શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા.
કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને આપણે ગળથૂથીમાં ગુજરાતી ભાષાનો સ્વાદ કરાવીએ છીએ. જ્યારે બાળક નિશાળે જતું થાય ત્યારે તે અન્ય ભાષાઓ શીખવાની શરુઆત કરે છે. બીજી ભાષાઓ જાણવી પણ એટલી જ જરૂરી છે જેટલી આપણે આપણી ભાષાને જાણીએ. પણ એનો અર્થ એ નથી થતો કે આપણે માતૃભાષાના ભોગે અન્ય ભાષાઓ શીખીએ. આજે ચાલો આ માતૃભાષાના અવસરે આપણે સંકલ્પ કરીએ કે હું મારી ગુજરાતી ભાષાના ભોગે અન્ય ભાષાઓને પ્રાધાન્ય નહીં આપું. માણસના ઘડતરમાં મૂળભૂત પાયો ભાષાનો છે અને તે પણ તેની માતૃભાષાનો તો ફક્ત આપણે એ પાયાને મજબૂત કરવાનો સઘન પ્રયાસ કરીએ. ગુજરાતી મોરી મોરી રે….
આજે વિશ્વ માતૃભાષા દિવસે આપણે ગુજરાતીલેક્સિકોનના સ્થાપક રતિલાલ ચંદરયા વિશે થોડી વિગતો જાણીએ.
ગીતામાં ભગવાનશ્રી કૃષ્ણ કહે છે કે, “હે માનવી તું કર્મ કરે જા, ફળની ચિંતા ના કર”. આપણે જે પણ કાર્ય કરતાં હોઈએ એનું શું પરિણામ આવશે કે એ કાર્યના કેવા પ્રત્યાઘાત પડશે, જો એ બધી ચિંતા કે ફિકર કર્યા કરીએ તો, આપણે જે કાર્ય કરવા ધાર્યું છે તે માટે આપણે આપણો સંપૂર્ણ પ્રયાસ કદાચ ના આપી શકીએ. જેમ સિક્કાની બે બાજુ હોય છે તે જ રીતે દરેક કાર્યના અનુકૂળ અને પ્રતિકૂળ પ્રત્યાઘાતો રહેવાના જ અને આ જ સનાતન સત્ય છે. જો માનવી ફકત પોતાના કર્મને જ પ્રાધાન્ય આપે તો તે જરૂરથી જ સફળ થાય છે આ વાતનું જો યથાર્થ ઉદાહરણ હોય તો છે તે શ્રી રતિલાલ ચંદરયા.
22 ઓક્ટોબર 1922ના રોજ નાઈરોબીમાં જન્મેલા શ્રી રતિલાલ ચંદરયાએ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાઈરોબી અને મોમ્બાસાની શાળામાં લીધું અને ત્યાં એક વિષય તરીકે થોડું ઘણું ગુજરાતી શીખ્યા. માધ્યમિક બાદ આગળ શિક્ષણ લેવાના બદલે તેઓ પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ વખતે તેમનો પરિવાર સ્વદેશ પરત ફર્યો અને છ વર્ષ સુધી મુંબઈ અને વતન જામનગરમાં રહ્યો. બીજા વિશ્વયુદ્ધનો આ સમય દુનિયાની મહાસત્તાઓ માટે નિર્ણાયક હતો. આ જ સમય ગાળા દરમ્યાન એવું કહી શકાય કે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં આધારસ્તંભ સમાન ઘટના ગુજરાતીલેક્સિકોનના બીજ શ્રી રતિલાલ ચંદરયાના મનમાં રોપાયા. સ્વદેશ પરત ફરેલા રતિલાલ ચંદરયાએ એક જૂનુ રેમિંગ્ટન ટાઇપરાઇટર ખરીદ્યું અને જાતે જ તેના પર ટાઇપીંગ શીખવા લાગ્યા. વિશ્વયુદ્ધની સમાપ્તિની સાથે રતિલાલ ચંદરયા સપરિવાર 1946માં પોતાની કર્મભૂમિ કેન્યા પરત ફર્યા. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળાએ રતિલાલ ચંદરયાના જીવનમાં બે મહત્ત્વના નવા આયામ લઈને આવ્યો જેમકે ધર્મપત્ની વિજ્યાલક્ષ્મી બહેનનું આગમન અને ટાઇપિંગનું જ્ઞાન.
કહેવાય છે કે જીવનમાં શીખેલી વસ્તુઓ ક્યારેક અને ક્યાંક તો ઉપયોગી થાય છે એટલે માનવીએ સતત કંઈક ને કંઈક નવું શીખતા રહેવું જોઈએ. બીજા વિશ્વયુદ્ધ બાદ કેન્યા પરત ફર્યા પછી સાઠ વર્ષની ઉંમર સુધી તેઓ તેમના વારસાગત વ્યવસાયમાં રચ્યાપચ્યા રહ્યા અને જેમ જેમ નવી પેઢી વ્યાવસાયિક જવાબદારી સંભાળતી ગઈ તેમ તેઓ તેમાંથી પોતાની જાતને મુક્ત કરતા રહ્યા. આ મુક્તિની સાથે ખરા અર્થમાં તેમની જ્ઞાનયાત્રાની શરૂઆત થઈ.
વ્યાવસાયમાંથી અંશત: નિવૃત્તિ લીધા બાદ તેમના મનના કોઈ ખૂણે સંગ્રહાયેલી ગુજરાતી ટાઇપ કરવાની મહેચ્છા ફરીથી જાગૃત થઈ અને તેમણે ગુજરાતી ટાઇપરાઇટર પર લખવાનું શરૂ કર્યું. વળી, તે સમયે ઇલેક્ટ્રિક ટાઇપરાઇટર બજારમાં ઉપલબ્ધ થયા હતાં. તેમની ઇચ્છા તેમના ગુજરાતી મેન્યુઅલ ટાઇપરાઇટરને ઇલેક્ટ્રિક ટાઇપરાઇટરમાં તબદિલ કરવાની હતી તેથી તેમણે આ કાર્ય કરી શકે તેવી કંપનીઓના સંપર્ક સાધવાનું શરૂ કર્યું. કહેવાય છે કે નસીબમાં લખ્યું હોય તે થાય, બે વર્ષની મહેનત બાદ પણ તેનું પરિણામ શૂન્ય હતું અને હવે બજારમાં કમ્પ્યૂટરના આગમન સાથે ઇલેક્ટ્રિક ટાઇપરાઇટરનો યુગનો અંત આવ્યો. આ સમય રતિલાલ ચંદરયાના જીવનમાં એક નવો વળાંક લઈને આવ્યો.
કમ્પ્યૂટરનું આગમન તો થઈ ચૂક્યું પણ તે સમયે કમ્પ્યૂટરમાં ગુજરાતી ફોન્ટ ઉપલબ્ધ હતા નહીં તેથી તેમણે એપલ, આઇબીએમ અને બીજી ઘણી કંપનીઓને ગુજરાતી ફોન્ટ બનાવી આપવા માટે વિનંતી કરી. આમાં તેમને નિરાશા જ સાંપડી. આ સમયે તેમને જાણવા મળ્યું કે ભારતમાં તાતા કંપનીએ દેવનાગરી ફોન્ટ બનાવ્યા છે તેથી જેમ ડૂબતો માણસ તરણું ઝાલે તેમ જ ગુજરાતી ફોન્ટ મેળવવાની લાલસા એ તેમણે સ્વદેશની મુલાકાત લીધી. ત્યાં પણ તેમને નિરાશા જ સાંપડી. સીએમસી નામની સરકારી કંપનીએ દેવનાગરી અને ગુજરાતીમાં ટાઇપ કરી શકે તેવા કમ્પ્યૂટર તૈયાર કર્યા હતા પણ તે પ્રાથમિક અવસ્થામાં હતાં અને તેનું ભાવિ અનિશ્ચિત હતું. દૂરંદેશી ધરાવતા રતિભાઈ તો એવી વ્યવસ્થાની શોધમાં હતા કે જેના થકી તેઓ વિશ્વના દરેક ખૂણે વસેલા ગુજરાતીને ઉપયોગી સાબિત થઈ શકે.
આ પણ જુઓ :
આ જ અરસામાં તેમનો ભત્રીજો અમેરિકાથી એમ.બી.એ. કરીને પરત આવ્યો અને તે તેની સાથે એપલનું કમ્પ્યૂટર લઈને આવ્યો. તેણે રતિભાઈ કમ્પ્યૂટર શીખવવાનું શરૂ કર્યું. જેનાથી કમ્પ્યૂટરમાં ગુજરાતી ફોન્ટની આવશ્યકતા છે જ એ વાત તેમના માનસપટ પર વધુ ઘેરી બની. તેઓ સતત ગુજરાતી ફોન્ટ બનાવી આપી શકે તેવી વ્યક્તિ-સંસ્થાની શોધમાં હતા અને આ સંદર્ભે તેમનો સંપર્ક એક ફ્રેન્ચ મહિલા સાથે થયો એન તેણે આ કામ કરી આપવાની ખાતરી આપી અને તે સંદર્ભનું તેનું મહેનતાણું પણ નક્કી કરવામાં આવ્યું. ફ્રેન્ચ મહિલાએ આ દિશામાં પ્રયત્નો આદર્યા અને તેમાં મહદઅંશે સફળતા સાંપડી. તેણીએ જે ફોન્ટ બનાવ્યા તે પ્રાથમિક હતા અને તેમાં જોડાક્ષરો ન હતા. રતિભાઈએ તેમાં જોડાક્ષરો ઉમેરી આપવાની વિનંતી કરી તો તે મહિલાએ આ માટે ખૂબ મોટું મહેનતાણું માંગ્યું જે રતિભાઈના વ્યવસાયિક સિદ્ધાંતોની વિરુદ્ધ હતું. ગુજરાતી ફોન્ટ તૈયાર કરવાની પોતાની જિજીવિષા છતાં રતિલાલ ચંદરયા શોષણને તાબે ન થયા અને છેક કિનારે આવેલું જહાજ જાણે થંભી ગયું.
ઈશ્વર જાણે તેમની કસોટી કરતો હોય તેમ તેઓ આ કસોટીમાંથી સુખરૂપ પસાર થયા અને તેના સુખદ પરિણામ સ્વરૂપ તેમની મુલાકત ગુલાબદાસ બ્રોકર સાથે થઈ અને તેમણે રતિભાઈને જણાવ્યું કે અમેરિકા સ્થિત મધુરાય ગુજરાતી ફોન્ટ બનાવી રહ્યા છે. રતિભાઈએ મધુરાયનો સંપર્ક સાધ્યો ત્યારે તેમને જાણ થઈ કે મધુરાયે ગુજરાતી ફોન્ટ બનાવી લીધા છે અને તે સફળ રીતે કાર્યરત છે. તેમણે મધુરાયને પોતે તે ફોન્ટ જોવા ઇચ્છે તેવી તેમની મહેચ્છા જણાવી અને મધુરાયે સંમતિ આપતાં તેમણે તે ફોન્ટ અને તેનું કીબોર્ડ વાપરી જોયા અને તે તેમને અનુકૂળ અને સરળ લાગ્યા. તેમણે મધુરાય પાસેથી તે ફોન્ટ ખરીદી લીધા અને પોતાના કમ્પ્યૂટરમાં તેને દાખલ કરી દીધા અને તેની મદદથી ગુજરાતી ટાઇપ કરવાનું શરૂ કર્યું. જેમ જેમ ટાઈપ શરૂ થયું. પણ રતિલાલ ચંદરિયા જેનું નામ! જેમ જેમ તેઓ ટાઈપ કરતા ગયા તેમ તેમ તેમને ખ્યાલ આવતો ગયો કે આમાં કચાશ રહી ગઈ છે અને જોડણીની ભારે ભૂલો રહી ગઈ છે.
તેમને લાગ્યું કે મારા જેવા અલ્પ ગુજરાતી જાણનાર માટે જોડણીની ખરાઈ કરવી એ લોઢાના ચણા ચાવવા બરોબર છે અને જન્મ થયો એક નવીન પ્રોજેક્ટ સ્પેલચેકરનો.
કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઇપિંગની શરૂઆત સાથે ગુજરાતી ભાષાની પ્રથમ ડિજિટલ શબ્દકોશના જન્મના પગરણની શરૂઆત થઈ. શબ્દકોશ સાચી જોડણી વિના અધૂરો છે તેથી જ રતિભાઈએ સ્પેલચેકર તૈયાર કરાવવાની દિશામાં પ્રયાસ આદર્યા.
અંગ્રેજીમાં માઇક્રોસોફ્ટ કંપનીના સ્પેલચેકરનો ઉપયોગ કરતી વેળાએ તેમને ગુજરાતી સ્પેલચેકર બનાવી શકાશે એવી શક્યતાઓ પ્રબળ જણાઈ અને તેમણે એપલ અને માઇક્રોસોફ્ટ બન્ને કંપનીઓનો સંપર્ક સાધ્યો. અહીં તેમનો અનુભવ નિરાશાજનક રહ્યો કેમકે તે લોકો ટેક્નિકલ માહિતી ન ધરાવતી વ્યક્તિ સાથે વાત સુદ્ધાં કરવાનો ઇન્કાર કર્યો. તેમ છતાં રતિભાઈ નાસીપાસ ન થયા અને તેમનો સંપર્ક કરવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. બીજી બાજુ આ કંપનીના નિષ્ણાતો પોતાની વાત પરથી ટસના મસ થવા તૈયાર ના થયા. ઘરે પરત ફરતી વખતે અચાનક તેમના મનમાં એક વિચાર ઝબકયો કે આટલી મોટી કંપનીના સ્ટાફમાં કોઈક તો ગુજરાતી હશે, તેની સાથે વાત કરું તો તે કંપનીના માણસોને સમજાવશે. અડધે રસ્તેથી તેઓ પરત ફર્યા અને સ્ટાફલિસ્ટ પર નજર ફેરવી, ત્યાં એક ગુજરાતી નામ જણાતાં તેનો સંપર્ક કર્યો અને પોતાની વાત સમજાવી. તે વ્યક્તિએ તે લોકોની વાત પર ટાઢું પાણી ફેરવતાં કહ્યું કે, “રતિભાઈ તમારો સમય ફોગટ ના બગાડો, અહીં કોઈ તમારી વાત સાંભળશે નહીં”. નિરાશ થયા વિના ફરીથી સ્ટાફલિસ્ટ જોતાં તેમની નજર એક ગુજરાતી મહિલાના નામ પર પડી અને તે મહિલાનો સંપર્ક કર્યો અને તેણીને પોતાની સઘળી વાત જણાવી. એ મહિલાએ આ કાર્ય માટે પોતાની અસમર્થતા દર્શાવી પરંતુ આ કાર્ય કરી શકે કે તેમાં ઉપયોગી થઈ શકે તેવા ભાષાનિષ્ણાતો સાથે રતિભાઈની મુલાકાત કરાવી આપી.
પંદર મિનિટ માટે યોજાયેલી આ મુલાકાત અઢી કલાક ચાલી અને આ ટીમ રતિલાલ ચંદરયાના કીબોર્ડથી પ્રભાવિત થઈ પણ સ્પેલચેકર બનાવવાના કાર્ય માટે કોઈ ઉત્સાહ ના દાખવ્યો. તેમણે એક બે સોફ્ટવેર ખરીદવાની રતિભાઈને સલાહ આપી અને જાતે જ સ્પેલચેકર બનાવવા સૂચવ્યું.
આપ મૂઆ વિના સ્વર્ગે ના જવાય એ કહેવત અનુસાર રતિલાલ ચંદરયા સોફ્ટવેરની શોધમાં નીકળી પડ્યા અને આ શોધ અંતર્ગત તેઓ એક સ્ટોરમાં પહોંચ્યા જે સદ્નસીબે એક ગુજરાતીનો સ્ટોર હતો. તેણે રતિભાઈને સોફ્ટવેરમાં પૈસા ન બગાડવા માટેની સોનેરી સલાહ આપી અને આ પ્રકારનું કામ કરતાં બીજા એક ગુજરાતીભાઈનો સંપર્ક કરાવી આપવાની ખાતરી આપી. થોડા દિવસ બાદ તે સ્ટોરના માલિકનો રતિભાઈને ફોન આવ્યો અને તેમણે તે ભાઈનું સરનામું આપ્યું. રતિભાઈ તેમને મળવા બોસ્ટન ગયા પણ અહીં પણ તેમને નિરાશા જ સાંપડી કેમકે તે ભાઈએ સમય અને નાણાંના અભાવની વાત કરી પણ આ કામ શક્ય છે તેવી વાત જણાવી જેથી રતિભાઈને આ કાર્ય થઈ શકશે તેવી આશા બંધાઈ.
આ જ અરસામાં મુંબઈ સ્થિત રતિભાઈના વેવાઈ કમલકાંતભાઈએ તેમને જણાવ્યું કે પૂનામાં બે યુવાનોએ હિન્દી ભાષા માટે સ્પેલચેકર બનાવ્યું છે તેથી રતિભાઈ બોસ્ટનથી મુંબઈ પહોંચ્યા. પૂના જઈ તે યુવાનો –સ્વામી અસંગ અને તેમના સાથી સાથે મુલાકાત કરી. આ મુલાકાત અતિ મહત્ત્વની રહી. ચર્ચાના અંતે એ નિષ્કર્ષ આવ્યો કે ગુજરાતી સ્પેલચેકર બનાવવામાં ઘણો સમય લાગે તેમ છે અને સ્વામી અસંગ પાસે એટલો સમય નહતો. આથી નિરાશ થયા વિના એકલે હાથે પોતાનો પ્રોજેક્ટ ચાલુ રાખ્યો. તેઓએ કોઈની મદદ લીધા વિના ગુજરાતી શબ્દોને ડિજિટલ સ્વરૂપમાં ગોઠવવાનું કાર્ય ચાલુ રાખ્યું પણ હજુ જાણે કુદરત હજુ પણ તેમની કસોટી કરવા માંગતી હશે તેથી તેમના કમ્પ્યૂટરનું મધર કીબોર્ડ સળગી ગયું.
આટલી મોટી ઘટના બનવા છતાં જરા પણ નાસીપાસ થયા વિના તેઓએ નવું કીબોર્ડ બનાવવાના પ્રયત્નોમાં લાગી ગયા અને કામ ફરી શરું કર્યું. આ વખતે તેમના આ કાર્યમાં બે નવી વ્યક્તિઓનો સાથ તેમને મળ્યો – જયેશ પટેલ અને હર્ષદ પટેલ. આ બન્ને વ્યક્તિઓ એક સામયિક માટે કામ કરતાં હતા તેથી પાર્ટટાઇમ માટે તેઓ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ ગયા. આ ઉપરાંત રતિભાઈના સેક્રેટરી અને ડ્રાઇવરે પણ આ કામમાં પોતાનું યોગદાન આપ્યું. બીજી બાજુ, સુરેશ દલાલ અને હરકિસન મહેતાની સમજાવટથી ચિત્રલેખાના તંત્રી શ્રી મધુ કોટકે તેમના સામયિકના લેખોની સામગ્રી આપી ટેકો આપ્યો.
આ તરફ, પૂનામાં સ્વામી અસંગ ગુજરાતી સામગ્રીને કીબોર્ડ ઉપર કેવી રીતે લાવવી તેની પદ્ધતિ વિકસાવી. આમ સ્પેલચેકર માટેનું શબ્દભંડોળ વધી રહ્યું હતું. સાર્થ અને બૃહદના શબ્દોને શબ્દકોશમાં સમાવવામાં આવ્યા. ગાંધીજીના ખિસ્સાકોશ અને નાના કોશના શબ્દો પણ સમાવી લેવામાં આવ્યા. ત્યારબાદ, અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશના શબ્દો પણ તેમાં ઉમેરી દેવામાં આવ્યા.
રતિભાઈને એક જ મહેચ્છા હતી કે દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારના બાળકો તેમની ભાષાના ભંડોળથી વંચિત ના રહે અને ખાસ કરીને વિદેશમાં વસતાં ગુજરાતી પરિવારના બાળકો તેમની માતૃભાષા વાંચતા લખતા શીખી શકે.
કથળતી હાલત
જૈફ વયે પણ સતત કાર્યરત રતિભાઈનું સ્વાસ્થ્ય હવે કથળતું જઈ રહ્યું હતું. વધતી ઉંમર હવે તેમની સામે નવા નવા પડકારો ઊભી કરી રહી હતી.
2004માં રતિભાઈ પર બાયપાસ સર્જરી કરવામાં આવી. તેમની એક જ મહેચ્છા હતી કે તેમની હયાતીમાં જ આ કાર્ય પૂર્ણ થાય. માત્ર ગુજરાતી ટાઇપ કરવાની ઇચ્છાથી શરૂ થયેલું આ કાર્ય તેના સીમા ચિહ્નરૂપ મુકામ પર પહોંચવાની તૈયારીમાં હતું. તે પાછળનું એકમાત્ર કારણ રતિલાલ ચંદરયાની માતૃભાષા પ્રત્યેની નિ:સ્વાર્થ સેવાભાવના હતી.
આ સમયે સ્વામી અસંગે સલાહ આપી કે ગુજરાતી ભાષાની જે સામગ્રી કમ્પ્યૂટરમાં ડેટા સ્વરૂપે દાખલ કરવા માટે ઉપલબ્ધ છે તેને સૌ પ્રથમ જાવા ફોર્મેટમાં તબદીલ કરવામાં આવે જેથી તેને યુનિકોડમાં બદલી શકાય અને ડેટા દાખલ કરવાની ગતિ વધારી શકાય.
આ કાર્યમાં રતિલાલ ચંદરયાની ત્રિવેન્દ્રમ સ્થિત એક ગ્રુપ કંપનીએ ધાર્યા કરતાં વધુ સારી રીતે આ કાર્ય પૂર્ણ કરી આપ્યું. રતિલાલ ચંદરયાની ત્રિવેન્દ્રમની કંપનીના નિષ્ણાંતોએ આ કામ બહેતરીન રીતે કાર્ય પાર પાડી બતાવ્યું.
આમ, આ સફર દરમ્યાન ઘણા બધા ચઢાવ-ઉતાર જિંદગીમાં જોયા, ઉપરાંત પરિવારજનોનો અને મિત્રોનું સતત પ્રોત્સહન પ્રેરકબળ સમાન રહ્યું. આમ સહુના સાથ અને સહકાર દ્વારા ગુજરાતીલેક્સિકોનનું કાર્ય આગળ વધતું રહ્યું. એક બાજુ ગુજરાતીલેક્સિકોનમાં ડેટાબેઝ તૈયાર થઈ રહ્યો હતો કે જેને વેબસાઇટ રૂપે રજૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા.
ગુજરાતી ભાષાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરી શકાય તેવી મહાન ઘટના તા. 13 જાન્યુઆરી 2006ના રોજ બની. આ દિવસે મુંબઈ ખાતે સુશ્રી ધીરુબહેન પટેલના વરદ હસ્તે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટનું જાહેર લોકાર્પણ કરવામાં આવ્યું અને આ શબ્દ ખજાનો દુનિયાભરમાં વસતાં ગુજરાતીભાષાપ્રેમીઓ માટે રજૂ કરવામાં આવ્યો.
આ દુનિયાનો સૌ પ્રથમ ડિજિટલ ગુજરાતી શબ્દકોશ હતો. 25 લાખ શબ્દો સાથે રજૂ થયેલી આ વેબસાઇટ હજુ તો પાશેરમાં પહેલી પૂણી હતી. આ ફક્ત હજુ શરૂઆત હતી. હજી આ કાર્યને વેગ મળવાનું બાકી હતું. આ કાર્યને વધુ સક્ષમ બનાવવા ગુજરાતીલેક્સિકોન રીસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટરની ઉત્કર્ષ ગ્રુપના નેજા હેઠળ સ્થાપના કરવામાં આવી. આ ગ્રુપની મુખ્ય જવાબદારી આ કાર્યના સંચાલનની અને શબ્દોના ઉમેરણ તેમજ સુધારાવધારા કરવાની હતી.
આમ, જાન્યુઆરી 2006માં રજૂ થયેલી ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ http://www.gujaratilexicon.comએ ગુજરાતી ભાષાના ઇતિહાસમાં એક અનોખી કેડી કંડારનાર બની રહી ત્યારબાદ આ વેબસાઇટ ઉપર નવા નવા પ્રકલ્પો ઉમેરાતાં ગયા. જેમ કે સાર્થ જોડણીકોશ, ભગવદ્ગોમંડલ, લોકકોશ, મોબાઇલ ઍપ્લિકેશન, ગ્લોબલ ગુજરાતીલેક્સિકોન વગેરે. આમ હાલમાં ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ ઉપર 45 લાખ કરતાં વધુ શબ્દો આવેલા છે. અને આશરે દૈનિક 5000થી વધુ લોકો આ વેબસાઇટની મુલાકાત વિશ્વભરમાંથી લે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ