Gujaratilexicon

ક્રોધ કરતાં પહેલાં વિચારો

May 27 2014
Gujaratilexiconbozivbfloal bozivbfloal

એક છોકરો. ઉંમર 13 કે 14 વરસની હશે. પણ મગજ ખૂબ જ તેજ. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. તોડ-ફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે. કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે.

મા-બાપ બિચારાં હેરાન-પરેશાન થઈ ગયેલાં. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. શિક્ષા પણ કરી જોઈ. પણ પથ્થર પર પાણી. તેનામાં કોઈ જાતનો ફરક જ નહીં ! કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો. પણ પરિણામ શૂન્ય !

છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે તને દાઝ ચડે ત્યારે ત્યારે ઘરની લાકડાની વાડમાં એક ખીલો ઠોકવો. પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં ચાલીસ ખીલા ઠબકારી દીધા ! જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે.

આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં. એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે ‘પિતાજી ! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ ખીલો નથી માર્યો.’ બાપ કહે : ‘ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.’

બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું. જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દીવાલ પાસે લઈ ગયો. એણે કહ્યું : ‘બેટા ! તેં ઉત્તમ અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું
ધ્યેય પૂરું થયું. પણ આ દીવાલ સામે તેં જોયું ? એમાં પડી ગયેલાં કાણાં જોયાં ? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે.

તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. ‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો. તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું…’ બાપ આગળ બોલી ન શક્યો. દીકરો પણ આંસુભરી આંખે સાંભળી રહ્યો !

જાણો આ શબ્દનો અર્થ (Meaning in Gujarati)

બરાડા – ઘાંટા કાઢવા, મોટેથી બૂમ પાડવી

સંયમ – ઇંદ્રિયો ઉપરનો સંપૂર્ણ કાબૂ, ઇંદ્રિય નિગ્રહ

વેણ – (શરીરમાં થતી) પીડા, તકલીફ, દુ:ખ. (૨) જણવાની પીડા, વીણ

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects