પ્રસિદ્ધ લેખક શ્રી ધ્રુવ ભટ્ટની ‘અગ્નિકન્યા’ નવલકથાની પહેલી આવૃત્તિ 1988માં પ્રગટ થઈ હતી. આ નવલકથા મહાભારતની કથા પર આધારિત છે અને નવલકથાના કેન્દ્રમાં દ્રૌપદીનું સમગ્ર જીવન છે.
નવલકથા દ્વારા વાચકને દ્રૌપદીનાં વિવિધ રૂપનાં દર્શન થાય છે. જેમ કે, ક્યારેક દૃઢ, ક્યારેક કૃષ્ણ અને મહર્ષિ વ્યાસ જેવા મહાનુભાવો સાથે ચર્ચા કરતી, ક્યારેક આનંદિત, ક્યારેક નગરનિર્માણના કાર્યમાં રસ લેતી, ક્યારેક મૂંઝાતી, ક્યારેક અકળાતી, ક્યારેક અપમાનિત થતી, ક્યારેક ક્રોધિત, ક્યારેક શોકાતુર, ક્યારેક લાચાર, ક્યારેક રુદન કરતી, ક્યારેક યુધિષ્ઠિર અને વડીલો પાસે ધર્મ વિષે પ્રશ્નો પૂછીને ઉત્તર માંગતી, ક્યારેક આકરી પ્રતિજ્ઞા લેતી, ક્યારેક વનમાં દુઃખો સહન કરીને પણ રાજી રહેતી, ક્યારેક દાસી તરીકે રહેતી, ક્યારેક અપમાનનો બદલો લેવા અધીરી થતી, ક્યારેક યુદ્ધ માટે આતુરતા દાખવતી, ક્યારેક યુદ્ધના પરિણામોથી દુઃખી થતી, ક્યારેક યુદ્ધ માટે માટે પોતાને દોષિત માનતી, ક્યારેક સમગ્ર પરિસ્થિતિથી અલિપ્ત થવા માંગતી અને પોતાની જાતને જ પ્રશ્નો પૂછીને સમાધાન શોધતી તો ક્યારેક મૃત્યુના ભયથી પણ પર થઈ જતી.
સરળ રજૂઆત અને ગતિ એ આ નવલકથાની આગવી ઓળખ કહી શકાય. નવલકથામાં મહાકાવ્ય ‘મહાભારત’ના મહત્ત્વના પ્રસંગો ટૂંકમાં, પણ રસભંગ ન થાય એ રીતે રજૂ થયા છે. નવલકથામાં દ્રૌપદી અને પાંડવો દેવસંતાનો તરીકે નહિ, પરંતુ માનવ તરીકે રજૂ થયાં છે. એમને સતત કેવો સંઘર્ષ કરવો પડ્યો અને એ સંઘર્ષમાં એમને શ્રીકૃષ્ણનો કેવો સાથ મળે છે એ કથા આ પુસ્તકમાં રસપ્રદ રીતે રજૂ થઈ છે. ઘટનાઓ ચમત્કારિક રીતે નહિ, પરંતુ સ્વાભાવિક રીતે ઘટતી હોય એ રીતે રજૂ થઈ છે.
નવલકથામાં શ્રીકૃષ્ણ એક વિચક્ષણ વ્યક્તિ તરીકે રજૂ થયા છે. એક ઉદાહરણ જોઈએ. એક સંવાદ વખતે શ્રીકૃષ્ણ દ્રૌપદીને કહે છે: ‘કૃષ્ણા, મને દર્શન નથી થતું. જે કંઈ સ્થિતિ છે તેનો પૂરો વિચાર મેં કર્યો છે. હું પુરુષ છું માટે કરી શકું અને તમે સ્ત્રી છો માટે ન કરી શકો તે હું સ્વીકારતો નથી. પાંચાલી, હું ફરીથી કહું છું, તમે સમર્થ છો જ. કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી. પ્રશ્ન માત્ર શ્રદ્ધાનો છે.’ શ્રી કૃષ્ણ દ્રૌપદી સાથેની દરેક મુલાકાતમાં દ્રૌપદીનો આત્મવિશ્વાસ વધારતા રહે છે અને એના મનનું સમાધાન કરતા રહે છે.
નવલકથામાં ‘મહાભારત’ના અન્ય પાત્રોનું ટૂંકમાં પણ અસરકારક રીતે આલેખન થયું છે.
આ પુસ્તકના પ્રકાશક ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ છે અને ટ્રૌપદીનો અત્યંત નજીકથી પરિચય કેળવવા આ પુસ્તક અચૂકથી વાંચવું રહ્યું.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.