Gujaratilexicon

અપહૃત

Author : રોબર્ટ લુઇસ સ્ટીવન્સન, અનુવાદક – રવીન્દ્ર ઠાકોર
Contributor : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

(લેખકઃ રોબર્ટ લુઇસ સ્ટીવન્સન, અનુવાદક – રવીન્દ્ર ઠાકોર)

‘ટ્રેઝર આઇલેન્ડ’, ‘અ ચાઇલ્ડ્સ ગાર્ડન ઓફ વર્સિસ’, ‘સ્ટ્રેન્જ કેસ ઓફ ડૉ. જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ’ જેવી પ્રખ્યાત કથાઓ લખનાર સ્કોટિશ લેખક રોબર્ટ લુઇસ સ્ટીવન્સન 1866માં એક સાહસકથા લઈને આવ્યા. નામ હતું ‘કિડ્નેપ્ડ’. 1752માં સ્કોટલેન્ડમાં રાજાના કોલિન કેમ્પબેલ નામના કારભારીની હત્યા કરવામાં આવેલી અને એ ઘટનાને ધ્યાનમાં રાખીને આ કાલ્પનિક કથા લખવામાં આવી છે. આ ઘટના એપિન મર્ડર તરીકે પ્રખ્યાત છે. રોબર્ટ લુઇસ સ્ટીવન્સન દ્વારા લખવામાં આવેલી આ સાહસકથાના ઘણા પાત્રો મુખ્ય ઘટના સાથે જોડાયેલા છે. ઘટનાના મુખ્ય આરોપી એલન બ્રેક સ્ટીવર્ટનો પણ આ કથામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પશ્ચાદ્‌ભૂમિકા તરીકે અહીં 18મી સદીમાં પ્રવર્તતી સ્કોટલેન્ડની રાજકીય પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. પુસ્તક મૂળ અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું છે અને ગુજરાતીમાં ‘અપહૃત’ શીર્ષક હેઠળ એનો અનુવાદ કર્યો છે ડૉ. રવીન્દ્ર ઠાકોરે, જ્યારે પ્રકાશિત કરવામાં આવ્યું છે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા.

કથાનો મુખ્ય નાયક છે 17 વર્ષનો ડેવિડ બાલ્ફોર નામનો કિશોર. બાલ્ફોર કુટુંબની મિલકત એના કાકા એબેનેઝેર પાસે હોવાથી ડેવિડ માતાપિતાના મૃત્યુ પછી એમની પાસે મદદ માગવા જાય છે. ત્યાં જતા એને ખબર પડે છે કે એના પિતા કાકા કરતાં મોટા હોવાને કારણે કુટુંબની મિલકત પર એનો હક પહેલો બને છે. એબેનેઝેર આ હકીકત જાણતા હોવાથી ડેવિડથી છુટકારો મેળવવાના અનેક પ્રયાસો કરે છે. અંતે એબેનેઝેર ડેવિડને એક વહાણના માલિક હોસીસનને અમુક રૂપિયા માટે વેચી દે છે. નસીબજોગે હોસીસન અને ડેવિડના વહાણનો ભેટો એલન બ્રેક સ્ટીવર્ટ નામના બહારવટિયા સાથે થાય છે. એલન મેઇનલેન્ડ સુધી પોતાને પહોંચાડવા માટે હોસીસનને મોટી રકમ આપીને મદદ કરવા કહે છે. હોસીસન માની જાય છે પણ એલન પાસેથી એની તમામ રકમ છીનવી લેવા એને મારી નાખવાનું કાવતરું કરે છે જે ડેવિડ જાણી જાય છે. એલન અને ક્રૂના તમામ સભ્યો વચ્ચે મારામારી થાય છે જેમાં એલન બચી જાય છે અને ડેવિડ એનો સાથ આપીને હોસીસનને ઘાયલ કરે છે. બેઉ મિત્રો બની જાય છે અને હોસીસન મજબૂરીથી એલન અને ડેવિડને મેઇન લેન્ડ પર છોડી દે છે. ડેવિડ અને એલન પોતાની આપવીતી એકબીજાને કહે છે જેના પરથી એલનનો ભૂતકાળ બહાર આવે છે. અહીં એપિન મર્ડર તરીકે ઓળખાતી સ્કોટલેન્ડના રાજાના કારભારી કોલિન કેમ્પબેલની હત્યાની ઘટના સાથે એલનનો સંબંધ દર્શાવીને કથાને વાસ્તવિક ઘટનાઓ સાથે જોડવામાં આવી છે. ત્યારપછી અનેક ઘટનાઓ બને છે જેમાં બેઉ મિત્રો નસીબજોગે એકબીજાથી છૂટા પડે છે, મળે પણ છે અને એકબીજાનું ધ્યેય પાર પાડવામાં મદદરૂપ થાય છે. આ સુખાંત કથામાં છેલ્લે ડેવિડ અને એલન બેઉ મિત્રો અલગ પડે છે જેમાં એલન ફ્રાન્સ જાય છે અને ડેવિડ પોતાને મળેલી મિલકતનો વહીવટ કરવા બેંકમાં જતો બતાવવામાં આવ્યો છે.

આ પુસ્તકને ફિલ્મ સ્વરૂપે 1917, 1938, 1948, 1960, 1971, 1986 તથા 1995માં એમ સાત વખત રજૂ કરવામાં આવ્યું છે. સાહસકથાઓની ભરમારમાં આ કથા ખૂબ પ્રખ્યાત છે અને એમાં ગૂંથવામાં આવેલા રાજનીતિક તાણાવાણાને કારણે વધુ રસપ્રદ બની રહી છે.

– હરિતા ત્રિવેદી    

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects