Gujaratilexicon

ઓગણીસ કલ્યાણકો ધરાવતી પાંચ તીર્થંકરોની પરમ પાવન જન્મભૂમિ – અયોધ્યા (Ayodhya)

January 19 2024
Gujaratilexicon

હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના ગર્ભમાં આવવું), જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પાંચ ઘટના અલૌકિક ગણાય છે. આ ઘટનાને કલ્યાણકો કહેવાય છે અને જે ભૂમિ પર આ પાંચ કલ્યાણક થયા હોય તે ભૂમિ કલ્યાણકભૂમિ કહેવાય છે. એ સંદર્ભમાં અયોધ્યાનું વિશેષ મહત્ત્વ એ માટે છે કે અહીં જૈન ધર્મનાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના ત્રણ કલ્યાણકોની આ ભૂમિ છે. એ પછી બીજા તીર્થંકર શ્રી અજિતનાથ, ચોથા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામી, પાંચમા તીર્થંકર શ્રી મતિનાથ અને ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનનાં ચાર-ચાર કલ્યાણકોથી એટલે કે ચ્યવનકલ્યાણ, જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક અને કેવળજ્ઞાન કલ્યાણકની આ પવિત્ર ભૂમિ છે. એમ તીર્થંકરોના જીવનની મહત્ત્વપૂર્ણ એવી આ ઓગણીસ કલ્યાણકોની મહાન પવિત્ર નગરી છે.

ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના સમયે આ નગરી ‘સાકેતપુરી’ તરીકે ઓળખાતી હતી અને ત્રીજા સૈકામાં થયેલા શ્રી પાદલિપ્તસૂરિ કે જેમના નામ પરથી ગુજરાતનું પાલિતાણા નગર વસ્યું છે, તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. એક નોંધપાત્ર બાબત એ છે કે બારમી-તેરમી સદીમાં શ્રી દેવેન્દ્રસૂરિજી અયોધ્યાના જિનમંદિરમાંથી પ્રાચીન અને પ્રભાવક ચાર મૂર્તિઓ લઈને ગુજરાતમાં સેરિસા તીર્થની સ્થાપના માટે જતા હતા અને એમાંની ત્રણ પ્રતિમાઓની સેરિસા તીર્થમાં સ્થાપના કરવામાં આવી.

છેક 14મી શતાબ્દીમાં આચાર્યશ્રી જિનપ્રભસૂરિએ લખેલા ‘વિવિધ તીર્થકલ્પ’ નામના મહત્ત્વના ગ્રંથમાં
પ્રાચીનકાળમાં અયોધ્યામાં બનેલી મહત્ત્વની ઘટનાઓનું આલેખન કર્યું છે. એ સમયે અયોધ્યાનગરી એક નહીં, બલ્કે આઠ નામોથી પ્રસિદ્ધ હતી. એ આઠ નામો છે ઈક્ષ્વાકુ ભૂમિ, કોશલ, કોશલા, વિનીતા, અયોધ્યા, અવધ્યા, રામપુરી અને સાકેતપુરી.

ઇક્ષ્વાકુ ભૂમિ

પ્રાચીનકાળમાં ‘ઈક્ષ્વાકુ ભૂમિ’ તરીકે ઓળખાતી આ અયોધ્યા નગરીનું જૈન ધર્મમાં ઘણું મહત્ત્વ છે. સાથે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખો મળે છે તે મુજબ વિમલવાહન આદિ સાત કુલકરો આ ભૂમિમાં થયા હતા. છેલ્લા કુલકર નાભિરાજના સમયમાં સમાજની સ્થિતિ તદ્દન જુદા પ્રકારની હતી, એ સમયે સ્ત્રી-પુરુષોનાં યુગ્મો સાથે જ જન્મતાં, એકબીજાને પરણતાં અને નિર્વાણની અનંત શાંતિ પણ સાથે જ અનુભવતાં. આજના જેવા દુઃખ કે સંતાપ નહોતા. એમના સમયમાં પ્રથમ વરસાદ વરસવા લાગ્યો. વૃક્ષ અને વેલ પોતાની મેળે ઊગવા માંડ્યાં.

Jain Digambar Mandir in Ayodhya
અયોધ્યામાં આવેલું જૈન દિગંબર મંદિર

એવા સમયે નાભિરાજના પુત્ર ઋષભદેવનો અયોધ્યામાં જન્મ થયો. નાભિ કુલકરની સૂચનાથી લોકોએ તેમને રાજા બનાવ્યા. તેમના રાજ્યાભિષેક સમયે યુગલિકોએ પડિયામાં પાણી ભરી લાવી રાજા ઋષભદેવના અંગુઠે અભિષેક કર્યો. આ વિનયથી આ નગરીનું નામ ‘વિનીતા’ પડ્યું. શ્રી ઋષભદેવે પોતાના અનુભવજ્ઞાનથી લોકોને સંસારયાત્રાની રીત શીખવી. નીતિના પાયારૂપે લગ્ન અને ગૃહજીવનની સ્થાપના કરી બતાવી. એમના પુત્ર ભરત ચક્રવર્તી સમ્રાટ થયા અને સંશોધકો સ્વીકારે છે કે આ દેશનું ભારત નામ ભરત પરથી પડ્યું છે. એમના બીજા પુત્ર બાહુબલિ અત્યંત બળવાન હતા, જેમની કર્ણાટકના શ્રવણબેલગોડામાં આવેલી ભવ્ય પ્રતિમા વિશ્વપ્રસિદ્ધ છે.

રાજા શ્રી ઋષભદેવે સંસાર-વ્યવહારની વ્યવસ્થા કરી. કૃષિ, શિલ્પ, લિપિ અને વિદ્યાની શાખા-પ્રશાખાઓ
વિકસાવી. ઋષભદેવની પુત્રી બ્રાહ્મીના નામ ઉપરથી એશિયાની સૌથી પ્રાચીન બ્રાહ્મી લિપિ અસ્તિત્વમાં આવી. એમની બીજી પુત્રી સુંદરી બોંતેર કલામાં પ્રવીણ હતી.

આ રીતે જ્ઞાન અને સંસ્કારનો સૌ પહેલો પ્રકાશ આ ભૂમિમાંથી સર્વત્ર પ્રસર્યો. શ્રી ઋષભદેવે અહીં જ દીક્ષા લઈ શ્રમણસંસ્કારનું જ્ઞાન વિસ્તાર્યું હતું. રાજા ઋષભદેવની દીક્ષાએ એક નવીન ઘટનાનું સર્જન કર્યું. અહીં ત્યાગ કરનાર વ્યક્તિ પોતાની સાથે પત્નીને રાખતા નહીં કે કોઈ આશ્રમ નિર્માણ કરતા નહીં. વળી વિવેકી આ રીતભાતથી અહીંના નિવાસીઓ ઘણા સંસ્કારી ગણાતા. આ જ કારણે આ નગર ‘આદિતીર્થ’ અને ‘આદિનગર’ તરીકે ખ્યાતિ પામ્યું.

વળી અહીંથી ઉત્તર દિશામાં બાર યોજન દૂર આવેલા અષ્ટાપદ પર્વત ઉપર ભગવાન આદીશ્વરનું નિર્વાણ થયું હતું. એ નિર્વાણ ભૂમિમાં ભરત ચક્રવર્તીએ ‘સિંહનિષદ્યા’ નામનું ઊંચું અને વિશાળ જિનમંદિર બંધાવ્યું હતું. અયોધ્યા નિવાસીઓ આ અષ્ટાપદની નજીકની ભૂમિમાં ક્રીડા કરતા હતા. એક ઉલ્લેખથી જણાય છે કે, અયોધ્યામાં જીવંતસ્વામીની પ્રતિમા હતી. આ રીતે પણ આ નગરની આદિતીર્થ તરીકેની નામના સાર્થક હતી.

આ પણ જુઓ (Also read) : પવનપુત્ર, પરમ રામભક્ત હનુમાન અંગે જાણવા જેવી કેટલીક વાતો

વિ. સં. 1370માં ઘોઘરા અને સરયૂ નદીના સંગમ પર ‘સ્વર્ગ દ્વાર’ હોવાનો ઉલ્લેખ મળે છે અને ત્યાં ભવ્ય
જિનાલય હતું. ભરત ચક્રવર્તીએ પણ અહીં ચારેય દિશામાં પ્રતિમાઓ અને સ્તૂપનું નિર્માણ કર્યું હતું. આજે અયોધ્યામાં દિગંબર અને શ્વેતાંબર જિનાલયો છે, જેની પ્રતિમાઓ અગિયારમી સદી પછીની લાગે છે. આ મંદિરનો અનેક વખત જિર્ણોદ્ધાર થયાનું જોવા મળે છે અને શ્વેતાંબર મંદિરનો છેલ્લો જિર્ણોદ્ધાર આચાર્ય ભગવંત શ્રી વિજયનિત્યાનંદસૂરિજીની નિશ્રામાં પુનઃ થયો હતો.

આજે અહીં બે જિનમંદિર ઉપરાંત પ્રાચીન જિનમંદિર અને પાંચ ટૂક છે. જિનમંદિરોની દૃષ્ટિએ જોઈએ તો
અયોધ્યાના સ્ટેશનથી બજાર તરફ જતાં લગભગ દોઢ માઇલ દૂર આવેલા કટરા મહોલ્લામાં ઘોઘરા નદીના કિનારે જૈન તીર્થધામ આવેલું છે. કોટની મધ્યમાં શ્રી અજિતનાથ ભગવાનનું દેવાલય નવા સ્વાંગમાં શિખર અને ભૂમિગૃહથી શોભી રહ્યું છે. સામે સમવસરણના આકારની દેરીમાં શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી અજિતનાથપ્રભુ બિરાજે છે. ખૂણા પરની દેરીઓમાંથી પાદુકા અને બિંબો લાવીને અહીં તેમજ મૂળ મંદિરમાં પધરાવ્યાં છે. શ્યામવર્ણી સાત પાદુકાઓમાં – ચાર-ચાર, પાંચ-પાંચ જોડી પગલાં આલેખ્યાં છે, જે ભગવાનનાં કલ્યાણકોનું સ્મરણ કરાવે છે. અહીં ચાર દેવીઓની સુંદર મૂર્તિઓ છે. ભોંયરામાં પબાસન અને દાદાજીની પાદુકા છે. મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. આ રીતે જૈન ધર્મમાં છેક પ્રાચીનકાળથી અયોધ્યા નગરીનો મહિમા ધર્મતીર્થ તરીકે જોવા મળે છે.

Ayodhya Shewtambar Jain Mandir
અયોધ્યામાં આવેલું જૈન શ્વેતાંબર દેરાસર

1992ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદની ઘટના બન્યા પછી એની બહારની દિવાલ પરથી એક ક્વિન્ટલ વજનનો પિત્તળનો એક ઘંટ મળ્યો હતો અને કસોટી પથ્થરનો એક સ્તંભ પણ હતો, જેની નીચેનાં ભાગમાં કળશ કોતરવામાં આવ્યો હતો. એમાંથી મળેલી કાળા પથ્થરની ચાર ફૂટ ઊંચી પ્રતિમા એ એક જૈન પ્રતિમા હતી. અત્યારે અયોધ્યા અને નંદીગ્રામમાં ચાર સ્થળોએ ખોદકામ કરવામાં આવ્યું છે અને જન્મભૂમિ તરીકે ગણાતા ચાળીસ ફૂટના ટીલાનું સૌથી પ્રથમ ખોદકામ કરવામાં આવ્યું. અયોધ્યાથી ચૌદ માઈલ દૂર આવેલા નંદીગ્રામમાં ખોદકામ લગભગ પૂરું થઈ ગયું છે. એમાંથી એક નાની કાયોત્સર્ગ મુદ્રા ધરાવતી પ્રાચીન જૈન પ્રતિમા મળી છે.

આજે અયોધ્યામાં ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરત દ્વારા સર્જિત સ્થળ પર ભવ્ય મંદિર બની રહ્યું છે અને એક નિર્માણ 720 મૂર્તિઓ ધરાવતા મંદિરનું પણ થઈ રહ્યું છે. વિશેષ વાત તો એ છે કે અયોધ્યા પાસે વહેતી સરયૂ નદીના તટ પર તીર્થંકરોની પાંચ ટૂક એટલી જ દર્શનીય છે. ત્રણ વર્ષ પૂર્વે ભારત સરકારે અયોધ્યામાં કલાત્મક જૈન મંદિર, મ્યુઝિયમ અને ભોજનશાળા માટે પાંચ એકર જમીન આપી છે. આજે રાજગંજમાં તીર્થંકરોના સ્થાને ચાર જિનમંદિરો નિર્વાણ પામી રહ્યા છે. જેથી પાંચ તીર્થંકરોનાં ઓગણીસ જન્મકલ્યાણકોનું આ આદિતીર્થ પ્રાચીન ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, સુંદર શિલ્પકાર્ય તેમજ પ્રગાઢ ધર્મભાવનાને પ્રગટાવતું સ્થાન બની રહેશે.

  • કુમારપાળ દેસાઈ

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

જૂન , 2024

બુધવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects