Gujaratilexicon

ભારતના એન્ટવર્પ એટલે કે ડાયમંડ સીટી સુરત વિશે તમે કેટલું જાણો છો ?

October 04 2019
Gujaratilexiconbvetfloal bvetfloal

ગુજરાત રાજ્યનું એક ધબકતું, વેગવંતુ અને મોજીલું શહેર એટલે તાપી નદીના કિનારે વસેલું સુરત શહેર.

કહેવાય છે કે, 15મી સદીના છેલ્લાં વર્ષોમાં ગોપી નામના બ્રાહ્મણે આ શહેર શોધ્યું હતું, જેને તેમણે સૂર્યપુર નામ આપ્યું હતું જેનો ઈ.સ. 1512 તેમજ 1530માં પોર્ટુગીઝ દ્વારા વિનાશ કરવામાં આવ્યો હતો. ઈ.સ. 1573માં મુઘલોએ સુરત શહેર જીતી લીધું. બ્રિટીશ અને ડચ બન્ને પ્રજાતિએ સુરતને જીતવાના પ્રયાસ કર્યા અને સને 1800થી સુરત બ્રિટીશરોના હસ્તક આવ્યું. સને 1520માં અસ્તિત્વમાં આવેલ ‘સૂર્યપુર’ ત્યારથી ‘સુરત’ બન્યું.

તાપી નદીના કાંઠે વસેલું સુરત ‘પોર્ટ સીટી’ પણ કહેવાતું હતું. ભારતના દરેક ધર્મ-રાજ્યની જાતિ, જ્ઞાતિના લોકોને પોતાનામાં સમાવીને બેઠેલા આ શહેરમાં તમને ગુજરાતી, સૂરતી બોલી સહિત, સૌરાષ્ટ્રની કાઠિયાવાડી, પારસી, મરાઠી, હિન્દી સહિત અનેક ભારતીય ભાષા સાંભળવા મળશે.

ભાષાની વિવિધતાઓની સાથે ઔદ્યોગિક વિવિધતાઓથી બનેલું સુરત શહેર ડાયમંડ હબ ઑફ ઇન્ડિયા, ટેક્ષટાઇલ સીટી ઑફ ઇન્ડિયા, સિલ્ક સીટી ઑફ ઇન્ડિયા, ફ્લાયઓવર સીટી ઑફ ઇન્ડિયા વગેરે નામથી પણ ઓળખાય છે.

મિત્રો, ગુજરાતના અભિન્ન અંગ ગણાતા એવા સુરત શહેર વિષેની કેટલીક રસપ્રદ બાબતો જોઈશું?

  • નેશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઈડ ઇકોનોમિક રિસર્ચ મુજબ, સુરત બેંગ્લોર અને મદ્રાસ પછી આગળ પડતું ભારતનું ધનવાન શહેર ગણાય છે.
  • ડાયમંડ સીટી કહેવાતા સુરતમાં આશરે 90-95% હીરા પોલીશ અને મેન્યુફેક્ચર થાય છે. દુનિયામાં વેચાતા હીરાઓમાં 80% હીરાઓ સુરતમાં પોલીશ થયેલા હોય છે.
  • AAI – Airport Authority of India, 8 બિલીયન ડોલર તો માત્ર હીરાના નિકાસથી કમાય છે.
  • સુરતનો ડાયમંડ ઉદ્યોગ આશરે 3 લાખ રત્નકાલાકારોને રોજી આપે છે.
  • ભારતના સહુથી ઝડપથી વિકાસ પામતા શહેરમાં સુરતનો સમાવેશ થાય છે.
  • ચંદીગઢ અને મૈસુર બાદ સુરત ભારતનું ત્રીજું સ્વચ્છ શહેર છે.
  • સુરત મહાનગરપાલિકા ભારતનું ‘ધનવાન’ મહાનગરપાલિકા ગણાય છે.
  • સહુથી વધુ 122 જેટલા બ્રીજ હોવાથી સુરત ‘ફ્લાયઓવર સીટી’ તરીકે પણ ઓળખાય છે.
  • સુરતની ટેક્ષટાઇલ ગુણવત્તા ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. 5માંથી આશરે 1 સાડીનું ઉત્પાદન સુરતમાં થયેલું હોય છે. માટે જ સુરત ‘ટેક્ષટાઇલ સીટી’ પણ કહેવાય છે.
  • સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતનું 2જા ક્રમ પર આવતું સહુથી વ્યસ્ત એરપોર્ટ ગણાય છે.
  • સુરત ભારતનું એકમાત્ર શહેર છે જે પોતાનું મ્યુનિસિપલ બજેટ દર અઠવાડિયે રજૂ કરે છે.
  • શહેરના દરેક રોડ પર સીસીટીવી મૂકનાર ભારતનું પહેલું શહેર સુરત છે.
  • ‘કાશીનું મરણ ને સુરતનું જમણ..’ આ કહેવત તો તમે સાંભળી જ હશે! એ વ્યક્તિ નસીબદાર ગણાય છે જે સુરતમાં જમે અને કાશીમાં મૃત્યુ પામે! સુરત પોતાની ખાણીપીણી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.
  • સુરતના લોચો-ખમણ, સુરતી ઊંધિયું, સરસિયા ખાજા, પોંકવડા, નાનખટાઈ અને ઘારી જાણીતી સ્વાદિષ્ટ વાનગીઓ છે.
  • ભારતના અન્ય શહેરો કરતાં સુરતમાં પાણી અને વીજળીની રાહત છે.
  • અરબી સમુદ્રના કાંઠે આવેલ સુરતના હજીરા પોર્ટ પર ESSAR, ADANI, RELIANCE, ONGC, SHELL, L&T, KRIBHCO, GAIL, NTPC, GSPC, ABG SHIPYARD જેવી અનેક કંપનીઓ આવેલી છે, જ્યાં સુરત અને સુરત બહારના અનેક લોકો રોજગારી મેળવે છે.
  • ને અંતે, નજીકના ભવિષ્યમાં જ સુરત શહેર પણ અમદાવાદની જેમ મેટ્રો સીટી બની જશે!

મિત્રો, 20મી સદીથી આજસુધી સુરતમાં આશરે 20 જેટલા પૂરની હોનારતો થઈ છે. વર્ષ 2006માં આવેલા વિનાશક પૂર વખતે તો સમગ્ર દુનિયા કહેતી હતી કે સુરત દસ વર્ષ પાછળ ઠેલાઈ જશે, પરંતુ સુરતની પ્રજાએ તેમને ખોટા ઠેરવ્યા ને માત્ર બે મહિનામાં જ સુરત ફરી બેઠું થયું. ત્યારબાદ આ શહેરે કરેલો વિકાસ સમગ્ર દુનિયા જોઈ રહી છે. ત્સુનામી વખતે જાપાને કહ્યું હતું કે પૂર વખતે સુરતના લોકોની હિંમતે તેમને ત્સુનામી સામે લડવાની પ્રેરણા આપી.

સુરતમાં ફરવાલાયક જાણીતા સ્થળો વિશે જોઈએ તો, ડુમસ, સુવાલી, ઉભરાટ, ડભારી અને દાંડી જેવા મનોરમ્ય દરિયાઓથી સુરત શોભે છે. ઉપરાંત સુરતનો કિલ્લો, સાયન્સ સીટી સેન્ટર, ગોપી તળાવ, નર્મદ લાયબ્રેરી, ઈસ્કોન મંદિર, અંબિકાનિકેતન મંદિર, ચિંતામણી જૈન મંદિર, ગૌરવપથ, કોઝ-વે, તાપી રિવરફ્રન્ટ જોવાલાયક સ્થળો છે. જ્યાં દર રવિવારે સુરતીઓ સપરિવાર ફરવા જાય છે અને પીપલોદ, વેસુ પર ફૂટપાથ પર બેસી સ્વાદિષ્ટ પરાઠાની લિજ્જત માણે છે.   

દરેક ધર્મ અને જાતિને અહીં સન્માન મળે છે, ગણેશચતુર્થી, નવરાત્રી, દિવાળી અને ઈદ હોય કે નાતાલ, દરેક તહેવારો અહીંની પ્રજા ખૂબ ઉત્સાહ અને સંપથી ઉજવે છે. 

રવિવાર એટલે ‘બાપનો દહાડો’ કહેનારા મોજીલા સુરતીઓ ખાવા અને ખવડાવવાના ખૂબ શોખીન છે.

  • મીરાંં જોશી

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects