ત્રણ માછલીઓ
September 15 2015
Written By
Gurjar Upendra
એક મોટું તળાવ હતું. એમાં ત્રણ માછલીઓ રહેતી હતી. એક માછલીનું નામ અગમબુદ્ધિ, બીજી માછલીનું નામ તરતબુદ્ધિ અને ત્રીજીનું નામ પશ્ચાદબુદ્ધિ હતું.
અગમબુદ્ધિ ખૂબ સમજદાર હતી. એ જે કંઈ કરતી તે લાંબો વિચાર કરીને કરતી. તરતબુદ્ધિ જ્યારે મુસીબત આવે ત્યારે બચવાનો ઉપાય શોધતી. પશ્ચાદબુદ્ધિ હંમેશા ભાગ્ય ઉપર આધાર રાખતી.
એક દિવસ સાંજના સમયે બે માછીમારો ત્યાંથી પસાર થયા. તેમણે તળાવમાં નજર કરી. એક માછીમારે કહ્યું, ‘આવતીકાલે આપણે માછલીઓ પકડવા અહીં આવીશું.’
આ વાત ત્રણે માછલીઓએ સાંભળી. અગમબુદ્ધિએ કહ્યું, ‘આવતીકાલે માછીમારો આવશે તો આપણે બધાં જીવ ખોઈ બેસીશું. આપણે આજે જ આ તળાવ છોડી, નહેર વાટે બીજા તળાવમાં ચાલ્યા જઈએ.’
અગમબુદ્ધિની વાતમાં પેલી બે માછલીઓએ રસ ન દાખવ્યો. તરતબુદ્ધિએ કહ્યું, ‘અરે, હજી માછીમારો ક્યાં આવ્યા છે ? આવશે ત્યારે થઈ પડશે.’ પશ્ચાદબુદ્ધિએ કહ્યું, ‘સાચી વાત છે. હું તો અત્યારે આરામ કરવા માંગું છું.’
અગમબુદ્ધિને લાગ્યું કે હવે આ બંનેને સમજાવવાનો કોઈ અર્થ નથી. તેથી તે તો નહેરમાં થઈ બીજા જળાશયમાં ચાલી ગઈ. બીજા દિવસે સવારે પેલા બે માછીમારો તળાવ પર આવ્યા. તેમણે માછલીઓ પકડવા તળાવમાં જાળ નાખી.
માછીમારની જાળમાં ઘણી માછલીઓ સપડાઈ ગઈ. એમાં પેલી બે માછલીઓ પણ હતી. તરતબુદ્ધિ એ જાળમાંથી છૂટવા તનતોડ પ્રયત્ન કર્યો. અંતે, માંડમાંડ જીવ બચાવી જાળમાંથીતે છૂટી અને બચી ગઈ.
જ્યારે આળસુ એવી પશ્ચાદબુદ્ધિ જાળમાં સપડાઈ આને બહાર પણ ન નીકળી શકી. તેણે બહાર નીકળવા કૂદાકૂદ કરી પણ ન ફાવી. અંતે, માછીમાર જાળમાં સપડાયેલી પશ્ચાદબુદ્ધિ સહિતની માછલીઓને લઈને ચાલતો થયો.
બોધ : લાંબું વિચારવું, ટૂંકું નહીં.
More from Gurjar Upendra



More Stories



Interactive Games

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.