મારી કહાની મારી જ જુબાની..
January 19 2015
Written By
                            
                             Aarryann Shah
Aarryann Shah
                            
                        
                    ૨૩ જાન્યુઆરી, ૨૦૧૪ બપોરે લગભગ ૧:૧૫ થી ૧:૩૦ વાગ્યે..
આ દિવસ મારાં જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. હું ઘરમાં એકલો પોતાનાં વિચારોમાં મસગુલ બેઠો હતો. અચાનક ભૂતકાળમાં વિતી ગયેલી પળો યાદ આવવા લગી અને ગુસ્સો આવવા લાગ્યો. હું અંદર રૂમમાં ગયો અને બ્લેડ લઈને પાછો મેઈન રૂમમાં આવ્યો.
મારાં જીવનનો પ્રથમ એવો દિવસ હતો આ જ્યારે હું આટલા ધૈર્ય સાથે કઈંક કરવા જઈ રહ્યો હતો. બ્લેડ લીધી; ડાબાં હાથ પર મુકી અને ધીરેથી સરકાવી. પેહલી વખતમાં લોહિ ઓછું નીકળ્યું એટલે ફરી-ફરીને ૭ થી ૮ વખત આ જ રીતે બ્લેડ સરકવી. પણ હજી પણ સંતોષ નહોતો થતો કેમકે લોહિ હજી પણ ઓછું નીકળ્યું હતું અને મોત પામવાની આશાઓ પણ નહિવત જ હતી. એટલાંમાં મગજમાં એક એવી પળ અને વ્યક્તિની યાદ આવી ગઈ કે મને હોશ જ ન રહ્યો.. કારણ કે ગુસ્સો સીમાથી પર થઈ ગયો હતો અને.. બ્લેડ એ રીતે કસ્સીને પકડી જાણે તલવાર અને પોતાના જ હાથ પર એવી રીતે જોરથી વાર કર્યા જાણે કોઈ દુષ્મન પર વાર કર્યો હોય અને એ ૨-૩ વાર(ઘા) એવા હતાં જેમાં લોહિનાં ફુંવારાં નીકળી આવ્યાં હતાં.
ઠંળીની એ મોસમમાં જ્યારે ગુસ્સાનો મિજાજ જામ્યો હતો ત્યારે એકાએક લોહિ હાથ પર પડ્યું ને ભાન આવ્યું અને વિચારોની દુનિયાંમાંથી હું વાસ્તવિક દુનિયાંમાં આવી ગયો અને જોયું તો જમીન પર લોહિ જ લોહિ હતું. એ જોઈને મને વિશ્વાસ થઈ ગયો હતો કે હવે હું મોતથી વધું દૂર નથી પણ મારે હજી લગભગ ૨-૩ કલાકનો સમય પસાર કરવાનો છે એટલે હું ઈયરફોન લગાવીને મ્યુઝિક સાંભળતો-સાંભળતો સુઈ ગયો.
બપોરનાં લગભગ ૩:૦૦ કે ૩:૩૦ વાગ્યાં હશે.. અને અચાનક જ કંઈક અલગ પ્રકારનો ઘોંઘાટ સંભળાવવા લાગ્યો મને એટલે મને એહસાસ થયો કે હું હજી જીવુ છું. મારાં ઈયરફોન્સ ઢીલા પડી ગયાં હતાં એટલે કઈ બરાબર સંભળાતું નહોતું પણ એવું લાગ્યું કે કોઈક ચીસો પાડી રહ્યુ હોય અને દરવાજો ખખડાવી રહ્યું હોય. મને એહસાસ થઈ રહ્યો હતો કે હું હવે પેહલાંની જેમ નોર્મલ તો નથી જ રહ્યો કેમ કે મારું શરીર ઠંડું પડી ગયું હતું અને મને અતીશય ઠંડી લાગી રહી હતી એટલે હું એકદમ સાફ નહોતો જોઈ કે સાંભળી શકતો. પણ મેં થોડું ધ્યાનથી સાંભળ્યું અને પ્રયત્ન કર્યો એ ઘોંઘાટને સમજવાનો ત્યારે મને ખબર પડી કે ઘણાં બધાં લોકો ઘરની બહાર ચીસા-ચીસ કરી રહ્યાં હતાં અને કોઈક દરવાજો તોડી રહ્યું હતું એટલે મને સમજાઈ ગયું કે નક્કી કોઈ આવી ગયું છે અને અંદાજે તો એ મમ્મી જ હતાં. મને ખુબ જ ડર લાગવા લાગ્યો કારણ કે હું ૨-૨:૩૦ કલાક થયાં પછી પણ મોત નથી પામ્યો. એમાંય આટલો શોર-બકોર હતો બહાર જેનાં કારણે મારી ધડકનો ખુબ જ વધી ગઈ હતી. મને જાણે હાર્ટ એટેક આવી જ ગયો હોય એમ લાગી રહ્યું હતું. એટલી જ વારમાં એકદમથી દરવાજો તુટ્યોને કોઈક અંદર આવી ગયું. ખબર નહિ કોણ હતું પણ કોઈક છોકરો હતો એ. અંદર આવતાં વેંત જ એના મોંમાંથી ચીસ નીકળી પડી કે..
અરે! આ શુ!?
એ છોકરાંની ચીસ સાંભળીને બહાર હાજર દરેક વ્યક્તિ વિજ ગતિએ ઘરમાં ઉમટી પડ્યાં. હું આંખો બંધ કરીને પડી રહ્યો હતોને લોકોને લાગ્યું કે હું મૃત છું. પણ ફક્ત હું જ જાણું છું કે હું હજી પણ જીવુ છું અને ત્યાં હાજર દરેક વ્યક્તિની મનોવ્યથા હું અનુભવી રહ્યો હતો. લોકો વિચિત્ર-વિચિત્ર વાતો કરી રહ્યાં હતાં..
અરે! તને શું થયું એકદમ કે આવું કર્યું?
મને તો કહેવું હતું.
આવું કરાય ગાંડા!
વિગેરે વિગેરે..
કેટલાંક લોકોએ મમ્મીને ઘરની બહાર જ રોકી રખ્યાં હતાં કેમ કે ઘરમાં લોહિ જ લોહિ હતું અને તે આ જોઈ ના શકે અને એ ઘરની બહાર ઊભા-ઊભા માતમ મનાવી રહ્યાં હતાં. ત્યાં હાજર દરેક વ્યક્તિના હૃદય પર આઘાત લાગ્યો હતો કે આ વ્યક્તિએ આવું કર્યું. અને ઘણાંની આંખો આંસુંઓથી ભરેલી હતી. કમનસીબે કેટલાંક લોકો અંતરમાં જ ખુસ હતાં, ને કેટલાંક લોકો દુ:ખી છે એવુ પ્રતિત કરાવી રહ્યાં હતાં. પણ મને નથી ખબર કે એમાંથી કોણ મારું પોતાનું હતું ને કોણ પારકું.
આખાંય ઘરમાં જાણે માતમનો માહોલ છવાઈ ગયો હતો. અને એટલાંમાં જ એક વ્યક્તિએ મારાં ધબકારાં તપાસ્યા હાથ વડે અને બધાંને એક આશા આપી કે હું હજી જીવું છું. તો કોઈકે એમ્બ્યુલન્સને ફોન કર્યો. અને એક વ્યક્તિએ મારાં હાથ પર રૂમાલ બાંધ્યો અને હાથ ઉંચો પકડી રખ્યો જેથી લોહિનો પ્રવાહ ઓછો થઈ જાય. એમ્બ્યુલન્સની રાહ જોવાંમાં સમય વેડફાઈ રહ્યો હતો એટલે આસપાસમાંથી કોઈકની કારની વ્યવસ્થા કરી અને મને હોસ્પીટલ લઈ જવાંમાં આવ્યો.
હું એ વિસ્તારમાં વર્ષોથી રહેતો હતો એટલે ઘણાં બધાં ઓળખીતાં લોકો હતાં જે દોડી આવ્યાં અને પોત-પોતાના ૨ વ્હિલર્સ લઈને રોડ પર જાણે રેલી નીકળી હોય એવો માહોલ બનાવી દિધો હતો અને આને કારણે આખાં વિસ્તારમાં વાત ફેલાઈ ગઈ કે મેં સ્યુસાઈડ અટેમ્પ્ટ કર્યું છે. લગભગ ૭-૮ ૨ વ્હિલર્સ અને ૧-૨ કાર્સ, જેમાંથી એકમાં મને લઈ જઈ રહ્યાં હતાં. ખૂબ જ શરમનો એહસાસ થઈ રહ્યો હતો પણ હું કઈં કહિ પણ નહોતો શકતો.
લગભગ સાંજનાં ૪:૩૦-૫ વાગ્યે ઈમરજન્સી ટ્રીટમેન્ટ રૂમ (ઈ.ટી.આર.)
ઈ.ટી.આર.માં હું, ડોક્ટર્સ અને ૨-૩ વોર્ડ બોય્ઝ હતાં. મારો શર્ટ કાપીને કાઢી નાંખવામાં આવ્યો અને આવી કડકડતી ઠંડીના સમયમાં મને સ્ટીલના સ્ટ્રેચર પર શર્ટલેસ સુવડાવી દીધો. એક વોર્ડ બોયે મારાં લોહિમાં લથપથ હાથને સાફ કર્યો અને બીજી બાજું બીજો વોર્ડ બોય મારાં બીજા હાથમાં સોય લગાવીને ગ્લુકોઝની બોટલ લગાવી રહ્યો હતો. એક જુનીયર ડોક્ટર મારાં ધબકારાં તપાસી રહ્યાં હતાં. અને એક ડોક્ટરે મારાં બ્લેડ લાગેલ હાથ પર મલમપટ્ટી કરી. હવે બધાં રાહ જોઈ રહ્યાં હતાં કે આંતરીક રક્તસ્ત્રાવ બંધ થાય અને ઓપરેશન કરી શકાય. એટલાંમાં ડોક્ટર્સ અને વોર્ડ બોય મારાં જોડે વાતચીત કરવાં લાગ્યા અને તર્ક-વિતર્ક કરીને મને પરેશાન કરવા લાગ્યા કેમ કે મે એક ભૂલ કરી હતી કે મારી આંખો થોડી-થોડી ખોલી દીધી હતી.
ડોક્ટર: શું થયું’તું લ્યાં? કોઈ છોકરીનું લફરું છે? કે નાપાસ થયો છે?
હું એક્દમ ચુપચાપ બધું જ સાંભળી રહ્યો હતો કઈં જ બોલી નહોતો રહ્યો ફક્ત ઈશારાંમાં “ના” કહી દીધું.
ત્યારબાદ મને નામ પૂછવાં લાગ્યાં. આ વખતે મેં જવાબ અપ્યો પણ એમને સંભળાયો નહી એટલે એમણે મારાં મોં પાસે પોતાનો કાન લાવીને સાંભળવાની કોશીશ કરી પણ એટલાંમાં જ એમની નજર મારાં ગળામાં પહેરેલાં લોકેટ પર પડી અને એમાં લખેલું નામ વાંચી લીધુ.
થોડીક વાર બાદ અમારી સોસાયટીનાં પાડોશી અંકલ અંદર આવ્યાં મારી હાલત જોવાં અને મારાં સાથે વાત કરવાની કોશિશ કરી..
પડોશી અંકલ: આવું કરાય ગાંડા!? અમને કહેવાયને કંઈ તકલીફ હોય તો.
હું કંઈ બોલ્યો નહિ. એટલે એ ૨-૫ મિનિટમાં એક વાત કહીને ચાલ્યાં ગયાં..
પડોશી અંકલ: બધું હારું થઈ જશે તું ચિંતા ના કરતો હવે. આરામ કર.
થોડી વાર પછી એક ડોક્ટરે કહ્યું કે થોડીક વારમાં પોલીસ અધિકારી આવશે એમને બધું જ સાચે-સાચું સ્ટેટમેન્ટમાં લખાવી દેજે જે હોય એ. ત્યાર બાદ મારાં હાથનું ઓપરેશન કરવામાં આવ્યું અને મને આઈ.સી.યુ. માં શીફ્ટ કરી દેવામાં આવ્યો. આઈ.સી.યુ.માં હું શાંતિ અનુભવી રહ્યો હતો કેમ કે આટલો બધો ઘોંઘાટ અને લોકોના સવાલ-જવાબ સાંભળ્યાં બાદ કેમકે ત્યાં મને પરેશાન કરનાર કોઈ નહોતુ.
થોડીક વાર પછી ૨ પોલીસ અધિકારી આવ્યા મારું સ્ટેટમેન્ટ લેવા અને એમણે મને ૨-૩ વખત પૂછ્યું કે શું થયું હતું? અને એ બન્ને પણ તર્ક-વિતર્ક કરવા લાગ્યા કે..
કોઈ પ્રેમનું લફડું છે? કે નપાસ થયો છે?
પણ મેં કંઈ જ જવાબ ન આપ્યો એટલે એ મને ડરાવવા માટે કહેવા લાગ્યા કે સ્ટેટમેન્ટમાં સાચી વાત લખાવી દે નહિતો અમારે તારાં વિરુદ્ધમાં ગુન્હો દાખલ કરવો પડશે. ત્યારે મેં એમને કહ્યું કે કઈ નહોતુ થયું અને મારે કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપવું. તો એ કહેવા લાગ્યા કે કઈ નહોતુ થયુ તો તને એવો તો કેવો શોખ લાગ્યો તો કે ખુદનાં જ હાથની નસો કાપી નાખી!? તારાં પાસે ૫ મિનિટનો સમય છે વિચારી લે કે સ્ટેટમેન્ટમાં શું લખાવવુ છે અને તે બન્ને બહાર ચાલ્યાં ગયાં.
હું સ્ટેટમેન્ટ નહોતુ આપવા માંગતો અને સ્ટેટમેન્ટ આપુ તો પણ શું લખાવુ! કેમે કે સાચું બોલી નહોતો શકતો કે મને મારી જ જીંદગીથી જ નફરત થઈ ગઈ છે અને હું મારી જ આસપાસનાં માણસોથી કંટાળી ગયો છું. આવું વિરોધાભાષી સ્ટેટમેન્ટ આપીને હું મારી જ જીંદગી વધું મુશ્કેલ બનાવી દે’ત. અર્થાત મારાં પાસે તક સારી હતી પણ વિચાર ખોટો હતો. અને વળી પાછો વિચાર આવ્યો કે જો સ્ટેટમેન્ટ ના આપ્યું અને અધિકારીએ સાચે જ ગુન્હો દાખલ કરી દીધો તો મારી જીંદગી જીવવા લાયક પણ નહિ રહે.
થોડીક વારમાં અધિકારી અંદર આવ્યાં. મેં સ્ટેટમેન્ટમાં શું લખાવવું તે વિચારી લીધું હતું છતાં પણ મેં એક આખરી વાર કોશિશ કરી કે સ્ટેટમેન્ટ ના આપુ પણ અધિકારીએ ઈમોશનલ અત્યાચાર કર્યો કે તું સ્ટેટમેન્ટ નહિ આપે તો તારાં માં-બાપની જ તકલિફો વધારીશ તું. ત્યારે મેં આખરી સવાલ પૂછ્યો કે તમે આ સ્ટેટમેન્ટનું શું કરશો? ત્યારે એમણે મને કહ્યું કે તારું સ્ટેટમેન્ટ અમે રેકોર્ડ માટે ફાઈલ કરી દઈશું.
સ્ટેટમેન્ટ આવું હતું કે..
છેલ્લાં ૩-૪ વર્ષથી હું જે ભણવા માંગતો હતો અને ઘરેથી કોઈ તૈયાર નહોતા થતાં અને મને જાત-જાતની વાતો સંભળાવતાં કે આટલો ખર્ચો કરીને તો ભણાતું હશે! નપાસ થયો તો? પેઢીઓ ચાલે છે તમારાં બાપાની?!! વિગેરે વિગેરે. એટલે આ વર્ષે હું ઘરેથી નહિ પણ મારાં મિત્રો સાથે મળીને મારાં ભણતર માટેની ફીસ અરેન્જ કરવાનો હતો અને ભણવાનું શરૂં કરવાનો હતો. આજે શીટ રજીસ્ટર કરાવવાનો છેલ્લો દિવસ હતો પણ હું ફી અરેન્જ નહોતો કરી શક્યો. જો આ વર્ષે હું મારી ઈચ્છાં પ્રમાણે આ કોર્ષમાં એડમીશન ના લઈ શક્યો તો મારે પણ બીજાની જેમ જ મજુરી કરીને જીંદગી ગુજારવી પડે જે મને મંજૂર ન હતું. આવાં વિચારો અને જીંદગીની ગંભિર ચિંતા ચાલી રહી હતી મારાં મગજમાં છેલ્લાં કેટલાંય સમયથી ને આજે તક મળી ગઈ તો વિચર્યું કે જીંદગી નહિ તો શું થયું હું મોત તો કમાઈ જ શકું છું! એટલે આવું પગલું ભર્યું.
સ્ટેટમેન્ટ તો લખાવી દીધું સાચુ-ખોટું-અર્ધસત્ય જે કંઈ પણ હતું એ. પણ મને ક્યાં ખબર હતી કે મારું આ જ સ્ટેટમેન્ટ મારી જીંદગીમાં મુશ્કેલીઓનો ઘોડાપૂર લઈ આવશે!
અધિકારીએ મારું સ્ટેટમેન્ટ બહાર ફેમિલિનાં માણસોને વંચાવી દિધું અને ત્યાં જેટલાં પણ અન્ય બહારનાં મિત્રો કે પડોશીઓ હતાં એમાંય વાત ફેલાઈ ગઈ કે મેં ભણવા માટે સ્યુસાઈડ અટેમ્પ્ટ કર્યું છે. અને ત્યાર બાદ જે કોઈ પણ મને મળવા-જોવાં આઈ.સી.યુ. મા આવતાં તે લોકો મને કંઈને કંઈ વાત સંભળાવી જતાં કે;
મને તો કહેવું હતું! હું મદદ કરતોને તારી.
અન્ય કોઈએ કહ્યું કે.. તું બીજા લોકોને શીખામણ આપતો હોવ છે કે સ્યુસાઈડ ના કરવું જોઈએ અને આજે તે ખુદ જ! અને એણે તો મને તમાચો પણ માર્યો!
અને કેટલાંક નાસમજ લોકોએ મારાં સ્ટેટમેન્ટને ગોસિપ બનાવી દીધું અને કેટલાંક વિચારવા લાગ્યાં કે આ તો ડરપોક છે. સાવ વિચિત્ર અને વિકૃત વિચારસરણી વાળો માણસ છે.
આ બધું હું ચુપ-ચાપ જોઈ-સાંભળી રહ્યો હતો. કેમ કે કંઈ કરવા લાયક રહ્યું જ નહોતું.
ઘરના લોકોએ મારો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો કેમ કે એમને હજી પણ એમ હતું કે મારું કોઈક છોકરી સાથે લફડું છે પણ એ નાસમજ લોકોને શું ખબર કે મારે અને છોકરીઓને તો દૂર-દૂર સુધી કંઈ સંબંધ જ નથી. હું તો બસ છોકરાંઓ સાથે દોસ્તિ કરું છું. અને એમને એવું વિચારી રહ્યાં હતા કે તે લોકો આ બધું કરશે એટલે હુ માનસિક રીતે સાજો થઈ જઈશ અને આવું પગલું નહિ ભરું પણ હકિકત પ્રમાણે એ લોકો મારી જીંદગી વધું મુશ્કેલ બનાવી રહ્યાં હતાં.
૩ દિવસ હોસ્પીટલમાં રહીને ડોક્ટર્સની કમાણી વધારી દીધી અને બોનસમાં મેં લોકોની ખરી-ખોટી સાંભળી.
૩ દિવસ બાદ જ્યારે હું ઘરે ગયો એક આશા સાથે કે કદાચ હવે મારી જીંદગી થોડીક સારી અને શાંતિસભર હશે પણ મને ક્યાં ખબર હતી કે મુશ્કેલીઓ ઓછી નહિ પણ વધું વધી ગઈ છે.
ઘરે જતાં જ અડોશ-પડોશનાં લોકો મને જોવા આવવા લાગ્યાં જાણે જંગલમાંથી કોઈ પ્રણી લાવવામાં આવ્યું હોય. અને એક પણ વ્યક્તિ મને કંઈક ને કંઈક સંભળાવવાથી ન ચૂકતી. એમાની કોઈ વ્યક્તિ એ નહોતિ વિચારતી કે મારાં મન પર શું વિતિ રહી છે.
પરેન્ટ્સે મારાં સાથે વાત કરવાની કોશિશ કરી પણ એ વ્યર્થ કોશિશ હતી અમની કેમ કે જે લોકો સાથે હું ફક્ત રહેવા ખાતર રહેતો હોવ અને જેમની સાથે ક્યારેય વાત જ નહોતી કરી તો અત્યારે કેવી રીતે વાત કરી શકું! અને વાત કરું તો પણ શું કરું? એમને એવું તો કહી ન શકાય કે હું આ જીંદગીથી કંટાળી ગયો છું અને એનું કારણ તમે લોકો છો. અને એ સિવાય પણ બીજી કેટલીક બાબતો હતી જે હું એ લોકોને નહોતો કહી શકતો કારણ કે જે લોકો મારી ખામોશી સમજી નહોતા શક્યા એ મારાં શબ્દો કેવી રીતે સમજવાના હતાં.
હું સમયનાં વહેણ સાથે જીવવા લાગ્યો. મારે જે ભણવું હતું એમાં મને પરેન્ટ્સે એડમિશન કરાવી દીધું. થોડાંક મહિના પછી મેં એક નોકરી પણ શરૂં કરી દીધી જેથી હું વધું સમય ઘરથી અને ઘરનાં લોકોથી દુર રહી શકું.
આજે આ બનાવને લગભગ ૧ વર્ષ પૂર્ણ થવા આવ્યું પણ ફક્ત ૧ જ વર્ષમાં જીંદગી પહેલાં હતી તેવી જ થઈ ગઈ હતી પણ હવે મારી જીંદગીમાં ક્યારેક-ક્યારેક કોઈક દિવસ સારો આવી જતો અને પછી ફરીથી જીવવાની ઈચ્છા થઈ જતી કે થોડુંક જીવી લઉ; જેમ મોબાઈલ સિમ કાર્ડ રીચાર્જ કરાવ્યા પછી એની વેલિડિટી વધી જાય એમ. હવે જીવનમાં એવો સમય આવી ગયો હતો અને મને એહસાસ થયા કરતો કે મારે જીવવા માટે કોઈ કારણ જ નથી રહ્યું કેમ કે મને કંઈ કરવાનું મન જ નથી થતું હવે અને જાણે એ સ્યુસાઈડ અટેમ્પ્ટમાં હું તો જીવી ગયો પણ મારી ઈચ્છાઓ ન જીવી શકી. મારી જીંદગીમાં એક પણ એવી વ્યક્તિ નથી કે જેને મારી હયાતીનો કંઈક ફર્ક પડતો હોય અને જેની હાજરીથી મને ફર્ક પડતો હોય. આસપાસનાં દરેક માણસો મારાં પાસેથી ફક્ત પોતાનો સ્વાર્થ સંતોષવા માંગતા. આવી જીંદગી કેવી રીતે કોઈ જીવી શકે? એટલે આજે ફરીથી મને વિચાર આવ્યો કે હું સ્યુસાઈટ કરૂં પણ હવે તો એ રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે એટલે વિચાર્યું કે હું મનની વાત કાગળ સાથે તો કરી જ શકું છું. એટલે હું મારી જીંદગીની આ કથની મારાં કાગળ મિત્ર સાથે કરી રહ્યો છું, કદાચ કોઈક વાંચે! અને હવે હું ખુદની અંદર કંઈક સારી બબતો તલાસુ છું જે થકી હું મારાં નાદાન-નાસમજ મનને સમજાવીને જીવવા પ્રેરિત કરી શકું
એટલે જ ક્યારેક જીંદગી જીવવાની ઈચ્છા વધી જાય છે ને ક્યારેક ઘટી જાય છે પણ હે! મિત્ર, જ્યારે ઈચ્છા નહિવત થઈ જાય ત્યારે??!!
સ્યુસાઈડ
More from Aarryann Shah
More Stories
 
                         
                         
                        Interactive Games
 
            Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
 
            Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
 
            Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
 
                                     
                 
                 
                 
                 
                 
                 

 
                             
                             
                             
                             
                            