Gujaratilexicon

ભોજ અને કાલિદાસ

Author : લક્ષ્મીનારાયણ પંડ્યા
Contributor : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ

બુદ્ધિચાતુર્યની વાત આવે ત્યારે બીરબલ અને તેનાલીરામ જેવા સુપ્રસિદ્ધ પાત્રોની સાથે કવિ કાલિદાસ પણ યાદ આવે. અકબર – બીરબલ કે તેનાલીરામના પુસ્તકો સરળતાથી પ્રાપ્ય છે પરંતુ રાજા ભોજ અને કવિ કાલિદાસ પર લખાયેલાં પુસ્તકો જવલ્લે જ જોવા મળે છે. ‘ભોજ અને કાલિદાસ’ પુસ્તકમાં ફક્ત બુદ્ધિચાતુર્ય અને ચમત્કૃતિની 112 વાર્તાઓ જ નથી પણ આ પાત્રોના સમય અને ઇતિહાસ અંગેની સંશોધન આધારિત નોંધ પણ છે. અંબુલાલ બુ. જાનીના મૂળ પુસ્તકનું આ નવસંસ્કરણ છે.

પુસ્તકના પહેલા ખંડમાં લેખકે રાજા ભોજનો ઐતિહાસિક દૃષ્ટિએ પરિચય આપ્યો છે. મુંજ દ્વારા પોતાના ભત્રીજા ભોજની હત્યાનો પ્રયાસ અને ભોજનો વિદ્વત્તાભર્યો દ્વેષરહિત પત્ર વાંચી તેનો પશ્ચાતાપ અને ભોજને યુવરાજપદે સ્થાપવાની ઘટનાથી આ પુસ્તકની શરૂઆત થાય છે. માળવાના રાજા ભોજ, ગુજરાતના રાજા ભીમદેવ અને તેમના ચતુર મંત્રી ડામર(દામોદર)‌ને વણી લેતી ઐતિહાસિક ઘટનાઓનો પણ તેમાં ઉલ્લેખ છે. ભોજને પરમદુ:ખભંજન વીર વિક્રમાદિત્યનું ઇન્દ્રે આપેલું સિંહાસન મળવાને લગતી અને ભોજની ધારાનગરીની સ્થાપના વિશેની દંતકથાઓ રજૂ થઈ છે, તો કાલિદાસ પર મા સરસ્વતીની કૃપા થવી અને વરદાન પ્રાપ્ત થવાને લગતી દંતકથાની રજૂઆત પણ રોચક રીતે થઈ છે. કાલિદાસનું બ્રહ્મસભામાં આગમન, રાજા ભોજ અને કાલિદાસની ગાઢ મૈત્રીથી વધેલી અન્ય પંડિતોની અદેખાઈ, કાલિદાસને સજા કરાવવા માટે રાજાની કાનભંભેરણી, ક્ષુલ્લક કારણથી કાલિદાસને કરવામાં આવેલી સજા અને પછી સત્ય સામે આવતા અને કાલિદાસ વગર બ્રહ્મસભા સૂની લાગતા તેના મનામણાં કરી તેમને માનભેર ધારાનગરીમાં પાછા લાવવાની ઘટનાઓ વાચકને જકડી રાખે છે. બીજા ખંડમાં કવિ કાલિદાસની ચતુરાઈના અનેક પ્રસંગો વર્ણવાયેલાં છે તો ત્રીજા ખંડમાં કાલિદાસની ચતુરાઈભરી વિદ્વત્તાની સાથે-સાથે મહી નદીની ઉત્પત્તિ સાથે જોડાયેલી કથા, ધારાનગરના ધન્વંતરી ગણાતા વૈદ્ય વાગ્ભટના જમાઈ અને સમર્થ વૈદ્ય લઘુ બાહડે રાજાને ક્ષય રોગમાંથી સાજા કર્યાનો પ્રસંગ, અશ્વિનીકુમારોએ કરેલી વાગ્ભટની કસોટી અને તેમને આપેલું વરદાન, કાદમ્બરીકાર બાણભટ્ટનો ઇતિહાસ અને તેમની વિદ્વતાને લગતા પ્રસંગો અને મહાકવિ અને દાનવીર માઘના જીવનના અંતિમ સમયનો હૃદયસ્પર્શી પ્રસંગ પણ આવરી લેવાયેલ છે.

સંસ્કૃતમાં લખાયેલ વિવિધ પ્રહેલિકાઓ, પાદપૂર્તિઓ તેમજ સુભાષિતો આ પુસ્તકનું અજોડ અને વિશિષ્ટ અંગ છે જે વાચકોને અંત સુધી જકડી રાખે છે.  

– ઈશા પાઠક      

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects