પર્યુષણ જૈનત્વના સૌથી મોટા પર્વમાંનો એક છે અને આ પર્વની ઉજવણી શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી કરવામાં આવે છે. પર્યુષણ એ જૈનો માટે સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક પર્વ છે કે જેમાં તેઓ સંયમ અને આત્મબળ દ્વારા પોતાનાં તન અને મનની શુદ્ધિ કરે છે, સંવત્સરીના દિવસે ‘મિચ્છામિ દુક્કડમ’ કહીને સર્વ લોકો પ્રત્યે જાણે-અજાણે થયેલ ભૂલોની ક્ષમા યાચે છે અને મનની સફાઈ કરીને નવા વર્ષ માટે તૈયાર થઈ જાય છે.
સામાન્ય રીતે શ્વેતાંબર ફિરકાના લોકો આ પર્વને પર્યુષણ તરીકે સંબોધે છે જ્યારે દિગંબર ફિરકાના લોકો આ પર્વને દસ લક્ષણા તરીકે સંબોધે છે. શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે, “જોડાવું” અથવા“સાથે આવવું”.
મહાપર્વ પર્યુષણ એ આઠ દિવસનો હોય છે અને તેમાં વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, ‘કલ્પસૂત્ર’ ગ્રંથનું પઠન કરવું, માત્ર હુંફાળા પાણીથી ઉપવાસ કરવા, અહંભાવનો ત્યાગ કરવો, 24 તિર્થંકરોની સ્તુતિ કરવી, ગુરુવંદના કરવી, ભૂતકાળમાં કરેલા વ્રતભંગ કે વ્યવહારમાં થયેલી અનૈતિક વ્યવહારની ક્ષમાચના કરવી, જાત પર નિયંત્રણ રાખી શરીરથી છુટા પડવું અર્થાત શરીરની નશ્વરતાને જાણવી, પ્રતિક્રમણ કે કોઈ નિયંત્રણ કે વ્રત કરવું. આવા વ્યવહાર પાળવાથી તન, મન, ધનથી શુદ્ધિ થઈ જાય છે તથા આ એવો સમય છે કે જે દરમ્યાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ જેટલી તીવ્રતાથી આધ્યાત્મનો અભ્યાસ અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે
અર્હંત ભગવાનના બાર ગુણ, સિદ્ધ ભગવાનના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પચીસ ગુણ અને સાધુના સત્તાવીશ ગુણ મળીને એકસો આઠ ગુણ થાય છે. આ એકસો આઠ ગુણોથી ભરેલો એક મંત્ર બને છે જે “નવકાર મંત્ર” તરીકે ઓળખાય છે. અંગૂઠા સિવાયની બાકીની ચાર આંગળીઓના બાર ટેરવાંને નવ વાર ગણીને કરવાથી એકસો આઠ ગુણોનો ભરેલોનવકાર મંત્ર થાય છે.
નવકાર મંત્ર
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં
એસો પંચ નમુક્કારો,
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં
લબ્ધિ વર્ધક શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ નીચે મુજબ છે :
અંગૂઠે અમૃત વસે
લબ્ધિ તણા ભંડાર
શ્રી ગુરુ ગૌતમ સમરિયે
વાંછિત ફલ દાતાર
ગુજરાતીલેક્સિકોન તરફથી સર્વને પવિત્ર પર્યુષણ પર્વની ખૂબ શુભેચ્છાઓ તથા જાણતાં અજાણતાં કોઈનું મન દુભાવ્યું હોય તો અમે મન વચન અને કર્મથી મિચ્છામી દુક્કડમ પાઠવીએ છીએ.
જય જિનેન્દ્ર
શ્વેતાંબર – સફેદ વસ્ત્રવાળો (2) જૈન ધર્મનો એ નામનો એક સંપ્રદાય કે તેનો અનુયાયી
ફિરકા – જથ્થો; ટોળી; વર્ગ.
કલ્પસૂત્ર – યજ્ઞયાગાદિમાં મંત્રોનો ઉપયોગ બતાવનાર તે તે સૂત્રગ્રંથ. (૨) જૈન સાધુઓના આચાર વર્ણવતો એક ચારિતાત્મક સૂત્રગ્રંથ. (જૈન.) (સંજ્ઞા.)
અર્હંત – પરમ જ્ઞાની; બુદ્ધ; તીર્થંકર (જૈન, બૌદ્ધ) (2) કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને અદેખાઈ જેવા દુર્ગુણરૂપી દુશ્મનોને હણનાર
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.