજાના લોકોમાં દેશભક્તિ, આત્મવિશ્વાસ અને સાહસવૃત્તિને જાગ્રત કરવાનું અને શાસિત પ્રજાઓમાં આ ગુણોને ઓછા કરવાનું અથવા તો ઉત્પન્ન ન જ થવા દેવાનું હોય એ સ્વાભાવિક છે. ભારતીય ઇતિહાસ પ્રાય: અથથી ઇતિ સુધી આ દોષથી દૂષિત હોય છે. ખરૂં જોતાં આ નૈસર્ગિક દોષ વડે ભારતના ઇતિહાસને જેટલો વિકૃત બનાવવામાં આવ્યો છે, તેટલો વિકૃત કદાચ દુનિયાભરના કોઇ દેશના ઇતિહાસને કરવામાં આવ્યો નથી. આજે ભારતીય ઇતિહાસના જે પુસ્તકો આપણને મળે છે, તેમાંનાં ઘણાંમાં નિરર્થક તુચ્છ બાબતો ઉપર ભાર આપવામાં આવે છે અને ઇતિહાસની મહત્ત્વની બાજુની અવગણના કરવામાં આવે છે તથા ઐતિહાસિક ઘટનાઓની સાંકળનું ખોટું બયાન આપવામાં આવે છે. કવિ નાનાલાલ લખે છે કે: ઇતિહાસ એટલે મનુષ્ય જાતિની મહાવાર્તા. વિધાતાની અદૃશ્ય અંગુલિએ આલેખેલા અનુભવ મંત્રો. પૃથ્વીપાટે પાડેલા કાલના અમર આંકડા. ઇતિહાસ એટલે બ્રહ્માંડના મહાસાગર ઉપર અખંડ ઊછળતી તરંગાવલિના અક્ષરલેખ. ઇતિહાસ એટલે મહાસત્યોની કવિતા ને મહાકવિતાનાં સત્ય ઇતિહાસ એટલે માનવકથાની એક અજાયબી. ભારતીય ઇતિહાસ એટલે જાગત્ઇતિહાસના મહાવર્તુલનું મધ્યબિંદુ. ભારતીય ઇતિહાસ એટલે જગત્ ઇતિહાસની ચાવી. ભારતીય ઇતિહાસ એટલે સંસારશાસ્ત્રના અજબ અખતરાઓનું સંગ્રહસ્થાન. દ્રૌપદીના પાંચ પતિ, શ્રીકૃષ્ણની અષ્ટ પટરાણીઓ, રામનું એક પત્નીત્વ, સીતાજીનું એક પતિત્વ, સુભદ્રાહરણનો રાક્ષસવિવાહ, સીતા દ્રૌપદી સંયુક્તાના સ્વયંવરો; પિતૃઆજ્ઞાધારી રામ, પિતૃસ્વતંત્ર પ્રહ્લાદ, સરસ્વતીનાં બ્રહ્મચર્ય, તારા મંદોદરીના વિધવાવિવાહ; સાગરબાંધી પૃથ્વીના એકચક્ર ચક્રવર્તીઓ, રાજવીશૂન્ય પ્રજાશાસનનના રાજવિધાન; સત્યવાદી હરિશ્ચંદ્ર, રાજખેલખેલાડી ચાણક્ય, રાજવીકુલમાં મેરુ સમોવડા દેવોને પ્રિય અશોકદેવ, શાહાનશાહ અકબરશાહ, સુંદરીકુલમાં સૌદર્યમણિ સરીખડી શકુતલા, સંયુક્તા, નૂરજહાન, મુમુતાજમહાલ; અહલ્યાબાઇ, લક્ષ્મીબાઇ ને ચાંદબીબી સમી અમરસુહાગિણી રાજરાણીઓ, કુંતા ને જીજીબાઈ સમી રાજમાતાઓ; કવિતા, સ્થાપત્ય, ચિત્ર, સંગીત, નાટકસૌંદર્યનો સર્વાંગે ખિલાવ; ઢાંકાનું મલમલ-સાત સાત પડ છતાંયે મહીંથી શરીર ઝંખાય: અમદાવાદનો કિનખાબ જેની સોનામોહિની આજે યે નથી ઊતરી; મેઘદૂત ને શાકુંતલ, રામાયણ ને મહાભારત; દેલવાડાના મંદરોની આરસકોતરી કવિતા, તાજમહાલનું આરસઆલેખ્યું દાંપત્ય કાવ્ય ગોકુલ વૃદાવનની ગોપકવિતા; બુદ્ધ સમા ધર્મ સંસ્થાપક, કપિલ, કણાદ, પતંજલિ સમા ફિલસૂફો, વારણાવટમાંના ફિલસૂફીના અખાડાઓ ને ધર્મવિપ્લવો; બ્રહ્માવર્તનું બ્રાહ્મણત્વ; ચિતોડનું ક્ષત્રિયત્વ-ક્ષત્રિયોના કેસરિયાં, ક્ષત્રાણીઓનાં જૌહર; મિ. બોલ્ડવિને ચતુર્થાશ સમૃદ્ધિ યુદ્ધકાળે ઇંગલાંડને સોંપી, ઇંગ્લાંડે મહામંત્રી સ્થાપ્યા; ભામાશાહે પ્રતાપને સર્વસ્વ સમર્પ્યું હતું. એ ભામાશાહ, ટોડરમલ્લ, જગડૂશાહ, વસ્તુપાળ, તેજપાળ સમાઓનું વૈશ્યત્વ; સંન્યાસીઓ, રાજત્યાગી રાજસંન્યાસીઓ; મનુસ્મૃતિ ને આઇને અકબરી સમા Codes, રાજતરંગિણી, અકબરનામા, બાબરશાહનું આત્મવૃત્તાંત-સમા ઇતિહાસો; કાદંબરી સમી જન્માંતરી મહાવાર્તા; સાગરખોળે ઊછરતા પારસીઓનો ગુજરાતખોળે સમાસ; પ્રાચીનમાં પ્રાચીન ખ્રિસ્તીઓની ૧લા-રજા સૈકામાં જ મલબાર કાંઠે વસાહતો; જગત્ ઇતિહાસની અજાયબીઓ વીણી વીણીને જાણે પરમેશ્વરે ભારતીય ઇતિહાસ રચ્યો ન હોય !
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.