અવનવું
August 25 2015
Written By
Gurjar Upendra
આ પથ્થરને સ્પર્શ કરવા માત્રથી જ પાણીની ધારા વહેવા માંડે છે
ઝારખંડની રાજધાની રાંચીથી ૨૦ કિ.મી. દૂર આવેલા એડચોરો નામની પહાડીઓમાં સ્થિત ‘ટંગરા મહાદેવ’ નામનું મંદિર અનેક બાબતોને લઈને સ્થાનિકોમાં અનેરી આસ્થાનું કેન્દ્ર છે. અહીંના મંદિરના પ્રાંગણમાં એક શિલા આવેલી છે. કહેવાય છે કે, જે કોઈ સાચા દિલથી ‘મહાદેવ ટંગરા’ની આ શિલા પર હાથ ફેરવે તો, તેમાંથી તરત જ પાણીની ધારા વહેવા માંડે છે અને સ્પર્શ કરનારની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે. અહીં બાજુમાં જ પથ્થર પર પગલાં પડેલાં છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામ અને માતા સીતા વનવાસ દરમિયાન આ સ્થળે પણ રોકાયાં હતાં. એ પગલાં તેમનાં જ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટે છે. રામનવમી, મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું જાણે કે ઘોડાપૂર ઊમટે છે.
૭૫ લાખની નોકરી છોડીને આ ભાઈ અંતરિયાળ ટાપુ પર
વાંસની ઝૂંપડીમાં રહેવા ચાલ્યા ગયા
પરિવાર સાથે લંડનમાં રહેતો જોન વેટક્ધિસન ચાર વર્ષ પહેલાં ધીકતી કમાણી, ઘર અને પરિવાર છોડીને દક્ષિણ-પૂર્વ એશિયા ફરવા નીકળી પડ્યો હતો. એ વખતે તે ૨૭ વર્ષનો હતો અને એક બેન્કમાં વર્ષે ૭૫ લાખ રૂપિયાની નોકરી કરતો હતો.
રોજ ઊંચા બિલ્ડિંગોની વચ્ચે રહેવાનું અને મોટા-મોટા આંકડાઓની માયાજાળમાં રચ્યાપચ્યા રહેવાનું જોનને જરાય માફક નહોતું આવતું. તેને ક્યાંક શાંત અને સુંદર જગ્યાએ જઈને વસવું હતું. એટલે ચાર વર્ષ પહેલાં તે વન-વે ટિકિટ લઈને બેન્ગકોક જવા નીકળ્યો. ત્યાંથી તે આસપાસના દેશોમાં ઘૂમ્યો અને તેની નજર સાઉથ-ઈસ્ટ એશિયાના લાઓસ નામના દેશના એક અંતરિયાળ ટાપુ પર ઠરી. ત્યાં તેણે રહેવા માટે વાંસની ઝૂંપડી બાંધી છે. ખોરાક માટે તે અહીં-તહીં ભટકીને શિકાર કરે છે અને ઘરની પાસેની જમીનમાં થોડીક ચીજો જાતે ઉગાડે છે. અહીં કોઈ જ મોડર્ન ટેક્નોલોજી નથી. જાતે રાંધવાનું, જાતે કપડાં ધોવાનાં, જાતે ઘર સાફસૂફ કરવાનું અને આખો દિવસ ઘરની આસપાસ ભમ્યા કરવાનું. તેને સ્થાનિક લોકો સાથે પણ સારું એવું ફાવી ગયું છે. બાકી બધી જ રીતે સુખી જીવન ગાળતા જોનને ક્યારેક મિત્રો અને પરિવારજનોની કમી સાલે છે.
બોલો… પાછલાં ૧૫ વર્ષોથી માખો મારી રહી છે આ મહિલા
સામાન્ય રીતે આપણે ‘માખો મારવા’નો રૂઢિપ્રયોગ કોઈપણ કામ ન કરનાર વ્યક્તિ માટે વાપરીએ છીએ, પરંતુ ચીનની ૮૧ વર્ષની એક વૃદ્ધા પાછલાં ૧૫ વર્ષોથી માખો મારી રહી છે. ચીનના હેગઝાઉ શહેરની ચાંગમિંગનશિજિયાંગ’ સમાજની ‘રુઆંગતાંગ’ પાછલાં ૧૫ વર્ષોથી માખો મારવાને પોતાની ફરજ ગણી માખો મારી રહી છે અને દરરોજ લગભગ ૧૦૦૦ માખો મારીને જ દમ લે છે. ક્યારેક ક્યારેક તો તે કચરાપેટી પાસે બેસી જાય છે અને કલાકો સુધી માખીઓ માર્યા કરે છે. તે કહે છે કે સેવાનિવૃત્તિ બાદ ફાજલ સમયમાં સમાજ માટે કાંઈક કરવા માગતી હતી. મેં જોયું કે માખીઓ ગંદકી ફેલાવે છે. લોકોને પરેશાન કરે છે. બીમાર પાડે છે. આમ કરી હું સમાજનું સ્વાસ્થ્ય સુધારી રહી છું અને દેશને મદદ કરી રહી છું.
સાહેબ, આ ખિસકોલી મારી છેડતી કરે છે, તેની ધરપકડ કરો…
શીર્ષક વાંચીને તમે બોલી ઊઠશો, શું મજાક છે યાર… પરંતુ એક યુવતીને જર્મન પોલીસ સમક્ષ તાજેતરમાં જ આ પ્રકારની વિચિત્ર ફરિયાદ નોંધાવવી હતી. તાજેતરમાં જ અહીંના બોટ્રોપ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ઇમરજન્સી નંબર પર ફોન કરી ફરિયાદ કરી હતી કે, એક ખિસકોલી ક્યારનીય તેનો પીછો કરી રહી છે અને તેની તરફ ઘુરી રહી છે. જર્મન પોલીસે તત્કાળ ઘટનાસ્થળે પહોંચી અને ખિસકોલીને પકડી લીધી હતી. ખૂબ જ કમજોર થઈ ગયેલી આ ખિસકોલીને જર્મન પોલીસે સફરજન અને મધ ખવડાવી છોડી મૂકી હતી. પોલીસ સ્ટેશનમાં થયેલી એક ખિસકોલીની આ આગતાસ્વાગતાનો વીડિયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કરાયેલ. આ વીડિયોને અત્યાર સુધી ત્રણ લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે.
More from Gurjar Upendra



More Others



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ